એ સમાચાર સાંભળીને આશ્ચર્ય થયું. માર્ચ-૨૦૧૫ માં લેવાયેલી દસમા ધોરણની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં ઘણાં વિદ્યાર્થીઓ નાપાસ થયા ! નાપાસ થનારનું પ્રમાણ ગયા વર્ષ કરતા વધારે હતું. માતૃભાષામાં પાસ થવા પુરતા ગુણ પણ ઘણાં વિદ્યાર્થીઓ મેળવી શક્યા નહિ. આપણે આપણી માતૃભાષાથી દૂર જતા રહ્યા છીએ ? કારણો તેમજ ઉપાયોની ચર્ચા તો ભાષા વિજ્ઞાનના જાણકાર વિદ્વાનો કરશે પરંતુ એક ગુજરાતીને આ સમાચાર જાણીને થોડી પણ ચિંતા ન થાય તો આ ઘટનામાંથી કોઇ પાઠ શીખવા મળશે નહિ. આ ઘટનાના સંદર્ભમાંજ એક વીચક્ષણ વહીવટકર્તા તથા બ્રિટીશ અમલદારની યાદ આવે છે. આ અમલદારે ગુજરાતી ભાષા – સાહિત્યની ચિંતા પોણા બસ્સો વર્ષ પહેલા કરી ! લોકપ્રિય ભાષામાં ‘ફાર્બસ સાહેબ’ તરીકે ઓળખાતા આ અધિકારીનું નામ એલેકઝાંડર કિન્લોક ફાર્બસ છે. આ નામથી આપણે સુપરિચિત છીએ. જુલાઇ માસની સાતમી તારીખે ફાર્બસ સાહેબની જન્મ જયંતિ આવે છે. આથી આ સાહિત્યપ્રેમી તથા સરસ્વતીના આજન્મ ઉપાસક ફાર્બસ સાહેબની આ માસમાં વિશેષ સ્મૃતિ થાય છે. (જન્મ તા.૦૭-૦૭-૧૮૨૧) લગભગ પોણાબસ્સો વર્ષ પહેલા બ્રિટીશ સરકારની વહીવટી વ્યવસ્થાના એક ભાગ તરીકે ફાર્બસ અહીં આવ્યા. તેમણે આપણી ભાષા સાહિત્યના સંવર્ધન માટે સંસ્થાગત વ્યવસ્થા ઊભી કરવા ઉપરાંત બીજી પણ અનેક પ્રવૃત્તિઓ કરી તે માટે આજે પણ આદર તથા અહોભાવ થાય છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (હાલની ગુજરાત વિધાનસભા)ની લગભગ ૧૭૦ વર્ષ પહેલા થયેલી સ્થાપનામાં આ સાહિત્યપ્રેમી અમલદારની શુભદ્રષ્ટિ તેમજ દીર્ઘદ્રષ્ટિનું દર્શન થાય છે. ફાર્બસની ચિર વિદાય પછી મહાકવિ શ્રી દલપતરામના શબ્દોમાં આ કૃતજ્ઞતાનો ભાવ યથાર્થ ઝીલાયો છે.
કવિતા જહાજનો તે
ભાંગી પડ્યો કુવાથંભ.
ઘણાં બ્રિટીશ અમલદારો સત્તાના સહજ કેફમાં સમાજથી અલગ રહીને પોતાની ‘કોટરી’ (coterie) વચ્ચે રહેતા હતા. પરંતુ કેટલાક અધિકારીઓએ શાસિત દેશના લોકોના ભલા માટે નિર્ણયો કરીને લોકકલ્યાણની દિશામાં મહત્વના પગલા ભર્યા હતા. કેટલીક અન્યાયી તથા અવૈજ્ઞાનિક પ્રથાઓ કાયદાથી અટકાવવા માટે ઐતિહાસિક નિર્ણયો કરવામાં પણ આ વહીવટદારોનો મહત્વનો ફાળો રહ્યો. ૧૯૨૮ માં લોર્ડ બેન્ટિક હિન્દુસ્તાનના ગવર્નર જનરલ તરીકે આવ્યા બાદ તેઓ સતી થવાની પ્રથાને અટકાવવા માટેનો કાનૂન લાવ્યા. તેનો અસરકારક અમલ પણ કરાવવાના તમામ પ્રયાસો કર્યા. અનેક લોકો લોર્ડ બેન્ટિકના આ પગલાથી નારાજ હતા તથા તેનો વિરોધ પણ કરતા હતા. જોકે રાજા રામમોહનરાય જેવા સમર્થ સુધારકોનો આ પગલાને સંપૂર્ણ ટેકો હતો. બેન્ટિક – ફાર્બસ જેવા અમલદારો અલ્પ સંખ્યામાં હોય તો પણ તેમનું સ્થાન હિન્દુસ્તાનના ઇતિહાસમાં ચિરસ્થાયી છે. ફાર્બસને તો સાહિત્ય ઉપરાંત શિલ્પશાસ્ત્રની પણ ઊંડી સૂઝ હતી. અમદાવાદના મંદિરો, મસ્જિદો તથા જૈન ઉપાશ્રયો એ તેમના માટે રસના વિષયો હતા. હીમાભાઇ ઇન્સ્ટિટ્યૂટ પણ ફાર્બસ સાહેબનીજ ભેટ છે. અમદાવાદથી ફાર્બસની બદલી સુરત થઇ ત્યાં પણ તેમની સાહિત્યસેવા અવિરત ચાલુ રહી. સુરતમાં લોકોની જ્ઞાનવૃધ્ધિ માટે ગ્રંથાલય કે વ્યાખ્યાનમાળાના આયોજનના કામો તેમણે કાળજીપૂર્વક કર્યા. ગુજરાતી સભાની શરૂઆત પણ કરવામાં આવી. આ સભાનો હેતુ ગુજરાતી ભાષામાં લખાયેલા પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોનો સંગ્રહ તેમજ તેના સંશોધન તથા સંપાદન માટેનો હતો. ફાર્બસ ગુજરાતી સભાના ત્રૈમાસિક પ્રકાશનથી સાહિત્યની ગંગા વહેડાવવામાં આવતી હતી. રાસમાળાના સંપાદન કાર્યથી ફાર્બસ સાહેબનું નામ આપણાં સાહિત્યના ઇતિહાસમાં અમર થયું છે. ફાર્બસના પરમ સખા વઢવાણના કવિ દલપતરામની મદદ રાસમાળાના સંપાદન કાર્યમાં ખૂબજ મહત્વની રહી. અમદાવાદ તેમજ રાજ્યભરના અનેક ગ્રંથાલયો – સંસ્થાઓ કે વિદ્દવાનો પાસેથી સાહિત્ય એકઠું કરવામાં આવ્યું. કેટલાક અલભ્ય ગ્રંથોની મૂળ પ્રતો પણ તેમણે મેળવી. રાસમાળાના સંપાદનનું કાર્ય એ એક ઇન્ડિયન સીવીલ સર્વીસના અધિકારીના જીવનનું અમૂલ્ય તથા વિશિષ્ટ યોગદાન હતું. સમાજ જીવનના અનેક પાસાને સ્પર્શ કરે તેવી વિપુલ સામગ્રી ગ્રંથસ્થ કરીને આ સારસ્વત આપણી ભાષાને તથા જ્ઞાનકોશને વિશેષ સમૃધ્ધ કરતા ગયા છે. રાસમાળાને વધાવતાં દલપતરામે ગાયું.
દીસે નવ રસ મય દાખે દલપતરામ
રાસની રસાળા રૂપે ગ્રંથ રાસમાળા છે.
ફાર્બસની તમામ સાહિત્યિક પ્રવૃત્તિઓમાં કવીશ્વર દલપતરામનું મહત્વનું યોગદાન હતું. કવિ દલપતરામ તથા ફાર્બસની મૈત્રી એ આપણાં સાહિત્યનું એક ઉજળુ પ્રકરણ છે. સાહિત્યને ધર્મ, ભાષા, પ્રદેશ કે ખાનપાનના કોઇ બંધનો નડતા નથી તે બાબત આ મૈત્રીમાં પુન: પ્રતિત થાય છે. પૂર્વ – પશ્ચિમના મિલન સમાન આ મૈત્રીનો લાભ સાહિત્ય તથા સમાજને ભરપુર થયો છે. દુનિયાના કેટલાક મૈત્રી સંબંધોએ સમજ તથા સ્નેહના નવા પરિમાણો રચી આપેલા છે. ગાંધીજી તથા પાદરી દીનબંધુ એંન્ડ્રુઝની મૈત્રી એ આવીજ એક ભગવત મૈત્રી હતી. કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય તથા મહારાજ સિધ્ધરાજ જયસિંહના ઉષ્માપૂર્ણ તથા સ્નેહાદરપૂર્વકના મૈત્રી સંબંધોનું ઉજ્વળ પરિણામ જગતે જોયેલુ છે તથા પ્રમાણેલું છે. ભોળાનાથ સારાભાઇના સૂચનથી ફાર્બસે દલપતરામને વઢવાણથી અમદાવાદ બોલાવ્યા. ભગવાન સ્વામીનારાયણમાં પ્રીતિ ધરાવનાર તથા તેજસ્વી દેવાનંદ સ્વામીના શિષ્ય કવિ દલપતરામ અર્વાચીન યુગને ઓળખી જનાર કવિ હતા. ફાર્બસ સાહેબ સાથેનો સતત સંપર્ક એ કવિ દલપતરામના જીવનની મહત્વની બાબત હતી. આથીજ એલકઝાંડર કિન્લોક ફાર્બસના અવસાન (તા.૩૧-૦૮-૧૮૬૫) પછી વ્યથિત થઇને કવિની કલમે ફાર્બસ વિરહ પ્રગટ થયો છે.
બહુ ઉપયોગીજે બોલાવી લીધો
ધણીયે પોતાને ધામ
લેખ એના ઇતિહાસનો લખવા
રાખિયો દલપતરામ
નિર્ધન લોકો નિરખિયે
સદન સદન બહુ શોક
સાહેબ ફાર્બસ સાથ ગઇ
લક્ષ્મી પણ પરલોક.
ઉપરના દોહાઓ ઉપરાંત સુંદર એવા મનહર છંદમાં પણ કવિની સાહિત્યપ્રેમી અધિકારી મિત્ર તરફની લાગણીને વાચા મળી છે.
લાડને લડાવનાર દિલદાર ગયો
કોણ હવે મને લાડકોડથી લડાવશે
સુખદુખનો પોકાર સુણનાર ગયો
કોણ હવે સુખ કરી શોકને સમાવશે
હિમતદાતા હિમાયતુ હિતકારી ગયો
કોણ હવે હૈયે મને હિમ્મત ધરાવશે
કહે દલપતરામ સાહેબ કિન્લોક વિના
કોણ માય ડીયર કહી મને બોલાવશે
હજારો માઇલ દૂરથી જીવનના કૂલ કાળના થોડા ભાગ માટે આવેલા આ અજાણ્યા મરમી તરફ કવીશ્વરને કેટલી ઉત્કટ લાગણી થઇ હશે ! અંતરના ઉમળકા સિવાય દલપતરામ જેવા કવિ આવી વિરહવ્યથા લખે નહિ.
ફાર્બસ – દલપતરામની આ મૈત્રી દર્શાવે છે કે સાહિત્ય એ ગંગાની ધારા સમાન મુક્ત તથા ઓજસ્વી પ્રવાહ છે. સમાજ કે પરંપરાએ નક્કી કરેલા બંધનો સાહિત્યકાર સ્વીકારતો નથી. અનેક પ્રકારની ભીન્નતા હોવા છતાં સાહિત્યનું તત્વ તેમજ સાહિત્ય તરફની નિર્ભેળ નિષ્ઠા ફાબર્સ – દલપતરામને જોડે છે. આપણાં આ સાહિત્ય કે આપણી માતૃભાષાના સંવર્ધન માટે આપણે વ્યક્તિગત રીતે કંઇક કરી શકીએ કે કેમ તે વિચારવાનો સમય છે. તાજેતરની બોર્ડની પરીક્ષામાં ગુજરાતી વિષયનું પરિણામને ઉપેક્ષા ભાવથી જોવું તે કદાચ ભાવી માટે જોખમીબની શકે. ભાષા તથા સાહિત્યનો ક્ષય એ સમાજની સ્વસ્થતા સામેના મોટા પડકારો છે. ફાર્બસ સાહેબનું ગુજરાતી ભાષા ક્ષેત્રનું યોગદાન આજે પણ કંઇક કરી છૂટવાની પ્રેરણા તથા પ્રોત્સાહન પૂરા પાડે તેવું છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment