: સંસ્કૃતિ :: કવિગુરુના કાવ્યલોકમાં :

       ઝાકળના નાના – નગણ્ય બિંદુને પણ સૂર્યત્વ પામવાની અભિલાષા ધરાવવાનો હક્ક છે તેવી રમણીય કલ્પના કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોર સિવાય બીજું કોણ કરી શકે ! મે મહીનામાં કવિગુરુનો જન્મ તેથી તેમની અનેક અમર રચનાઓને પુન: વાગોળવાનો તથા માણવાનો આ વિશેષ સમય છે. કવિવર ટાગોરની મૂળ રચનાઓ આપણી ભાષામાં લાવવાનો ઉપકાર રાષ્ટ્રીય શાયર મેઘાણીએ આપણી ઉપર કર્યો છે. કાકાસાહેબ કવિગુરુની રચનાઓને ‘‘ સાર્વભૌમ હ્રદયવાણી ’’ તરીકે ઓળખાવે છે. કાકાસાહેબ ઉમેરે છે કે જેમ દુનિયાના તમામ ધર્મો કુટુંબભાવના કેળવવા માટે ગાંધીજીમાં આવીને વસ્યા છે તેજ રીતે વિશ્વના ભક્ત-કવિઓ ટાગોરના હ્રદયમાં મજલિસ જમાવીને બેઠા છે. સાદાઇ એ કવિવર ટાગોરની રચનાઓનું સૌથી આકર્ષક ઘરેણું છે તેવું કાકાસાહેબનું વિધાન યથાર્થ છે. ઉનાળાની બળબળતી લૂમાં શેકાતી શ્રમજીવી નારીની વેદના કવિગુરુ ઝીલે તે ખૂબ અસરકારક તથા અનોખું લાગે છે. મેઘાણીભાઇ તે વેદનાને એટલીજ સહજતાથી આપણી ભાષામાં ઉતારે છે.

કડિયાની હાક પડે હડીઓ ત્યાં કાઢતી

દીઠી સાંતાલની નારી

ધગધગતી માટીની સૂંડલીઓ સારતી

દીઠી સાંતાલની નારી

લાજી લાજીને મારા લોચન બિડાય છે :

દીઠી સાંતાલની નારી

ચાર આઠ ત્રાંબિયાની રોજી આપીને મેં

લૂંટી સાંતાલની નારી

આજ દીઠી સાંતાલની નારી.

       વિદ્વાન સાક્ષર શ્રી ભોળાભાઇ પટેલના મંતવ્ય પ્રમાણે મેઘાણીભાઇએ ‘‘રવીન્દ્રવીણાં’’ માં જે કવિવર ટાગોરના ગુજરાતીમાં થયેલા અનુવાદ મૂક્યા છે તે ટાગોરના કાવ્યોના થયેલા ગુજરાતી અનુવાદોમાં સૌથી વધારે લોકપ્રિય થયા છે. મહાત્મા ગાંધી તથા કવિવર ટાગોરનું એક સમયે હોવું એ માનવજાતને મળેલો મોટો આશીર્વાદ છે. આપણું અમૂલ્ય ગૌરવ છે.

કાળની એ ક્ષણો ધન્ય બની હશે કે જ્યારે ગઇ સદીના બે વિરાટ મહામાનવીઓ ગુજરાત – અમદાવાદમાં મળ્યા હશે. માત્ર કોઇ એક પ્રદેશનો નહિ પરંતુ  વિશ્વમાં વસતો અને શ્વસતો કોઇ પણ માનવ જેના અનુગામી હોવાનું ગૌરવ અનુભવે તેવા કવિગુરુ ટાગોર તથા મહાત્મા ગાંધીના મિલનની તથા તેમના વૈચારીક આદાન-પ્રદાનની વાતો મહાદેવભાઇ સિવાય આપણાં સુધી કોણ પહોંચાડી શક્યું  હોત ? આ બન્ને મહાનુભાવોના ધીર ગંભીર વ્યક્તિત્વ હેઠળ વિનોદનું કલકલ વહેતું ઝરણું તેમના વ્યક્તિત્વમાં મેઘધનુષી રંગોની પૂરવણી કરતું હતું. ૧૯૩૦ માં ગાંધી – રવિન્દ્રનાથની મુલાકાત એક અમૂલ્ય સંભારણું છે. કવિગુરુનો જન્મ દિવસ – ૭ મે (૧૮૬૧ – ૧૯૪૧) આ માસમાં આવે છે. તેથી તેમનું વિશેષ સ્મરણ થાય છે. આ બન્ને મહાનુભાવો મળ્યા ત્યારે તેમની ચર્ચામાં ગૂંથાયેલી હળવી ક્ષણોનું પણ એક અનોખું સૌંદર્ય છે. એક પ્રસંગ એવો નોંધાયો છે કે કવિગુરુએ થાકેલા અવાજે ગાંધીજીને કહ્યું કે તેઓ હવે સીત્તેર વર્ષના થયા છે એટલે ગાંધીજી કરતાં ઘણાં મોટા કહેવાય. આ બાબતમાં ગાંધીજીનો જવાબ સાંભળવો ગમે તેવો છે. ગાંધીજી ગુરુદેવને જવાબ આપતાં કહે છે : ‘‘ સાચું, પણ જ્યારે ૬૦ વર્ષનો વૃધ્ધ (ગાંધીજીની તે સમયની ઉમ્મરના સંદર્ભમાં) નાચી શકતો નથી ત્યારે ૭૦ વર્ષનો યુવાન કવિ નાચી શકે છે ! ’’ હસતા હસતા કવિગુરુએ આ વાતમાં સંમતિ આપી. ગાંધીજી કોઇપણ સારા કે નરસા સંજોગોમાં પોતાનું સ્વાસ્થ્ય જાળવી શકે છે. આ સંદર્ભમાં કવિવરે મજાક કરી. કવિશ્રી ગાંધીજીને કહે છે : તમે ફરી પાછા એક ‘‘ એરેસ્ટ ક્યોર (arrest cure) ’’ ની તૈયારીમાં પડ્યા લાગો છો. માણસ થાકી જાય અને આરામ કરીને તબિયત સુધારવા પ્રયાસ કરે તો સામાન્ય રીતે તેને ‘‘ rest cure ’’ કહેવાય. અહીં ગાંધીજી બ્રિટીશ સત્તા સામેની લડતમાં પકડાઇને જેલમાં જાય ત્યારે તે arrest cure ગણાય તે તરફ કવિગુરુનો સંકેત હતો. ત્યારબાદ આ હળવી વાતોનો દોર આગળ ચલાવતા કવિગુરુ કહે છે : ‘‘ મને પણ સરકાર થોડા દિવસ દેશનિકાલ કરે તો કેવું સારું ? ’’ ત્વરીત જવાબ આપવા માટે જાણીતા મહાત્મા કહે : ‘‘ તમારા ઢંગ તેવા નથી એટલે સરકાર બિચારી શું કરે ? ’’ હાજર રહેલા સૌ આ હળવો છતાં માર્મિક સંવાદ સાંભળીને હસી પડ્યા. તેની નોંધ મહાદેવભાઇએ કરી છે. અભ્યાસુ ચિંતક ત્રિદીપ સુહ્રદે પણ આ વાતની નોંધ કરી છે જેનું પ્રકાશન ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ તથા ધીરુભાઇ ઠાકરની દીર્ઘદ્રષ્ટિથી આપણાં સુધી પહોંચ્યું છે.

       કવિગુરુને આપણી ભાષામાં આપણાં સુધી પહોંચાડવાના પ્રયાસ શ્રી ભોળાભાઇ પટેલ જેવા ધન્યનામ લોકોએ કર્યા તેવા નામોમાં સમર્થ લોકકવિ શ્રી ઝવેરચંદ મેઘાણીનું સ્મરણ અનિવાર્ય છે.

ગગને ગાજે મેઘ ધન વરષા

કૂલે એકા ખોશે આધિ, નાહિ ભરશા

એક ખાનિ છોટો ખેતે આમિ એકેલા

ચારિદિકે બાંકા જલ કરિ છે ખેલા.

       કવિગુરુની ‘સોનાર તરી’ ના આ પંક્તિઓનું આપણી ભાષામાં મેઘાણીભાઇએ કરેલું અવતરણ ચિત્તને પ્રસન્ન કરે તેવું મોહક તથા આકર્ષક છે.

ગાજે ગગને મેહુલિયો રે,

વાજે વરસાદ – ઝડી,

નદીપૂર ઘૂઘવિયાં રે કાંઠે બેઠી એકલડી !

મારા નાના ખેતરને રે

શેઢે હું તો એકલડી.

     મેઘાણીભાઇ જાતે જ લખે છે કે આ કૃતિઓ ગવાતી સાંભળનારને એ બંગાળની – કોઇ પરભોમની લાગતી નથી. એ અનુવાદિત છે એવુંયે લાગશે નહિ. પછી આ લોકસ્પંદનો ખૂબીથી ઝીલવાની શક્તિ ધરાવતા કવિ ઉમેરે છે કે આ મૂળ બંગાળી રચનાઓ તેમના ચિદાકાશમાં આત્મસાત્ થયા પછી તેનો ગુજરાતી અવતાર થયો છે. કવિવરની સુડોળ સર્જકતા આપણાં સુધી તેની પૂરી સુગંધ તથા સૌંદર્ય સાથે મેઘાણીભાઇ રસથાળ ભરીને લાવ્યા છે. આ સિવાય નીચેની રચના જે આજેય વ્યાપક રીતે ગવાય છે તથા જેને વિશાળ જનસમૂહ અંતરના ઉમંગથી વધાવે છે તેમ થયું ન હોત.

ઘર ઘરર ઘરર મેઘઘટા

ગગને ગગને ગરજાટ ભરે

ગુમરી ગુમરી ગરજાટ ભરે

નવે ધાન ભરી સારી સીમ ઝૂલે

નદીયું નવ જોબન ભાન ભૂલે

નવદીન કપોતની પાંખ ખૂલે

મન મોરબની થનગાટ કરે.

       કવિગુરુના શ્રીમુખેથીજ મેઘાણીભાઇએ કલકત્તામાં ‘નવવર્ષા’ કાવ્ય સાંભળ્યું તેને હવે સો વર્ષ પૂરા થશે. આમ છતાં આ સર્જનના મેઘાણીભાઇના અમર અનુવાદની અપીલ જાણે કે દિવસે દિવસે વધતી જાય છે ! આથીજ વિદ્વાન વિવેચક પ્રાધ્યાપક ફિરોઝ દાવરે મેઘાણીભાઇએ કરેલી ટાગોરની રચનાઓનો અનુવાદ એ translation નહિ પરંતુ transtusion છે એમ કહેલું છે. કવિવર ટાગોરની ૭૫ મી જન્મજયંતી નિમિત્તે ૧૯૩૧ માં ‘‘સંચયિતા’’ પ્રગટ થઇ. આ પસંદ કરેલી રચનાઓના અનુવાદનું કાર્ય મેઘાણીભાઇએ ટાગોરનું નિધન ૧૯૪૧ માં થયું ત્યારપછી તેમને અંજલિ આપતાં કર્યું. કવિગુરુને શબ્દપુષ્પોથી અંજલિ આપતાં મેઘાણીભાઇએ લખ્યું : ‘‘ તમે કવિ હતા. કવિ શબ્દ હવેથી અમે જાળવીને વાપરશું. ’’ કેવો ઉત્કટ ભાવ ! મેઘાણીભાઇ સાથે ૧૯૩૩ માં મુંબઇમાં થયેલી મુલાકાત દરમિયાન કવિવર ‘‘ ના છડિયા હિથયાર ’’ સાંભળીને ઝૂમી ઊઠ્યાં તેની સુખદ સ્મૃતિ મેઘાણીભાઇના મનમાં લીલીછમ રહી હતી.

       અસલ કૃતિને હૈયામાં એકાકાર કરીને જ્યારે અનુવાદ સ્વરૂપે કોઇ નવી રચના આવે ત્યારે તેનું એક વિશિષ્ટ સૌંદર્ય હોય છે. તે રચનાનું પણ એક સ્વતંત્ર વ્યક્તિત્વ ઊભરાઇને સામું આવે છે. ઝાકળના નાના- શા બિન્દુની વ્યથા કાન માંડીને સાંભળવા જેવી છે.

ઝાકળના પાણીનું બીન્દુ

એકલવાયું બેઠું તું.

એકલવાયું બેઠું તું ને

સૂરજ સામે જોતું તું.

સૂરજ સામે જોતું તું ને

ઝીણું ઝીણું રોતું તું.

સૂરજ ભૈયા ! સૂરજ ભૈયા !

હું છું ઝીણું જલબિન્દુ.

મુજ હૈયે તમને પધરાવું

શી રીતે હે જગબંધુ !

       કશ્યપ ઋષિના પુત્ર સૂર્ય તો પ્રત્યક્ષ દેવ છે. ઊગીને અજવાળા પાથરનાર આ મહાદેવ ઝાકળ બિન્દુની અંતરની વેદના સાંભળી – ન સાંભળી કરે તેવું બની શકે નહિ. આ નાના- શા બિન્દુના ઝીણેરા ગવનને હોંશભેર વધાવતા સૂર્યદેવ પ્રત્યુત્તર વાળે છે.

જલબિન્દુ હે જલબિન્દુ !

ઓ નાજુક જાકળ બિન્દુ !

સૂરજ બોલે : સૂણ બંધુ !

તુજ સરખો નાનકડો થૈને

તુજ અંતરમાં આસન લૈને

ઇન્દ્રધનુની રમતો રમવા

આવીશ, હે બિંદુ !

       પ્રતાપી અને પ્રચંડ સૂર્ય તથા નાજુક – નમણાં તથા ક્ષણજીવી ઝાકળબિન્દુનો આ સંવાદ કવિગુરુની કલમેજ પ્રગટી શકે. તેનો આવો રમણિય અનુવાદ મેઘાણી જેવા મર્મીજ કરી શકે. કવિગુરુની સ્મૃતિ ગ્રીષ્મના આ બળબળતા વાયરામાં પણ શિતળતાનો અનુભવ કરાવે છે.

***

Leave a comment

Blog at WordPress.com.

Up ↑