: સંતવાણી સમિપે :  દરિયા જીવતા શમણે રમજો: દરિયા મરતા પડખે સૂજો:

જાહેર ખબરનો યુગ ચાલે છે. જેવું હોય તેનાથી અનેકગણું સારું બતાવવાની હોડ લગભગ દરેક ક્ષેત્રમાં છે. મુખ્યત્વે બાળકો તથા મહિલાઓને ગ્રાહક તરીકે કેન્દ્રમાં રાખીને થતી જાહેરાતો નિરંતર વધતી જાય છે. આ સમયગાળામાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફોટોગ્રાફર જેને ‘દુરાગ્રહી વળગણ’ કહે છે તેની વાત કરે છે. આજિવકાના સાધન તરીકે વિશેષ આર્થિક લાભ મેળવવા માટે કરવી પડતી અનિવાર્ય બાબતોનો વિચારપૂર્વક કોઇ ત્યાગ કરે તો તે સાધારણ ઘટના નથી. જડમાં પણ ચૈતન્યનો આહૃલાદક અનુભવ કરાવી શકે તેવા આપણાં ફોટોગ્રાફર શ્રી અશ્વિન મહેતા પોતા માટે જ code of conduct નકકી કરે અને પછી ગમે તે ભોગે તેનું પાલન કરે તે સાંપ્રત યુગની એક અજાયબી છે. કેવી બાબતો અશ્વિનભાઇએ પોતાના માટે નકકી કરી તે જાણવામાં રસ પડે તેવું છે. 

‘‘ગમે તેટલા પૈસા મળતા હોય તો પણ કાપડ-કપડાં, દારૂ-તમાકુની જાહેર ખબર માટે ફોટા પાડવા નહિ. જે જાહેર ખબરમાં સ્ત્રીનો દેહ કેન્દ્રમાં રહેતો હોય એવા ફોટા પાડવા નહિ. કુદરતી પ્રકાશમાં જે કામ થાય તે કરવું. બજારૂં ફોટોગ્રાફી કરવી નહિ. અકસ્માતો કે ભયાનક પ્રાકૃતિક દુર્ઘટનાઓનો ઉપયોગ આપણાં રોટલાં શેકવા કરવો નહિ.’’ 

માનવી મુશ્કેલ લાગે તેવા આકરા નિર્ણયો જાત માટે કર્યા પછી આ અલગારી આદમી લખે છે કે આ બધા સ્વૈચ્છિક નિયમોનું પાલન કર્યા બાદ પણ ‘‘મારી કીડીને એનો કણ મળી ગયો’’ જેના આનંદનો સ્ત્રોત આંતરિક છે તે કદી બહારની દુનિયાનો મોહતાજ રહેતો નથી. કવિ ધ્રુવ ભટ્ટે આવા નિજાનંદી તથા સંતોષી નરની વાત સુંદર શબ્દોમાં મૂકી છે. અશ્વિન મહેતાના જીવનમાં આવા જુસ્સાનો અનુભવ થાય છે. 

ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે

અમે છલકાતી મલકાતી મોજ

એકલો ઊભું ને તોયે મેળામાં હોઉ

એવું લાગ્ય કરે છે મને રોજ

તાળું વસાય નહિ એવડી પટારીમાં

આપણો ખજાનો હેમખેમ છે…….

ને ઉપરથી કુદરતની રહેમ છે.

કાળ તો કાળનું કામ કરે છે. છતાં ૨૦૧૪નું વર્ષ આપણને ભારે પડયું. અશ્વિનભાઇ પૂરી મોજ અને સંતોષના સિંહાસન પરથી ઊઠીને સદાકાળ માટે ગયા વર્ષે જ આપણી વચ્ચેથી આ માસમાં ચાલી ગયા. (જૂલાઇ-૨૦૧૪) સ્થૂળદેહે ભલે તેઓ આપણી વચ્ચે નથી પરંતુ સોળે કળાએ ખીલેલા તેમના પુષ્પ સમાન જીવનની સૌરભ હંમેશા પ્રસરતી રહેશે. મકરંદભાઇ કહે છે તેમ સુકૃત્યોની સુગંધ હંમેશા મહેકતી રહે છે. 

માણસો તો આવે અને

માણસો તો જાય

અહીં રહેશે સુગંધ એક ફૂલની

આપણાં ધન્યનામ તસવીરકારોમાં પ્રાણલાલ પટેલ, હોમાય વ્યારાવાલા કે ઝવેરીલાલ મહેતા જેવા કસબીઓએ ગુજરાતનું નામ તેમના યોગદાનથી રોશન કરેલું છે. અશ્વિનભાઇએ એક તસવીરકાર તરીકે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ મેળવી છે. દિલ્હી ઉપરાંત ન્યૂયોર્ક, જર્મની, નેધરલેન્ડ, લંડન, રશિયા તથા જર્મનીમાં ૧૯૭૨ થી ૧૯૯૧વચ્ચે યોજાયેલા સુવિખ્યાત પ્રદર્શનોમાં તેમની કળાનો અસબાબ જગત સમક્ષ રજૂ થયો છે. આ પ્રકારના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો ઉપરાંત તેમની કળાના અનેક વ્યકિતગત પ્રદર્શન પણ વિશ્વની જાણીતી આર્ટ-ગેલેરીઓમાં સન્માનપૂર્વક થયા છે. હિમાલયના પ્રેમી અશ્વિન મહેતાના હિમાલયના ફૂલોના ઉત્તમ તથા સોહામણા ફોટોગ્રાફને ભારત સરકારે ટપાલ ટિકિટ પર છાપેલા છે. તેમની ફોટોગ્રાફીના અનેક આલ્બમ પુસ્તકો આજે પણ આ ક્ષેત્રમાં પડેલા લોકોને પ્રેરણા તેમજ માર્ગદર્શન પૂરા પાડે છે. અનેક ઇન્ટરનેશનલ એરલાઇન્સના સીટ પોકેટમાં કે કેલેન્ડરમાં અશ્વિનભાઇની જીવંત તસવીરોએ સ્થાન મેળવેલું છે. તેમની કળાનો પ્રસાદ જગતના અનેક દેશો સુધી આધુનિક વ્યવસ્થાને કારણે પહોંચી શકયો છે. બહારની છબીઓના આ મરમી માણસ અંતરમાં પડેલી છબીઓની વાત કરે છે ત્યારે પણ ખીલી ઊઠે છે. 

કવિશ્રી ઉમાશંકર જોશીના સહજ-સરળ ભાવ તેમણે ખરી ખૂબીથી આલેખ્યા છે. આ છબી તેમણે કવિશ્રીના અમદાવાદના ઘેર જ અંતરમાં ઉતારી છે. કવિ-પત્નીની ચિર વિદાય પછીના વર્ષોની આ વાત છે. કવિની વાત સાંભળતાં જ કે વાંચતા પ્રસન્નતા ઊગી નીકળે તેવી સુગંધિત છે. અશ્વિનભાઇને કવિશ્રી કહે છે : 

“ચાલો, આપણે બાકીની વાતો રસોડામાં કરીએ.” રસોડામાં એટલા માટે કે દીકરીને મળવા આવેલા કોઇ મહેમાન માટે કવિને ચા બનાવવાની હતી. અશ્વિનભાઇ કહે છે રસોડાની અનેક સામગ્રીઓમાંથી પૂરા ખંત તથા સમતાથી ચા બનાવવા માટે દૂધ-ખાંડ-ચા તથા તપેલી- સાણસી- ગળણી કવિશ્રી શોધી શકયા. ત્યારબાદ કવિએ ઠાકોરજીની પૂજા કરતા હોય તેમ ધીર-ગંભીર ભાવથી ચા ઉકાળી ! ચા તૈયાર થયા પછી તરત જ ડ્રોઇંગ રૂમમાં જઇ મહેમાનોને આપી પણ આવ્યા. અશ્વિનભાઇ ઉમેરે છે કે તેમના અંતરમાં કવિની આ સમયની છબી યુદ્ધવિરામ પછી સમરાંગણમાં ઘૂમી વળતી કોઇ સ્વસ્થ તેમજ શાંત પરિચારિકા (નર્સ) જેવી ઝીલાઇ. અશ્વિન મહેતાની નિરીક્ષણ કરવાની તથા તેને આકર્ષક રીતે શબ્દદેહે રજૂ કરવાની શક્તિ અસાધારણ છે. કવિ ઉમાશંકર જોષી આ લોકને છોડીને પ્રયાણ કરી ગયા ત્યારે અશ્વિનભાઇએ ઊંડી વ્યથા અનુભવી અને લખ્યું કે કવિ દગો કરીને પાંચેક વર્ષ વહેલા વિદાય થયા. સર્વ પ્રકારે સમર્થ એવા સૌરાષ્ટ્રના સંતાન સ્વામી આનંદનો ઘણો સ્નેહ તથા પ્રભાવ અશ્વિન મહેતા પર રહ્યા. ગાંધી વિચારથી રંગાયેલા સ્વામી અશ્વિનભાઇને વિચારોથી નિત્ય નવા લાગતા હતા-સનાતનો નિત્યનૂતનઃ એક જ વાક્યમાં સ્વામીદાદાના વિરાટ વ્યક્તિત્વની વાતનું summing up કરતા અશ્વિનભાઇ કહે છે કે સ્વામીના અનેક સદ્દગુણો, સિદ્ધિઓ કે સાહિત્ય સર્જન તો સ્વામીદાદાની અનુભૂતિના એકડા આગળ શૂન્ય જેવા છે ! અહમની પોકળતા સ્વામીની આસપાસ પણ કદી ફરકી નથી. હોવું એજ ઉત્સવની જિંદગી અશ્વિન મહેતા જીવ્યા. ભરપુર રીતે જીવનને માણ્યું. તેનો પ્રસાદ આપણાં સુધી  પહોંચ્યો. 

હોવું, માત્ર હોવુ તેમાંજ

બિન્દુનું નિઃશેષ નિર્ગલન

સિંધુનું અચિંત્ય પ્રાગટ્ય

માયાનું સંપૂર્ણ ઉન્મૂલન

માયાપતિનું નિત્ય સાનિધ્ય

હોવું, માત્ર હોવું

દરિયાના બદલાતા રંગો કવિએ ધ્યાનથી જોયાં અને અંતરમાં ઝીલ્યા. તીથલના દરિયાકાંઠે બેસીને જીવનની સંધ્યામાં તેમણે ઉષાના રંગો ઘોળ્યાં.

દરિયા રેતીમાં આળોટે

દરિયા ભીંત બને ને તૂટે

દરિયા તોડે પથ્થર મોટા

દરિયા રેત પાથરે ઝીણી.

દિરયા જીવતા શમણે રમજો

દરિયા મરતા પડખે સૂજો

દરિયા ભવભવના અમ સાથી

દરિયા અમને વહાલા વહાલા

દરિયા જેમને વહાલા હતા તેવા અશ્વિનભાઇનું વ્યક્તિત્વ તથા યોગદાન હંમેશા દરિયાના ઘૂઘવાટા જેવું જાગૃત તથા જીવંત રહેશે. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑