ગાંધીયુગના આકાશગંગામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનું સ્થાન તેમના જીવન કાર્યોને કારણે અનોખું તેમજ વિશિષ્ટ છે. બાબાસાહેબ પણ જેમને માર્ગદર્શક ગણતા હતા તેમજ ગુરુ તુલ્ય સમજીને આદર કરતા હતા તેવા પરિવર્તનનો પ્રાણ ફૂંકનાર જોતીરાવ ફુલે (૧૮૨૭-૧૮૯૦) પણ તેમના ક્રાંતિકારી વિચારો તથા આચરણના ઊંચા ધોરણોને કારણે સુવિખ્યાત થયેલા છે. ૧૮૪૦માં જોતીબાના લગ્ન સાવિત્રીબાઇ સાથે થયા. સમાજ સુધારણાની પોતાની પ્રવૃતિને વેગવંતી તેમજ અસરકારક બનાવવા જોતીબાએ સત્યશોધક સમાજની સ્થાપના કરી. સમાજમાં જયારે વર્ણ વ્યવસ્થાને કારણે વ્યાપક સંકુચિતતા ફેલાયેલી હતી તે કાળમાં જોતીબા તથા સાવિત્રીબાઇ જે જાગૃતિનું કાર્ય કરી ગયા તેનાથી મહાત્મા ગાંધી પણ પ્રભાવિત થયા હતા. કન્યા કેળવણી તથા વિધવાઓની સહાય માટે તો જોતીરાવ – સાવિત્રીબાઇએ અનેક પ્રયાસો કર્યાજ પરંતુ ખેડૂતોની દુર્દશા સામે પણ તેમણે અસરકારક રીતે લોકમત જાગૃત કરવાના પ્રયાસ કર્યા. કર્મકાંડ તથા અંધશ્રધ્ધા સામે પણ લોકમત જાગૃત કરવાના નોંધપાત્ર પ્રયાસો તેમણે કર્યા. જોતીબાના જીવન તેમજ તેમના કાર્યોને લગતા વિવિધ પ્રકાશનોથી ફુલે દંપતીના જીવન અંગે તેમજ ઘટનાઓ અંગે મહત્વની માહિતી મળી શકે છે. તેમનું જીવન કર્મશીલતાના ઉજ્વળ પ્રકાશપુંજ સમાન હતું. હિમાલય જેવી દ્રઢતા ધરાવનાર સાવિત્રીબાઇએ પણ પતિના તમામ પ્રયાસોમાં અનેક આફતો વચ્ચે પણ પૂર્તિ કરી હતી.
દેશને આઝદી મળી તે પહેલાના ૧૦૦ વર્ષના કાળમાં કેટલીક બહેનોએ મશાલ પકડીને સમાજની દોરવણી કરી છે. તેમની વાતો આજે પણ રોમાંચક લાગે તેવી છે. અમદાવાદમાં અનસૂયા સારાભાઇ (૧૮૮૫-૧૯૭૨) મિલ માલીકોના સંપન્ન પરિવારમાંથી આવતા હોવા છતાં મિલ-મજૂરોના કલ્યાણ માટે માલિકો સામે તથા પોતાના ભાઇ સામે પણ અવાજ ઉઠાવ્યો. શ્રમિકોનું કલ્યાણ એજ તેમના જીવનમાં અગ્રતાનો વિષય હતો. કમળાબેન પટેલ જેવા બાહોશ અને સાહસિક મહિલાએ દેશના ભાગલા પછી જે વિભિષિકા સર્જાઇ તેમાં પીડિત બહેનોની સાથે રહ્યા અને તેમની સંપૂર્ણ સહાય કરી. “મૂળ સોતાં ઊખડેલા‘’ માનવીઓની કથાઓ તથા તે વખતની સ્થિતિનો ચિતાર કમળાબનેના લખાણોથી વધારે સ્પષ્ટ થયો. સાવિત્રીબાઇના પગલે દુખી ભાંડુઓ માટે ભોગ આપનાર તે કાળના આવા મહિલા રત્નોનું ઇતિહાસમાં અમર સ્થાન છે.
સત્ય સર્વાંચે આદી ઘર,
સર્વ ધર્માંચે માહેર,
જગાં માજીં સુખ સારેં,
ખાસ સત્યાચીં તીં પોરે.
સત્ય સુખાલા આધાર
બાકી સર્વ અંધકાર
આહે સત્યાચા બા જોર,
કાઢી ભંડાચા તો નીર.
જોતીબા ફુલેની લખેલી આ વેદમંત્ર જેવી પંક્તિઓ સત્ય અને નિર્ભેળ સત્યનું દર્શન આવરણ રહીત સ્થિતિમાં કરવા માટે પ્રેરણા આપે છે. મરાઠી ભાષામાં ધારદાર રીતે લખાયેલા આ શબ્દોમાં જોતીરાવ સત્યને બધા ધર્મોનું પિયર ગણાવે છે. સત્ય એજ સુખનો આધાર છે. કપટનો નાશ કરવાનું સામર્થ્ય સત્યમાંજ રહેલું છે અને તેથીજ કપટનો નાશ કરવાનું બળ પણ સત્યમાંજ છે તેવી ચિરાકાળ પ્રાસંગિક તથા પ્રસ્તુત વાત જોતીબાએ લખી છે. સાવિત્રીબાઇ તથા જોતીરાવના પાવક સ્મરણથી પ્રતિતિ થઇ શકે છે કે તે સમયમાં લગભગ અશક્ય લાગે તેવું કન્યાઓ માટેના શિક્ષણનું કાર્ય તેમણે ઉન્નત મસ્તકે કરી બતાવ્યું. તમામ દિશાઓથી ઊભી કરવામાં આવેલી અડચણોને આ દંપતિએ દ્રઢ મનોબળથી પાર કરી. આજે જ્યારે આપણે વિશ્વ મહિલા દિવસની અનેક પ્રકારે ઉજવણી કરીએ છીએ ત્યારે સાવિત્રીતાઇનું પૂણ્યસ્મરણ થાય છે. તેમના જીવનના અનેક સંઘર્ષોની વચ્ચે તેમણે જે કેળવણીનું બીજ રોપ્યું તે માટે ગૌરવનો ભાવ થાય તે સ્વાભાવિક છે.
સાવિત્રીબાઇ (૧૮૩૧-૧૮૯૭)ના લગ્ન તે સમયની પ્રથા મુજબ નાની ઉમ્મરમાંજ પ્રખર સમાજ સુધારક તથા વિચારક જોતીરાવ ફુલે સાથે થયા હતા. મહિલાઓને શિક્ષણ આપવાની બાબતમાં સમાજમાં સામુહિક ઉપેક્ષા તથા અણગમાનો પણ ભાવ હતો. નાત જાતના સંકુચિત વાડા અને તેવા વિચાર ધરાવનારો પણ એક વર્ગ હતો. આવા કપરા તથા પ્રતિકૂળ સંજોગોમાં કન્યા કેળવણીનું ક્રાંતિકારી કદમ ફુલે દંપતિએ ઉઠાવ્યું તે એક ઐતિહાસિક ઘટના છે. મહારાષ્ટ્રમાં જે સ્થિતિ હતી તેવીજ સ્થિતિ મહદ્ અંશે પૂરા દેશમાં હતી. જોતીરાવનો અડગ નિર્ણય તથા સાવિત્રીબાઇની અસાધારણ હિમ્મતને કારણે પ્રતિકૂળ સંજોગોનો સામનો કરીને સાવિત્રીબાઇએ શિક્ષણ પ્રાપ્ત કર્યું. સમાજના તથા સ્વજનોના પણ અનેક પ્રકારના દબાણ વચ્ચે શિક્ષણયજ્ઞનો દિપ પ્રજ્વલિત કરીને સાવિત્રીબાઇએ એક અજોડ ઇતિહાસ રચ્યો છે. કવિ શ્રી પૂજાલાલ લખે છે તેમ આ દ્રઢ નિર્ણયવાળા દંપતી કોઇથી ડરે તેવા કે પસંદ કરેલા જનહિતના માર્ગેથી હટે તેવા ન હતા.
ડર્યા પરિજનો, બધાં સજલનેત્ર આડા ફર્યા,
શિખામણ દીધી : વૃથા જીવન કાં વેડફો ભલા,
પરંતુ દૃઢ નિશ્ચયી નહિજ એમ વાર્યા વર્યા.
ગયા ગરજતા અફાળ વિકરાળ રત્ના કરે
ખૂંધ્યા મરણના તમોમય તળો અને પામિયા
અખૂટ મણિમોતીકોશ, લઇ બહાર એ આવિયા.
ગુજરાતમાં પણ વિદ્યાગૌરી નિલકંઠ કે શારદાબહેન મહેતાની વાતો વાંચીએ ત્યારે એ બાબતની પ્રતિતિ થાય છે કે કેવા વિપરીત સંજોગોમાં આ બન્ને બહેનોએ શિક્ષણ મેળવ્યું હતું. સાવિત્રીબાઇનો સમય તો આ બન્ને બહેનોની પણ પહેલાનો હતો. એટલુંજ નહિ પરંતુ સમાજમાં ઘર કરી ગયેલી વર્ણવ્યવસ્થાને કારણે તેમની લડાઇ વધારે આકરી અને પડકારરૂપ હતી. દેશ આઝાદ થયો તે પહેલા લગભગ એક સદી પહેલા રૂઢિગત વાડા બંધનોની અનુચિત મર્યાદાઓને પડકારીને બહેન – દિકરીઓ માટે શાળા શરૂ કરીને જોતીબાએ એક ઉજળા ઇતિહાસનું સર્જન કર્યું. પરંતુ આ શાળામાં શિક્ષણ આપવાનું કાર્ય કોઇ પણ પ્રકારે વેતન લીધા સિવાય કરવાનું દુષ્કર કાર્ય સ્વીકારીને સાવિત્રીબાઇએ જોતીબાના સ્વપ્નને સિધ્ધ કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી. લોકોની ઠેકડી તો ઠીક પરંતુ તેમના ઉપર ધૂળના ઢેખાળા કે છાણા જેવા પદાર્થો ફેંકવામાં આવ્યા તો પણ સાવિત્રીબાઇ ટસના મસ ન થયા. ‘‘ ડગલું ભર્યું કે ના હઠવું ’’ ની વાત તેઓએ જીવી બતાવી. જ્યારે દૂભ્યા – દબાયેલા કે શોષિતો જાગૃત થાય અને નિર્ણયાત્મક ડગ ભરે ત્યારે કવિ શ્રી રાહી ઓધારિયા કહે છે તેમ ઉગમણી દિશામાં એક નૂતન સૂર્યોદય ખરા અર્થમાં થવા પામે છે.
તે દી સોનનો સૂરજ ઊગશે !
લોહી ભીની લાગણીએ ક્રાંતિનો શબ્દ
જે દી પીડિતો ભેળાં થઇ ઘૂંટશે.
કારખાના – ખેતરને છોડીને સૌ
થશે મેદાને જંગ મહીં ભેળાં
વર્ષોના જુલ્મો-સિતમનો જવાબ
દઇ દેવાની સાંપડશે વેળા
માનવીના બળતા હૈયાથી કાળઝાળ
અગણિત ચિનગારીઓ ફૂટશે
કામ નહિ આવે તે દિ સૈનિકના ધાડા
ને કામ નહિ આવે પછી ગોળીઓ
એક પછી એક એમ કેસરિયા કરનારાં
રમશે લોહીથી રંગ – હોળી,
મૃત્યુના મેળાને માણવા ઉમંગથી
સામી છાતીએ સહુ ઝૂઝશે.
કવિશ્રીએ ઉપરના અર્થપૂર્ણ શબ્દોમાં કરેલી અભિવ્યક્તિ જોતીબા તથા સાવિત્રીતાઇ જીવન થકી વાસ્તવિક થતી જોઇ શકાય છે. વિશાળ જનસમૂહને જાગૃત કરવા કોઇક ચિનગારીનું કાર્ય કરવાનો ધર્મ બજાવે તો તેનું પરિણામ નિશ્ચિત રીતે મળે છે. દાંડીકૂચના ગાંધીજી પ્રેરિત સંગ્રામ બાદ હિન્દુસ્તાનની અનેક મહિલાઓએ ઘરથી બહાર નીકળીને તે સમયમાં પડકારરૂપ હતું તેવું જાગૃતિનું અને દારૂની દુકાનો સામે પિકેટીંગનું કાર્ય નિર્ભય થઇને કરી બતાવ્યું. હજુ અડધી સદી પહેલાજ અમીર શહેરના ફકીર બાદશાહ ઇન્દુલાલ યાજ્ઞિકની હાકલ સાંભળીને ગુજરાતના યુવાનો સંઘર્ષ કરવા માટે તૈયાર થયા. મહાગુજરાત એ તેમનું લક્ષ હતું અને તેથી માર્ગમાં આવતી સમસ્યાઓ તેમના માટે ગૌણ હતી. સાવિત્રીબાઇના સર્વહિતકારી સંઘર્ષને ડામવા માટે જે શક્તિઓ કામે લાગી તે અંતે નિષ્ફળતાને વરી. આ દેશના પ્રથમ કહી શકાય તેવા મહિલા શિક્ષણવિદે ભવિષ્યની તમામ પેઢીઓ માટે જ્ઞાનનો સૂર્યોદય કરી બતાવ્યો. આ હેતુ સિધ્ધ કરવા માટેજ સાવિત્રીતાઇ પોતે લગ્ન કર્યા બાદ અભ્યાસ કર્યો અને તેનું ફળ છેક છેવાડાના તથા શોષિત માનવીઓને ઉદારતા તેમજ વાત્સલ્યથી પહોંચાડ્યું. અનેક પ્રકારના જૂલ્મો – અન્યાયો સહન કરતી વિધવાઓ માટે એક આશ્રયનું સ્થાન બનીને ઊભા રહ્યાં. લોખંડી સંકલ્પ બળનું આ એક યથાર્થ નિદર્શન છે.
મહિલા દિવસની આ ઉજવણીઓ વચ્ચે ફુલે દંપતી જેવા કાર્યની કથા આપણી નવી પેઢી માટે પણ પથદર્શક તથા પ્રોત્સાહક બની શકે તેવી છે. આ સંઘર્ષની કથા પ્રાસંગિક પણ છે. સદભાગ્યે કન્યા કેળવણીના ક્ષેત્રમાં આજે નોંધપાત્ર સિધ્ધિ થઇ છે પરંતુ આ પંથ હજુ લાંબો તથા વિકટ છે. આ દિશાના સતત અને સક્રિય પ્રયાસોનો કોઇ વિકલ્પ નથી. શિક્ષણ સાથેજ મહિલાઓ તરફના સમાજના માઇન્ડસેટમાં પણ જ્યાં ક્ષતિ જણાતી હોય ત્યાં તેને ઠીકઠાક કરવાની વાત વિસરી શકાય તેવી નથી. દોઢસો વર્ષ પહેલા જે કામ જોતીબા તથા સાવિત્રીતાઇ કરી ગયા તે આજે પણ પ્રેરણા આપી શકે તેવું સત્વ તથા સામર્થ્ય ધરાવે છે. વિશેષ કરીને – વિશ્વ મહિલા દિવસની ઉજવણીના પ્રસંગે કદી પણ વિસરી ન શકાય તેવું ઉજળું ચરિત્ર સાવિત્રીતાઇનું છે.
***
Leave a comment