સંસ્કૃતિ :: સૌના દાદા : દાદા ધર્માધિકારી :

Dada Dharmadhikari       ગાંધીયુગના અનેક વીરલાઓએ પોતાના શક્તિશાળી જીવન સેવા તથા સામાન્યતાના આવરણમાં જતનપૂર્વક ઢાંકીને રાખ્યા છે. તેમણે કદી પ્રસિધ્ધિની પરવા કરી નથી કે ટીકાની તમા રાખી નથી. સન્યાસીઓને પણ પ્રેરણા મળે તેવું સાંસારીક જીવન તેઓ નિષ્ઠાપૂર્વક જીવ્યા. તેમના વાણી તથા વ્યવહારમાં કદી પણ કોઇ ભિન્નતા જોવા મળતા નથી. વિનોબાજી કાર્યકરોની વૈચારિક ભૂમિકા સ્પષ્ટ તથા મજબૂત કરવાના મતના હમેશા સમર્થક રહેલાં. આ કાર્ય દાદા ધર્માધિકારીએ પણ ખૂબજ ખૂબીપૂર્વક કરેલું હતું. વિનોબાજીએ દાદા ધર્માધિકારી માટે કહેલા શબ્દો કાન માંડીને સાંભળવા જેવા છે : ‘‘ નાના બાળકને પૂછીએ કે તારી મા કેવી છે ? સંભવ છે તેની મા સુંદર હોય છતાં બાળક એમ નહિ કહે કે મારી મા સુંદર છે. સંભવ છે કે તેની મા બહુ વિદ્વાન હોય છતાં બાળક એમ પણ નહિ કહે. બાળક તો માત્ર એટલુંજ કહેશે કે, મારી મા મને બહુ પ્રેમ કરે છે. બસ, દાદા માટે પણ આટલુંજ કહી શકાય કે દાદા ભારે પ્રેમી છે. સ્નેહમૂર્તિ છે. દાદા સર્વોદયની એક વિચારધારાનું જન્મસ્થાન છે. ’’ સર્વોદયની આ વિચારધારાનો પ્રવાહ ગાંધીજીની વિદાય પછી પણ અસ્ખલિત રીતે વહેતો રાખવાનો પ્રયાસ કરનાર પુણ્યશ્લોક લોકોમાં વિનોબાજી પછી જયપ્રકાશ નારાયણ તથા દાદા ધર્માધિકારીના નામ અગ્રહરોળમાં રહેલા છે.

       બુલ્લેશાહે લખેલું છે :

માટી જોડા, માટી ઘોડા,

માટીદા અસવાર,

માટી માટીનૂ મારન લાગી,

માટી દે હથિયાર !

બુલ્લેશાહની આ લાગણીનો – અનુભૂતિનો પડઘો સર્વોદયની વિચારધારાના સુવિખ્યાત સમર્થક દાદા ધર્માધિકારીના નિવેદનમાં પડતો જોઇ શકાય છે. જીવનના સંધ્યાકાળે દાદા પોતાની ડાયરીમાં એક નિવેદન લખી રાખે છે. દાદા લખે છે :

‘‘ જ્યાં મારું મરણ થાય ત્યાંજ કે નજીકની કોઇ જગાએ શરીરનું દહન કરવામાં આવે… મૃતદેહની યાત્રા ન કાઢવામાં આવે… સ્મશાનમાં ભાષણ વગેરે ન થાય… બહારથી કોઇને બોલાવવામાં ન આવે… દહનમાં ચંદન, કપૂર કે ઘીનો ઉપયોગ ન થાય… કોઇ પણ પ્રકારનું સ્મારક ઊભું ન થાય કે ન શોક-સભાઓ ભરવામાં આવે. ’’

       દાદા ગયા. દાદાની માનસકન્યાએ તેમના અગ્નિસંસ્કાર કર્યાં. દાદાના પુત્રો હાજર હતા તેમ છતાં આ માન તો સકારણ તારા ભાગવતને મળ્યું. દાદાના અંતિમ સંસ્કાર થયા તે સ્થળે લોકોએ રોપેલું માત્ર એક નારિયેળનું વૃ્ક્ષ આકાશગામી થઇને ઊભું છે. દાદાની સ્મૃતિ આ રીતે જીવંત રહી છે. મહારાષ્ટ્રમાં તાપી નદીના મૂળ પાસેના એક નાના સરખા મૂલતાપી ગામમાં દાદાનો જન્મ ૧૮૯૯ માં જૂન માસની ૧૮ મી તારીખે થયો હતો. એ રીતે આ માસમાં દાદાની જન્મજયંતિ પ્રસંગે તેમનું યોગદાન પુન: યાદ કરવા જેવું છે. દાદાનું જીવન તથા તેમનું કાર્ય સદૈવ પ્રેરણાદાયી તથા પ્રાસંગિક છે. તારુ ભાગવત તથા યક્ષપ્રકાશનના સમાજ ઉપયોગી પ્રકાશનોની હરોળને કારણે આ મહામનીષીની કર્મ પ્રાધાન્ય જીવનકથા આપણાં સુધી પહોંચી છે.

       જે સ્થિતિનું વર્ણન દાદાએ પોતાના શૈશવકાળના સંદર્ભમાં કર્યું છે તે રસપ્રદ છે. મજબૂત કુટુંબવ્યવસ્થાના કારણે બાળકને કેટલાક સંસ્કાર તેમજ જીવન ઘડતરની પ્રેરણા તો કુટુંબમાંથીજ મળી રહેતી હતી. દાદાના મા સરસ્વતીબાઇ હતા તો નિરક્ષર પરંતુ સ્વપ્રયાસના બળે અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરીને નિત્ય પહોરે ગીતાપાઠ – અભંગ તથા સ્ત્રોત્રનો મુખપાઠ સ્પષ્ટ શબ્દોમાં કડકડાટ કરતા હતા. આ સંસ્કાર સીધાજ બાળકો સહજપણે ઝીલતા હતા. દાદા કહે છે કે ઘરમાં બીજી બે સંસ્થાઓ એટલે અખાડો તથા ગણેશનું મંદિર. દાદાના પિતાજી કુસ્તી ખેલવામાં માહેર હતા. આથી શારીરિક ઘડતર પણ માનસિક ઘડતરની સાથેજ અનિવાર્ય રીતે થતું હતું. ઉપરાંત ગામમાં કથાકાર જેમને પુરાણિક કહેવામાં આવતાં તેમનું પણ એક સ્થાન હતું. કથાઓ હિન્દી મિશ્રીત મરાઠીમાં થતી. આ એક લોકશિક્ષણનું સુગમ તથા મનોરંજનયુક્ત સાધન હતું. બાળકોની જ્ઞાન પિપાસા પણ તેના વડે સંતોષાતી હતી. આમ જોઇએ તો આવી એક અવૈધિક છતાં સુચારું વ્યવસ્થા હિન્દુસ્તાનનાં લગભગ તમામ પ્રદેશોમાં એક અથવા બીજા સ્વરૂપે કે નામથી ચાલતી હતી. આ વ્યવસ્થા બાળકોના વિકાસ માટે અસરકારક તથા પૂરક બનતી હતી. પ્રથા સ્વયંસંચાલિત હતી તથા સર્વને ઉપલબ્ધ તેમજ સૌને પરવડે – પોસાય તેવી હતી. આજે નાના ભૂલકાઓ માટે વ્યાપારી ધોરણે ચલાવવામાં આવતી મોંધીદાટ શાળાઓ દરેક વાલીને પરવડતી નથી. છતાં દેખાદેખીને કારણે અથવા ગતાનુગતિક્તાથી સરવાળે મોટાભાગના વાલીઓએ ઇચ્છા કે અનિચ્છાએ પોતાના નાના બાળકોને આવી શાળાઓમાં દાખલ કરવા પડે છે. સુયોગ્ય વિકલ્પનો અભાવ છે. આવી શાળાઓમાં બાળકનો કેવો તથા કેટલો વિકાસ થતો હશે તે તો એક અલગ મૂલ્યાંકનનો વિષય છે. હાથવગી તથા સરળ વ્યવસ્થા તુટી છે પરંતુ સર્વને સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તેવી વૈકલ્પિક વ્યવસ્થા આપણે ગોઠવી શકયા નથી.

       સર્વોદયના નાના મોટા તમામ કાર્યકરોની પ્રેરણાનું મૂળ દાદાના વ્યકિતત્વમાં તથા તેમના વિચારોમાં અભિન્ન રીતે વણાયેલું હતું. દાદાને તેમના શંકર ત્રંબક ધર્માધિકારીના નામે ભાગ્યેજ કોઇ ઓળખતા. આ બાબતમાં કાકાસાહેબ દાદા ધર્માધિકારીને કહેતાં કે તેમને લોકો કાકા કાલેલકર તરીકેજ ઓળખે છે. આથી દાદાને સલાહ આપતાં કાકાસાહેબ કહે છે : ‘‘ તમે તમારું નામ હવે દાદા ધર્માધિકારીજ માનીલો. ’’ દાદાએ સર્વોદયનું કામ સંસ્થાઓમાં રહીને કર્યું પરંતુ ક્યારે પણ સંસ્થાઆશ્રિત રહયાં નથી. ગાંધી – વિનોબાના વિચારોના આજીવન કર્મઠ સિપાઇ દાદા ધર્માધિકારી હંમેશા પોતાની વિચારધારામાં સ્પષ્ટ તથા મકકમ રહેલાં હતાં. સ્વરાજપ્રાપ્તિના સમયે વિધાનસભાઓમાં પણ કેટલાક ગાંધી વિચારધારાવાળા લોકોને મોકલવા જોઇએ તેવો ઘણાંનો મત હતો. ગાંધીજી તથા સરદાર સાહેબ પાસે કેટલાક લોકોએ દાદાને નાગપુરથી ચૂંટણી લડાવીને વિધાનસભામાં મોકલવા માટે રજૂઆત કરી. આ પ્રકારના આગ્રહને ટાળવા માટે દાદાએ ગાંધીજીને લખ્યું કે તેઓ વિધાનસભામાં જવા કે અધિકારનું કોઇ પણ પદ સ્વીકારવા માંગતા નથી. સત્તા અને સ્થાનથી અલિપ્ત રહીને સેવા કરનારાઓની દેશને વિશેષ જરૂર છે. તે બાબત તરફ તેમણે પૂર્ણ નમ્રતાથી ગાંધીજીનું ધ્યાન દોર્યું હતું. ગાંધીયુગની આકાશગંગાના આવા અનેક તેજસ્વી તારકો દેશ આઝાદ થયા પછી પણ સત્તા કે સ્થાનના કદી હિસ્સેદાર બન્યા નહિ. આવી તક અનેક વખત તેમના દ્વારેથી નિરાશ થઇને પરત જતી આપણે જાણી છે. જયપ્રકાશ નારાયણ હોય કે વેડછીના વડલા સમાન જુગતરામ દવે હોય – પરંતુ આ દરેક વ્યક્તિ સભાનતાપૂર્વક પદ કે સ્થાનથી હમેશા દૂર રહયા. લોકો વચ્ચે જઇને તેમણે ધૂણી ધખાવી અને ગાંધી વિચારનો તેમજ આચારનો વિસ્તાર કર્યો. કવિ શ્રી કરસનદાસ માણેકે લખ્યું છે  તેમ આ મહાનુભાવોનું જીવન એક અંજલિ સમાન હતું. સર્વજન હિતાય તથા સર્વજન સુખાયનો નાદ સ્વભાવગત તેમની નાભિમાંથી વહેતો રહયો હતો.

જીવન અંજલિ થાજો,

મારું જીવન અંજલિ થાજો !

ભૂખ્યા કાજે ભોજન બનજો

તરસ્યાનું જળ થાજોઃ

દીન-દુખિયાના આંસુ લોતા,

અંતર કદી ન ધરાજો….મારું….

સતની કાંટાળી કેડી પર

પુષ્પ બની પથરાજો !

ઝેર જગતનાં જીરવી જીરવી

અમૃત ઉરના પાજો…..મારું..

વમળોની વચ્ચે નૈયા મુજ

હાલકલોલક થાજો,

શ્રધ્ધા કેરો દીપક મારો,

ના કદી યે ઓલવાજો…

મારું જીવન અંજલિ થાજો.

       દાદાનું સમગ્ર જીવન એક અંજલિ સમાન બનીને સમાજને સમર્પિત થયું. તેમનું જીવન વિચાર પ્રધાન હતું. વિચાર તથા સ્વાધ્યાયના નિરંતર યક્ષ સમાન જીવન તેઓ જીવી ગયા. એમનો દરેક શબ્દ ‘‘ ડંખમુક્ત, સ્વાર્થમુક્ત તથા ગ્રંથિમુક્ત ’’ હતો તેવું કાન્તિભાઇ શાહ (પિંડવળ)નું વિધાન સર્વથા યથાર્થ છે. ‘‘ ભૂમિપુત્ર ’’ માં દાદાના જીવનની વાતો ૩૦ થી વધારે હપ્તામાં પ્રકાશિત થયેલી તે વાચકોને ખૂબ પસંદ પડી હતી. દાદા વિશે એ બાબત ખાસ નોંધવામાં આવી છે કે તેઓ હમેશા કહેતા કે ‘‘ મને તો દુનિયાના બધા માણસો મારા કરતા શ્રેષ્ઠ દેખાય છે. ’’ આ વિધાનમાં પણ એક યોગીની, એક સાધકની નમ્રતાના દર્શન પણ થાય છે. સર્વોદયની વિચારધારા આજે પણ પ્રસ્તુત છે. Haves અને Haves not વચ્ચેની ખાઇ પુરવાના સભાનતાપૂર્ણ પ્રયાસો સમયસરનહિ થાય તો તેના પરિણામ આકરા તથા અપ્રિય હોવાની પૂરી સંભાવના છે. આથી દાદા ધર્માધિકારીનું જીવન તથા વિચાર માર્ગદર્શક તથા પ્રેરણાદાયક છે. સંત તુકડોજી મહારાજે દાદાને આપેલી શ્રધ્ધાંજલિ શિરમોર સમાન છે. મહારાજ કહે છે : ‘‘ મેં મારા જીવનમાં ઘણાં બધાં સંતો – મહંતો જોયા છે પરંતુ અમને સહુને શરમાવે તેવા સહજતાના ધણી તો એક દાદાજ છે. ’’ દાદા ધર્માધિકારીનું સ્મરણ તેમની જન્મ જયંતીના પાવન પ્રસંગે પ્રસન્નતાની અનુભૂતિ કરાવે તેવું છે.

***

Leave a comment

Blog at WordPress.com.

Up ↑