: સંસ્કૃતિ : પંડિત નહેરુ : બહુ આયામી વ્યક્તિત્વ

               વિશ્વના ઘણાં દેશોએ નાના-મોટા સંઘર્ષ કરીને સ્વાધિનતા તો મેળવી પરંતુ ઘણાં દેશ તેમને મળેલી મોંઘેરી મુક્તિ કે સ્વાધિનતા ટકાવી શકયા નહીં. લોકશાહી વ્યવસ્થાની સ્થિતિ આજે વિશ્વના સંદર્ભમાં જોઇએ તો પણ સંતોષકારક નથી. અનેક દેશોમાં લોકશાહીને ગળે ટૂંપો દઇ લશ્કરી શાસન કે વ્યક્તિ અથવા પક્ષની સરમુખત્યારીની સ્થિતિ જોવા મળે છે. આ પ્રકારના વૈશ્વિક વલણમાં અનેક પડકારો તથા કસોટીઓ સામે ભારતમાં બંધારણીય ઢબે લોકશાહીનું શાસન સ્થાપવામાં આવ્યું અને આજે લગભગ સાત દાયકા પછી પણ અડીખમ બનીને ટકી રહેલું છે. તે નાના સુના ગૌરવની વાત નથી. આપણે ભારતીયો આ સ્થિતિ માટે સકારણ ગૌરવ લઇ શકીએ. આવી સુખદ વ્યવસ્થા ઊભી કરવામાં તથા તેને ટકાવી રાખવા માટેના નક્કર પગલાં ભરનારા ત્રણ મહાનુભાવોને દેશ હંમેશા યાદ કરશે. ગાંધીજી, પંડિત જવાહરલાલ નહેરુ તથા સરદાર વલ્લભભાઇ પટેલની દીર્ઘદ્રષ્ટિથી ઐતિહાસિક ઘટનાઓ આલેખાયેલી છે. આ માસની ૧૪ મી તારીખે આવતી પંડિત નહેરુની ૧૨૫ મી જન્મજયંતિએ તેમની સ્મૃતિ દેશના અનેક લોકોને તાજી થાય તે સ્વાભાવિક છે. પંડિતજીને જેવી લોકચાહના મળી તેવી બહુ ઓછા રાજનીતિજ્ઞોને મળી છે. પંડિતજી અઠ્ઠાવન વર્ષની વયે ૧૯૪૭ માં સ્વતંત્ર ભારત દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા અને ૨૭ મી મે, ૧૯૬૪ સુધી સતત આ પદ પર રહીને દેશનું તથા કેટલીક બાબતોમાં દૂનિયાનું પણ નેતૃત્વ કર્યું. મજબૂત તથા સક્ષમ સાથી સરદાર પટેલ તથા પંડિતજીના પ્રારંભિક વર્ષોના ટીમવર્ક સિવાય ખરા અર્થમાં સાર્વભૌમ હિન્દુસ્તાનનો મજબૂત પાયો નાખવાનું ખૂબ જ કપરૂં કાર્ય થઇ શક્યું ન હોત.

              પંડિતજીના જીવનનની વિવિધતા તથા વિશેષતાના મૂળમાં તેમનો ઉછેર તથા તે સમયની દેશની તેમજ વિશ્વની પરિસ્થિતિમાં જોવામળે છે. ૧૯૦૫ થી ૧૯૧૨ સુધી નહેરુ ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લાંડમાં રહ્યાં. ત્યાંની રીતભાત, પરંપરા તથા ઇતિહાસને તેમણે નજીકથી જોયા તેમજ અનુભવ્યા. યુરોપ તથા પશ્રિમની ઉદારમતવાદી લોકશાહી રીત-રસમોનો પ્રભાવ તરૂણ નહેરુપર પડે તે સ્વાભાવિક છે. આ જ રીતે ગાંધીજીનો પરસમણી સ્પર્શ જવાહરલાલને થયો તે બાબતે તેમના જીવન ઘડતર તથા ગતિને નવો વળાંક આપ્યો. ૧૯૧૫ માં લખનૌ કોંગ્રેસ અધિવેશનમાં ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત થઇ. આ ફકીર મહાત્માના વિચારોની અસર એ તેમના જીવન ઘડતરની ત્રીજી મહત્વની ઘટના ગણી શકાય.

              પંડિતજી આ દેશના પ્રધાનમંત્રી ન થયા હોત તો પણ એક દ્રષ્ટિ સંપન્ન ઇતિહાસપુરુષ તરીકે સુવિખ્યાત થયા હોત. પુત્રી ઇન્દિરાને પત્રરૂપે લખાયેલું  ‘Glimpses of world history’  (૧૯૩૪) તેમણે કારાવાસ દરમિયાન લખ્યું. ભારતના ઇતિહાસને સર્વગ્રાહી રીતે આવરી લેતું ‘Discovery of India’ (૧૯૪૬) પણ મહદ્અંશે અહમદનગરના જેલવાસ દરમિયાન લખ્યું. નહેરુની વિશાળ, વેધક તથા ઊંડી ઇતિહાસદ્રષ્ટિનું દર્શન આ બન્ને ગ્રંથોમાં થાય છે. ર૮ ફેબ્રુઆરી,૧૯૩૬ના રોજ થયેલ કમલા નહેરુનું અકાળ અવસાન, તે પહેલાં ૧૯૩૧ માં થયેલ હોનહાર પિતા મોતીલાલ નહેરુનું અવસાન, માતા સ્વરૂપરાણીની નાદુરસ્ત તબીયત તથા દેશના મુક્તિ સંગ્રામમાં સક્રિયતા તેમજ લાંબા કારાવાસની સજાની હાડમારી વચ્ચે પંડિતજીની સરસ્વતી સાધના સતત ચાલતી રહી છે. એક વિચાર પુરુષને છાજે તેવું આ વલણ છે. નહેરુની વિશાળ દ્રષ્ટિને કારણે વિનોબાજી તેમને વિશ્વ નાગરિક – માનવજાતના પ્રતિનિધિ કહે છે.

              અનેકવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત એવા પંડિતજી પોતાની પુત્રીની ખરી કેળવણી માટે પણ સજાગ હતાં. ઇતિહાસના પ્રકાશ – અંધકાર મિશ્રિત ધુંધળા પથનું દર્શન દીકરીને જેલમાંથી પત્રો લખીને કરાવે છે. સ્નેહની વહેતી સરવાણીમાં કલમ બોળીને દીકરીને લખે છે: “ પ્રિયદર્શિની ! દર્શને પ્રિય પરંતુ જયારે દર્શન દુર્લભ હોય ત્યારે અધિક્તર પ્રિય “ પુત્રીની વર્ષગાંઠને વધાવતા લખે છે કે પોતે અંતરની શુભેચ્છાઓ મોકલેછે. જેલમાંથી બીજી શી ભેટ મોકલી શકાય તેનો પણ ઉલ્લેખ કરે છે.  પંડિતજી કહે છે કે ઇતિહાસ વાંચવોએ ઠીક છે પરંતુ ઇતિહાસ ઘડવામાં ભાગ લેવો એ વિશેષ રોચક અને આહલાદ્ક છે. દેશના સામાન્ય માણસોમાં પણ જાગેલી ભાવના તથા જાગૃતિનો ઉજાસ એક લોકનાયક ગાંધીના કારણો ઊભો થયો છે તેવું તેમનું તારણ કેટલું યથાર્થ છે ! દીકરીમાં વિશ્વના તમામ લોકો તરફ સંવેદનાનો ભાવ જાગે તથા જળવાયતે માટે લખે છે કે દૂનિયાની જુદી જુદી પ્રજા આપણે ધારી લઇએ તેટલી ભિન્ન નથી. તેમનામાં પરસ્પર ઘણું સામ્ય છે તે ઓળખવું જોઇએ.  “ ઇન્દુને પત્રો ” માં ખડકો-પર્વતો-નદીઓ-ઝરણાંની અવનવી વાતો તેમણે લખી તે બાળકોમાં હંમેશા લોકપ્રિય રહી છે. પથ્થરો તથા ખડકો પર લખાયેલીકુદરતની વાર્તા તરફ પ્રેમથી ધ્યાન ખેંચીને ઇન્દુના માધ્યમથી સમગ્ર શિશુ સમાજને નહેરુચાચાએ આપેલી આ રમણિય સોગાદ છે.

              ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી આર.વેંકટરામને પંડિતજીને જન્મજાત લોકશાહીવાદી ગણાવ્યા છે. ભારતની પ્રથમ લોકસભામાં ચર્ચાતા એક બીલ બાબતમાં તેમણે એક સ્વાનુભવ ટાંકીને આ વાતની પૂર્તિ કરી છે. કૃષિસંપત્તિને સરકાર હસ્તક કરવા માટે તંત્રને કેટલીક સત્તાઓ  આપતી જોગવાઇઓ અંગેનું આ બીલ હતું. બીલ સંસદમાં મૂળ સ્વરૂપે પસાર થાય તો એ કાયદો બને.  જો તેમ થાય તો પ્રજાના એક મોટા સમૂહને અન્યાય થવાનો ભય રહે. શ્રી વેંકટરામન સહિતના સત્તાધારી પક્ષના જ કેટલાંક યુવાન સભ્યોએ બીલની જોગવાઇઓ સામે પોતાનો આક્રોશ લોકસભામાં વ્યક્ત કર્યો. પંડિતજી લોકસભામાં સભ્યો દ્રારા વ્યક્ત થતા વિચારો-લાગણીઓને હંમેશા ગંભીરતાથી લેતા હતા. તેમને આ યુવાન સભ્યોની રજૂઆતમાં તથ્ય જણાયું. પ્રધાનમંત્રીના બંગલે બેઠકનું આયોજન પંડિતજીએ કર્યું. સબંધિત મંત્રીશ્રીઓ તથા બીલની જોગવાઇઓ સામે વિરોધ વ્યક્ત કરનારા આર. વેંકટરામન સહિતના સભ્યોને નિમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા. પંડિતજીએ નિર્ણય કર્યો કે લોકસભામાં આ સભ્યો એ જે રજૂઆત કરી હતી તે યથાર્થ હોવાથી પંડિતજીએ  લોકહિતમાં આ સુધારા ઓફીસીયલ બીલમાં કરવા સૂચના આપી. મંત્રીમંડળના કેટલાક સભ્યો આ અંગે ભિન્ન મંતવ્ય ધરાવતા હોવા છતાં પંડિતજીએ સરકારના ઓફિસીયલ બીલમાં જરૂરી સુધારા કરાવ્યા. આ જ રીતે ટેક્ષટાઇલ મીલોના નવિનીકરણ સમયે મજૂરોની છટણી કરવાના મુદ્દે તેમણે ગુલઝારીલાલ નંદાની વાત ધ્યાનમાં લઇને સરકારી બીલની કેટલીક જોગવાઇઓ સુધારી હતી. તે રીતે મજૂરોનું હિત જળવાયું હતું.  જયારે લોકસભામાં તથા પક્ષમાં તેમની આણ પ્રવર્તતી હતી તેવા સમયે સાંસદોની વાત કાને ધરીને તે બાબતે ખુલ્લા મને વિચાર કરવાની નહેરુની તૈયારી એ બાબતની પુન:પ્રતિતિ કરાવે છે કે તેઓ આસપાસની ઘટનાઓને ખુલ્લા મને જોતા હતા. જે સ્વીકારવાપાત્ર જણાય તે નિ:સંકોચ સ્વીકારતા હતા.

              પંડિતજીએ સરસ્વતીની જેમ જ વિજ્ઞાનની પણ આજીવન ઉપાસના કરી. ડૉ. હોમીભાભા જેવા વિશ્વ વિખ્યાત વૈજ્ઞાનિકને પ્રોત્સાહન આપી દેશમાં વૈજ્ઞાનિક રીસર્ચના કામને બળ પૂરું પાડ્યું. વૈજ્ઞાનિક તથા ટેકનીકલ કેળવણી તેમજ સંશોધન સંસ્થાઓ આજે પણ પંડિતજીની સ્મૃતિને જીવંત કરતી ઊભી છે. આપણી સંસદીય પ્રથા  જયારે તેનાપ્રથમ ડગ માંડતી હતી ત્યારે તેને મજબૂત તથા સ્થાયી બનાવવામાં નહેરુનો અનન્ય ફાળો હતો. વિશ્વના તેમના કાળના  જાણીતા નેતાઓમાં પંડિતજીનું માન સન્માન તેમની આંતરરાષ્ટ્રીય બાબતોમાં સૂઝને કારણે જળવાતું હતું. ભારત સરકાર એક ઉચ્ચ કક્ષાની સમિતિના ગઠનથી તથા સમગ્ર દેશના લોકો સામુહિક રીતે પંડિતજીને યાદ કરે તે સ્વાભાવિક છે.

(વી. એસ. ગઢવી)
ગાંધીનગર.

***

Leave a comment

Blog at WordPress.com.

Up ↑