: સંસ્કૃતિ : કવિ જન્મ લે છે :  ન તે મૃત્યુ પામે :

સંસ્થાઓની સ્થાપના ઉમદાહેતુઓને ધ્યાનમાં લઈને કરવામાં આવે તથા તેના સંચાલન માટે યોગ્ય સાધનો તથા માનવબળ જોડવામાં આવે તો આવી સંસ્થાઓનું યોગદાન ઐતિહાસિક રીતે મહત્વનું તથા તેના હેતુઓને સિધ્ધ કરતુ ઉપયોગી અને યાદગાર બની રહે છે. કચ્છની રાવ લખપતજી પાઠશાળા કે ક.મા. મુનશીનું ભારતીય વિદ્યાભવન તેના બે ઉજળા ઉદાહરણો છે. આજ રીતે જુનાગઢમાં તે સમયની સૌરાષ્ટ્ર સરકાર દ્વારા સ્થાપવામાં આવેલ લોકસાહિત્ય વિદ્યાલય (૧૯૫૬-૧૯૬૫) આવું જ એક ઉજળું ઉદાહરણ છે. શ્રી રતુભાઈ અદાણી કે જેઓ લોકસાહિત્યના ઉમદા મર્મજ્ઞ હતા તેમજ તે વખતની સરકારમાં સ્થાન ધરાવતા હતા તેમના પ્રયાસો તેમજ શ્રી જયમલ્લાભાઈ પરમારની દીર્ધદ્રષ્ટિને કારણે આ વિદ્યાલયનો જન્મ થયો હતો. આ વિદ્યાલયના આચાર્ય તરીકે કવિ શ્રી પિંગળશી મેઘાણંદ લીલાની પસંદગી ખૂબ જ ઉચિત તથા અર્થસભર હતી. લગભગ ૬૦ થી વધારે લોકસાહિત્યના કલાકારો-કસબીઓ આ વિદ્યાલયના કારણે સમાજને પ્રાપ્ત થયા. આ કલાઘરોને ગુજરાતે મન ભરીને માણ્યાં તથા લોકસાહિત્યની સરવાણી તેનાથી સતત વહેતી રહી તેમજ જીવંત રહેવા પામી. લોકસાહિત્ય વિદ્યાલયની કથા ભાઈ શ્રી રાજુલ દવે એ આલેખી છે તે જોતાં આ વિદ્યાલયની અનેકવિધ દ્રષ્ટિએ ઉપયોગીતાનો સારા એવા પ્રમાણમાં પરિચય મળે છે. ગુજરાતના મૂકસેવક શ્રી રવિશંકર મહારાજે આ વિદ્યાલયની મુલાકાત લઈને પચાવેલા જ્ઞાનની પીરસણી જયાં થતી રહી તેવા વિદ્યાલયને અંતરના ઉમળકાથી બીરદાવ્યું હતું. કવિ શ્રી કાગ તથા મેરૂભાના નિયમિત સંપર્કનો લાભ પણ આ વિદ્યાલયને સતત મળતો રહ્યો. કવિ શ્રી પિંગળશીભાઈ લીલાના સાહિત્ય સર્જનના ક્ષેત્રમાં અનોખા યોગદાનની વાતો પણ અમદાવાદમાં મે-૨૦૧૫માં યોજવામાં આવેલા પુસ્તકમેળાની એક બેઠકમાં કરવામાં આવી. કવિની જન્મ શતાબ્દીના વર્ષના સંદર્ભમાં આ પ્રકારનું આયોજન ઉચિત તથા સમયસરનું હતું. સૌએ તેને આવકાર્યું હતું. 

ગુજરાત રાજ્યની સ્થાપનાના શુભ દિવસે જ પુસ્તક મેળાનું વિસ્તૃત આયોજન અમદાવાદમાં થાય તે સમાચાર ઉત્સાહપ્રેરક લાગે તેવા છે. અમદાવાદ મહાનગરપાલિકાના આયોજિત પ્રયાસોને કારણે તથા ગુજરાત યુનિવર્સિટીના સુવિધપૂર્ણ ઈન્ફાસ્ટ્રક્ચરને કારણે આ પુસ્તક મેળો વિશેષ આકર્ષક તથા અર્થસભર બને છે. નવી પેઢીમાં વિવિધ વિષયોના પુસ્તકોની વાચનની ભૂખ ઉઘડે તે દિશાના આ પ્રયાસને સાર્વત્રિક આવકાર મળે છે. સાહિત્યકારો-પત્રકારો-લોકકલાકારો તેમજ કવિઓ સાથે એક જ સ્થળે નિર્ધારીત સમયે સંવાદ થઈ શકે તેમજ તેમની રચનાઓ પણ માણી શકાય તે આ આયોજનનું ઉજળું તેમજ આકર્ષક પાસુ છે. બાળ સાહિત્ય પર ખાસ કાળજી લઈને જે વ્યવસ્થા થાય છે. તેનાથી શાળાએ જતા કિશોરોની સારી એવી હાજરી ધ્યાન ખેંચે તેવી રહે છે. સાહિત્ય કળા તથા શિક્ષણના સંદર્ભમાં પણ શહેરનું એક વિશેષ નામ તથા ખ્યાતિ થાય તેવો પ્રસંગ કરવાના તમામ પ્રયાસો અહીં થાય છે.

આપણાં ગાંધીયુગના લોકસાહિત્યકારો પૈકી એક શ્રી પિંગળશી મેઘાણંદ લીલાની જન્મશતાબ્દીના અવસરે તેમના સાહિત્ય સર્જનની સરવાણી બાબતની વિગતોની રજુઆત પણ આ પુસ્તકમેળા અંતર્ગત યોજાએલ એક બેઠકમાં કરવામાં આવી. કવિ શ્રી પિંગળશીભાઈ લીલાની અનેક કૃતિઓ તેના સત્વ તથા શબ્દોની સુગ્રથિત બાંધણીને કારણે ભાવકોને પસંદ પડી. પિંગળશીભાઈની રચનાઓનું વિષય વૈવિધ્ય પણ ધ્યાન ખેંચે તેવું આકર્ષક તથા પ્રભાવી છે.

ભાવનગર જિલ્લાના (જુનું ગોહિલવાડ) એક નાના ગામ અગિયાળીના શિવભક્ત નારણ સુતારને વહેલી સવારે પોતાના આંગણે અચાનક આવેલા જોઈને ગામના પ્રતિષ્ઠિત આગેવાન દરબાર શ્રી હરિસિંહજી ગોહિલને આશ્ચર્યથાય છે. દરબાર અનુભવી તથા સમજદાર છે. તેઓ બરાબર જાણે છે કે મહત્વની વાત કરવી ન હોય તો આ ‘સુથાર ભગત’ સમયનો વ્યય કરે તેવા નથી. ભગત પોતાના નિર્મળ સ્વભાવના કારણે આ આખા વિસ્તારમાં જાણીતા છે. દરબાર ભગતને વહેલી સવારે પોતાને ત્યાં આવવાનું કારણ પુછે છે. ભગતે આપેલો જવાબ ઐતિહાસિક છે. નારણ સુથાર કહે છે કે આખી જિંદગી બાવડાના જોરે મજુરી કરીને લાકડા ઘડ્યા છે. જોવા ન ગમે તેવા કાસ્ટમાળા મનોહર તથા ઉપયોગી સાધનો બનાવ્યા છે. પસીનાની આ ચાર દાયકાની કમાણીમાંથી થોડું ઘણું ધન બચાવ્યું છે તેનો સદ્દઉપયોગ કરવાની પ્રબળ ઈચ્છા મનમાં છે. વાત આગળ વધારતા ઉમેરે છે કે એક શિવ મંદિરનું નિર્માણ આ બચાવેલી જીવન મૂડીમાંથી કરવું છે. વીસ હજાર રૂપિયા આ કામ માટે ખર્ચ કરવો છે. દરબાર આ વાત સાંભળીને હેબતાઈ ગયા. આશરે ૧૦૦ વર્ષ પહેલા જ્યારે રૂપિયાની વાસ્તવિક કિંમત આજના સંદર્ભમાં ઘણી વધારે હતી ત્યારે આટલી મોટી રકમ જાહેર હેતુ માટે ખર્ચી નાખવાની એક સામાન્ય કારીગરની મહેચ્છા આશ્ચર્ય સાથે અહોભાવ ઉપજાવે તેવી હતી. પરંતુ ભગતની વાણીમાં તથા ચહેરા પરની મક્કમતા જોઈને સહેજ પણ શંકા રહે તેમ ન હતું. દરબારે અંતરના ઊંડાણથી સુથાર ભગતને બિરદાવીને સંમતિ અને સહયોગ કરવાનો વાયદો કર્યો. પરંતુ ગામની શોભા વધારે તેવા આ મંદિરના નિર્માણ પછી આ પ્રસંગને તથા તેના મહત્વને સ્થાયીરૂપ આપી શકે અને આ ઘટનાને લોકસ્મૃતિમાં અમર કરી શકે તેવા ભાવનગર રાજ્યના રાજ્યકવિ શ્રી પિંગળશી પાતાભાઈ નરેલાને આ નૂતન શિવાલયના દર્શન કરવા દરબાર હરિસિંહે સહેતુ આમંત્રણ આપ્યું. કવિરાજની જીભે મા સરસ્વતીનો વાસ છે તથા જ્યાં પણ શુભ જુએ ત્યાં સહેજ પણ સંકોચ કે ગણતરી સિવાય તેને બીરદાવવાની કવિની ઉજળી છાપથી દરબાર પૂરેપૂરા વાકેફ છે. આથી આ મંદિરના નિર્માણનો પ્રસંગ તેમજ ઉદાર ચરિત સુથાર ભગતનું ધન્યનામ તથા કામ કાળના સતત વહેતા પ્રવાહમાં ચિરકાળ માટે સ્થાન પામે તેવી એક સ્વાર્થરહિત ગણતરી પણ સમજુ દરબારના મનમાં ધરબાઈને પડી હતી. દરબારની ગણતરી સાચી પણ પડી. સુંદર શિવમંદિર તેમજ નારણ સુથારની જીવનમૂડીનો અર્થપૂર્ણ ઉપયોગ થયેલો જોતાંજ કવિરાજે હરખભેર તેમજ એક પળનોયે વિલંબ કર્યા વગર સુથાર ભગતને બિરદાવતા શબ્દો વહેતા કર્યા :

માયા તો મહેમાન છે

સમજ્યો તું સુતાર

હાથે વીસ હજાર,

નાણાં ખરચ્યા નારણાં

વિશ્વનો વહેવાર (એમાં)

સગાયે સંભારે નહિ,

સંભારશે સુથાર (તને)

નરણે કોઠે નારણાં

ભેળો બાંધી ભાર (અમે)

જાતાં કોઈ જોયા નહિ

તું સાથે લઈ સુથાર,

નકી જવાનો નારણાં.

કવિરાજના ઉજળા તથા અસરકારક શબ્દો સાંભળીને સૌના હૈયા હરખાયા. સ્વભાવગત સંકોચ ધરાવનાર સુથાર ભગતને પોતાની પ્રશંસા સાંભળીને ક્ષોભ થયો. પોતાના મનની લાગણીને વ્યક્ત કરતાં ભગત કવિરાજને નમ્રતાથી કહે છે: ‘‘બાપુ! હું તો મજુર માણસ છું. આ બધો પ્રતાપ તો ગામ સમસ્ત તથા અમારા દરબારનો છે.’’ કવિરાજે આ નમ્રતાના ફૂલો સમાન શબ્દોનો ઉચિત પ્રતિભાવ આપતા ફરી એક દોહો લલકાર્યો.

પ્રતાપ તારા પુન્યનો

(તને) સુઝી ગયું સુતાર,

ભર્યાં મૂકી ભંડાર (ઘણાં)

નૃપ ઠાલા ગયા નારણાં.

સંપતિ હોવી એ એક વાત છે. પરંતુ સંપતિનો વ્યય જનહિતાર્થે કરવો તે માનવજીવનની ગરીમા છે. મેઘાણીભાઈ તથા કવિ પિંગળશીભાઈ નરેલા જેવા ધન્યનામ કવિઓએ સમાજના આવા નાના નાના પરંતુ જીવનના મૂલ્યોને કળશ ચડાવે તેવા પ્રસંગોનું સંશોધન તેમજ આલેખન કરીને સામાન્ય માણસમાં રહેલી અસામાન્યતાનું દર્શન કરાવેલું છે. આપણે ઈતિહાસમાં જેમણે નામ અને સ્થાન મેળ્વ્યા છે તેવા સમ્રાટોના ચરિત્રતો લખાતા જોયા છે. પરંતુ લોકકવિઓએ તો સામાન્ય માણસની ઉદારતાની વીરતાની તેમજ સ્વભાવગત ખાનદાનની વાતો કરીને તેમને ચીરંજીવી બનાવ્યા છે.

તન ચોખા મન ઉજળા

ભીતર રાખે ભાવ

કિનકા બૂરા ન ચિંતવે

તાકુ રંગ ચડાવ.

ધન્યનામ નારણ સુથારનો આ પ્રસંગ કવિ શ્રી પિંગળશીભાઈ લીલાએ તેમની સુરેખ કલમે લખીને આપણાં સુધી પહોંચાડ્યો છે.

કવિ શ્રી પિંગળશીભાઈ લીલાએ તેમની ભક્તિ રચનાઓ થકી પણ પોતાના અમૂલ્ય સાહિત્ય સર્જનને શોભાવ્યું છે. કવિને સચરાચરમાં ઈશ્વરનું અનાયાસ દર્શન થયા કરે છે.

દીઠો દીઠો ઈશ્વર દીઠો

કયાં કયાં દીઠો?

સૃષ્ટિની શોભામાં દીઠો

વેધૂની વાણીમાં દીઠો

સુરજના કિરણોમાં દીઠો

પહાડોની ખીણોમાં દીઠો

સંધ્યાને ઉષામાં દીઠો

દશેય આ દિશામાં દીઠો

સાગરને ઘુઘવાટે દીઠો,

વાયુને સુસવાટે દીઠો

દ્રષ્ટિનો જો દોશ નિવારી

નિર્મળ નજરું કરી

જ્યાં જોયું ત્યાં ઈશ્વર દીઠો

ભ્રમણાં ભાંગી પડી.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑