દેશના મુક્તિ સંગ્રામનો ઇતિહાસ જેમ રસપ્રદ તથા જીવંત કથા છે તેવીજ રીતે આઝાદી મળી તે સમયના કેટલાક બનાવો પણ થ્રીલર કહી શકાય તેવા છે. સારા તેમજ માઠા પ્રસંગોના ન્યાયપૂર્ણ આલેખનથીજ ઇતિહાસનું નિર્માણ થાય છે. આવો એક પ્રસંગ જૂનાગઢનો હિન્દ સરરકાર સાથેના જોડાણનો છે. ૨૩ સપ્ટેમ્બર-૧૯૪૭ ના દિવસે સરદાર સાહેબ પરના એક પત્રમાં પંડિત જવાહરલાલજી ગુજરાત રાજ્યના જૂનાગઢની ઝડપથી બદલાતી જતી સ્થિતિ અંગે લખે છે. તેમાં પંડિતજી એમ પણ લખે છે કે આ બાબત ભારત – પાકિસ્તાનના સંબંધને લગતી મહત્વની સમસ્યા છે. આ બાબતમાં જે કાર્યવાહી થાય તેમાં વિદેશ ખાતાને જાણકારીમાં રાખવામાં આવે તેમ પણ પ્રધાનમંત્રીશ્રી સૂચવે છે. પરિસ્થિતિ પણ વાસ્તવમાં ઝડપથી બદલે છે. ૧૦ નવેમ્બર-૧૯૪૭ ના દિવસે ભારત સરકારના દેશી રાજ્યોના ખાતાના તત્કાલિન સચિવ વી. પી. મેનન પર દેશી રાજ્યોના ખાતાના સંયુક્ત સચિવ એન. એમ. બૂચનો તાર સંદેશો જાય છે. તેમાં જૂનાગઢ પર કબજો મેળવ્યાની વાત લખવામાં આવી છે. આ સાથેજ વિચક્ષણ વહીવટકર્તા અને મક્કમ નિર્ણય કરવા માટે જાણીતા સરદાર સાહેબનો લૉડૅ માઉન્ટબેટન પરનો તા.૨૯ નવેમ્બર-૧૯૪૭ નો પત્ર સરદાર સાહેબની જાગૃતિ તથા વૈચારિક સ્પષ્ટતાને ઉજાગર કરે છે. આ પત્રમાં માંગરોળ તથા બાબરિયાવાડ નામના જૂનાગઢના નવાબી શાસન હેઠળના બે રાજ્યોને ભારત સરકાર સાથે જોડાણ કરવાનો નિર્ણય લેવાની સત્તાછે તેનું સમર્થન સ્પષ્ટ શબ્દોમાં સરદાર પટેલે કરેલું છે. લિયાકતઅલીખાનનો મત તેનાથી જૂદો હતો. સરદાર પટેલ લિયાકતઅલીખાનના મંતવ્યને તાર્કીક દલીલોથી અમાન્ય રાખે છે તેમજ તેનો સ્પષ્ટ દલીલોથી રદિયો પણ સરદાર સાહેબે માઉન્ટબેટન પરના આ પત્રમાં લખેલો છે. અંતે જૂનાગઢનો પ્રશ્ન દેશના હિતમાં લોકલાગણી અનુસાર ઉકેલવામાં આવે છે. એક વિશાળ દેશના પ્રમાણમાં નાના પ્રદેશમાં થયેલ રાજકીય ગતિવિધિઓની આ વાતો રાજમોહન ગાંધી, વી. શંકર તથા નવજીવન ટ્રસ્ટની કાળજી કાળજીપૂર્વકની મહેનત થકી આપણા સુધી પહોંચી છે. આરઝી હકૂમત તથા શામળદાસ ગાંધી અને તેમના સમર્થ સાથીદારો પણ આ ઉજળા ઇતિહાસનું એક અભિન્ન અંગ છે. જૂનાગઢના પ્રશ્નનો ઉકેલ થયા પછી સરદાર સાહેબ જૂનાગઢ ગયા. ભારતીય સેના તથા આરઝી હકૂમતની કામગીરીની તેમણે પ્રશંસા કરી. જૂનાગઢથી સરદાર સાહેબ સોમનાથ ગયા. વિશ્વના ઘણા પ્રદેશો તથા ત્યાં વસતા માનવ સમાજો માટે કેટલાક સ્થાનો વિશેષ શ્રધ્ધા તેમજ આસ્થાના કેન્દ્રસ્થાન સમાન હોય છે. સોમનાથ આવુંજ એક વિશાળ જનસમૂદાયની આસ્થાનું મહત્વનું કેન્દ્ર છે. તેની પ્રતિતિ સરદાર પટેલને હોય તે સ્વાભાવિક છે. સદીઓથી દેશના કીર્તિસ્થંભ સમાન આ સ્થાનનું પુન: નિર્માણ કરવાનું કાર્ય સરદાર સાહેબને અનિવાર્ય લાગ્યું. તેમના પ્રધાનમંડળના સાથી શ્રી ગાડગીલ, શામળદાસ ગાંધી તેમજ નવાનગરના જામ સાહેબે તેનું પૂર્ણ સમર્થન કર્યું. લોકોનો આર્થિક સહયોગ મેળવીને તેમજ આ હેતુ માટે રચવામાં આવેલા એક સ્વતંત્ર ટ્રસ્ટના માધ્યમથી આ એક ઐતિહાસિક કાર્ય સંપન્ન થયું. ૧૯૫૧ ના વર્ષમાં આ માસમાંજ (૧૧ મે-૧૯૫૧) જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાવિધિ ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે કરી. સોમનાથ સાથે સંકળાયેલ વિવિધ કથાઓ બાબત જાણીતા ઇતિહાસકારોએ લખેલુ છે. પશ્ચિમ ભારતની શોભા વધારનારું આ રમણિય તીર્થસ્થાન મહાસાગરની ગર્જનાઓને ઝીલતું આજે પણ ઉન્નત મસ્તકે ઊભું છે.
સૌરાષ્ટ્રે સોમનાથં ચ,
શ્રી શૈલે મલ્લિકાર્જુનમ્
એતાનિ દ્વાદશ જ્યોતિર્લિંગાની,
સાયં પ્રાત: પ્રઠ્ઠેન્નર:
સપ્તજન્મકૃતં પાપં,
સ્મરણેન વિનશ્યતિ.
સોમનાથ સાથે જે અનેક વીરતાની કથાઓ સંકળાયેલી છે તેમાં હમીરજી ગોહિલની અપ્રતિમ વીરતાની કથા શિરમોર સમાન છે. ઊર્મિ – નવરચનામાં જયમલ્લભાઇ પરમારે તેમાની ઘણી વાતોનુ સંકલન કરીને સમાવી છે. ઘણી લોકવાર્તાઓ – લોકગીતોમાં પણ આ કથાઓ વણી લેવામાં આવી છે. લોકવાર્તાએ સંપૂર્ણત: ઇતિહાસ ન હોય તો પણ સાંપ્રત કાળના માહોલમાં આ કથાઓ જરૂર ખેંચી જાય છે. ઊર્મિ-નવરચનાના આ બધા લેખોનું સંપદન કરીને એક પુસ્તિકા ભાઇ શ્રી રાજુલ દવેએ પ્રસિધ્ધ કરી છે. સોમનાથ ટ્રસ્ટ તરફથી આ કાર્ય માટે આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે. હમીરજી ગોહિલ લાઠીના રાજવી કલાપીના પ્રતાપી પૂર્વજ હતા. કવિ કલાપીએ ‘‘ હમીરજી ગોહિલ ‘‘ નામનું મહાકાવ્ય લખીને પિતૃરુણ અદા કર્યુ છે. મેઘાણીભાઇએ પણ હમીરજી ગોહિલની વાત લખી છે.
ગુજરાત રાજ્યની સ્થાપનાના આ માસમાં રાજ્યની રચના તથા વિકાસમાં પોતાનું મૂલ્યવાન યોગદાન આપનારા વ્યક્તિવિશેષનું સ્મરણ થાય છે. આજ રીતે રાજ્યના તથા દેશના કીર્તિસ્થંભ સમાન સોમનાથ તથા હમીરજી ગોહિલ જેવા વીર નાયકોનું પણ પુણ્ય સ્મરણ થાય છે. સરદાર પટેલ તથા કનૈયાલાલ મુનશીને જે સ્થાનમાં ગુજરાતની ભવ્યતા તથા અસ્મિતાનું દર્શન થયું તેજ ભાવ વીર નર્મદે પણ મુક્તકંઠે ગાયો છે.
ઉત્તરમાં અંબામાત
પૂરવમાં કાળીમાત
છે દક્ષિણ દિશામાં કરન્ત રક્ષા,
કુંતેશ્વર મહાદેવ,
ને સોમનાથ ને દ્વારકેશ એ
પશ્ચિમ કેરા દેવ.
છે સહાયમાં સાક્ષાત,
જય ! જય ! ગરવી ગુજરાત !
દીપે અરુણું પરભાત
જય ! જય ! ગરવી ગુજરાત !
તે અણહિલવાડના રંગ
ને સિધ્ધરાજ જયસિંગ
ને રંગ થકી પણ અધિક સરસ રંગ,
થશે સત્વરે માત !
જન ઘૂમે નર્મદા સાથ,
જય ! જય ! ગરવી ગુજરાત !
વીર નર્મદે તેમની આ ચિરંજીવી રચનામાં સોમનાથ સહિતના રાજ્યના શ્રધ્ધાના સ્થાનોનું ઉજ્વળ ગાન કરેલું છે. સોમનાથ મંદિરના પુન: નિર્માણની ભૂતકાળની અન્ય કથાઓ છે. પરંતુ સરદાર વલ્લભભાઇ પટેલના નિર્ણય તથા મહાત્મા ગાંધીના આશીર્વાદથી સોમનાથ મંદિરના જીર્ણોધ્ધારનું કાર્ય આધુનિક યુગની એક મહત્વની ઘટના છે. સોમનાથ ટ્રસ્ટના માધ્યમથી આ ઐતિહાસિક કાર્ય સંપન્ન થઇ શક્યું છે. ભારતના ભૂતપૂર્વપ્રધાનમંત્રી મોરારજી દેસાઇ તથા કનૈયાલાલ મુનશી જેવા મહાનુભાવો આ ટ્રસ્ટને દોરવણી આપીને તેના વહીવટમાં જવાબદારી સંભાળી છે. ટ્રસ્ટ આજે પણ શ્રી કેશુભાઇ પટેલ તથા રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પ્રવીણભાઇ લહેરીના માર્ગદર્શન હેઠળ સક્રિય રીતે કામગીરી કરે છે.
લોકસાહિત્યમાં હમીરજી ગોહિલની સાથેજ ભીલોના નાયક વેગડાજી તથા તેના બહાદુર સાથીઓની વીરતાની વાત આકર્ષક શબ્દોમાં કરવામાં આવી છે. લોકકવિઓએ આ સામાન્ય લોકોની અસામાન્ય વીરતાને ખોબે અને ધોબે બીરદાવી છે.
અહરાણ અકળ દળ હૈદળ પેદળ
મ્લેચ્છોના દળ આવી પડ્યા
દેવોને દેવળ મચિયા ખળભળ
વાદળ વાદળ ટીડ વળ્યા
ભૂજબળ ભાલાળા આભ કપાળા
કામઠિયાળા કૂદી પડ્યા
દુશ્મનને દળવા, તરફ તગડવા
ભારથ લડવા ભીલ ચડ્યા.
***
Leave a comment