: સંસ્કૃતિ :: ખાકની મૂઠી ભરી રાજી થનારાઓની વીર કથા :

સૌરાષ્ટ્ર – કચ્છના રાજવીઓની શાસન અંગેની એક આગવી પ્રણાલિકા રહી છે. વિચારશીલ રાજવીઓએ કેટલાક મહત્વના તથા પ્રજાહિતના નિર્ણયો કરીને કેટલીક સંસ્થાઓ તથા સુયોગ્ય વ્યક્તિઓને ઉદારતાપૂર્વક સહાય કરી છે. આવા શાસકોની કીર્તિ આજે પણ ગીતોમાં વણીને ગાવામાં આવે છે. રાવ લખપતજી વ્રજભાષા પાઠશાળા, ભૂજ કે શિશુવિહાર ભાવનગર જેવી સંસ્થાઓ જે તે સમયના રાજવીઓની દીર્ઘદ્રષ્ટિ સિવાય સ્થાપવી મુશ્કેલ હતી. વ્યક્તિગત કિસ્સાઓમાં પણ ભાવનગરના રાજવી તથા કુશગ્ર દીવાન સર પ્રભાશંકર પટ્ટણી જેવા દીર્ઘદ્રષ્ટા મહાનુભાવોએ સુયોગ્ય વ્યક્તિઓને સમયસર મદદ કરીને ભવિષ્યમાં સમાજને ઉપયોગી તેવા લોકોની અણમોલ સંપદા ઊભી કરવામાં મૂડીરોકાણ કર્યું હતું. આવુંજ ઉજ્વળ ઉદાહરણ લીંબડીના રાજવી જશવંતસિંહજી તથા સુપ્રસિધ્ધ ક્રાંતિવીર સરદારસિંહ રાણાનું છે. ઠાકોર સાહેબે સરદારસિંહનું હીર પારખીને છેક મહાવિદ્યાલયના અભ્યાસકાળથી સ્નાતક સુધીના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી હતી. સરદારસિંહ ઇંગ્લાંડ જઇને ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે તેમની જરૂરિયાતને લક્ષમાં રાખીને જશવંતસિંહજીએ સહાય કરી હતી. આ રીતે સરદારસિંહ રાણાની ઉજળી કથાના પાયામાં લીંબડી રાજ્યના ઉદાર તથા સૂઝ ધરાવતા પ્રજાવત્સલ રાજવીની કથા પડેલી છે. પેરીસમાં રહીને સરદારસિંહજીએ હાથ ધરેલી મા-ભોમના મુક્તિ સંગ્રામની પ્રવૃત્તિ સદાકાળ પ્રેરણાનો સ્ત્રોતબની રહે તેવી ભવ્ય છે. જીવનના તમામ સંઘર્ષોના આકરા તાપમાં પણ સરદારસિંહનું લોખંડી વ્યક્તિવ ખીલ્યું છે તથા મહોર્યું  અને મહેક્યું છે.

દેશને આઝાદ થયાને હજુ લાંબો સમય થયો નથી. તે સમયની આ ઘટના છે. અનેક સમસ્યાઓ-પડકારો હોવા છતાં દેશવાસીઓ સ્વતંત્ર ભારતના વાસંતી વાયરાનો અનુભવ કરી રહયા છે. મેઘાણીભાઇએ લખ્યું છે તેમ આ નામમાં જ એક અનેરી મીઠાશ અનુભવી શકાતી હતી.

તારા નામમાં ઓ સ્વતંત્રતા

મીઠી આ શી વત્સલતા ભરી !

મુડદાં મસાણેથી જાગતાં-

એવી શબ્દમાં શી સુધા ભરી…

તારા નામમાં ઓ સ્વતંત્રતા.

       આ સમયમાં જ મહાત્મા ગાંધીજી તથા દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુના આમંત્રણથી ફ્રાન્સના એક મહેમાન હિન્દુસ્તાનની ધરતી પર પગલાં કરે છે. માતૃભૂમિની પૂજામાં જીવન ખપાવી દેનાર મહેમાન સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના કંથારીયા નામના નાના ગામના છે. તેમનું ધન્ય નામ સરદારસિંહ રાણા છે. એપ્રિલ મહિનામાં રામનવમીના શુભ દિવસે જ ઇ.સ.૧૮૭૦ માં તેમનો જન્મ થયો હતો. આથી આ મહિનામાં તેમની સ્મૃતિ થવી સ્વાભાવિક છે. ગાંધીજીને મળ્યા ખરા પરંતુ તે દિવસે સોમવાર એટલે બાપુના મૌનનો દિવસ હતો. પરંતુ આ વ્યવહારુ મહાત્માના જીવનમાં વ્રતપાલન કદી આડખીલીરૂપ બન્યું નથી. બાપુએ મૌન તોડીને જૂના મિત્ર સરદારસિંહ સાથે અલકમલકની વાતો કરી. બંન્ને રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં (આજની મહાત્મા ગાંધી વિદ્યાલય) સાથે ભણેલાં તેમજ બંન્ને પ્રખર દેશભકત હોવાના કારણે એકબીજા તરફનો સ્નેહાદર એક સમાનજ હંમેશા રહેલો હતો. આઝાદી પ્રાપ્ત કરવા માટેની બંન્ને મહાનુભાવોની પધ્ધતિ પણ જુદી હતી. પરંતુ વ્યકિતગત સ્નેહના બંધનો તથા અંતરની ઊર્મિઓને વ્યકત કરવામાં બહારની બાબતો ગૌણ બને છે. પંડિતજીને પણ રાણા મળ્યા. જયારે પરાધીન દેશનો કોઇ રાષ્ટ્રધ્વજ ન હતો ત્યારે અસાધારણ સૂઝ તથા સાહસથી રાણા તથા મેડમ કામાએ જર્મનીમાં જાતે ડિઝાઇન કરીને ઓગષ્ટ-૧૯૦૭ માં ફરકાવેલ રાષ્ટ્રધ્વજની ભેટ દેશના પ્રથમ પ્રધાનમંત્રીને આપી. પ્રધાનમંત્રી આ ઉજળી ઘટનાને યાદ કરીને પ્રસન્ન થયા. સરફરોશીની ઉદ્રાંત ભાવના પુનઃ આ મુલાકાતમાં જાગૃત થઇ. સંપૂર્ણ ભારતની તેમણે શ્રધ્ધાપૂર્વક યાત્રા કરી. જો કે ફ્રાંસ પરત ગયા ત્યારે દેશની તત્કાલીન સ્થિતિ અંગે ચિંતા તથા વ્યગ્રતાના ભાવ સાથે ગયા હતા તેમ નોંધાયુ છે. સ્વાતંત્રય સૈનિકોને પેન્શન આપવાની યોજના હેઠળ સરદારસિંહને પેન્શન આપવાની ભારત સરકારની ઓફરનો તેમણે સવિનય અસ્વીકાર કર્યો. ભારત સરકારને લખ્યું કે તેમણે જે કંઇ યથાશકિત કર્યું છે તે માતૃભૂમિની સેવા માટે કરેલું છે. તેનો બદલો કે વળતર લેવાનો કોઇ પ્રશ્ન હોઇ શકે નહિ. ક્ષાત્ર ધર્મને ખરા અર્થમાં સરદારસિંહે દિપાવ્યો. ફ્રાન્સના એક અગ્રણી નાગરિક તરીકે તેમનું નામ સુવિખ્યાત થયુ હતું. જગપ્રસિધ્ધ ચિંતક રોમાં રોલાં સાથે રાણાને સ્નેહ સંબંધ હતો તે તેમની વૈચારિક ક્ષમતા દર્શાવે છે. સરદારસિંહે મહેનત કરીને ફ્રેંચ, જર્મન, અંગ્રેજી ભાષાઓ શીખ્યા હતા. હિન્દી પર તેમનું પ્રભુત્વ હતું. ગુજરાતી તો માતૃભાષા હતી અને તેથી વતનમાં અનેક પત્રો તેમણે ગુજરાતીમાં લખેલા છે. ફ્રેંચ અખબારમાં કટાર લખીને તેઓએ અંગ્રેજ શાસકોની શોષણની નીતિને તર્કબધ્ધ રીતે ખુલ્લી પાડવાની કોશિષ કરી હતી. ઝાલાવાડી ઢબે સાફો બાંધીને પૂરા દેશી પોષકમાં પેરીસના બગીચામાં પણ કયારેક નિજાનંદ માટે ફરવા જતાં તેવી હકીકત નોંધાયેલી છે. માનવીને પોતાની ભાષા-પહેરવેશ તથા ખાનપાન સાથે કેવો intimate સંબંધ હશે ? આઝાદી મેળવવા માટેના આ અવિરત સંગ્રામમાં થાકયા કે હાર્યા સિવાય પૂર્ણતઃ રંગાઇ જનાર આ મહામાનવો કોઇ અજબ ખૂમારીથી જીવ્યા હતા.

       ઇસી રંગ મેં વીર શિવાને,

       મા કા બંધન ખોલા…

       યહી રંગ હલ્દી ઘાટી મેં,

       ખુલકર ઊસને બોલા…

       ઇસી રંગ મેં રંગ રાણાને,

       જનની જય જય બોલા…

       મેરા રંગ દે બસંતી ચોલા.

       માતૃભૂમિને વિદેશી શાસકોની પકડમાંથી મુકત કરવા માટે બે અલગ અલગ વિચારધારા લઇને શૂરવીરો ચાલ્યા છે. આ બંન્ને વિચારધારાના લોકોમાં તથા તેમના કાર્યમાં ગુજરાતી મહાનુભાવોનો પણ મહત્વનો ફાળો રહેલો છે. ગાંધી વિચારધારાને અનુસરવાનો પ્રયાસ આજે માત્ર આપણો દેશ જ નહિ પરંતે વિશ્વભરના અનેક વિચારકો કરે છે. તે પવિત્ર વિચારધારાની તો ગંગોત્રી જ ગુજરાત છે. ગુજરાતે અને ગાંધીએ જ આ બાબતમાં પહેલ કરી છે. પરંતુ પોતાની પ્રચંડ શકિત તથા અદમ્ય દેશનિષ્ઠાથી ક્રાંતિકારીઓનું જે ઉજવળ મશાલ સરઘસ ફનાગીરી વહોરી લેવાના સ્વપ્ન સાથે નીકળ્યું તેમાં પણ ગુજરાતીઓનો નોંધપાત્ર ફાળો રહેલો છે. કચ્છના પંડિત શામજી કૃષ્ણવર્મા તથા ઝાલાવાડના સરદારસિંહજી રાણાએ બંન્નેના વ્યકિતત્વ તેમના અસાધારણ કાર્યોથી ઝળકી ઉઠેલા છે. વીર વિઠ્ઠલભાઇ પણ તેમની તીક્ષ્ણ બુધ્ધિમત્તા તથા કાયદાની ઊંડી સમજને કારણે બ્રિટીશ શાસકોને હંફાવેલાં છે. બંન્ને વિચારધારાના સ્વાતંત્રય સેનાનીઓનું સત તેમની અસાધારણ આત્મશ્રધ્ધામાં પ્રગટ થયેલું છે. દક્ષિણ ગુજરાતના કવિ શ્રી કલ્યાણજી વિ. મહેતાના શબ્દો આ સંદર્ભમાં યાદ કરવા જેવા છે.

           દિવાલો દૂર્ગની ફાટે

           તમારા કેદખાનાની

           તૂટે ઝંઝીર લોખંડી-

           તમારી આત્મશ્રધ્ધા તો !

           તમારા માર્ગમાં ઊભા

           પહાડો યે ખસી જાશે

           બિયાબાં માર્ગ દઇ દેશે-

           તમારી આત્મશ્રધ્ધા તો !

           ઉતરવા સાત સાગર જો

           તમારા પત્થરો તરશે

           વિના નૌકા સફર થાશે-

           તમારી આત્મશ્રધ્ધા તો !

           જવું આકાશમાં ધારો

                     ન વાયુ-યાન પાસે છે

                    વિના પાંખે ઊડી જાશો-

                     તમારી આત્મશ્રધ્ધા તો !

         ક્રાંતિકારીઓની – મુકિત સંગ્રામના લડવૈયાઓની જે અનેરી દેશદાઝ હતી તેને જીવંત રાખવામાં મહર્ષિ દયાનંદ જેવા ક્રાંત દૃષ્ટા ઋષિનો પણ મહત્વનો ફાળા હતો. કચ્છના કીર્તિપ્રાપ્ત ક્રાંતિવીર પંડિત શામજી કૃષ્ણવર્માની મુલાકાત ઇ.સ. ૧૮૭૪માં મહર્ષિ દયાનંદ સાથે થઇ હતી. સ્વામીજીએ શામજીને શીખ આપી કે ભગવા પહેરી સંન્યાસી થવાની જરૂર નથી. તેના બદલે તત્કાલિન સમય તેમની પાસે દેશ સેવાની અપેક્ષા રાખે છે અને તેથી તે માર્ગે જવા મહર્ષિ દયાનંદે પંડિત શામજી કૃષ્ણવર્માને પ્રેરણા આપી હતી. એ હકીકત જાણીતી છે કે શામજી-સરદારસિંહ તથા મેડમ કામાની ખ્યાતિપ્રાપ્ત ત્રિપુટીએ દેશથી દૂર બેસીને આઝાદીને લડતને વિશ્વફલક પર મૂકી આપી હતી. પત્રકારત્વના ક્ષેત્રમાં પણ પંડિતશામજી કૃષ્ણવર્માએ ઇન્ડિયન સોસીઓલોજીસ્ટ નામનું પેપર પ્રસિધ્ધ કરીને તે સમયના ભારતની સ્થિતિનો ચિતાર વિશ્વસમાજ સમક્ષ કુશળતાથી રજૂ કર્યો હતો.

         અંગ્રજોની નજર હેઠળ જ લંડનમાં ઇ.સ. ૧૮૫૭ના સ્વાતંત્રય સંગ્રામની અર્ધશતાબ્દીનો ઉત્સવ ઊજવ્યો. ઇ.સ.૧૯૦૮ માં થયેલા આ અનોખા સમારંભના પ્રમુખસ્થાને સરદારસિંહજી રાણા હતા. સમારંભનું આયોજન પંડિત શામજી કૃષ્ણવર્માની સૂઝ તેમજ તેમના સુગ્રથિત આયોજન પ્રમાણે થયું હતું. ઇ.સ.૧૮૫૭ ના સંગ્રામની કડિબધ્ધ વિગતો જગતના વિચારકો સામે મૂકી તેમજ તે અંગે ફેલાયેલી ગેરસમજો દૂર કરવાનો આ દૂરંદેશીભર્યો તથા સાહસથી છલકતો પ્રયાસ હતો. રોલમોડેલ બની શકે તેવા આઝાદી સંગ્રામના આ પાત્રો તથા તેમની કથાઓ સચ્ચિદાનંદજી કહે છે તેમ આજે પણ યુવાનોમાં વીરતાનો સંચાર કરી શકે તેવી મજબૂત છે. જે લોકો આ વીરકાર્યમાં ખપી ગયા તેમને તો કોઇ પ્રસિધ્ધિની પરવા ન હતી. એ લોકો તો કવિ કલાપી કહે છે તેમ ‘‘ખાકની મુઠ્ઠી ભરી રાજી થનારાઓ’’ હતા. તેમનું સ્મરણમાત્ર આપણું આત્મગૌરવ વધારી શકે તેવું પવિત્ર છે. મેધાણીભાઇએ આ લાગણીને યથાર્થ વાચા આપી છે.

અગર બહેતર, ભૂલી જજો

અમારી યાદ ફાની,

બૂરી યાદે દૂભવજો ના

સુખી તમ જિન્દગાની

કદી સ્વાધીનતા આવે-

વિનંતી ભાઇ છાનીઃ

અમોનેય સ્મરી લેજો જરી,

પળ એક નાની !

***

Leave a comment

Blog at WordPress.com.

Up ↑