સાહિત્યના તથા સમયના સતત પરિવર્તન પામતા કાળમાં કેટલાક કવિઓ તથા તેમના સર્જનો અમર રહેવા સર્જાયેલા હોય છે. લગભગ પાંચ સદી પહેલા ઉત્તર ભારતમાં જન્મ લઇને રામભક્તિનું અવિનાશી મહાકાવ્ય લખી જનાર ગોસ્વામી તુલસીદાસજી આ બાબતનું એક ઉજ્વળ ઉદાહરણ છે. રામચરિત માનસનું જનમાનસમાં અનોખું સ્થાન છે. માત્ર ઉત્તર ભારતની હિન્દી ભાષી જનતાજ નહિ પરંતુ સમગ્ર દેશના તથા કેટલાક વિદેશોમાં રહેતા ભાવકો પણ રામચરિત માનસના પૂર્ણ પ્રભાવ હેઠળ છે. રામકથાના સાંપ્રત કાળના સમર્થ વાહક પૂ. મોરારીબાપુને સાંભળવા તથા તેમની વાણીના માધ્યમથી રામકથા માણવા દેશ-વિદેશના અનેક લોકો આતુર રહે છે, ઉત્સુક રહે છે. સંતકવિ શ્રી તુલસીદાસજીની વાણીમાં અનેક ભાવ ઝીલાયા છે. વિનયપત્રિકામાં તેમનો ભક્તિભાવ અનોખા સ્વરૂપે ખીલ્યો છે.
યહ બિનતી રઘુબીર ગુંસાઇ
ઔર આસ વિશ્વાસ ભરોસો
હરૌ જીવ જડતાઇ.
ચહૌ ન સુગતિ સુમતિ સંપતિ
કછુ રિદ્ધિ સિદ્ધિ વિપુલ બઢાઇ,
હેતુ રહિત અનુરાગ રામપદ
બઢૈ અનુદિત અધિકાઇ.. યહ બિનતી..
આપણાં આદિ કવિ નરસિંહ પણ સર્જનના જે પુષ્પો મહેકાવીને ગયા છે તે સદાકાળ મહેકતા રહેવાની શક્તિ તથા સત્વ ધરાવે છે. શાસ્ત્રોની અનેક વાતો તેમણે લોકમાનસ સુધી સરળ શબ્દોમાં રજૂ કરીને ઉપકારક કાર્ય કરેલું છે.
ઘાટ ઘડિયા પછી નામ રૂપ ઝૂઝવા
અંતે તો હેમનું હેમ હોયે.
મધ્યયુગના આપણાં સંત કવિઓએ ભક્તિમાર્ગનો દીપ પ્રગટાવ્યો હતો. ભક્તિમાર્ગનું જાણે તે કાળમાં ઘોડાપુર આવ્યું હતું. આ સંતકવિઓ સત્યવક્તા સાધક તેમજ વિદ્રોહી સ્વભાવના હતાં. ધર્મમાં ગતાનુગતિકતા દેખાય તો તેના પર પણ તેઓ અસરકારક પ્રહાર કરતા હતા. અખો લખે છે.
તિલક કરતા ત્રેપન થયાં
જપમાળાના નાકા ગયાં
તિરથ ફરી ફરી થાક્યાં ચરણ
તો યે ન પહોંચ્યો હરિને શરણ.
ભર્તુહરી મહારાજે કહેલું છે તેમ આ કવિઓના અમૂલ્ય સર્જનોને જરા-મરણનો ભય નથી. આ રચનાઓની સૌરભ સદાકાળ છે.
આજકાલના વાતાવરણથી એવો અનુભવ થાય છે કે વસંતના વાયુ થોડા વહેલા પાંખા થતા જાય છે. ગ્રીષ્મનું આગમન થયું છે અને તેનો પ્રભાવ પણ હવે અનુભવી શકાય છે. પ્રકૃતિના આ નિત્ય ચાલતા તથા પરિવર્તન પામતા પ્રવાહોને જોવા દ્રષ્ટિ કેળવીએ તો મનની પ્રસન્નતા મળે તેવી પૂરી સંભવના છે. કુદરતની આ શાંત ઘટમાળ અને અમદાવાદ શહેરની ઘોંઘાટભરી ઘટમાળ વચ્ચે કવિ શ્રી નિરંજન ભગત સાથે એક સાંજ ગાળવાનો પ્રસંગ યાદગાર અને ઉપકારક રહ્યો. બહેન શ્રી હીનાબેન અને નીતિનભાઇ શુકલના આંગણે કવિશ્રીએ નરસિંહ – દયારામ – પ્રેમાનંદ તથા અખા જેવા પુણ્યશ્લોક સર્જકોની રચનાઓ વિશે મન ભરીને બે કલાક સુધી અસ્ખલિત વાતો કરી. અનેક સંદર્ભો ટાંકીને આ કવિઓને સમજવાની – માણવાની જાણે કે એક નવી દ્રષ્ટિ આપી. ગોવર્ધનરામની મહાનવલ સરસ્વતીચન્દ્રનું પ્રકાશન થયું તે સમયે તેનો સમાજ પર એક અનોખો પ્રભાવ હતો. સરસ્વતીચન્દ્ર વાંચી છે તેમ કહેનાર વ્યક્તિ પણ ગૌરવનો અનુભવ કરતો હતો તેમ કહેવાય છે. ઉત્તમ કૃતિ અંગે આવો ભાવ થાય તો તે અસ્થાને પણ નથી. આજ સંદર્ભમાં કોઇ એમ કહે તથા ગૌરવનો ભાવ અનુભવે કે અમે નરોનજર ઓશો – સાંઇ – મકરન્દ – ઉમાશંકર કે નિરંજન ભગતને જોયાં છે અને તેમની વાણી પણ સાંભળી છે તો તે વાત યોગ્ય તથા યથાર્થ છે. આપણાં આવા ધન્યનામ સાક્ષરોએ ધરતીને વિશેષઉજળી તથા માનવીઓના મનને વિશેષ પુલકિત કર્યા છે. મીરાં તથા મહેતાના માર્ગવિહારી એવા ભગત સાહેબ આપણાં શહેરની – આપણાં રાજ્યની શોભા છે. કવિ કલાપીના શબ્દો યાદ આવે.
હતા મહેતો અને મીરાં
ખરા ઈલ્મી ખરા શૂરાં.
અમારા કાફલાના બે,
મુસાફર એ હતા પૂરાં.
વિશ્વપ્રવાસી ગુજરાતીએ પોતાની ઓળખ શ્રમ – સાહસ તથા સૂઝના આયુધોથી સફળ વ્યાપરી – ઉદ્યોગપતિ તરીકે કરી છે. આવી ઓળખ યોગ્ય છે અને તેથી તેની સ્વીકૃતિ પણ વ્યાપક છે. પરંતુ કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યની આજ ધરતીએ જગત જેમને ઓળખે છે તથા આદર કરે છે તેવા સર્જકો તથા સાક્ષરોની ભેટ પણ દુનિયાને આપી છે. કવિ શ્રી ઉમાશંકર જેવા સર્જકની સેવાનો લાભ જે યુનિવર્સિટીને મળ્યો હોય તો તે સંસ્થાના સદભાગ્યજ ગણાય. ‘‘સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે રમઝમ’’ જેવી જાડી – મોટી સમજના સ્થાને બાળશિક્ષણ તથા બાળ ઉછેરને વૈજ્ઞાનિક ઢબે જગતની સામે રજૂ કરનાર ‘‘મુછાળીમા’’ જેવા ગિજુભાઇ બધેકા એ આ ધરતીનીજ સુવાસસમુ વ્યક્તિત્વ છે. ડોલરરાય માંકડ તથા પ્રિન્સીપાલ એસ. આર. ભટ્ટ સાહેબે સરસ્વતીની નિષ્ઠાપૂર્વકની સાધના સાથે જીવતરના ઊંચા મૂલ્યોની પણ સ્થાપના કરી અને તે અનુસાર પોતાનું જીવન જીવ્યા. ગઇકાલ સુધી આપણી સાથે અને આપણી વચ્ચે નારાયણભાઇ દેસાઇ તથા ધીરૂભાઇ ઠાકર હતા. ગુજરાતની આ પણ એક ગૌરવયુક્ત ઓળખ છે અને તેથીજ આ ઉજળી સાંકળના મણકા જેવા કવિ શ્રી નિરંજન ભગત કે તખ્તસિંહજી પરમાર આપણી વચ્ચે છે એ હકિકત ગૌરવ તથા આદરનો ભાવ ઉપજાવે તેવી છે. જે સર્જકોની વાત ભગત સાહેબે કરી તેમાં અનેક સુયોગ્ય સંદર્ભો આપીને તેની અધિકૃતતા વિશે પણ કેટલીક પાયાની તથા જાણવા જેવી બાબતોની છણાવટ કરી. આ મહાન સર્જકોના શબ્દો ભગતસાહેબે કહેલું તેમ કાળના પ્રવાહમાં લૂપ્ત થાય તેવા નબળા નથી. આપણાં સમાજને મળેલો આ મૂલ્યવાન વારસો છે. તેને જાળવવાની જવાબદારી સમાજની બને છે. યુવા પેઢી સુધી આ સાહિત્યને કેવી રીતે લઇ જઇ શકાય તે સમસ્યા અનેક કારણોસર આપણી સામે પડકારરૂપ છે. મહેન્દ્રભાઇ મેઘાણી જેવા પ્રયાસો કરનાર વધારે લોકો તથા સંસ્થાઓની તે માટે જરૂર પડશે. બાકી આવા પ્રયાસો થાય તો તેની સફળતા માટેનું એક મહત્વનું કારણ એ આપણાં આ સાહિત્યના મજબૂત પોતનું તથા તેમાં રહેલા સત્વનું છે. વેદો – ઉપનિષદોની ગહન વાતો આપણાં આ સર્જકોએ સહેલી તથા સરળ કરીને આપણી સમક્ષ મૂકી છે. નરસિંહ કહે છે :
અલ્પ સુખ સારું
શું મૂઢ ફૂલ્યો ફરે,
શીશ પર કાળ રહ્યો દંત કરડે.
નરસૈયા હરિ તણી ભક્તિ ભૂલીશ નહિ,
ભક્તિ વિના બીજું ધૂળધાણી.
આપણાં અનેક કાળજયિ સર્જકોમાં નર્મદ તથા દલપતરામનું સ્થાન અગ્રભાગે છે. નર્મદનો ઉગ્ર આક્રોશ સંભળાય છે તેમાં સુધારાના પંથ તરફ પ્રયાણ કરવાની વીર હાક છે.
સૌ ચલો જીતવા જંગ
બ્યૂગલો વાગે,
યાહોમ કરીને પડો,
ફતેહ છે આગે.
દલપતરામ નર્મદથી જૂદા માર્ગે ચાલ્યા. મહાકવિ નાનાલાલ કહેતા તેમ દલપતરામને પ્રાચીનતાના થડ ઉપર અર્વાચીનતાની વેલીઓ ચડાવવી હતી. કવિ દલપતરામ આપણાં મોટા ગજાના સર્જક પરંતુ જનસુધારણા તેમજ લોકના સામુહિક કલ્યાણ જેવી બાબતોને લક્ષમાં રાખીને તેમણે ધીરજથી પરંતુ મક્કમ ડગલાંથી પોતાની સાહિત્યયાત્રાના રંગ પૂર્યા. આથી સમાજમાં તેમનું નામ અનોખું તથા પ્રભાવી હતું. ‘‘કવીશ્વર’’ તરીકે સમાજ તેમના પ્રત્યે અનેરો આદરભાવ ધરાવતો હતો. દલપતરામ પર સ્વામીનારાયણ સંપ્રદાયનો પ્રભાવ હતો. અલેકઝાંડર કિનલોક ફોર્બ્સ જેમને ફાર્બસ સાહેબના નામથી ઓળખવામાં આવે છે. તેઓ કવિના જીવનમાં તથા તેમની પ્રવૃત્તિ સાથે સંકળાય છે. આ એક મહત્વની ઘટના છે. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના આ અમલદારના રસના વિષયો અન્ય અમલદારો કરતા જૂદા હતા. ગુજરાતી ભાષામાં તેમને રસ પડ્યો હતો અને તેઓએ ભાષા શીખવા માટે ખાસ મહેનત કરી. ભાષાના માધ્યમથી ગુજરાતના સામાજિક જીવન તેમજ સાહિત્યની સમજ પણ તેઓ કેળવે છે. દલપતરામને વઢવાણથી બોલાવવાનો ફાર્બસ સાહેબનો નિર્ણય એ એક મહત્વની ઐતિહાસિક ક્ષણ બની રહી છે. સ્વામિનારાયણના સંત અને કવિ દેવાનંદ સ્વામીના પ્રતાપી શિષ્ય દલપતરામ ફોર્બ્સને પ્રભાવીત કરે છે. પરસ્પરના સ્નેહાદરથી બન્ને સાહિત્ય સેવાના ક્ષેત્રે ઉમદા કાર્ય કરે છે. દલપતરામનું સાહિત્ય ખેડાણ અહોભાવ ઉપજાવે તેવું સમૃદ્ધ છે. કેટલાંક મુક્તકો જે દલપતરામે લખ્યા છે તે સદાકાળ પ્રાસંગિક છે.
મરતાં સુધી મટે નહિ
પડી ટેવ પ્રખ્યાત
ફાટે પણ ફીટે નહિ
પડી પટોળે ભાત.
મગજ જેહનો પવનવશ
તેનો શો વિશ્વાસ?
પવન કદી વૃષ્ટિ કરે
કદી વૃષ્ટિનો નાશ.
ગુજરાતનો ભાગ ન હોવા છતાં ગુજરાતી પ્રવાસીઓનો જ્યાં હમેશાં ગરમીના આ દિવસોમાં દબદબો રહે છે તેવા પર્વતરાજ આબુ વિશે દલપતરામે ભુજંગી છંદના બંધારણમાં લખેલી પંક્તિઓ સાહિત્યમાં અમર થવા સર્જાયેલી છે.
ભલો દૂરથી દેખતાં દીલ ભાવ્યો,
ચઢી જેમ આકાશમાં મેહ આવ્યો,
દિસે કુંડનો દેવતા બીજ જેવો,
દિઠો આજ આબુ ગિરીરાજ એવો.
તિથી પૂનમે શોભિતા સાંજ ટાણે.
બન્યા ઘંટ બે સૂર્યને સોમ જાણે
દીપે દેવ હાથી કહે કોઇ કેવો
દિઠો આજ આબુ ગિરીરાજ એવો.
કદિ ઉપરે જૈ જુઓ આંખ ફાડી,
ઝૂકી ઝાડના ઝુંડની ઝાઝી ઝાડી,
મહા સ્વાદુ માગ્યો મળે મિષ્ટ મેવો,
દિઠો આજ આબુ ગિરીરાજ એવો.
જુના જૈનના હિન્દુના સ્થાન જેમાં
અતિ ખ્યાત છે અર્બુદા દેવી એમાં
કહી તે કથા જાણવા જોગ કામે
રચ્યા છે રૂડા છંદ દલપત્તરામે.
દલપતરામ જેવા મહાન કવિ તથા બીજા અનેક કવિઓ કુદરતના વિવિધ સ્વરૂપો પ્રત્યે આકર્ષાયા છે અને તેમાંથી સુંદર રચનાઓ આપણને મળી છે. પર્વતો-સરિતાઓ-સાગર જેવા પ્રકૃતિના સ્વરૂપને કવિની આંખે જોવા તેમજ માણવા તે અલૌકિક ઘટના છે. શબ્દોની સરળતા તેમજ અર્થસભરતાના અલંકારો આપણાં આ કવિઓની રચનાઓ ઝળહળે છે. આ રચનાઓ તો તેના સત્વને કારણે અમર રહેશે પરંતું આપણી નવી પેઢીઓ સુધી તેના રસદર્શનનો નાનો-મોટો પ્રયાસ આજની આવશ્યકતા છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment