કોઇપણ જીવંત વ્યક્તિને સમુદ્રનું અનેરું આકર્ષણ હોય છે. જો આવી વ્યક્તિ કવિ હોય અને ક્રાંતિકારી પણ હોય તો વિશાળ તથા અફાટ વારિધિ તરફનું આકર્ષણ વિશેષ રહે છે. સંપૂર્ણ બંધક હોવા છતાં એકાદ ડઝન શસસ્ત્ર સૈનિકોથી ઘેરાયેલા વીર સાવરકર (વિનાયક દામોદર સાવરકર – ૨૮-૦૫-૧૮૮૩ થી ૨૬-૦૨-૧૯૬૬) સમુદ્રના પાણી ઉપર મંગળમય સૂર્ય કિરણોનું નૃત્ય નિહાળતા હતા. કવિ હ્રદયના આ ક્રાંતિકારીના દિલમાં બંધક હોવાની સ્થિતિમાં પણ રમણિય ભાવ ઊછળતા હતા. વીર સાવરકર પર દેખરેખ રાખતા એક જાગૃત ગોરા પોલીસ અધિકારીએ કહ્યું કે સમુદ્ર સામે એકધારું જોવાનો અર્થ નથી. અફાટ સાગર તથા અસીમ આકાશ વચ્ચે કોઇ તમારી મદદ કરી શકે તેમ નથી તેવું સત્તા સહજ તુમાખીથી આ અધિકારીએ સાવરકરને સંભળાવ્યું અને ફરજ બજાવવાનો સંતોષ અનુભવ્યો. પરંતુ કુદરતના આવા અવનવા રૂપોથી આકર્ષિત થયેલા વીરને આ શબ્દો નિરાશ તો શું પણ કોઇ અસર પણ ન કરી શક્યા. અચાનક એક દિવસે ફ્રાન્સના માર્સેલ્સનો કિનારો જોતાં વીર સાવરકરને વીરતાનું એક અદ્વિતિય તથા અસાધારણ પગલું ભરવાની મહેચ્છા થઇ. તેમાં મુક્તિની સંભાવના પણ રહેલી હતી. ‘‘માથા સાટે મોંઘી મોંઘી વસ્તુ’’ મેળવવા કિમ્મત પણ એવીજ ચૂકવવી પડે. વિચારનો અમલ ન કરે તો એ સાવરકર શાના ? શૌચાલય જવાના બહાને ગોરી સરકારના આ વી.આઇ.પી. બંધક શૌચાલયની નાની બારીમાંથી અફાટ સમુદ્રમાં ખાબક્યા. ભારતના મુક્તિ સંગ્રામની આ એક અનોખી ઘટના હતી. વીરતાનો ઉત્કૃષ્ટ નમૂનો હતો. તેમાં ચોક્કસ ગણતરી પણ હતી. જીવના જોખમે ફ્રાન્સના કિનારે તે દેશની હદમાં પહોંચી જવાય તો ફ્રાન્સના કાયદા અનુસાર કાર્યવાહી થાય. પરંતુ બ્રિટીશ હકૂમતના બંધનમાંથી મુક્તિ મળે. વીર સાવરકર જેવા ક્રાંતિવીરો તીરે ઊભા રહીને તમાશો જોનાર ન હતા. તોફાનોની પણ ખબર લઇ નાખવાની કોઇ મજબૂત શક્તિ તેમનામાં હતી.
કહો નાખુદાસે વો લંગર ઉઠાલેં
હમ તુફાનકી ઝીદ દેખના ચાહતે હૈ.
અંગ્રેજોની કૂટ નીતિના પરીણામે વીર સાવરકરનો આ પ્રયાસ તો સફળ ના થયો પરંતુ ભારતના મુક્તિ સંગ્રામની એક અનોખી ઘટના તરીકે આ અસાધારણ વીરતાના પ્રયાસને ઇતિહાસકારાઓએ બીરદાવ્યો છે. તે સમયના દેશ તથા દુનિયાના સમાચારપત્રોએ આ અદ્વિતિય ઘટનાની વ્યાપક નોંધ લીધી. ૧૯૧૦ માં બનેલી આ ઘટના આજે પણ એક થ્રીલર જેવી લાગે છે. આ માસની ૨૮ મી તારીખે (૨૮ મે, ૧૯૮૩) જેમનો જન્મ થયો હતો તેવા વીર સાવરકરની જન્મજયંતિના ઐતિહાસિક પ્રસંગે તેમની સ્મૃતિ ઘણાં દેશવાસીઓના મનમાં થતી હશે. વિનાયકના મોટાભાઇ ગણેશ સાવરકર તથા તેમના નાનાભાઇ નારાયણ સાવરકર પણ માતૃભૂમિને મુક્ત કરવાના ભીષણ જંગમાં જંપલાવનાર એવા સુવિખ્યાત નામો હતા. એક જ કુંટુંબના દરેક સભ્યો સાંસારિક જીવનની તમામ સુખ સુવિધાઓનો સ્વેચ્છાએ ત્યાગ કરનારા છે. સામે ચાલીને આફતને તેમણે આવકારી છે. પરંતુ અન્યાય તથા શોષણ સામે અણનમ રહયા છે. માર્ગની અનેક અડચણ તેમને રોકી શકી નથી. મેધાણીભાઇએ લખ્યું છે.
રહેશે અધૂરી વાટ, ભાતા ખૂટશે
પડશે ગળામાં શોષ, શકિત તૂટશે,
રસ્તે છતાં ડૂકી જવાથી શું થશે !
આગે કદમ ! આગે કદમ ! આગે કદમ !
દુનિયાના જે દેશોના ભાગ્યમાં પરાધિનતા લખી હતી તેવા દરેક દેશના મુકિત સંગ્રામના પ્રયાસોનો ઇતિહાસ ઉજળો છે. ભારતના મુકિત સંગ્રામનો ઇતિહાસ પણ ભાતીગળ છે. આ સંગ્રામમાં એક તરફ નૈતિક શક્તિના હિમાલય સમાન ગાંધી તથા તેમના માર્ગે ચાલનારા નિષ્ઠાવાન વીરોની સેના છે. બીજી તરફ શામજી કૃષ્ણવર્મા – સાવરકર– સરદારસિંહ રાણા જેવા ‘‘ખાકની મુઠ્ઠી ભરી રાજી થનારાઓ’’ છે. બંન્ને પ્રકારના લોકોનું ધ્યેય એક જ છે પરંતુ તેને પ્રાપ્ત કરવાની પધ્ધતિઓ ભિન્ન છે. વીર સાવરકરની આત્મકથા – ‘માઝી જન્મઠેપ’ (મારી જનમટીપ) વાંચનારને એવી પ્રતીતિ થાય કે તેઓ સારા ગદ્યકાર પણ હશે.
વીર સાવરકરની પુણ્યસ્મૃતિ સાથેજ તાજેતરમાં ધંધુકા ખાતે થયેલો એક નાનો શો પ્રસંગ ધ્યાન ખેંચે તેવો છે. ઇ.સ. ૧૯૩૦ માં ધોલેરા સત્યાગ્રહના કાળમાં જે યાદગાર તથા અન્યાયી મુકદૃમો મેઘાણીભાઇ સામે ચલાવવામાં આવ્યો તે જાણીતી ઘટના છે. ધંધુકાની અદાલતમાં ચાલતી કાનૂની કાર્યવાહીની ચર્ચા તત્કાલીન સમયે મોટા પ્રમાણમાં થતી હતી. જેમાં તે સમયે અદાલત બેસતી તે સરકારી મકાન તથા તેનું નાનું મેદાન આજે હયાત છે અને રાજ્ય સરકારના કબજામાં છે. આ સ્થળે એક નાનું સ્મૃતિ સ્થળ પણ વિકસાવવાનો પ્રશંસાપાત્ર પ્રયાસ થયો છે. આ મેદાનમાં મેઘાણીભાઇ પર ચાલેલા આ મુકદૃમાની તથા તેની સાથે સંકળાયેલા ગૌરવયુક્ત પ્રસંગોની સ્મૃતિ તાજી કરવા ત્યાં શૌર્યગીતોના પ્રસ્તુતિકરણનો એક સુઆયોજિત કાર્યક્રમ તા.૨૮ એપ્રિલ-૨૦૧૫ના રોજ થયો. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા શ્રી ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સંયુકત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમના માધ્યમથી લોકોએ પુનઃ રાષ્ટ્રીય શાયર મેઘાણીને યાદ કર્યા તથા વધાવ્યા. ૨૮ એપ્રીલ-૧૯૩૦ થી ૨૮ એપ્રીલ-૨૦૧૫ એટલે કે સાડા આઠ દાયકા પછી પણ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા લોક સમૂહે ભારે ઉમળકાભેર આ પ્રસંગની સ્મૃતિ તાજી કરી. કેવી ખૂમારી તથા નૈતિક શક્તિના જોરે આ શાયરે અદાલતના કઠેડામાંથી પણ રાષ્ટ્રભકિતને રમતી મૂકી હશે તે અસાધારણ લાગે તેવી બાબત છે. ૨૮ એપ્રિલ-૧૯૩૦નો એ ધન્ય દિવસ મુકિત સંગ્રામની એક ઐતિહાસિક તવારીખ સમાન છે. મેઘાણીભાઇએ આભ-ઊંચા શબ્દોને વહેતા કરેલાં છે. આ છેલ્લી પ્રાર્થનાના શબ્દો હ્રદયસ્પર્શી છે.
હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ
કલેજા ચીરતી કંપાવતી અમ ભયકથાઓ
મરેલાંના રૂધિરને જીવતાંના આંસુડાઓ :
સમર્પણ એ સહુ તારે કદમ, પ્યારા પ્રભુઓ !
અમારા યજ્ઞનો છેલ્લો બલિઃ આમીન કેજે !
ગુમાવેલી અમે સ્વાધિનતા તુ ફેર દેજે !
વધારે મૂલ લેવા હોય તોયે માગી લેજે !
અમારા આખરી સંગ્રામમાં સાથેજ રેજે !
નથી જાણ્યુ અમારે પંથ શી આફત ખડી છે
ખબર છે આટલી કે માતની હાકલ પડી છેઃ
જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છેઃ
ફિકર શી જયાં લગી તારી અમો પર આંખડી છે?
ભલે હો- રાત કાળી આપ દીવો લૈ ઊભા જો !
ભલે રણમાં પથારી- આપ છેલ્લા નીર પાજો !
લડન્તાને મહા રણ ખંજરીના ઘોષ ગાજો !
મરન્તાને મધુરી બંસરીના સૂર વાજો !
અનેક લોકોની હાજરીમાં ખુલ્લી અદાલતમાં શબ્દોની આવી કાવ્યમય અભિવ્યક્તિ વિશ્વમાં ભાગ્યેજ કોઇ સ્થળે થઇ હશે. કવિએ સમર્પણની વાત કરી છે. સાવરકર બંધુઓના જીવન પણ સમર્પણના પાયા ઉપરજ ઉન્નત મસ્તકે ઊભાં છે. સમર્પણના સર્વોચ્ચ સંકલ્પ સિવાય લંડન જઇને બારિસ્ટર થયેલો યુવાન કુટુંબના તમામ સભ્યો સાથે ફનાગીરી શા માટે વહોરીલે ? સ્વાધિનતા જે ગુમાવી છે તે પુનઃ પ્રાપ્ત કરવાની ઝંખના છે. આ હેતુ માટે કોઇપણ મૂલ્ય ચુકવવાની સંપૂર્ણ તૈયારી છે. પંથ વિકટ છે પરંતુ શાયર લખે છે કે અમારા હૈયામાં હામ છે. માતની હાકલ સાંભળી નીકળી પડેલાં આ વીરોની પૂર્ણ શ્રધ્ધા પરમ તત્વ તરફ છે. તેથીજ આ વીરતાપૂર્ણ વાણી પ્રાર્થના સ્વરૂપે વહી છે. સંઘર્ષમાં પણ મક્કમ મનોબળ રાખીને જીવનાર આ આખી પેઢીએ સ્વાતંત્ર્યનું અમૂલ્ય ફળ આપણાં સુધી પડકારો વચ્ચે પહોંચાડયું છે તેને જાળવવાની જવાબદારી આપણાં શિર ઉપર છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment