ભાવનગરના દીવાન સર પ્રભાશંકર પટ્ટણી તથા ભાવનગર રાજ્યના લોકની સુખાકારીને ધ્યાનમાં રાખીને થતો વહીવટ એ તે સમયમાં તેમજ આજે પણ તેટલીજ સુવિખ્યાત વાત છે. વહીવટની આ પધ્ધતિમાં ખૂબીઓતો અનેક જોવા મળે છે, પરંતુ તેમાં શિરમોર જેવી બાબત એ સંવેદનશીલતાની છે. જે વહીવટમાં સંવેદનશીલતા હોય તે વહીવટ વિશેષ લોકાભિમુખ બની શકે છે. સર પટ્ટણીના જીવનમાં ડગલે ને પગલે આવા ઉત્કૃષ્ટ સંવેદનશીલતાના પ્રસંગો બન્યા છે. મુકુન્દરાય પારાશર્યના લખાણોને કારણે આ બાબતો આપણાં સુધી પહોંચી છે. સર પટ્ટણી એક વખત રેલ્વેની મુસાફરી કરતા હતા ત્યારનો પ્રસંગ નોંધાયો છે. વઢવાણ સ્ટેશને દીવાન સાહેબના ખાસ સલૂનમાં પ્રવેશ કરવાનો એક વૃધ્ધ માણસે પ્રયાસ કર્યો. તે વ્યક્તિનો હેતુ પટ્ટણી સાહેબના દર્શન કરવાનો હતો. પટ્ટણી સાહેબ થાકને કારણે આરામ કરતા હોવાથી તેમના સેક્રેટરીએ એ વૃધ્ધ માણસને વિવેકથી અટકાવ્યા. પરંતુ તે વ્યક્તિ પટ્ટણી સાહેબના દર્શનની તક ગુમાવવા માગતો ન હતો. સલૂનની પાછલી બાજુએથી તેણે પટ્ટણી સાહેબની અનુમતિથી સલૂનમાં પ્રવેશ કર્યો. પટ્ટણી સાહેબને જોતાંજ વૃધ્ધે ભાવવિભોર થઇને કહ્યું કે પટ્ટણી સાહેબ જ્યારે મેટ્રિકની પરીક્ષા દેવા અમદાવાદ ગયા ત્યારે તેમના સસરા સાથે ઓળખાણ ધરાવતા આ અજાણ્યા મુલાકાતીને ત્યાં રોકાયા હતા. સિધુ લઇને ભોજન કર્યું હતું. ભેટે તલવાર બાંધેલા આ વૃધ્ધ ક્ષત્રિયને તથા તેના ચહેરા પરની બાળ સહજ પ્રસન્નતાને પટ્ટણી સાહેબ ધ્યાનથી જોવા લાગ્યા. પોતે પણ ખૂબ રાજી થયા. વૃધ્ધની માફી માગીને પટ્ટણી સાહેબે કહ્યું કે તેઓ આ ૫૦ વર્ષ પહેલા મળેલા અને પોતાના યજમાન બનેલા મુલાકાતીને ઓળખી ન શક્યા. પરંતુ દીવાન સાહેબની સ્મૃતિમાં એ પ્રસંગ ફરી તાજો થયો. પ્રેમપૂર્વક વાતો કરીને બન્નેએ આનંદ કર્યો. વૃધ્ધ જવા માટે ઊભા થયા ત્યારે તેમણે ૫૦ વર્ષ પહેલા કરાવેલી મહેમાનગીરી માટે અંતરથી આભાર માન્યો. એક મોટી રકમ બંધ કવરમાં વૃધ્ધના હાથમાં વૃધ્ધની આનાકાની છતાં મૂકી. મુલાકાતની સ્મૃતિમાં બન્નેના અશ્રુબિંદુઓએ જાણે માનવતાના મહાકાવ્યનું મૂંગું સર્જન કર્યું. મુલાકાતીના ગયા પછી પોતાના સેક્રેટરીને સંબોધન કરીને આ મહામના દીવાને કહ્યું: ‘‘આ મુલાકાતીએ ખવરાવ્યું હતું એની એંઠ હજી આ દાઢમાં ભરી છે.’’ મુકુન્દરાય પારાશર્યના પ્રયાસો સિવાય આ ઝાકળના મોતી સમાજને પ્રાપ્ત ન થયા હોત.
જીવનના ત્રીજા દાયકામાં આયખું વ્યતિત કરનાર એક યુવાન રાજકોટ નગરમાં આજના પ્રમાણમાં ઓછા ધાંધલિયા વાતાવરણમાં ચાલ્યો જાય છે. યુવાનીમાંજ જીવનનો થાક અનુભવનાર આ જુવાનના મનમાં બેકાર હોવાનો થાક છે. જગતના કોઇ પણ યુવાનને કોઇ પ્રવૃત્તિ મળે નહિ અથવા તે શોધી શકે નહિ તો તેનો થાક તથા તેમાંથી પેદા થતો અભાવ અંતરના ઊંડાણ સુધી ખટક્યા કરે છે. કામના અભાવની ખીન્નતા જાણે કે અંતરના ભાવનો એક ભાગ બનીને સ્થાન જમાવે છે. સંધ્યાકાળે દિવસભરના રઝળપાટથી થાકી – કંટાળીને ચાલ્યા જતા આ યુવાને આસપાસમાંજ એક રડતા બાળકનો અવાજ સાંભળ્યો. યુવાન આ અવાજ સાંભળીને ઝબકી ગયો. પાછળ વળીને જોયું તો એક યુવાન મહીલા એક નાના બાળકને તેડીને જતી હતી. તે મહીલાની પાછળ દોઢ-બે વર્ષની એક નાની દીકરી રોતી-રોતી ચાલતી હતી. રડે તો મા કદાચ તેડી લે એવી તેની બાળ સહજ નિદોર્ષ મહેચ્છા રડતા રડતા જતી બાળકીની હતી. મા એકથી વધારે બાળકને તેડીને જઇ શકે તેમ ન હતું તે સ્વાભાવિક છે. એવામાં એ રડતી તથા માની પાછળ દોડતી દીકરી ઠેસ આવવાથી પડી ગઇ. મા ને થોડો ગુસ્સો પણ થયો. પડી ગયેલી દીકરીને ઊભી થઇને ફરી ચાલવા મા એ તેને ધમકાવીને સૂચના આપી. હવે અફસોસના સથવારે ચાલતા પેલા યુવાને પડી ગયેલી બાળકી પાસે સ્ફૂર્તિપૂર્વક જઇ સ્નેહથી પૂછયું : ‘‘ તને તેડી લઉં ? આવવું છે ? ’’ દીકરીની મૂંગી સંમતિથી યુવાને તેને તેડી લીધી અને બાળકીનું રડવાનું પણ તરતજ બંધ થયું. ઉતાવળે જતી બાળકીની મા ને કદાચ આ વાત બહુ ગમી નહિ તેથી કહ્યું કે છોકરી તો એની મેળે ચાલી આવશે. પછી ઉમેર્યું કે બે છોકરાને એક સાથે તે કેવી રીતે ઉંચકી શકે ? યુવાને કહ્યું કે તે મહીલા જાય છે એજ રસ્તે તે પણ જાય છે અને તેથી તેને આવી રીતે બાળકીને તેડીને ચાલવામાં વાંધો નથી. થોડી ક્ષણોમાંજ ચાલતા ચાલતા એ યુવાને નાની બાળકી સાથે અલક મલકની વાતો કરીને દોસ્તી બાંધી લીધી. બાળકીનું રુદન, બેકાર યુવાનની ખિન્નતા તથા કશ્યપ મુનીના તેજસ્વી પુત્ર સૂર્ય તે સમયે એક સાથેજ અસ્ત થયા !
ભાવનગર રાજ્યના એક વખતના અધિકારી અને ઋષિતુલ્ય વહીવટકર્તા સર પ્રભાશંકર પટ્ટણીના વિચારોની જેમના પર ઊંડી અસર હતી તેવા આ વ્યક્તિ – મુકુન્દરાય પારાશર્ય તેમના સર્જન થકી આપણી ભાષાને રળિયાત કરતા ગયા છે. બાળકીને તેડી લેવાનો ઉપરનો પ્રસંગ તેમના જીવનમાં બનેલી એક વાસ્તવિક ઘટના છે. જીવનની દરેક ક્ષણનો સદઉપયોગ કરવાની વૃત્તિ અને સંસ્કાર ધરાવતાં આ રુજુ હૈયાના માનવી ઉમદા જીવન જીવે તથા ઉત્તમ સાહિત્યનુંસર્જન કરે તેમાં શી નવાઇ ?
વેડફાઇ જવા દેવી જિંદગી કેમ તે બને ?
વટાવું રૂપિયો પામ્યો હું સોળે સોળ આનીએ.
આ લોકને ઉજાળીને માત્ર ત્રણ દાયકા પહેલાજ સ્થૂળ દેહનો ત્યાગ કરીને મોટું ગામતરું કરનાર સર્જક મુકુન્દરાય પારાશર્ય ભાવકોની – સ્નેહીઓની સ્મૃતિમાંથી કદી વિસ્મૃત થશે નહિ. તેમની પુણ્યતિથિ મે માસની ૧૯મીએ આવે છે. તેથી આ માસમાં તેમનું વિશેષ સ્મરણ મનને પ્રસન્નતાથી ભરી દે છે. હજુ તો હમણાંજ – ૧૯૧૪ માં – મુકુન્દભાઇની જન્મ શતાબ્દીની ઉજવણી અનેક સાહિત્યરસીક લોકોએ ધામધૂમથી કરી હતી.(૧૩.૦૨.૧૯૧૪ – ૧૯.૦૫.૧૯૮૫) મોતી તળિયે પડ્યા હોય તો પણ તેનું મૂલ્ય કે મહત્વ સહેજ પણ ઓછું હોતું નથી.
મરને તળિયે જીવીએ
દુનિયા દેખે નૈં,
મકના એવી છીપ થા,
મોતી પાકે મૈં.
કાળના કપરા પ્રવાહમાં જ્યાં અને જે સ્થિતિમાં હોઇએ ત્યાંજ ખીલવા – ખુલવા તથા મહેકતા રહેવાની આવી જિંદગી જીવવી તે દેવોને પણ દુર્લભ છે. વિમલા ઠકારને મુકુન્દભાઇ સૌમ્ય – રુજુ અને સત્યમૂર્તિ જેવા જણાયા હતા. મુકુન્દભાઇની વાણીમાં વિમલાજીને ‘‘અમરતની સરવાણી’’ ના દર્શન થયા હતા. કવિ રમેશ પારેખે નોંધ્યું છે કે જો તેમણે મુકુન્દરાયનું વિશેષ સાંનિધ્ય સેવ્યું હોત તો આત્મશાંતિ કે આત્મકલ્યાણની ઉપલબ્ધિ કહી શકાય તેવી ક્ષણો જીવન – પાથેય રૂપે તેઓ પામી શક્યા હોત. શ્રેયાર્થીનું આવું જીવન સૌની પગદંડીઓને પ્રકાશિત કરે તેવું છે.
હોય એ આપણું સત્વ
કહેવું લોકની રુચિ,
અંત:શુધ્ધિ સ્વયં સાધી
શ્રેયાર્થે કરવી ગતિ.
મુકુન્દભાઇએ તેમની જીવનયાત્રા દરમિયાન અનેક કાર્યો સહજતા-નિર્મળતા અને અનાસક્ત ભાવથી કર્યા. પરંતુ મહાનદી તથા લોકમાતા ગંગાએ ભિષ્મને જન્મ આપીને જગત પર અસાધારણ ઉપકાર કર્યો છે તેવીજ રીતે સર પ્રભાશંકર પટ્ટણીનું વ્યક્તિત્વ દર્શન કરાવીને મુકુન્દરાયે સમાજ પર પોતાનું ઋણ ચડાવ્યું છે. પૂજ્ય મોટા જેવા લોક હિતકારી સંત તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદના સક્રિય પ્રયાસ અને બળથી પટ્ટણી સાહેબનું આ પ્રકાશન આપણાં સુધી પહોંચ્યું છે. જે યુગમાં રાજવી બોલે એજ કાનૂન એવી એકાધિકારવાદની સ્થિતિ હોય તેવા કાળમાં કોઇ રાજ્યના રાજા તથા દીવાન બન્ને માત્ર લોકહિતાર્થે જાગૃત રહીને વહીવટનું વહાણ હંકારે તે આશ્ચર્ય તથા અહોભાવ ઉપજાવે તેવી બાબત છે. રાજ્યનો કારભાર ચલાવવાનો હોય ત્યાં કાવાદાવા અને ખટપટ હોવાની પૂરી સંભાવના રહે છે. કાદવ વચ્ચે પણ કમળ જેમ ખીલવાની આવી વૃત્તિ તથા શક્તિ સર પટ્ટણીના જીવનની દરેક નાની મોટી ઘટનાઓમાં જોવા મળે છે. આથી જ મુકુંદભાઇએ આવી બાબતો કાળજીપૂર્વક નોંધીને પોતાના જીવનનું એક ચિરંજીવી કાર્ય કરેલુ છે. વહીવટી બાબતોના ઉકેલમાં ગળાડૂબ રહેતા કવિ- મનિષિ સર પટ્ટણી અંતરના ઊંડાણથી તો કેવું જીવન જીવવાનુ પસંદ કરે છે તે તેમનાજ લખેલાં શબ્દોમાં વાંચીને અનેરો આદરભાવ અનુભવી શકાય છે.
જોવી જેને નજર ન પડે વક્ર તાલેવરોની
ખાયે જેઓ ઉદર ભરીને પંક્તિ દુર્વાકરોની
ઠંડા વારિ નદી સર તણાં પી નિરાંતે ભમે છે
તેવી સાદી હરિણશિશુની જિંદગાની ગમે છે.
પટ્ટણી સાહેબે ભાવનગર રાજ્યનો વહીવટ જે રીતે ચલાવ્યો તે પ્રથા તથા પદ્ધતિ આજના વહીવટકર્તાઓ માટે પણ એટલીજ માર્ગદર્શક બની શકે તેવી છે. વહીવટની આ વાતોનું સત્વ સૂર્ય પ્રકાશ સમાન તેજસ્વી છે જેની કોઇ expiry date નથી હોતી. સર્વકાળે આ બાબતો પ્રાસંગિક છે. આ બધી કામગીરી તો આ વિચક્ષણ દીવાને કરીજ. રાજ્યના તથા લોક હિતના કામો કરવામાં હંમેશા ગળાડૂબ રહ્યા. પરંતુ અંદરથી તો તેમના અંતરનો તાર પરમ તત્વ તરફના ખેંચાણની દિશામાંજ રહેલો હશે તે તેમના અંતરના ઉદગારો જોતાં જણાય છે.
માગ્યે માવો મફત દીયે છે
કરજ ન રાખે લેશે
કિંચિત ચંદન માટે પ્રભુએ
કુબજા કરી બેશ વેશે રે.
દુઃખ માગ્યાં કુંતાએ
પ્રભુના સ્મરણ રહે તે માટે
તો દુઃખ તેને આપ્યા જોકે,
પોતે બંધાયા એ સાટે રે
માગે તેની પાસે કાલો
ભાંગ્યા કેરો ભેરૂ
પાંડવનો વિષ્ટિકર્તા ને
ગોપી જનનો હેરુ રે
મહેતાનું મામેરું પૂર્યું
હૂંડી પણ સ્વીકારી
અવિકારી પ્રભુ પોતે તોયે
માગે ત્યાં થાયે વિકારી રે
જે માગે તેને તે આપે
એવો માધવ ભોળો,
કાન કુંવરના જેવો બીજો,
દીઠો ન મોઢાનો મોળો રે.
આપણું આવું સાહિત્ય એ આપણો અમર વારસો છે. આ બધું સાહિત્ય તથા તેનું ઉત્તમ સત્વ અતીતના ધખીતા ધૂણા જેવું છે. રાખને થોડી ખંખેરવાની દ્રષ્ટિ કેળવાય તો આ ધૂણાનો પાવક અગ્નિ આજે પણ આપણાં માર્ગને ઉજાળે તેવો છે. ૠષિઓએ ગાયું છે તેમ સુવર્ણપાત્રથી ઢંકાયેલાં આ સત્યને પામવા તેના આવરણને દૂર કરવાનો પ્રયાસ તો આપણેજ કરવો પડશે. આવા પ્રયાસમાં કુદરતની મહેર તો હોયજ.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment