: સંતવાણી સમીપે : : હરિનો મારગ છે શૂરાનો, નહિં કાયરનું કામ જોને :

              Bhikshu_Akhadanandમુંબઇમાં એક શ્રીમંત, જૈફ વયના તથા દયાળુ મહિલાના બંગલે એક સંન્યાસી ભોજન ગ્રહણ કરવા બેઠા છે. એકાએક કોઇ વિચાર આવતા આ સન્યાસી ભોજનની પિરસેલી થાળી પરથી ઊભા થઇ જાય છે. સામાન્ય રીતે શાંત દેખાતા સન્યાસીના મુખ પર ફેલાયેલી વેદના અનુભવી યજમાન માતા વાંચી શકે છે. આમ એકાએક ભોજનની થાળી પરથી ભોજન લીધા સિવાય ઊભા થઇ જવાનું કારણ મહિલા પૂછે છે. જવાબમાં સન્યાસી જે વેદના શબ્દો થકી વ્યક્ત કરે છે તે અદ્વિતીય છે. સન્યાસી પોતાની વેદનાને વ્યક્ત કરતા કહે છે કે દુનિયાના સારા પુસ્તકો જે સમાજ માટે હિતકર છે તે પ્રમાણમાં સસ્તા મળે છે. બાઇબલ તથા કુરાન જેવા ઉત્તમ ગ્રંથો સસ્તી કિંમતે ઉપલબ્ધ થાય છે. ત્યારબાદ વાતને આગળ વધારતા તેમજ પોતાની વેદનાનો ખુલાસો કરતા તેઓ ઉમેરે છે કે “ભગવદ્દ ગીતા કેમ સસ્તામાં ન મળે ? મારે બે આનામાં ગીતા આપવી છે. આ કાર્યને સિધ્ધ કરવા હજારની મૂડી જોઇએ છે.” યજમાન માતાના હૈયે પરગજુ સન્યાસીની વાત સોંસરવી ઉતરી જાય છે. નાણાંની વ્યવસ્થા માટે તેઓ બંધાય છે. સન્યાસી ત્યાર પછી ભોજન ગ્રહણ કરે છે. આ વાત સુપ્રસિધ્ધ છે. હંમેશા પ્રેરણા પૂરી પાડે તેવી અર્થસભર છે.

              આપણામાંથી મોટાભાગના લોકોએ કદાચ આ વાત વાંચી કે સાંભળી હશે. પરંતુ આ સામાન્ય દેખાતી વાતનું મૂલ્ય ઘણું ઊંચું છે. સામાન્ય અનુભવ એવો છે કે સન્યાસીઓ અનેક સારા હેતુઓની વાત કરીને આશ્રમો સ્થાપવાની વાત કરે. કોઇક જગયાએ નવા મંદિરના નિર્માણ માટે ધનરાશી એકઠી કરે. આવી બધી માંગણીઓ સમાજને સ્વાભાવિક પણ લાગે છે. પરંતુ ગુજરાતી ભાષામાં આપણાં લોકોના બૌધ્ધિક તથા આધ્યાત્મિક વિકાસ માટે સસ્તા પુસ્તકો મળતા થાય તેવો વિચાર કરવો એ આજે પણ ક્રાંતિકારી લાગે છે. ભિક્ષુ અખંડાનંદ જેવા કોઇક વિરલા જ આવું વિચારી શકે અને હિમાલય જેવા દ્રઢ મનોબળથી તેનો અમલ કરી શકે. ગાંધીજીએ સ્વામી અખંડાનંદના નિધન પછી લખ્યું કે પાંચ ચોપડી ભણેલા આ મહામાનવે સરકારની કોઇપણ જાતની સહાય વગર સારા તથા જીવન ઉપયોગી પુસ્તકો લોકોને મળતા થાય તેવા પ્રયાસો કર્યા તે અસાધારણ છે. પરમ પિતા પરમેશ્વરને ભજવાની આ પણ એક રીત હશેને ! ભગવા ધારણ કરીને માત્ર આત્મ ઉન્નતિ કરવાના બદલે સમગ્ર સમાજનું હિત જેમાં સમાયેલું છે તેવું કાર્ય કરીને સ્વામીજી કર્મયોગની એક નૂતન દિશાનું દર્શન કરાવીને ગયા. ગુજરાતે જોયેલા આવા જ બીજા બે સંતો કે જેમણે લોકહિતના કાર્યોને જ ખરૂ યશકાર્ય માન્યું હતું તેમનું સ્મરણ થાય છે. પૂજ્ય શ્રી મોટા તથા મુનિ સંતબાલજીએ પણ જગત કલ્યાણના કામો થકી જ આત્મ કલ્યાણનો અઘરો રસ્તો સ્વેચ્છાએ પસંદ કર્યો. ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસના બાલકાંડમાં લખેલા નીચેના શબ્દો આવા સંતોના જીવનનું યથાર્થ દર્શન કરાવે છે.

       સાધુ ચરિત સુભ ચરિત કપાસુ
       નિરસ બિસદ ગુનમય ફલ જાસૂ
       જો સહી દુ:ખ પરછિદ્ર દુરાવા
       બંદનિય જેહી જગ જસ પાવા.

              સાધુ પુરુષના જીવન કપાસની જેમ અનાસક્તિના ભાવ સાથે પણ અંતે તો જે કાર્ય જગત માટે અનિવાર્ય છે તેમજ હિતકર છે તે જ કરે છે. ભિક્ષુ અખંડાનંદજી તો ૧૯૪૨ ના જાન્યુઆરી માસની ત્રીજી તારીખે આ નશ્વર સંસાર છોડીને ગયા પરંતુ સસ્તુ સાહિત્ય આજે પણ અખંડઆનંદ જેવા પ્રતિષ્ઠિત સામયકિ તથા અન્ય પુસ્તકોના સ્વરૂપે લોકો સુધી નિયમિત રીતે પહોંચે છે. કીર્તિના આવા કોટડા કાળના પ્રવાહ સામે પણ ઉન્નત મસ્તકે ઊભા રહે છે. આ પ્રજ્ઞાવાન સાધુ ચાલ્યા તો હરિના માર્ગે પરંતુ એક શૂરાની છટા તથા મીજાજ સાથે જીવનયાત્રા  સંપન્ન કરી. કવિ પ્રીતમ કહે છે તેમ હરિના માર્ગે ડગલાં ભરવાનું કામ કોઇ કાયર કરી શકે નહિ. સામાન્ય રીતે લોકો આવા ભગવદ્દ કાર્યમાં ઊભી થતી નાની મોટી સમયસ્યાઓના ભયથી જ આવા કાર્યો કરવાથી દૂર રહેવામાં વ્યવહારૂ ડહાપણ સમજે છે. પરંતુ સ્વામીજી તો “ માંહી પડેલા મરજીવા” સમાન છે અને તેથી કાર્ય સંપન્ન કર્યાનું મહાસુખ માણે છે.

       હરિનો મારગ છે શૂરાનો,
       નહિ કાયરનું કામ જોને,
       પ્રથમ પહેલું મસ્તક મૂકી,
       વળતી લેવું નામ જોને.
       સુત વિત્ત દ્રારા શીશ સમરપે
       તે પામે રસ પીવા જોને
       સિંધુ મધ્યે મોતી લેવા,
       માંહી પડયા મરજીવા જોને.
       પ્રેમપંથ પાવકની જવાળા
       ભાળી પાછા ભાગે જોને,  
       માંહી પડયા તે મહાસુખ માણે
       દેખનહારા દાઝે જોને.
       માથા સાટે મોંઘી વસ્તુ
       સાંપડવી નહિ સહેલ જોને
       મહાપદ પામ્યા તે મરજીવા
       મૂકી મનનો મેલ જોને.
       રામ અમલમાં રાતા માતા,
       પૂરા પ્રેમીજન જોને.
       પ્રીતમના સ્વામીની લીલા,
       નીરખે રજનીદિન જોને.

              કવિ પ્રીતમની આ અનુભવસિધ્ધ અનુભૂતિમાં શૂરવીરના માર્ગે ચાલવા સામે ઊભા થતા પડકારોની વાત તો છે જ પરંતુ તે સાથે જ મરજીવાઓનો મહીમા પણ ગાવામાં આવ્યો છે. આ પંથ એકવાર સમજ તથા સ્વેચ્છાએ સ્વીકાર્યા બાદ તો No Looking back  ની સ્થિતિ થઇ શકે તો એ પાવક પંથની યાત્રા યથાર્થ ઠરે છે. રામનામના અમલનો કેફ જેમને ચડેલો છે તે જ આ પંથ પર પગલાં ભરે અને ભર્યા પછી સ્થિરતા ધારણ કરી શકે. એક વાર નૈયા ઝૂકાવ્યા પછી પંથ લાંબો છે કે ટૂંકો તેની દ્વિધા રાખવી વ્યર્થ છે. કવિ શ્રી ઉમાશંકર જોશીના શબ્દોમાં આ જ વાતનો પ્રતિધ્વનિ સાંભળવા મળે છે.

       એકવાર શઢ ભર્યા,
       ફૂલ્યાને વાયરા ખૂલ્યા,
       હોડીને દૂર શું ? નજીક શું ?

              ભિક્ષુ અખંડાનંદે સંસાર તો છોડયો પરંતુ સન્યાસ ધારણ કરી તેને ઉજાળી જાણ્યો. પડકારો તો આવ્યા પરંતુ સંકલ્પનું બળ એવું કે તમામ પડકારોને ભક્તિ, નિષ્ઠા તેમજ નમ્રતાના આયુધોથી મહાત કર્યા. સતત કામ કરતા જોઇને સ્વામીજીને કોઇ થોડો વિશ્રામ લેવાનું સૂચવે તો પ્રેમથી કહે : “ ચક્કી ચલતી હૈ” જીવનના અંતિમ શ્વાસ સુધી આવા ઉજળા સમર્પણની જવાળા જવલંત તથા જીવંત રહી. આજે પણ સારૂં સાહિત્ય લોકો સુધી પહોંચાડવાની સમસ્યા ઉકલી નથી. આથી જ સ્વામીજીએ દીર્ઘદ્રષ્ટિ થકી લાંબાગાળાના ઉપાય માટે ટ્રસ્ટની સ્થાપ્ના સસ્તા-સારા સાહિત્ય માટે કરી. એ અર્થમાં તેઓ Institution builder હતાં. શ્રી મહેન્દ્રભાઇ મેઘાણી આવું જ યજ્ઞકાર્ય લોકમીલાપના માધ્યમથી કરે છે. અંતે સત્વવાળા સાહિત્યની સૌરભ આપણી હવે પછીની પેઢીઓ સુધી પહોંચે તે જોવાની આપણા સૌની સામુહિક જવાબદારી છે. સારા પુસ્તકો એ દરેક ઘરની અનિવાર્ય ચીજ-વસ્તુઓનો ભાગ બને તેવો નિર્ણય કરીને આપણે સ્વામીજીનું ખરું તર્પણ કરી શકીએ. મર્મી કવિ કલાપીના યાદગાર શબ્દો સ્મૃતિમાં આવે છે :

ભળીશ નહિ જનોથી,
મિત્ર, સ્ત્રી બાળકોથી
જીવીશ, બની શકે તો
એકલા પુસ્તકોથી.
(વી. એસ. ગઢવી)
ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑