મેઘાણીભાઇ સંતવાણી-ભજન સાહિત્યનું અનોખું મહત્વ આંકતા કહે છે કે લોકસાહિત્યને જો વિશાળ વટવૃક્ષરૂપે કલ્પીએ તો તે લોકવાણીનો અંતિમ પરિપાક એ ભજનવાણી છે. જીવનની સંધ્યાએ મેઘાણીભાઇ ભજન સાહિત્ય સાથે વિશેષ તાદાત્મ્ય અનુભવતા હતા. મહેન્દ્રભાઇ મેઘાણી લખે છે કે ભજન સાહિત્યની સૃષ્ટિમાં ઝવેરચંદ મેઘાણીના પ્રાણ જે વિરામ અનુભવી રહયા હતા તેવો જ અનંત વિશ્રામ તેમના દેહે પણ આ વાણીમાં મેળવી લીધો અને આંખના પલકારામાં સંતોની અમર જમાત સમક્ષ જઇને ખડા થવા માટે આ ધૂળધોયા મહાકવિએ પ્રયાણ કર્યું. આ ભજનવાણીનો પ્રતાપ અનેરો છે. સાર્વત્રિક શાતા પ્રસરાવવાનો તેનો ગુણ છે. બારબીજના ધણી તથા નકળંક નેજોધારીમાં તેની અમીટ શ્રધ્ધા છે.
જમીં આસામાન બાવે
મૂળ વિણ રોપ્યા ને
થંભ વિણ આભ ઠેરાણાં હોજી
અખંડ ઘણીને હવે ઓળખો હોજી …
આવી ભજનવાણી મધ્યયુગ પછીના કાળમાં કેટલાક આધુનિક કવિઓના ભાતીગળ સર્જનોમાંથી પ્રગટી તેમાંના એક તથા અગ્રસ્થાને કહી શકાય તેવા કવિ શ્રી મનુભાઇ ત્રિવેદી ‘‘સરોદ’’ હતા. સ્વામી આનંદ તથા સાંઇ મકરન્દએ આ ભજન વાણીના પાણીના ખરા પારખું-પાણીકળા- હતા. આથી જ કવિ સરોદના આકસ્મિક અવસાન બાદ સ્વામી દાદાએ સાંઇ મકરંદને ગાગરમાં સાગર સમાન ભાવના વ્યકત કરતા થોડા શબ્દો લખ્યા.
‘‘સ્વર્ગસ્થે સાચે જ અંતરનું ભાથું ભરપૂર ભરી લીધું હતું. એમની આસ્થા ઊંડી અંતર અનુભૂતિમાં ફળી ચૂકી હતી. એમ મેં માન્યું છે પણ મેં એકવાર-અને એકજ વાર સરોદને ભકતરાજ કહયા તેટલામાં તો એમણે ડુંગર જેવડો પ્રોટેસ્ટ મારા પર મોકલેલો. ફરી વાર હું તેમને ભકતરાજ કહેવાની હિંમત કરી શકયો નહિ પણ સરોદ મહાન ભકતરાજ હતા. એ વિશે મારી માન્યતા કદી ડગી નહિ.’’ સરોદનો વિવેક વખાણવો કે સ્વામીદાદાનો સ્નેહ- તેનો નિર્ણય કરવો મુશ્કેલ છે. આવો સ્નેહાદર ધરાવતા પાત્રો થકી ધરતીની શોભા વધે છે.
સાખી તારી સાખમાં લિખતા આવે મોજ,
સરોદ હરીની સાખીએ ફગવે જગનો બોજ.
સાંપ કાચળી ઉતારે તેવી સહજતા અને સ્વાભાવિકતાથી ‘‘સરોદ’’ જગનો બોજ ફગાવીને પ્રયાણ કરી ગયા. આજીવન શબદ – સુરતાનો યોગ સાધીને ભાતીગળ રીતે ભજનાનંદમાં જીવ્યા. તેઓ ગયા ત્યારે મિત્રોને અણધાર્યો આંચકો આપીને ગયા. આ મહીનામાં જ (એપ્રીલ-૧૯૭૨) અમદાવાદના એક મુશાયરામાં કવિની હાજરી હતી. મુશાયરામાં તો કવિ એક શ્રોતા તરીકે ગયા હતા. મિત્રોને તથા કવિના અનેક પ્રશંસકોને કવિના મુખે તેમના શબ્દો સાંભળવાની ઇચ્છા થવી તે સ્વાભાવિક હતું. સૌના આગ્રહથી કવિએ તેમની શૈલિમાં ધારદાર રજૂઆત કરીને સૌને પ્રસન્ન પણ કર્યાં. પરંતુ વિધિનું નિર્માણ કંઇક જૂદું અને અકારું હતું. કવિ સરોદ આ કાર્યક્રમ દરમિયાનજ પોતાની રજૂઆત કર્યા પછી ઢળી પડ્યા અને જગતને કાયમી અલવીદા કરી ગયા. એપ્રીલની આ ગરમી તથા ચૈતર-વૈશાખના વાયરા વચ્ચે કવિ શ્રી સરોદ – મનુભાઇ ત્રિવેદી – ની મીઠી સ્મૃતિ અનેક ભાવકોના મનમાં થયા કરે છે. બેગમ અખ્તર જેવા પ્રતિભાવંત કલાકાર પણ અલ્લાહના દરબારમાં ગયા તે પહેલાનો તેમનો છેલ્લો તથા યાદગાર કાર્યક્રમ અમદાવાદ શહેરમાં થયો હતો. આ વાતની સ્મૃતિ પણ કવિ સરોદની આવી આકસ્મિક વિદાયના સંદર્ભમાં યાદ આવે છે. કવિશ્રીની જન્મશતાબ્દી પણ હજુ ગયા વર્ષેજ (૧૯૧૪) અનેક સાહિત્ય પ્રેમીઓએ સ્વયંભૂ ઊજવી હતી. વર્તમાનપત્રોની કટારોમાં અનેક લેખો કવિ શ્રી સરોદની રચનાઓ પર પ્રગટથયા. પૂ. મોરારીબાપુ પ્રેરીત અસ્મિતા પર્વ સહીત અનેક કાર્યક્રમોમાં કવિના જીવન અને કવન ઉપર વિદ્વાનોએ પ્રવચન આપીને કવિને પુન: જીવંત તથા જાગૃત કર્યા. એક સદી પછી પણ કવિ સાહિત્ય પ્રેમીઓના હૈયામાં ધબકતા રહેલા છે તે વાતની પુન: પ્રતિતિ થઇ. કાળની ગતિ ન્યારી છે. જીવનમાં ન્યાય તોળવાની – ન્યાયાધીશની – કામગીરી કરનાર કવિએ પોતાના સર્જનો તરફ પણ સંપૂર્ણ ન્યાય કરેલો છે.
ભજનના સ્વરૂપનો દબદબો સમગ્ર મધ્યયુગના સાહિત્યમાં રહેલો છે. ભક્તિયુગનો પ્રવાહ મુખ્યત્વે ભજન થકી વહેતો રહેલો છે. આપણી ભાષાનું વિશેષ ગૌરવ આ ભજનવાણી થકી થયું છે. ઉપરાંત વિચારોનું વહન તથા વિસ્તરણ પણ ભજનોના માધ્યમથી થયું છે. શાસ્ત્રવાણીની ભવ્યતા સામે સંતવાણીની ગરિમા પણ જ્વલંત તથા જનસામાન્ય માટે આકર્ષક રહી છે. ગોરખનાથે આ ભજનયજ્ઞમાં યાદગાર આહૂતિ આપી છે.
હરિ હર હરિ હર હીરા પરખલે
સમજ પકડ નિજ બૂટી !
સોહમ્ શબદ હરદામેં રખલે,
ઔર વારતા સબ જૂઠી !
સંતવાણીના આ સર્જકોએ શાસ્ત્રોનો સાર લોક સુધી પહોંચાડવાનું ભગવદ્ કાર્ય કરેલું છે. સામાન્ય જનને શાસ્ત્રોની કઠીન લાગતી વાતો પણ સરળ ભાષામાં મા ના ધાવણની જેમ ગળે ઉતરે અને પચે તેવી રીતે સંતવાણીના સર્જકોની કલમમાંથી પ્રગટી છે અને લોક સમૂહે વધાવી છે. ભજન તથા ગઝલ એ બન્ને સ્વરૂપોમાંકવિએ ભાતીગળ રચનાઓ કરી છે. આજે પણ આ રચનાઓ જાહેર કાર્યક્રમોમાં કલાકારો રજૂ કરે ત્યારે લોકો તેને વધાવે છે.
ગગને જોઇ પવન પગથિયાં
અમને અજબ અચંબા થિયાં.
અસલની વાત ગઝલમાં લઇને આવ્યા છે
તમારો એથી ઓ ગાફિલ ! રુઆબ જૂદો છે.
મધ્યયુગના સર્જનોના ભાવની તેમજ સંતવાણીના મીજાજની અભિવ્યક્તિ સરોદની રચનાઓમાં જોઇ શકાય છે. સ્વામી આનંદે યથાર્થ લખ્યું છે કે સરોદના ભજનો અંતરની આરત તથા આકુળ વ્યથામાંથી જન્મેલા છે. ‘સાચા શબદના પરમાણ’ આપીને કવિ ગયા છે.
કોયલ ટહુકે આંબા ડાળે
અંગ ન તોડે કંઠ ન વાળે
ગંગા વહતી સમથળ ઢાળે
ખેંચ નહિ, નહિ તાણ
એ સાચા શબદના પરમાણ.
આવા શબદ જ્યાં પ્રગટ્યા હોય તો એના મૂળમાં વાણીનું પાણી રહેલું હોય છે. વાણીનો એક ધર્મ છે. વાણીનો વહેવાર છે. આવો વહેવાર અંતરમાંથી ફૂટેલાં શબ્દો થકી સાહિત્યને તથા જીવનને રળિયાત કરે છે.
અણમૂલાંને વણમૂલ આપે
જીયો ખરીદણહાર
રે એવો વાણીનો વહેવાર જી
જુગ-જુગથી પેલો જોગી હિમાલય
વહે ગંગની ધાર
કોઇ પીએ, કોઇ પીએ ન વારિ,
એને તમા ન લગાર.. વાણીનો..
આંબો ઉગે કે મ્હોર ધરે ને
કેરી દિયે રસદાર,
કોઇ ચૂસે કે કોઇ ન ચૂસે
એને ન એ દરકાર.. વાણીનો..
સૂરજ એના દે અજવાળે
ચેતનનો અંબાર
એને ન પરવા બાર રહોકે
બેસો બીડીને દ્વાર.. વાણીનો ..
અંતરમાંથી આવે આફૂડા
અલખના ઉદગાર,
ઝીલો ન ઝીલો ભાઇ, ભેરૂ સહુનેય
ઝાઝા કરીને જુહાર.. વાણીનો..
કુદરતની અજાયબ સૃષ્ટિમાં જે નિરંતર કારોબાર ચાલે છે તે સ્વયંભૂ તથા સહજ છે. એજ રીતે વાણીનો વહેવાર ” અણમૂલાંને વણમૂલ ” ભેટ આપે છે પરંતુ તેને કોઇની તમા નથી. આ વહેવાર એજ એની પ્રકૃત્તિ છે. તેના હોવાની સાર્થકતા છે. સાંઇ મકરંદ લખે છે તેમ ” ફૂલતો એની ફોરમ ઢાળી રાજી ” જેવો વહેવાર છે. સદીઓથી અડિખમ ઉભેલાં નગાધિરાજ હિમાલયમાંથી ગંગાની પાવન ધારા અસ્ખલિત વહેતી રહે અને ધરતીને રસ અને કસ આપે તે તેનું સાહજિક કર્મ છે. ગંગાનું પાણી કોઇ પીએ છે કે નહિ તેની તમા હિમાલયને નથી. વહેતી નદીના જીવનમાં સતત ગતિ તથા પરરીવર્તનશીલતા એજ તેની સહજ ઓળખ છે. કિનારા સાથેનો નદીનો સંબંધ ખરો પરંતુ કિનારા તરફની તેની આસક્તિ નથી. આજકાલ હવે જ્યારે કોયલના ટહૂકા સાંભળવા મળશે ત્યારે આ પક્ષી આપણી દાદનું મોહતાજ નથી. મહોરેલા આંબા પર લૂમ્મે ઝૂમ્મે બેઠેલી મંજરી આપણી દ્રષ્ટિ ખેંચવા કોઇ ઉધામા કરતી નથી. મુંબઇ શહેરના મહોરેલા આંબાની મંજરીને કવિ મકરંદભાઇ ” રામરામ ” કરે તો અલગ વાત છે. પરંતુ સબર્બન ટ્રેઇનના ટાઇમટેબલ પ્રમાણે જીવતા સમાજના લોકો મંજરીના પ્રાગટ્યોત્સવની નોંધ સુદ્ધાં ન લે તો કોઇ વસવસો મંજરીને કે આંબાને નથી. કવિ રાજેન્દ્ર શુકલ કહે છે તેમ “હોઇએ જ્યાં ત્યાંજ ઝળહળિએ અમે” નો નિર્ધાર કરીને બેઠેલા આ પ્રકૃત્તિના તમામ તત્વો છે. ઉદયાચલના બારણેથી આવતા સૂર્યની આપણે છડી પોકારીએ કે ન પોકારીએ તો પણ તેના નિત્ય ક્રમ મુજબ તેનું મંગળ દર્શન થાય છે. જગતની ચેતનાને પ્રગટાવતું સૂર્યત્વ આપણાં આવકારાની તમા રાખીને આગમન કે ગતિનો માર્ગ પસંદ કરતું નથી. કવિ સરોદે લખ્યું છે તેમ શ્વાસ લઇને સૌરભ પ્રસરાવવાનું સહજ કર્મ એજ પુષ્પ હોવાની ગરીમા છે.
ફૂલ ખીલે નિત નવ જેમ ક્યારે
શ્વાસ લીએ ને સૌરભ સારે
અંતરથી જેમ ઉાઠે ત્યારે
વહે સ્વયંભૂ વાણ
એ સામા શબદના પરમાણ.
સંતવાણીના સર્જનો જેવું ઊંડાણ સરોદની આધુનિક રચનાઓમાં છે. અંતરમાંથી પ્રગટ થતાં અને પ્રકાશિત થતાં ઉજળા શબ્દોની કવિની આજીવન આરાધના રહી છે.
ભજનવાણીનું આ સ્વરૂપ કાળના સતત પરીવર્તશીલ પ્રવાહમાં પણ મજબૂત રીતે ઊભું છે. એટલું જ નહિ આજે પણ તેને માણવાને ઉત્સુક હોય તેવો મોટો વર્ગ છે. કોઇ ખાસ પ્રયાસો સિવાય લોકસાહિત્યની જેમ આ સંતસાહિત્ય પણ લોકના આવકાર તથા ઉમળકાથી ટકી રહેલું છે. આ વાણીના પ્રવાહમાં અનેરૂ સત્યતો છેજ પરંતુ જન સામાન્યના દિલમાં સ્થાન મેળવવા માટેનું એક તીવ્ર આકર્ષણ પણ છે. કચ્છ-સૌરાષ્ટ્રના અનેક નાના-મોટા ગામોમાં હૈયેહૈયુ દળાય તેવી માનવમેદની વચ્ચે બારબીજના ધણીની આરાધના મધુર કંઠેથી થતી હોય તે જોવી એ પણ એક લહાવો છે. શબદ અને સુરતાનો આ યોગ સમાજ જીવનમાં સંવાદિતા લાવવાનો અને ટકાવવાનો પ્રયાસ કરે છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
***
Leave a comment