: સંસ્કૃતિ :: માટીની સુગંધના વાહક : બાબુભાઇ રાણપુરા :

Babu Ranpura       બાબુભાઇ રાણપુરાના વ્યક્તિત્વમાં કળાયેલા મોરના પ્રાકૃતિક સૌંદર્યની શોભા તથા ગરવાઇ હતા. બાબુભાઇએ જેમ જનસમૂહને સ્નેહ કર્યો છે તેમજ વિશાળ જનસમૂહે પણ રાણપુરાના અંતરના ઉમળકાથી ઓવારણા લીધાં છે. બાબુભાઇ રાણપુરા આપણાં લોકસાહિત્યની ઉજળી ધરોહરની મજબૂત કડી સમાન છે. અરવિંદભાઇ આચાર્યની વિદાય આપણને નજીકના ભૂતકાળમાંજ આંચકો આપી ગઇ. ગયા વર્ષેજ કુદરતે ભાઇ શ્રી રામજી વાણીયા જેવા સમર્થ નાટ્યકાર – સાહિત્યકારને આપણી વચ્ચેથી ઉપાડ્યા. આ ઘટનાઓની કળ વળે ન વળે ત્યાંજ બાબુભાઇની ચિરવિદાય વસમી લાગી. બાબુભાઇ એક લોકકલાકાર તરીકે ચડે કે ઉમદા માનવ તરીકે ચડે તેની ગડમથલનો કદી અંત ન આવ્યો. ભક્તકવિ ઇસરદાસજીના અમૂલ્ય હરિરસનો પાઠ ઘર ઘર સુધી પહોંચાડવાના અનેક સ્તુત્ય પ્રયાસોમાં બાબુભાઇનો પણ નિર્ણાયક ફાળો હતો. અષાઢી કંઠના આ આરાધકની મીઠી સોડમ દરેકે દરેક મેઘગર્જન સાથે અચૂક થતી રહેશે. દેહ તો કાળધર્મથી બંધાયેલો છે પરંતુ આ કલાધરનો અખંડ સૂર તો હમેશા ગૂંજતો – ગાજતો રહેશે.

મારી મેના રે બોલે
ગઢના કાંગરે હો જી…
કાયાના કૂડા રે ભરોસા
દેયુના ખોટા રે દિલાસા…
મારી મેના રે બોલે ગઢના કાંગરે હો જી…

સુપ્રસિધ્ધ ફિલ્મ દિગ્દર્શક કેતન મહેતાની ફિલ્મ ‘મિર્ચમસાલા’ ના અંતિમ દ્રષ્યો જે બાબુભાઇ રાણપુરા પર ફિલ્માવવામાં આવ્યા છે. તે જલદી વિસરી શકાય તેવા નથી. જે વ્યક્તિ, સમાજ, નગર કે પ્રદેશ પોતાનું સત્વ ગુમાવે તો તેનો આઘાત કેટલાક મર્મી લોકો સહન કરી શકતા નથી. આવોજ એક મર્મી આવી સ્થિતિ પોતાનીજ નજર સામે પોતાના ગામમાં જૂએ છે. આથી તે હળવે પગલે તથા ભારે હૈયા સાથે પોતાનું વતન છોડે છે. હમેશ માટે કદાચ…. તેના શબ્દો જોતાં એવોજ ભાસ થાય છે.

મળશું મેળે ખેળે
મળશું ગામ ગિયા,
નહિ મળશું મિતરું
જે દી ધરતી ઢંક થિયાં.

       ઉપરના દોહામાં કહેવાયેલી વાત સાચી છે. છતાં કેટલાયે મીઠાં તથા માર્મીક વાતોના કહેનારા માનવીઓ ધરતી ઢંક થયા પછી પણ સમાજની સતત સ્મૃતિમાં રહે છે. ‘‘ જીવતા લાખના અને મૂઆ સવાલાખના ’’ એવા આ માનવીઓની ચિર વિદાય અનેક ઘરોમાં ગમગીનીની છાયા પાથરે છે. કવિ શ્રી કાગે લખ્યું છે :

મીઠપ વાળા માનવી
જે દી જગત છોડી જાશે
તે દી કાગા એની કાણ
ઇ તો ઘરોઘર મંડાશે.

       આવાજ એક અલ્લાના ફિરસ્તા જેવા એકરંગા અને ઉજળા બાબુભાઇ રાણપુરાને ગયે એક વર્ષના વહાણાં વાયા હોવા છતાં તેમના શબ્દો આજે પણ અસંખ્ય લોકસાહિત્યના ભાવકોના દિલમાં ગૂંજ્યા કરે છે અને કોઇ અલૌકિક મસ્તીનો અનુભવ કરાવે છે. ૪ ફેબ્રુઆરી-૧૯૪૩ થી ૧૬ જુલાઇ-૨૦૧૪ સુધીના જીવનકાળમાં આ લોકકલાકારે તેમની વાણીના પાણી ભાવથી વહાવીને સૌને ભીંજવ્યા છે. બગવદરના એક જાજવલ્યમાન મેરાણીના મોટા તથા નિર્દોષ નેત્રોમાં મેઘાણીભાઇનું પ્રતિબિંબ ઝીલાય છે. ઢેલીબહેન મેઘાણીભાઇની વાત કરે ત્યારે ભાવસભર બની જાય છે તેજ રીતે કચ્છ-સૌરાષ્ટ્રના અનેક લોકસાહિત્ય પ્રેમીઓ પોતાને પ્રિય એવા બાબુભાઇ રાણપુરાની વાત કરતા અનેરા આનંદની લાગણી અનુભવે છે. ઉત્સાહ તથા મોજના ઘૂઘવતા સાગર જેવા બાબુભાઇએ કંઇ કેટલાયના મનમાં આનંદના દીવા પ્રગટાવ્યા છે. કલાધરનું આ મોંઘેરું કામ મકરંદભાઇ કહે છે તેમ વધાવવા તથા બીરદાવવા જેવું છે.

તારા આનંદના દીવાથી
ચેતવે તું કોઇના આનંદનો દીવો,
ઓરે ઓ બંધવા !
ઝાઝી ખમાયું તને
ઝાઝી વધાયું તને
જીવો ! ભાઇ જીવો !

       આ માસ – જુલાઇમાં – બાબુભાઇની સ્મૃતિ સવિશેષ થાય છે. આથીજ સુરેન્દ્રનગરથી પ્રકાશિત થતાં શ્રી ભૂપેન્દ્રભાઇ દવેના લોકપ્રિય ‘‘નિર્મિત’’ મેગેઝીનનો વિશેષાંક શ્રી બાબુભાઇ રાણપુરાની પુણ્યસ્મૃતિમાં પ્રકાશિત થાય તે ઉચિત તથા સમયસર થયેલી સાહિત્યિક ગતિવિધિ છે. વિશેષાંકના માધ્યમથી અનેક સ્નેહીજનોએ આ માયાળું માનવીને અંતરના ઊંડાણથી યાદ કર્યા છે અને ફરી ફરી વધાવ્યા છે.

       લોકસાહિત્ય એ સમૂહ જીવનની સંપત્તિ છે. કળા તથા સંસ્કૃતિની એક બલિષ્ઠ રેખા આવા લોકકલાકારો ખૂબીથી દોરી બતાવે છે. લોકવાર્તાના કથન, માણભટ્ટોની પુરાણની વાતો, ખારવણ બહેનોના વ્યથાગીતો, બારબીજના ધણીની શાક્ષીએ મધરા મધરા રેલાતા ભજનો એ આ સાહિત્યના કેટલાક ચિરંજીવી સ્વરૂપો છે. લોકના આ સમુહ જીવનમાં ટોળાશાહીની ગતાનુગતિક્તા નથી પરંતુ સંવાદિતા તથા સુવ્યવસ્થાના સૂરો પ્રગટે છે. સ્નેહની પાતાળ સરવાણી ફૂટે છે. ભાવકોની અનુભૂતિ એ તેનું ગંતવ્ય છે. લોક સાહિત્ય લોક થકી પ્રગટ થયું છે અને તેથી તેનું રક્ષણ તેમજ સંવર્ધન લોક સમૂહેજ કર્યું છે. આ સાહિત્યના બાબુભાઇ રાણપુરા જેવા સમર્થ વાહકો આથીજ અનોખી લોકપ્રિયતાને વર્યા છે. રામકૃષ્ણ દેવ જેમ પારાવાર શારીરિક પીડા વચ્ચે પણ અધ્યાત્મનો ઉજ્વળ પ્રકાશ પાથરીને ગયા તેવીજ રીતે અસાધ્ય શારીરિક રોગને પડકારીને બાબુભાઇ લોકસાહિત્યનો કેકારવ રેલાવતા ગયા. જીવનના અંતિમ શ્વાસ લગી આ સાહિત્યના યાત્રિકે અલખની નિરંતર આરાધના કરી આવા કોઇ સાંગીતિક સૂરને માણીનેજ કવિગુરુ ટાગોરે લખ્યું હશે :

શુની સેઇ સૂર
સહસા દેખિતે પાઇ
દ્વિગુણ મધુર
આમાદેર ધરા.

જાણે લોકસાહિત્યના આ ચિરંજીવી સૂર સાંભળીને આપણી ધરા બમણી મધુર દેખાવા લાગી તેવી કવિગુરુની અનુભૂતિ બાબુભાઇને સાંભળીને કેટલાયે લોકોને થઇ હશે. બંગાળના બાઉલો જેમ દર્શનશાસ્ત્ર કે ધર્મશાસ્ત્રોની ભારેખમ વાતો કહેવાને બદલે મુક્ત માનવધર્મની વાતો કરતા હતા તેમજ આ લોકસાહિત્યના કલાધરો લોકસમૂહના હર્ષોલ્લાસ તથા તેમની વેદનાને અસરકારક રીતે વાચા આપે છે. આવા સાધકોની આ સાધના સદીઓથી અતીતના ધૂણાની જેમ ધખતી રહી છે. આ ચીનગારી ઓલવી ન શકાય તેવી ઓજસ્વીતા ધરાવે છે. આ સાહિત્યના માધ્યમથીજ સમજદાર દીકરી જે કૂળની લાજ ઢાંકીને બેઠી છે, પરંતુ તક મળતાં દાદાને પોતાની વ્યથા પહોંચાડે છે. દીકરીની વ્યથા આપણાં લોક સાહિત્યમાંજ ઝીલાય છે, જળવાય છે તથા ગવાય છે.

દાદા ! હો દીકરી
વઢિયારે નવ દેશો રે સઇ !
વઢિયારી સાસુડી દાદા ! દોયલી રે.
દિએ દળાવે મને રાતડીએ કંતાવે જો
પાછલે તે પરોઢિયે પાણીડા મોકલે રે
દાદા હો ! દીકરી.

 જે અસરકારકતાથી લોકજીવનની ખાટી-મીઠી ઘટનાઓ લોકસાહિત્યમાં ઝીલવામાં આવી છે તે એક એકથી ચઢિયાતી છે. કાળની વાસ્તવિકતાને સંઘરીને આ ગીતો ઊભાં છે અને તેથી આપબળે ટક્યા છે. ગીત નૃત્યમાં, રાસગરબાઓમાં ગવાતી આ વાતો સમૂહજીવનનું પ્રતિબિંબ ઝીલનારી છે.

બાબુભાઇ રાણપુરાએ તેમની નિરાળી કથનશૈલિથી ડાયરાઓને ડોલાવ્યા છે. અનેકોને હસાવ્યા છે અને રડાવ્યા છે, પરંતુ પોતે આ બધાથી અલિપ્ત રહીને શાક્ષીભાવે નિજાનંદમાં જીવ્યા છે. હરિરસના હથિયારથી માનવીના મનની મલિનતાને ધોવાનો બાબુભાઇનો પ્રયાસ હતો. મીશનરી સ્પીરીટથી આ કામ તેમણે કર્યું. પોતે તો જીવતર હોડમાં મૂક્યું પરંતુ અનેક ભાંડુઓને ઉજળા કરી ગયા. ભગતબાપુના શબ્દોમાં કહીએ તો માનવીઓના મેલને ધોવાની જ્યોત પગટાવીને બાબુભાઇ તેમાં સતત આહૂતિ આપતા ગયા.

એજી મારે સાબુ તો થાવું ને
જીવતર ખોવું રે
માનવીના ધોવા મેલને રે જી.
સરજુ હું કાળો પાણો
ધોબીડાની ધોણે રે…..
એ..જી લાખો આવે ત્યાં
નાવા ને નીચોવા રે…..
માનવીના ધોવા મેલને રે…
કોઇ ઝાડવાનો બેટો….
‘કાગ’ ભાગ્યશાળી રે……
એ..જી મારે થાવું રે પડે તો
ધોકો થાવું રે…. માનવીના ધોવા મેલને રે.

ડૉ. દલપત પઢિયાર લખે છે તેમ પોતે કલાકાર છે એવું સ્થાપિત કરવા બાબુભાઇ લોકસાહિત્ય પાસે ગયા ન હતા, પરંતુ લોકસાહિત્યના બળ, તેજ તથા સૌંદર્યને પ્રકાશિત કરવા તેઓએ લોકસાહિત્યની અખંડ આરાધના કરી હતી. પેરીસના આંતરરાષ્ટ્રીય મંચ પર ગાવાનું હોય કે લાલજી મહારાજની જગ્યામાં મહારાજની પ્રસન્નતા મેળવવા ગવાતું હોય- બન્ને જગ્યાએ હૈયાનો ઉમળકો તથા પ્રસ્તુતિની તાકાત એકજ સરખી જોવા મળે તે રાણપુરાની ખૂબી હતી. જેવી પ્રીતિ પોતાના પ્રદેશના સાહિત્ય તરફ હતી તેવુંજ હેત પોતાના મલકના માનવીઓ તરફ બાબુભાઇને હતું. આ નાતો છેલ્લા શ્વાસ લગી તેમણે જાળવી જાણ્યો. આ માયાળુ માનવી આપણી સ્મૃતિમાંથી ખસે તેવો નથી.

***

Leave a comment

Blog at WordPress.com.

Up ↑