: સંસ્કૃતિ : શ્યામની બા : વિશ્વપ્રેમનું ઉદૃાત ઉપનિષદ : 

સ્નાન કરીને ભીંજાયા પછી બાળક સાને ગુરુજી માના સ્નેહમાં ભીંજાયા. ભગવાનની પૂજા-પ્રાર્થના માટે બેસતા પહેલાં પગ ચોખ્ખા હોવા જોઇએ. બાળકના પગ દોડધામને કારણે થોડા ગંદા પણ થયા હોય. માનો પાલવ પાથરીને બાળક પગ લૂછી કાઢે છે. ત્યારપછી જ પ્રાર્થનામાં બેસે છે. માના વાત્સલ્યમાં સાડલો બગડશે તે વાતને સ્થાન ન હતું. પરંતુ પછી દીકરાને સ્નેહથી સમજાવતાં એક અમૂલ્ય સંસ્કારનું-વિચારનું સિંચન કરતાં માતા કહે છેઃ દીકરા ! પગ ગંદા ના થાય એની તું જેટલી કાળજી રાખે છે એટલી જ કાળજી તારું મન ગંદું ન થાય તેની રાખજે. માના સ્નેહ, વાત્સલ્ય તથા બાળકના યોગ્ય ઉછેરની આવી અનેક વાતો સાને ગુરુજીએ ‘‘શ્યામચી આઇ’’ માં મનમોહક સ્વરૂપે મૂકી છે. ગુરુજીના પિતાએ ગુસ્સો કરીને માથાના વધેલા વાળ કઢાવી નાખવા બાળકને કહયું. માતા બાળકને પિતાનો આગ્રહ છે તેથી વાળ કપાવી નાખવા સ્નેહથી સમજાવે છે. બાળકને વાળ રાખવા ગમે છે. માતા બાળકને સમજાવતા કહે છેઃ  ‘‘તુ વાળ કેમ રાખે છે ? વાળ રાખે છે તેથી તેનો પણ એક મોહ તને થયો છે અને આ મોહને છોડવો એ જ ધરમ’’ ધર્મની વ્યાખ્યા આવા સરળ શબ્દોમાં કોઇ ધર્માચાર્ય પણ ભાગ્યે જ કરી શકે. આથી જ માને સર્વપ્રથમ શાળા કહેવામાં આવે છે. છત્રપતિ શિવાજી હોય કે સત્યાગ્રહી ગાંધીજી હોય બંન્નેને જીવનના પ્રથમ પાઠ તો માતાએ જ ભણાવેલા છે. માતાનું આ સ્નેહ શિક્ષણજ તેમને જીવનના કપરા સમયે સ્થિર રહેવામાં કામ લાગ્યું છે. સાને ગુરુજીએ આ સ્નેહશાસ્ત્રની કથા લખીને આપણાં સાહિત્યને રળિયાત કરેલું છે.

માતૃભૂમિના મુકિત સંગ્રામમાં સક્રિય રીતે ભાગ લેવા માટે જેલમાં બંધક બનીને રહેતા હોવા છતાં પોતાની મસ્તી અને લાગણીયુકત જીવનશૈલીથી જેલ જીવનનો સમય વ્યતિત કરતા એક ગાંધીસેનાની સાને ગુરુજીના જીવનનો આ પ્રસંગ નોંધાયો છે. જેલની પોતાની ખોલીમાંથી તે જૂએ છે કે તેના કેટલાક સાથીઓ જેલના પ્રાંગણમાં આવેલાં છોડવાઓ પરથી ફૂલો તથા કળિઓ ચૂંટે છે. આમ તો આ એક સામાન્ય ઘટના છે. રોજબરોજના જીવનમાં આપણે તે બાબત જોતા રહીએ છીએ. પરંતુ આ ગાંધી સૈન્યના સૈનિકની વિચારધારા જુદી હતી. પુષ્પો તરફ જોવાનો તેનો દૃષ્ટિકોણ અલગ હતો. આ કેદી તો ફૂલને ચૂંટાતા જૂએ છે કે તેની આંખમાંથી બોર બોર જેવડા અશ્રુઓનો ઢગલો થાય છે. જેલના સાથીઓને ભીના સ્વરે સમજાવે છે. કહે છેઃ ‘‘ફૂલએ વૃક્ષના શિશુ છે. મા પાસેથી બાળકોને ઝુંટવી ન લેવાય.’’ પૃથ્વી પરના સર્વે ચૈતન્યયુકત અસ્તિત્વ તરફ આવી સંવેદનશીલતા ધરાવનારા સાને ગુરૂજી તેમના વાસ્તવિક જીવનમાં સંવેદનશીલતા, ઋજૂતા તથા નમ્રતાના જીવતા જાગતા સ્વરૂપ સમાન હતા. માત્ર ૫૧ વર્ષના આયુષ્યગાળામાં ૧૦૨ જેટલા પુસ્તકો આ સરસ્વતીના પ્રખર ઉપાસકે લખ્યા. આચાર્ય અત્રે શ્યામચી આઇની પ્રસ્તાવનામાં લખે છે કે ગુરૂજીની આ સ્નેહયુકત દિવ્યવાણી સાંભળીને એવી પ્રતિતી થાય કે કોઇ મહર્ષિ વિશ્વ પ્રેમનું ઉદ્દાત ઉપનિષદ સંભળાવી રહેલા છે. માતૃપ્રેમના મંગળ સ્ત્રોત્ર સમાન ગુરૂજીના પુસ્તક ‘શ્યામચી આઇ’ નો ગુજરાતી અનુવાદ કરીને સુશ્રી અરૂણા જાડેજાએ આપણાં પર રૂણ ચઢાવ્યું છે. શ્યામચી આઇની પચાસ જેટલી આવૃત્તિઓ મરાઠીમાં થઇ છે. અન્ય ભારતીય ભાષાઓ તેમજ અંગ્રેજીમાં પણ તેનો અનુવાદ થયો છે. ગુરૂજીએ આ પુસ્તક જગતની સૌ તીર્થરૂપ માતાઓના ચરણોમાં  અર્પણ કરીને લાગણીની એક નવી ભાત પાડી છે. માનો આ મહિમા મોટાભાગે તો ગુરુજીના જેલજીવન દરમિયાન લખાયો છે. વિશ્વપ્રેમના દસ્તાવેજ સમાન આ લખાણ લખતાં પોતે તો રડયાં પરંતુ જેલનિવાસના સાથીઓ પણ આ પુસ્તકના પ્રસંગો સાંભળીને ભીંજાયા. ‘‘પથ્થરનેય પાન ફૂટે’’ તેવું કારૂણ્ય આ કથામાં રેડાયું છે તેવું આચાર્ય અત્રેનું વિધાન સર્વથા ઉચિત તથા યથાર્થ છે. સાને ગુરૂજીએ પોતાના લખાણો અંગે વાત કરતાં કહયું છે કે તેઓ ભાવનાથી લખતા લખતા રડે, સંતાપ પામે તથા રોમાંચિત પણ થાય છે. આપણાં દુર્ભાગ્યે માત્ર ૫૧ વર્ષનું આયુષ્ય ભોગવીને સાને ગુરૂજી ૧૧ જૂન-૧૯૫૦ ના રોજ આ ફાની દુનિયામાંથી અકાળે મહાપ્રયાણ કરી ગયા. આથી આ માસ-જૂન મહિનામાં સાને ગુરૂજીના જીવન વૃતાંત તથા તેમના સર્જનકાર્યની સ્મૃતિ થાય છે. જ્ઞાનેશ્વરી જેમ શ્યામચી આઇ પણ મરાઠી ભાષાનું  એક અણમોલ આભૂષણ છે. પાંડુરંગ સદાશિવ સાને એટલે કે સાને ગુરુજીએ નાસિક જેલમાં રહીને લખેલી આ કથા એક અમર રચના બની છે. વિમલાતાઇ ઠકારે કહેલું કે તેમણે ગુરુજીના દેહાવસાનના સમાચાર વિનોબાજીને આપ્યા ત્યારે તેમની આંખમાંથી અશ્રુધારા થઇ. વિનોબાજીના મત પ્રમાણે રામકૃષ્ણ, રવીન્દ્રનાથ અને મહાત્મા ગાંધીના ગુરુજી ખરા અનુયાયી હતા તથા આ ત્રણે મહાનુભાવોના ગુણ સાને ગુરુજીના જીવનમાં જોઇ શકાય છે. વિનોબાજીએ સાને ગુરુજીની ગણના સંત તુકારામની હરોળમાં કરી છે. સાહિત્ય સર્જન તથા દેશની મુકિત માટેના સંગ્રામમાં હંમેશા સક્રિય રહેનાર ગુરુજીએ ‘આંતરભારતી’ સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થાના માધ્યમથી દેશના લોકો એકબીજાની ભાષાથી નિકટ આવે તેમજ અન્ય દેશ-વિદેશની ભાષાનું સૌદર્ય માણી શકે તેવી વ્યવસ્થા ગોઠવવાનો પ્રયાસ કર્યો. ગુરુજીના લખાણોમાં પણ વિષય વૈવિધ્ય છે. ઉપરાંત સામાજિક ક્ષેત્રમાં પણ ગુરુજીનું યોગદાન યાદગાર છે.પાંડુરંગ વિઠ્ઠલના બારણે દર્શનની આશા રાખીને કોઇ આવે ત્યારે જ્ઞાતિ કે જાતિના ભેદભાવ હોઇ શકે જ નહિ તે વાત માટેતેમણે જનમત ઊભો કરવા જનજાગૃત્તિ કેળવી હતી. વિનોબાજી તથા તેમના વચનો પર સાને ગુરુજીને ભારે શ્રધ્ધા હતી. 

મા અને બાળકના સ્નેશશાસ્ત્ર ઉપર અનેક વિદ્વાનોએ લખ્યું છે. વિ.સ. ખાંડેકરે લખ્યું છે કે બે બાબતો કદી ખરાબ ન હોઇ શકેઃ એક આપણી માતા તથા બીજી આપણી માતૃભૂમિ. કવિશ્રી હરિન્દ્ર દવેએ લખ્યું છે કે ૧૯૦૮ માં ફિલાડેલ્ફિયાથી (U.S.A.) શરૂ થયેલી મધર્સ ડે ઉજવવાની પ્રથા ગમે તેવી છે. હરિન્દ્રભાઇ ઉમેરે છે કે માતાના રૂણનો સ્વીકાર કરવા તહેવાર ઉજવાય તે મનને ગમે તેવી ઘટના છે. જગતના સુપ્રસિધ્ધ ચિંતક વિચારક ટોલ્સટોય પોતાની જનની અંગે કેફિયત આપતા લખે છે કે તેમની મા એવી સુંદર હતી કે માના પ્રવેશથી જ માહોલ બદલાય તથા સઘળું હસતું-રમતું લાગે. કોઇએ આ સંદર્ભમાં યોગ્ય રીતે નોંધ્યું છે કે ટોલ્સટોયના મા ખરેખર એવા સુંદર ન હતા. પરંતુ ટોલ્સટોયની એક સંતાન તરીકેની દૃષ્ટિ મા ના આંતરિક સૌદર્ય તથા વાત્સલ્ય તરફ હતી. તેથી ટોલ્સટોય કે અન્ય કોઇપણ સંતાનનું માતૃદર્શન આવું જ હોય તે સ્વાભાવિક છે. આંતરિક સૌદર્યને બહારના દેખાવ સાથે ભાગ્યે જ કોઇ નિસબત હોય છે.

માતા-પુત્રના સંબંધોના સ્નેહનું શાસ્ત્ર સાને ગુરુજી લખીને ગયા. માની મમતાની અનેક વાતો કવિઓ-લોકકવિઓએ આલેખી છે. આ રચનાઓને લોકોએ મનભરીને માણી છે તથા હૈયાના ઉમળકાથી દરેક રજૂઆત પ્રસંગે વધાવી છે. સમતા તથા મમતાને એક સાથે સાચવવી તે કઠીન વાત છે. મોટા મોટા સિધ્ધ પુરુષોને પણ દુષ્કર એવું આ કામ મા કરી શકે છે. તેવું મોરારીબાપુનું તારણ ખૂબ જ યથાર્થ છે. માત્ર માનવકૂળમાંજ નહિ પરંતુ જગતના તમામ પ્રાણી-પક્ષીઓમાં માતાતથા સંતાનનો સંબંધ નિરાળો છે. કવિશ્રી દુલા ભાયા કાગે હરણીને માતા તરીકે તથા  તેના નિર્દોષ બચ્ચાને કેન્દ્રમાં રાખીને સુંદર રચના કરી છે. આ રચના ખૂબ જાણીતી પણ થઇ છે. નાના બચ્ચાને મૂકીને જંગલમાં ચારો ચરવાગયેલી હરણી તથા શિકારી(પારધી) વચ્ચેનો સંવાદ ભજનમાં અનેરું સૌદર્ય સહજ રીતે ઉમેરે છે. હરણીને પોતાનું મોત હવે સામે જ દેખાય છે. આથી આ ઘટના બને તે પહેલા હરણી પોતાના બાળને છેલ્લું ધાવણ ધાવી લેવા માટે વિનવણી કરે છે. 

ધાવણ ધાવી લે મારા બાળ,

ધાવી લે મારા બાળ,

પછી તારો રામ હશે રખવાળ..

ચારો ચરવા હરણી વનમાં

ફરતી મનમાં ફાળ જી,

પારધીની પડી નજરે

તીર સાંધ્યો તતકાળ…ધાવણ…

ભૂખ્યાં પેટે કાં જનેતા !

તું આવી તતકાળજી ?

ધાવી લે બેટા છેલ્લું ધાવણ,

મારો આવ્યો છે કાળ…

કાળે ઝડપીયાં દૂધ જનેતા !

નહિ ધાવે આ બાળ જી..

છોરું ને માતા પારધી સામે

ઊંભા અંતરિયાળ….

માવડી પેલા મને હળજો

બોલ્યું બાળ પ્રેમાળ જી

‘કાગ’ વનમાં કરૂણા પ્રગટી

તીર રડયો તતકાળ…

ધાવણ ધાવી લે મારા બાળ…

માનો સ્નેહ, બાળકની મા સાથે જ સ્વેચ્છાએ શિકાર થઇને મરી ફિટવાની તત્પરતા તથા આદૈવી સંબંધમાંથી ઉત્પન્ન થયેલા સ્નેહ તેમજ કરૂણાના ઉત્કટભાવ આ ભજનમાંથી ઊભરાય છે. સ્નેહની અસર શિકારી સહિત સમગ્ર વાતાવરણને પલટાવી શકે છે. તે વાત કવિએ સુંદર ઉદાહરણ આપીને કરી છે. સાને ગુરુજીનું સ્નેહ ઉપનિષદ આ વાતની જ સાક્ષી પૂરે છે. ‘શ્યામની બા’ નો એક એક પ્રસંગ મા તથા પુત્રના પ્રેમના મનોહર મહાકાવ્ય સમાન છે. એક એક પ્રસંગમાં વાચકને લાગણીથી તરબતર કરવાની સહજશકિત છે. શંકરાચાર્યજી મહારાજે પણ ભવાની સ્વરૂપે માની ઉપાસના ગાઇને સાર્થકતા માની છે. મા સર્વવ્યાપક છે તેની આચાર્યને અનુભૂતિ છે. 

વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે

જલે ચાનલે પર્વતે શત્રુમધ્યે,

અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહિ,

ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑