વજુભાઇ શાહે કહેલા શબ્દો કાન માંડીને સાંભળવા જેવા છે :
‘‘ રચનાત્મક કાર્યકર્તાઓએ ગંભીરતાથી વિચારવાનું તથા તપાસવાનું છે કે લોકો માટેના પ્રેમનું અખંડ ઝરણું તેમનામાં વહી રહ્યું છે ખરું ! જો તેમ ન હોય તો દીવા વિનાનું ઘર તથા પાણી વિનાના કૂવા જેવી એમની સ્થિતિ થશે. ’’ વજુભાઇની આ અર્થસભર શિખ થકી ઘણાં કાર્યકર્તાઓને દિશા દર્શન થયું હશે. પરંતુ વજુભાઇના આ વિચાર અનુસાર પૂર્ણત: જીવન જીવી ગયા તે વજુભાઇના અર્ધાંગના જયાબહેન શાહ દેશને સ્વાધિનતા મળી તે પૂર્વે કર્વે યુનિવર્સિટીમાંથી સ્નાતક થનારા આ વિદુષિ કદી પણ પગ વાળીને બેઠા નથી. પ્રમાદ સેવ્યો નથી. તૈતરિય ઉપનિષદના ઋષિએ ગાયું છે.
સ્વાધ્યાય: પ્રવચનાભ્યાં મા પ્રમદિતવ્યમ્ !
ઉપનિષદનો આ શ્લોક જાણે જયાબહેન શાહના જીવનમાં જાગૃત થયો અને રહ્યો હતો. બહુરત્ના વસુંધરા સમાન ભાવનગરની ભૂમિમાં ૧૯૨૨ માં જન્મ ધારણ કરીને કર્મ પ્રધાન – વિચાર પ્રધાન જીવનની એક ઉજ્વળ મિસાલ સ્થાપીને જયાબહેન ગયા. વ્યક્તિત્વમાં પણ કેટલી વિવિધતા તેમજ સર્વાંગ સુંદરતા હતી તે જોઇને આદર તેમજ અહોભાવ થાય. સિધ્ધાંતનિષ્ઠ જાહેરજીવન જીવવા સાથે સાથે ભજનોને પણ માણે તથા તેના પુસ્તકનું સંપાદન કરે. આ સામાન્ય ઘટના નથી. ભીતરથી ભીંજાયા હોવાની આ બાહ્ય અભિવ્યક્તિ છે. જયાબહેન શાહના વિચારોનો અવિરત પ્રવાહ એ ભાગીરથીના ધોધ સમાન અસ્ખલિત તથા અસરકારક હતો.
બહેનશ્રી જયાબહેન શાહના વિચારોનો પ્રવાહ અસ્ખલિત તેમજ વૈવિધ્યપૂર્ણ છે તેમ અનુભવી શકાય છે. વિચારો પણ સાંપ્રત સમયને અનુરૂપ તથા પ્રેરક હોય છે. જયાબહેન કહે છેઃ ‘‘બહેનોએ ફલોરેન્સ નાઇટીંગલ બનવાનો સમય આવ્યો છે. વિશ્વભરમાં વાત્સલ્ય, પ્રેમ, સમન્વય તથા શાંતિની સ્થાયી સ્થાપના બહેનો સિવાય કોણ કરી શકે ? રવિશંકર મહારાજ તેમની માર્મિક શૈલીમાં કહેતા કે બહેનો જયારે બજારમાંથી ખરીદી કરે છે ત્યારે દરેક વસ્તુ કાળજીથી સુંધીને કે ચાખીને પસંદગીની મહોર મારે છે. ખોટી વસ્તુ ન આવે તેની વિશેષ કાળજી આપણી બહેનો કે માતાઓ રાખે છે. તે વાતના સંદર્ભમાં મહારાજ આગળ ઉમેરે છે. ઘરમાં પૈસો આવે છે તે ખોટો (ખોટી રીતે કમાયેલો કે અણહકકનો) નથી ને તેની ચોકસાઇ બહેનો રાખશે તો સમાજ ઝડપથી સુધરી જશે! લગ્ન પ્રસંગ તો એક પવિત્ર તથા અંગત પ્રસંગ છે. તેવા પ્રસંગોમાં દેખાદેખીથી થતાં અઢળક ખર્ચાનો નાટારંભ ન શોભે ! સ્ત્રી કે પુરૂષની વડાઇ એ પ્રશ્ન નથી. જરૂર તો તેમની વચ્ચે સંબંધોનો ન્યાયયુકત સેતુ બનાવવાની છે. બંન્ને જીવનરથના સમાન ચક્રો છે. બંન્નેના વિકાસથી જ નરવું-સ્વસ્થ કુંટુંબજીવન બને. સ્વસ્થ સમાજની રચનાનું આ પ્રથમ સોપાન છે.’’ સુશ્રી જયાબહેન શાહના આ પ્રકારના વિચારોનો પ્રવાહ અટકાવાનું નામ લેતો નથી. તેને કોઇ વિરામ નથી. દરેક વિચારને જીવન વ્યવહાર સાથે સંબંધ છે. વિચારનો વિરામ નથી. પરંતુ બહેનના નશ્વર દેહને કાળની મર્યાદાનું અવરોધન આવે તે સૃષ્ટિનો અનિવાર્ય ક્રમ છે. નવ દાયકાથી વિશેષ સમયનું સ્વસ્થ, હેતુલક્ષી તેમજ જનહિતાર્થે જીવાયેલું જીવન ગૌરવભેર પૂરું કરીને અનંતની યાત્રાએ બહેને એક વર્ષ પહેલાં મહાપ્રયાણ કર્યું. ૧૪ એપ્રિલ-૨૦૧૪ના દિવસે જયાબહેનના ખોળિયાએ વિદાય લીધી. પરંતુ તેમની વિચારયાત્રા, તેનો પ્રભાવ તથા તેની ઉપયોગિતા અનેક પેઢીઓ સુધી નિશ્ચિત રીતે વિસ્તરેલા રહેશે. પ્રેરણાના સ્ત્રોત જેવું જયાબહેનનું જીવન તેમના વૈચારિક તેજથી તેમજ ઠોસ કાર્યોથી હંમેશા અનેક સ્નેહીઓની તેમજ ગાંધીજનોની સ્મૃતિમાં જીવંત તથા ધબકતું રહેશે. છેક ૧૯૫૨માં યુવાન વયે સૌરાષ્ટ્ર રાજયની વિધાનસભામાં ગયા. પાંચ વર્ષ સુધી પ્રાથમિક શિક્ષણના પ્રશ્નોના ઉકેલ માટે કામ કર્યું. ૧૯૫૭, ૧૯૬૨ તથા ૧૯૬૭ માં દેશની સંસદમાં ચૂંટાઇને ગયા. આ દરેક સ્થિતિમાં લોક સાથેનો અનુબંધ કદી પણ ઢીલો થયો નથી. વિચારોની-મંતવ્યોની ધારદાર તેમજ સ્પષ્ટ અભિવ્યકિત એ તેમના વ્યકિતત્વનો એક સહજ ભાગ બનીને રહયા. રાજકોટ રાષ્ટ્રીય શાળામાં જયારે મળવાનું થાય ત્યારે તેમના વાત્સલ્યનો અનુભવ પણ થયા સિવાય રહે નહિ. જયાબહેન શાહની સ્મૃતિને ગ્રંથસ્થ કરીને ‘‘જેણે જીવી જાણ્યું’’ એ પુસ્તકનું પ્રકાશન સમયસર સમાજના ચરણે ધરવા માટે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ તથા તેના સુયોગ્ય સંપાદકો આપણાં અભિનંદનના હકકદાર બને છે. ભાઇશ્રી પિનાકી મેધાણી પાસેથી પ્રાપ્ત થયેલ આ પ્રકાશન જોઇને તથા તેનો અભ્યાસ કરીને વાચકના મનમાં એક નવી સ્ફુર્તિ તથા આત્મવિશ્વાસનો ભાવ જન્મે છે. જયાબહેન ગયા એજ વર્ષમાં ચુનીભાઇ વૈદ્ય પણ ગયા. પોતાના વિચારો માટે નિર્ધાર કરીને સતત સંઘર્ષપૂર્ણ જીવન જીવવું કઠીન છે. આમ છતાં જયાબહેન તથા ચુનીકાકા જેવા ગાંધી-વિનોબાના સેનાનીઓ હંમેશા પોતાની વિચારધારાને વફાદાર રહીને જીવન જીવ્યા. સંઘર્ષ તથા હાડમારીનો જાતે પસંદ કરેલો માર્ગ છોડીને ઢાળની દિશા મુજબ જયાબહેન કદી પણ ગયા નહિ. સત્વ તથા સ્વત્વ તેમના જીવનની ધરી સમાન હતા. આમ જૂઓ તો વિચારોની બાંધછોડ કરીને મહાત્મા ગાંધીએ પણ કયાં સહેલો માર્ગ પસંદ કર્યો હતો? કવિશ્રી કાગ આ સંદર્ભમાં લખે છે. ’
ઢાળ ભાળીને સૌ દોડવા માંડે,
ઢાળમાં નહિ દોડનારો
પોતાના ચણેલામાં પોલુ ભાળે તો
પાયામાંથી પાડનારો………..
ગાંધી મારો સો સો વાતુંનો જાણનારો.
જયાબહેનનું જીવન એ શુભ્ર-પવિત્ર ખાદીના વસ્ત્ર સમાન નિષ્કલંક છે. કારણ કે એ જીવન મૂલ્ય આધારિત જીવાયેલું છે. ચંન્દ્રશેખર ધર્માધિકારીજીનું આ અવલોકન બહેનના જીવન અંગે થોડામાં ઘણું કહી જાય છે. વજુભાઇ શાહની ચિરવિદાય પછી ત્રણ દાયકા સુધી સતત સક્રિય રહીને તેમણે સંસારમાં રહેવા છતાં જળકમળવત રહેવાની પોતાની વિરાટ આત્મશકિતનું ઉજળું ઉદાહરણ પૂરું પાડયું. પ્રજાની વ્યાપક જાગૃત્તિ તથા આ જાગૃત્તિ થકી પ્રજાની સાર્વજનિક કાર્યોમાં સતત ભાગીદારીની બાબતમાં તેમના સતત પ્રયાસો રહયા. સાંપ્રત સ્થિતિ જોઇને જયાબહેન અનેક પ્રસંગોએ અંજપો અનુભવતા હતા. આ અજંપા થકી જ તેમના વિચાર તથા કાર્યનો દોર સુદીર્ધ કાળ સુધી લંબાયો છે. કબીરદાસે ગાયું હતું.
સુખીયા સબ સંસાર હૈ
ખાયે ઔર સોયે,
દુખિયા દાસ કબીર હૈ,
જાગે ઔર રોયે.
જાગૃત્તિનો આ પ્રવાહ તેમણે અનુભવ્યો અને તેનું જ સિંચન સતત કરતા રહયાં. નિરાશા કે દુર્બળતાનો ઓછાયો પણ કદી આ કર્મઠ તથા તેજસ્વી જીવનને અડકી શકયો નહિ. નિશ્ચય કરીને જે જગતના માનવીઓના કલ્યાણના માર્ગ ઝંપલાવે તેમનામાં સમસ્યાઓના ઉકેલની શકિત આપોઆપ પ્રગટે છે. નરભેરામે લખ્યું છે તેમ નિશ્ચય પાકો હોવો જોઇએ.
નિશ્ચે કરો રામનું નામ,
નથી જોગી થઇને જાવું
નથી કરવા ભગવાં કાશાય
નથી ભેગું કરીને ખાવું.
ગમે તો તમે ભગવા કરજો
ગમે તો ઊજળાં રાખો
નહિ દૂભવો સામા જીવને
સુખ સામાનું તાકો
નથી રામ ભભૂતિ ચોળ્યે,
નથી ઊંધે શિર ઝોળ્યે
નથી નારી તજી વન જાતાં
જયાં લગી આપ ન ખોળે.
જંગલમાં મંગલ કરી જાણે
મંગલ જંગલ જેને
કડવું મીઠું, મીઠું કડવું,
રામજી વશ છે તેને.
પય ઓથે જેમ ઘૃત રહયું છે,
તલ ઓથે જેમ તેલ,
કહે નરભો રધુવર છે સઘળે,
એવો એનો ખેલ.
નિશ્ચે કરો રામનું નામ.
આપણે હોઇએ તે જગતમાં નજરે જોઇ શકાય તેવી પીડા કે તકલીફનો અનુભવ આપણી આસપાસના લોક કરતા હોય તો આપણો ધર્મ શું છે ? ભભૂતિ ચોળીને જંગલમાં બેસીને નામ સ્મરણ કરવાથી વ્યકિતગત ઉન્નતિ તો કદાચ થાય. પરંતુ નજર સામે જ પીડા ભોગવતા દુખી બાંધવો માટે કોણ કામ કરે ? સંસારના સઘળા કડવા કે મીઠા સ્વાદનો અનુભવ કરીને લોક કલ્યાણના કામોમાં રમમાણ રહેવાનું યશકર્મ કરીને જયાબહેને આત્મ સંતોષનો અનુભવ કર્યો. ગઇકાલ સુધી આપણી વચ્ચે સક્રિય રહીને ગાંધી વિચારના પવિત્ર યજ્ઞને ધખીતો રાખવા શ્રી નારાયણ દેસાઇએ આ ભાવનાથી જ છેલ્લા શ્વાસ સુધી કર્મઠતાનું શસ્ત્ર મ્યાન કર્યું નહિ. જયાબહેન જેવું જીવન જીવવાનો નાનો તથા નમ્ર પ્રયાસ એ જ જયાબહેનનું સાચું તર્પણ હોઇ શકે છે. કવિ મધુકર રાંદેરિયાના શબ્દો યાદ આવે છે.
ચલો આજ ભૈયા ઉઠાવી લો લંગર
સમદંરની અંદર ઝુકાવી દો કિસ્તી
સલામત કિનારાના ભયને તજી દો
તુફાનોને કહી દો કે કમ્મર કસી છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment