પૂ. આઇશ્રી સોનબાઇમાના આભ ઊંચેરા ચરિત્રને આલેખતા માતૃદર્શન વિશે વાત કરવાનું થાય ત્યારે આ પુસ્તકના વિમોચન પ્રસંગ સાથે સંકળાયેલી એક સુમધુર ઘટના જે સ્મૃતિમાં છે તે તરતજ યાદ આવે છે. ઘટના ૧૯૮૪ ના ઉત્તરાયણ પર્વ પહેલાની છે. આ ફરી ફરી વાગોળવી ગમે તેવી સત્ય ઘટનાની વાત પાટડીના મુ. શ્રી કનુભાઇ શામળે કરી છે. કનુભાઇ કહેતા હતા કે માતૃદર્શનના વિમોચન પ્રસંગે ગુજરાત તથા દેશમાં જાણીતા સારસ્વત કવિ શ્રી ઉમાશંકર જોશીને નિમંત્રણ આપવાનું નક્કી થયું. નિમંત્રણ આપવા માટે આ પુસ્તકના આલેખક તથા ઋષિતુલ્ય વિદ્વાન ચારણ પૂ. પિંગળશીભાઇ પાયક, સમાજના અગ્રણી મુ. શ્રી સામતભાઇ વરસડા તથા શ્રી કનુભાઇ શામળ કવિ ઉમાશંકરના ઘેર ગયા. કવિએ તેમને સ્મિત અને સ્નેહથી આવકાર્યા. પૂ. આઇના ચરિત્ર વિશે પિંગળશીભાઇએ કવિશ્રીને માહિતગાર કર્યા. ત્યારબાદ પુસ્તક તથા પિંગળશીભાઇ વિશે કનુભાઇએ વાત કરી. નિમંત્રણ આપવા જનાર ત્રણેના આનંદ તથા આશ્ચર્ય વચ્ચે કવિશ્રીએ તરતજ ઉત્તરાયણના શુભ દિવસે (૧૯૮૪) આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની સંમતિ આપી. કનુભાઇ કહે છે કે ત્યારબાદ અન્ય એક પ્રસંગે કવિ ઉમાશંકર કનુભાઇને મળ્યા ત્યારે એક રહસ્ય ખોલ્યું. કવિએ કહ્યું કે તમને ત્રણ જણને જ્યારે મેં મારા રૂમની બારીમાંથી મારા ઘરમાં આવતા જોયા ત્યારે તમારામાના એક એવા ઋષિસમાન દેખાતા શ્વેત વસ્ત્રધારી અને સાદા – સરળ છતાં કોઇ જુદીજ ઓજસ્વિતા ધરાવતા પિંગળશીભાઇને જોઇને જ મેં મનોમન નિર્ધાર કરેલો કે આ વ્યક્તિ જે કામ માટે આવ્યા હોય તે કામ કરવું ! યાદ આવે છે સ્વામીનારાયણ દેવને સર્વપ્રથમ પ્રત્યક્ષ નિહાળીને પ્રખર વિદ્વાન, કવિ તથા ભક્ત પૂ. બ્રહ્માનંદ સ્વામીને થયેલ ભાવ તથા અનુભવની વાત ! લગભગ તેવી સ્થિતિ મોટાગજાના સર્જક ઉમાશંકરભાઇને થઇ હશે ? વિદ્વતાતો ખરીજ પરંતુ દર્શને પણ પ્રભાવી એવા પિંગળશીભાઇ પાયકની મૂર્તિ આજે પણ ભાવનગર ચારણ બોર્ડિંગના અનેક વિદ્યાર્થીઓના હૈયામાં આદર સહ કોતરાઇને પડી છે. આવા યશનામી લોકોની સ્મૃતિ ચિરકાળ સુધી જીવંત રહે છે.
જીવતાં જગ જશ નહિ, જશ વિણ કો જીવંત,
જે જગ જશ લઇ આથમ્યા, રવિ પહેલા ઊગંત.
પિંગળશીભાઇ આલેખિત આ પુસ્તકના ઐતિહાસિક વિમોચન સમારંભમાં જ્ઞાનપીઠ એવોર્ડથી વિભૂષિત થયેલા કવિ ઉમાશંકરભાઇ ઉપસ્થિત રહ્યા. સમારંભમાં કવિશ્રીએ ચારણોના બે વિશિષ્ટ સંસ્કારની વાત દ્રષ્ટાંત સહિત કરી તેના શાક્ષી અમે અનેક લોકો થયા. ઉમાશંકરભાઇએ કહ્યું કે મા શારદાની કૃપાથી વાક્ ચાતુર્ય અને વિદ્વતાનો ગુણ તો ચારણનો છે. પરંતુ તેમણે ઉમેર્યું કે આ પરંપરા ટકી છે કે જળવાઇ છે તેનું કારણ ચારણનું સ્વભાવગત સત્યવક્તાપણું છે. ગમે તે ભોગે સત્યને વળગી રહે તેજ ખરું ચારણત્વ છે તેનો ગૌરવભેર ઉલ્લેખ ઉમાશંકરભાઇએ પોતાની શૈલિમાં કર્યો. ભગતબાપુએ લખ્યું છે.
આત્મ અર્પણ તણા પ્રથમ ભૂવ ભારતે
ચારણે કંઠથી સૂર છેડ્યા
લાખના લોહીની ધાર અટકાવવા
ચારણે આપના લોહી રેડ્યા.
સત્ય આગ્રહ તણાં ઉપાસક આદિથી
સ્વતંતર જીવનનાં ગુણગાયાં…..
આ સમારંભમાં હાજર રહીને તે સમયના ગુજરાત સરકારના વરિષ્ઠ કેબીનેટ મંત્રીશ્રી ખોડીદાનભાઇ ઝૂલા (રોજુ)એ પણ ભેળિયાવાળી મા સોનબાઇના વાગડ તથા વઢીયારના પ્રવાસ સમયની સુંદર ઘટનાઓ કહી સંભળાવી. ચારણ તથા ચારણેતર સમાજમાં પૂ. આઇની સ્વીકૃતિ કેટલી વિશાળ તથા વૈવિધ્યપૂર્ણ હતી તેની પ્રતિતિ ઝૂલા સાહેબની વાતો સાંભળીને હાજર રહેલા મોટા સમૂદાયને પણ થઇ.
પૂ. પિંગળશીભાઇ સાથે લાંબા સમય સુધી સંપર્ક રહેવાના કારણે ઘણું જાણવાનું તથા શીખવાનું તો થયુંજ પરંતુ આ ગ્રંથના નિર્માણ સંબંધમાં તેમણે કરેલી તેમજ નજરે જોયેલી વાતો વિશેષ પ્રસ્તુત છે. જેમાની કેટલીક વાતો તેમણે પણ નોંધી છે. આ પુસ્તકનું લખાણ પિંગળશીભાઇએ કરેલી અનેક કાળજીપૂર્વકની નોંધો પરથી થયેલું છે. પૂ. ભાઇ ( અમે ભાવનગર બોર્ડિંગના વિદ્યાર્થીઓ પિંગળશીભાઇને ‘ભાઇ’ કહેતા) ના લખાણોની ચોકસાઇ વિશે કહું તો મારા નમ્ર મતે આ ચોકસાઇ ગાંધીજીના મંત્રી શ્રી મહાદેવભાઇ દેસાઇને સમકક્ષ હતી. અતિશયોક્તિ કે અલ્પોક્તિને પિંગળશીભાઇના લખાણોમાં સ્થાન ન હતું. લખવાના કાર્યનું મંગળાચરણ નવરંગપુરા શ્રી સામતભાઇ વરસડાને ત્યાં રહીને કર્યું. પરંતુ મોટાભાગનું લખાણ ગાંધીનગર ઝૂલા સાહેબના બંગલામાં રહીને પૂરું કર્યું. ભાઇ પોતે ઘણીવાર લાગણીસભર થઇને કહેતા કે શ્રી સોમનાથભાઇ દવે સાહેબ, સામતભાઇ વરસડા તથા રામજીભાઇ પાયક (પિંગળશીભાઇના નાનાભાઇ) ના લાગણીસભર આગ્રહ સિવાય તેએા આ ગ્રંથ લખી શક્યા ન હોત. ગ્રંથ લખવા માટેની તમામ સુવિધાઓ – જરૂરિયાતો આ ત્રણ મહાનુભાવો ઉપરાંત ગ્રંથના પ્રકાશક ઝૂલા સાહેબ તરફથી મળી તેનું તેમણે હમેશા ગૌરવ રહેતું હતું. પૂ. આઇનું ચરિત્ર લખવાનું મંગળાચરણ થયું ત્યારથી તેમને જીવલેણ લાગતી હતી તેવી માંદગીએ પણ આ કર્મવીર સામે હાર કબૂલ કરીને વિદાય લીધી. ‘‘ કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા ’’ વાળી ગોસ્વામી તુલસીદાસની પંક્તિ તેમણે સાર્થક કરી હતી. ગઢવી સોસાયટીમાં સામતભાઇ ઉપરાંત બાલુભાઇ વરસડાની ત્વરીત કાર્ય નિપટાવવાની સૂઝના ભાઇ પ્રશંસક હતા. સાહિત્ય તથા સમાજ અને તેના મૂલ્યો વિશે શ્રી ચંદુભાઇ વરસડા સાથે અનેક વખત ચર્ચા કરતા ભાઇને જોયા છે. ચંદુભાઇ એક નિષ્ણાત ભાષાશાસ્ત્રી જેવું જ્ઞાન તથા આઇ સોનબાઇમાં અગાધ શ્રધ્ધા ધરાવનારા હતા. સાણંદ યુવરાજ સાહેબ શ્રી રુદ્રદત્તસિંજી તથા શ્રી જોરૂભા અને ગમુભા તેમજ ડૉ. કેશુભાઇ એ આ કાર્યના મક્કમ અને મૂંગા સમર્થક હતા. આઇમાના સ્નેહતાંતણે આ ભાઇઓ આજીવન (આજે પણ) બંધાયેલા રહ્યા છે. ભાવનગર બોર્ડિંગના બે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કનુભાઇ શામળ તથા શંભુદાન દેથા (વસ્તડી, હાલ અમદાવાદ) સતત એકજ સરખી નિષ્ઠાથી આ ગ્રંથનિર્માણના કાર્ય પાછળ રહેલા તેનો ઊંડો આત્મસંતોષ ભાઇ અનેક સમયે વ્યક્ત કરતા રહેતા હતા. આ બધી સ્મૃતિમાં એક જીવતા જાગતા જોગમાયા સમાન પિંગળશીભાઇના મોટા બહેન તથા ઝૂલા સાહેબના માતા પૂ. ઝીબામાનું અચૂક સ્મરણ થાય છે. જ્યારે તેઓ ગાંધીનગર હોય ત્યારે ભાઇની તમામ સવલતોની ઝીવણટથી ચકાસણી કરતા. ભાઇને હમેશા આ ગ્રંથનિર્માણના કાર્યમાં ઝડપ લાવવાનું કહેતા હતા. ( વીજ કે ઝબૂકે મોતી પ્રોઇલે તો પ્રોઇલે ) પૂ. ઝીબામાને જોયા પછી ચારણની દિકરી એટલે જોગમાયા તેવી શિઘ્ર પ્રતિતિ થતી હતી. જીવનના અનેક ચઢાવ – ઉતારમાં પૂ. ઝીબામાની સરખીજ સ્વસ્થતા જોવા મળી છે.
તન ચોખા મન ઉજળા ભીતર રાખે ભાવ
કિનકા બૂરા ન ચિંતવે તાકુ રંગ ચઢાવ.
મહાત્મા ગાંધીના કાળની આકાશગંગામાં જેમ અનેક તેજસ્વી તારકો હતા તેમ પૂ. આઇના જીવનકાળ દરમિયાન પણ અનેક પ્રતાપી ચારણો થકી આઇમાના યુગની શોભા વધી હતી. શ્રી કાનજીભાઇ નાગૈયા, કવિ શ્રી દુલા ભાયા કાગ (ભગતબાપુ) મુળુભાઇ મૂળિયા, રામભાઇ આલ્ગા, શંકરદાનજી દેથા, મેરૂભા લીલા, શંભુદાનજી અયાચી જેવા અનેક તેજસ્વી વ્યક્તિત્વ વાળા લોકોનો પરિચય પણ ભાવી પેઢીને માતૃદર્શનના માધ્યમથી થશે. તે રીતે આ પુસ્તકનું દસ્તાવેજી મૂલ્ય વિશેષ છે.
માતૃદર્શન આપણી એક શ્રધ્ધાના કેન્દ્ર સમા જોગમાયાના જીવનનું એક અધિકૃત નિરુપણ છે. એ આપણું સામુહિક સદભાગ્ય છે કે પિંગળશીભાઇ જેવા વિદ્વાન તેમજ આઇમાના એકનિષ્ઠ ઉપાસક પૂ. આઇ સાથે સતત જાગૃત સ્થિતિમાં રહેલા હતા. જેથી આ ઘટનાઓની વિગતો ગ્રંથસ્થ થઇ શકી. અનેક જોગમાયાઓના ચરિત્રનું આપણે શ્રધ્ધાથી સ્મરણ કરીએ છીએ પરંતુ તેની દરેક બાબતના અધિકૃત લખાણો મળી શકતા નથી. ઘણી ઉત્તમ બાબતો તેમજ પ્રેરણાદાયક પ્રસંગો વિસ્મૃતિમાં સરતા જાય છે. આ સ્થિતિમાં માતૃદર્શનના માધ્યમથી પિંગળશીભાઇએ સોનલકથાના પાવક પ્રંસગો દસ્તાવેજ સ્વરૂપે જીવંત રાખ્યા છે. પિંગળીશભાઇએ આ કાર્ય કરીને સમાજ પર પોતાનું ઋણ ચઢાવેલું છે. આઇમાના અનેક જીવન પ્રસંગો અંતરની આંખ ઉઘાડે તેવા પવિત્ર અને પ્રભાવી છે.
માડી તને પારખશે કોઇ પુણ્યવાળો
અંતર આંખ ઉઘડી રે…..જી.
પૂ. આઇનું સમગ્ર જીવન કર્મ પ્રધાન હતું. ‘‘ રાત ટૂંકી અને વેશ ઝાઝા’’ એવા જીવનમાં એકલા હાથે એમણે કેટલા કામો કર્યા તે જોતાં પૂરા આદર સાથે નતમસ્તક થઇ જવું પડે તેમ છે. સુકર્મ થકી સમૃધ્ધિ વધે અને સંસ્કાર જળવાય તેવા અભિગમ પરત્વે આઇનો રાજીપો હતા. કેળવણી વધે અને અંધશ્રધ્ધા ઘટે તેવો મા નો આગ્રહ સદાકાળ પ્રસ્તુત છે આથી માતૃદર્શનનો આ ગ્રંથ આપણાં માટે દરેક સમયે પ્રસ્તુત છે. માતાજીએ સ્વમુખે જૂદા જૂદા પ્રસંગોએ કહેલી વાતો આજની તથા ભાવી પેઢીઓને તેમનું જીવન ઘડતર કરવામાં ઉપયોગી થશે. દરેક ઘરમાં જન્મ ધારણ કરતી ચારણકન્યા સર્વપ્રકારે ઉન્નતિ કરી સમાજને દોરી શકવાનું સામર્થ્ય ધરાવે છે તેની પ્રતિતિ આઇ સોનબાઇમા કરાવીને ગયા. મૂળીના વિદ્વાન સાક્ષર અને આઇમાના ઉપાસક શ્રી પથાભાઇ બોક્ષાએ યથાર્થ લખ્યું છે.
ચારણ દુહિતા ચંડિકા પૂર્વ કથા પ્રચલિત
દેવી સોન શુભ દર્શને પૂર્ણ ભઇ સો પ્રતિત.
માતૃદર્શનના પુન: પ્રકાશનની વાત લાંબા સમયથી ચાલતી હતી. સમાજના અનેક ભાઇઓએ પ્રસંગોપાત પુન: પ્રકાશનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આવી વ્યાપક લાગણીને ધ્યાનમાં રાખીને આઇ શ્રી સોનલમા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટે આ પુસ્તકના પ્રકાશનનો નિર્ણય કર્યો તે માટે આ ટ્રસ્ટના તમામ કાર્યવાહકો આપણા અભિનંદનના અધિકારી બને છે. પુન: પ્રકાશનનું કામ સારી રીતે તથા સમયસર થાય તે માટે તેના સંપાદનની જવાબદારી ઉઠાવનાર ડૉ. અંબાદાનભાઇ રોહડિયા, રામભાઇ જામંગ તેમજ નીતુભાઇ ઝીબા પણ અભિનંદનને પાત્ર છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment