: સંસ્કૃતિ :: ડૉ. જીવરાજ મહેતા : મૂઠી ઊંચેરા માનવી :

ગુજરાત રાજ્યની સ્થાપનાનો પવિત્ર દિવસ અનેક સ્મૃતિઓને ફરી યાદ કરાવે છે. સ્વાતંત્ર્ય સંગ્રામ સફળતાથી ગાંધીજીના નેતૃત્વમાં પૂરો થયા પછી ગુજરાતે એક દોઢ દસકામાં જ બીજો સંગ્રામ લડવો પડશે તેની કલ્પના પણ ન હતી. ગુજરાતે જે સંઘર્ષ કરવો પડ્યો તે વિશેષ કઠીન પણ હતો. આઝાદી પ્રાપ્ત કરવાનો સંઘર્ષ તો વિદેશી શાસકો સામે હતો. સમગ્ર દેશ પરાધિનતાની બેડીઓમાં બંધક હતો. સ્વાતંત્ર્ય સંગ્રામના મોખરે ગાંધીજી – સરદાર પટેલ તથા પંડિત નહેરૂ જેવા વિચક્ષણ વ્યક્તિઓ દોરવણી કરતા હતા. શ્યામજી કૃષ્ણવર્મા – સરદારસિંહ રાણા તથા વીર વિઠ્ઠલભાઇ પટેલ જેવા સમર્થ ક્રાંતિવીરો વિશ્વના ફલક પર જઇને ભારતની સ્વાધિનતાના હક્કની સંપૂર્ણ તાર્કીક તથા અસરકારક રજૂઆત કરતા હતા. આથી આ સંગ્રામની ગરીમા અલગ અને અનોખી હતી. આ ભૂમિકા સામે સાક્ષરોની નગરી નડિયાદમાં ૧૮૯૨ માં જન્મ લઇને મહાગુજરાતનું  સ્વપ્ન સિધ્ધ કરવા નીકળેલા અમીર શહેરના ફકીર બાદશાહ ઇન્દુલાલ યાજ્ઞિકની સામેના પડકારો પણ ઘણાં મોટા અને ગૂંચવણભર્યા હતા. પરંતુ  ” એકલો જાનેરે ” ના જીવનમંત્રમાં પૂર્ણ શ્રધ્ધા રાખીને તેજ પ્રમાણે વીજળીના ઝબકારા જેવું ઉજ્વળ જીવન જીવનાર ઇન્દુલાલ કદી પરિસ્થિતિના મહોતાજ ન હતા. મહાગુજરાત ચળવળના આ મોભીની કાર્યશૈલી – અદાઓ કવિ શ્રી વેણીભાઇ પુરોહિત લખે છે તેમ ફાંકડી હતી. ઝૂરવા -ઝૂઝવા માટે સક્ષમ હતી.

જીવવું છે, ઝૂરવું છે ઝૂઝવું છે જાને મન !

થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી.

મે મહીનાના આ પ્રથમ અઠવાડિયે આપણાં રાજ્યની સ્થાપનાના શુભ દિવસે વીર ગુજરાતી ઇન્દુચાચાની સ્મૃતિ થવી સ્વાભાવિક છે. ઘસાઇને ઉજળા થવાનો  જીવનમંત્ર લઇને ઉજળું જીવતર જીવી ગયેલા સૌના મહારાજ રવિશંકર દાદાની પણ પુણ્ય સ્મૃતિ થાય. મહારાજના હસ્તે રાજ્યની સ્થાપનાનું દીપ-પ્રાગટ્ય ગાંધીજી તથા સાબરમતીની સાક્ષીએ થાય તે ગૌરવ અને  અહોભાવ ઉપજાવે તેવો પ્રસંગ છે. આ સંદર્ભમાંજ એક ત્રિજું નામ જે પણ કદી વિસ્મૃત થઇ શકે તેવું નથી તે એક અડિખમ ગાંધીવાદી આગેવાન તથા નવા સ્થપાયેલા ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી તરીકે વરણી પામનાર મહાનુભાવનું છે. આ મહાનુભાવના સંદર્ભમાં  નોંધાયેલી એક વાસ્તવિક ઘટના પણ વાગોળવી ગમે તેવી છે.

નવસારી નગરની આ વાસ્તવિક ઘટના દેશ આઝાદ થયો તે ઐતિહાસિક સમયની છે. નગરના રેલવે સ્ટેશનથી નજીકની એક કેબીનમાં કોઇક કારણોસર આગ લાગી. ‘‘તમાશાને તેડું ન હોય’’ તે કહેવત જેવી સ્થિતિ સામાન્ય રીતે અનેક જગાએ જોવા મળે છે. અહીં પણ તેમજ બન્યું. લોકોનું ટોળું એકઠું થયું. અહીં એકઠા થયેલા લોકો આગ વિશે તેમજ તેની અસર અંગે ચર્ચા કરતા હતા. પોતાના અગાઉના આવા કોઇ અનુભવની પણ વાતો બીજાઓને સંભાળવતા હતા. એ સમયે એક કાર ત્યાંથી પસાર થઇ. આગની સ્થિતિ જોઇને ગાડી સત્વરે ઊભી રહી. કેટલાક લોકો તેમાંથી ઉતર્યાં. મોટરમાંથી ઉતરનાર એક વ્યક્તિ સ્ફૂર્તિ, ઝડપ અને કાળજીથી ટોળા વચ્ચેથી માર્ગ કરી આગ તરફ આગળ વધતી હતી. આગ સામે ઊભા રહી આ વ્યક્તિએ પોતાનો કોટ તથા ગાંધી ટોપી ઉતારી સાવચેતી અને ધીરજથી આગથી સળગતા કેબીનના લાકડા ખેંચવાનું શરુ કર્યું. આજુબાજુ ઊભેલા ટોળાના લોકને ઉતાવળી નજરે જોઇ ઊંચા અવાજે કહ્યું કે ‘‘આગ જોવાનો વિષય નથી, ઠારવાનો વિષય છે.’’ હવે લોકો ફટાફટ આગ ઠારવાના કપરા કામમાં જોડાયા. તેની અસર પણ સ્વાભાવિક રીતે થઇ. આગનો પ્રકોપ હળવો થવા લાગ્યો. એટલામાંજ ટોળામાંથી કોઇકે આ આગ ઠારવાના કામની આગેવાની લેનાર વ્યક્તિને ઓળખી કાઢ્યા. પોતાનો આનંદ-આશ્ચર્ય તથા અહોભાવ વ્યક્ત કરતા તેણે કહ્યું : અરે, આતો આપણાં રાજ્યના દીવાન સાહેબ ડૉ. જીવરાજભાઇ મહેતા છે.

       વડોદરા રાજ્યના થોડા સમય પહેલાજ નીમાયેલા આ દીવાન ગરવી ગુજરાત રાજ્યની સ્થાપના પછી રાજ્યના પહેલા મુખ્ય પ્રધાન થયા હતા તે બાબત દરેક ગુજરાતી માટે ઐતિહાસિક ગર્વનો વિષય છે. ગુજરાત રાજ્યની સ્થાપનાના આ શુભ દિવસોમાં ડૉકટર સાહેબની સ્મૃતિ વિશેષ થાય તે સ્વાભાવિક છે. આવા મહાનુભાવોનું સ્થાન લોક હ્રદયમાં હમેશા આદરથી સચવાઇને રહે છે. અમરેલીના કવિ રમેશ પારેખે લખેલું છે તેમ આવા પુણ્યશ્લોક વ્યક્તિઓના પગલા કાળ પણ સાચવીને રાખે છે.

પડે ન સહેજે ખુદનો ડાઘો એમ જગતને અડે

દુર્લભ એ દરવેશ કે જેના કાળ સાચવે પગલાં.

       નવસારી નગરનો ઉપર લખેલો પ્રસંગ ડૉ. વસંત પરીખે ડૉકટર મહેતા સાહેબની સ્મૃતિમાં પ્રકાશિત થયેલા ઊર્મિ નવરચનાના વિશેષાંકમાં (1987) આલેખ્યો છે. ડૉ. જીવરાજ મહેતાના અનેક પ્રેરણાદાયક તથા જીવંત લાગે તેવા પ્રસંગોનું સુચારુ સંકલન ‘‘સમતાનો મેર’’ : જીવરાજ મહેતા : નામના પુસ્તકમાં (૨૦૧૩) કરવામાં આવેલું છે. શ્રી પ્રવિણભાઇ લહેરી, વસંતભાઇ ગજેરા, કાલિન્દીબહેન પરીખ (અમરેલી) તથા અનેક મહાનુભાવોએ આ ઉપયોગી તથા ઇચ્છનિય કાર્ય કરીને આપણાં પર ઉપકાર કરેલો છે. ડૉ. મહેતા સાહેબનું સ્મરણ તો જોકે આપણાં રાજ્યની તમામ સરકારો તથા વિશાળ લોક સમૂહે અનેક પ્રસંગોએ કરેલુંજ છે. ડૉકટર સાહેબની વહીવટી સૂઝ તથા કોઇપણ મુશ્કેલ સમસ્યાને હલ કરવાની તેમની કૂશળતાની વાતો કેટલાયે ગઇ પેઢીના અધિકારીઓ પાસેથી પણ સાંભળવા મળે છે. ગુજરાતના મુખ્યમંત્રી પદનો ત્યાગ કર્યા પછી ભારત સરકારે ડૉકટર સાહેબની નિમણૂંક ઇંગ્લાંડના હાઇકમિશનર તરીકે કરીને મહેતા સાહેબની સેવા તથા શક્તિની કદર કરી હતી. ડૉકટર સાહેબની સમગ્ર ઓળખમાં તેમના જીવનસાથી અને વિદુષી નારીરત્ન હંસાબહેનનો ઉલ્લેખ કરવો અનિવાર્ય છે. હંસાબહેનનો શિક્ષણ તથા સમાજ સેવાના ક્ષેત્રમાં અનન્ય ફાળો છે. જે કામ ડૉકટર સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કર્યું તેના બીજ વડોદરા જેવા મોટા તથા પ્રતિષ્ઠિત રાજયના દીવાન તરીકેની તેમની યશસ્વી કામગીરીમાં રોપાયેલા હતા. જ્યારે જરૂર પડી ત્યારે રાજ્યના આ દ્રષ્ટિવંત દીવાને મહારાજાને કડવી વાત પણ નિર્ભયતા તથા સ્પષ્ટતાથી કરી તે એક ઐતિહાસિક હકીકત છે. તેમના વડોદરા રાજ્યના કાર્યકાળ દરમિયાન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપનાનું કાર્ય શિરમોર સમાન છે. આ કોઠાસૂઝ ધરાવતા વણિકે મુંબઇ રાજ્યના નાણાંપ્રધાન તરીકે કરેલું ઉત્તમ પ્રકારનું નાણાકીય સંચાલન એ કોઇપણ રાજ્યના આર્થિક ઇતિહાસની એક અજોડ ઘટના છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની તેમની કામગીરીમાં જે વિષયોને તેમણે અગ્રતા આપી તેમાં તેમની લાંબાગાળાની વહીવટી સૂઝનો પરિચય થાય છે. નર્મદા યોજનાના શિલાન્યાસ દ્વારા તેમણે ગુજરાતની Life Line સમાન યોજનાનો મજબૂત પાયો નાખ્યો.

       કવિ શ્રી ઉમાશંકરે જેને ‘મોંઘેરી ગુજરાત’ કહીને બીરદાવી છે તે પ્રદેશના ગુજરાતીઓની જવાબદારી ગુજરાતની અસ્મિતા જાળવવાની રહે છે. પૂ. રવિશંકર મહારાજના સાબરમતી આશ્રમના રાજ્યની સ્થાપના દિવસના પ્રવચનમાં તેનો ઉલ્લેખ પણ છે. લોકસમૂહની વિધાયક શક્તિ તથા સામુહિક જીવનમાં નિરંતર સહિષ્ણુતા રહે તે સ્વપ્ન મહારાજનું હતું. એજ વિચાર સાબરમતીના મહાનસંત ગાંધીનો પણ હતો. આથી નાનામોટા મતમતાંતરો વચ્ચે પણ ગુજરાતનું સામુહિક જીવન ડહોળાય નહિ તે જોવાની ફરજ પ્રત્યેક ગુજરાતની છે. સામાન્ય લોકો તરફના સ્નેહ માટે જેમનું જીવન સુવિખ્યાત છે તેવા ઇન્દુચાચાનું લોહી અને પસીનો આ રાજ્યની રચનાના પાયામાં ધરબાઇને પડેલું છે. આથી સારા કે કપરા કાળમાં પણ સ્નેહની સરવાણી ઝાંખી પાંખી ન થાય તેની કાળજી તથા ચોકસાઇ વ્યક્તિગત તથા સામુહિક રીતે રાખવા જરૂરી છે. દેશ આઝાદ થયો અને પછી આપણું રાજ્ય પણ બન્યું તેના વિશાળ જનસમૂહનું સામુહિક હિત કેન્દ્રમાં રાખીને આપણું આયોજન રહે તે સમયની માગ છે. કવિ શ્રી હસિત બૂચના આ સંદર્ભમાં લખાયેલા શબ્દો આપણાં માર્ગદર્શક બને તેવા છે.

એક નિરંતર લગન

અમે રસ પાયા કરીએ !

એકબીજામાં મગન :

અમે બસ ગાયા કરીએ !

કોઇ ચાંગળું લિયે પવાલું

કુંભ ભરે, જો રાજી !

કોઇ કરે છો ને મુખ આડું,

ને ઇતરાજી ઝાઝી !

છાંય હોય કે અગન :

અમે રસ પાયા કરીએ !

સફર મહી હો ઉજ્જડ વગડો,

કે નગરો ઝળહળતાં

યાળ ઉછાળે ખારો દરિયો,

કે ઝરણાં બળબળતાં,

હવે મુઠ્ઠીમાં ગગન !

અમે બસ ગાયા કરીએ !

       કવિ શ્રી હસિત બૂચના આ રળિયામણાં કાવ્યના શબ્દો વૈયક્તિક તથા સામાજિક જીવન જીવવા માટેના શ્રેય માર્ગના પથદર્શક છે. કુંટુંબ જીવન તેમજ સામાજિક જીવનમાં પરસ્પર માટેનાં સ્નેહાદર થકીજ સ્વસ્થ સમાજનું તથા સ્વસ્થ ગુજરાતનું નિર્માણ થઇ શકે છે. આ વાત આજના કાળમાં પણ પ્રાસંગિક છે. સંયુક્ત કુંટુંબપ્રથાના લાભ અને નબળાઇઓ બંન્ને હોઇ શકે છે. પરંતુ આ વ્યવસ્થા થકી પેઢીઓ સુધી વ્યક્તિને સારા-માઠા સમયમાં ટકી રહેવા માટે એક આધાર મળતો હતો. સ્નેહ તથા હૂંફના સ્ત્રોત સમાનએ વ્યવસ્થા હતી અને તેથી લાંબા કાળ સુધી જીવંત રહી હતી. કાળના બદલાતા પ્રવાહ સાથે વ્યવસ્થાઓ બદલાય તે સ્વાભાવિક છે. પરંતુ જીવનની દરેક ક્ષણે જેવી પણ સ્થિતિ હોય તેમાં રસ ઘોળતા રહેવાની તથા સ્નેહ વહેંચતા રહેવાની કળા શીખવા જેવી તથા જીવનમાં ઉતારવા જેવી જરૂર છે. કવિશ્રી ધ્રુવ ભટ્ટ લખે છે તેમ જીવતરમાં મોજ હશે તો કુદરતની મહેરનો અનાવિલ આનંદ મળશે જ !

ઓચિતું કોઇ મને રસ્તે મળે

ને કદી ધીરેથી પૂછે કે કેમ છે ?

આપણે તો કહીએ કે

દરીયાશી મોજમાં ને ઉપરથી

કુદરતની રહેમ છે.

***

Leave a comment

Blog at WordPress.com.

Up ↑