: સંસ્કૃતિ : મૂઠી ઊંચેરો માનવી :

ગુજરાતમાં આવેલા ભારે વરસાદ તથા રેલસંકટની મહારાજને ચિંતા હતી. દેશ પર તે સમયે અંગ્રેજોનું શાસન હતું. માત્ર સરકારના ભરોસે રેલસંકટમાં સપડાયેલા લોકોને છોડવાનું રવિશંકર દાદાને કેમ ફાવે ? મહારાજ મહીકાંઠાના વડાદરા ગામમાં પાટણપડિયાની પુત્રી જીવીના આંગણે ઊભા છે. પુરગ્રસ્ત વિસ્તારના લોકોમાટે અનાજની ટહેલ મહારાજ ગામેગામ જઇને નાખે છે. જીવી લાજ કાઢીને મહારાજને પગે પડીને આવકારે છે. જીવીના આધેડ વયના પ્રભાવી વ્યક્તિત્વને કારણે ગામના લોકો તેને આદરથી જીબા તરીકે ઓળખે છે. મહારાજ કહે છે : “ જીબા, તું મારી બૂન કહેવાય. હજીયે લાજ કાઢીશ? ’’ જીબા હસીને જવાબ આપે છે: “ દાદા, આપ તો માવતર છો. પણ લાજ રાખી તે રાખી.જતે જનમારે હવે કયાં છોડવી ? ” મહારાજે દુ:ખી ભાંડુંઓ માટે થોડા અનાજની માગણી મૂકી. “ અરે દાદા મારી કને તો કેટલા દાણાં હોય ? ” આવો વિવેક કરીને દિલની દિલાવર જીબાએ ગાડું ભરાય એટલું પુષ્કળ અનાજ ગણતરીની ક્ષણોમાં મહારાજને ભરી આપ્યું. મહારાજને આ લજ્જા પાળતી તથા મૂંગા મોંએ ઉદારતાથી મદદ કરતી જીવીમાં “ મૂર્તિમંત મહી માતા ” નો ભાસ થયો ! સમાજ તેમને નીચા વર્ગના લોક તરીકે ઓળખતો હતો. તત્કાલિન સરકાર જન્મજાત ગુનેગાર ગણીને શોષણ થાય તેવા અમાનુષી નિયમો આ સમાજ માટે કરતી હતી. આવા વર્ગના લોકોના અંતરમાં ફૂટતી માનવતાની સરવાણીઓનું શુચિ સ્નાન રવિશંકર મહારાજ સિવાય આપણને કોણ કરાવી શક્યું હોત! મેઘાણીભાઇ આ સમાજની વાતોનો પરિચય કરાવતા યાદગાર શબ્દો લખે છે :

“ ગુજરાતના જે ખમીરવંતા સંતાનો ચોર-લૂંટારા તથા ખુનીઓના ખાનામાં પડીને સરકારી જેલ અથવા પોલીસ-કચેરીના રજીસ્ટરે પુરાઇ રહેલ છે, તેમનામાં વસેલી માણસાઇનો પરિચય માણસાઇના દીવા માં છે ……… અકસ્માતે રામ થઇ જવા આવેલા આ દીવાઓમાં તેલ પુરનારો કોઇક પણ સાચો માનવી ભેટી જતા દીવા કેવા સતેજ બને છે તેની આ કથા છે.” કાકા કાલેલકર લખે છે કે મહીકાંઠાની આ જીવનકથામાં સ્નાન કરીને તેઓ તિર્થસ્નાનની ધન્યતા અનુભવે છે. રવિશંકર મહારાજનો આ કર્મયોગ તથા મેઘાણીભાઇની અદ્દભૂત સાહિત્યશૈલીને કારણે માણસાઇના દીવાની કથાઓ માનવકોટિના સાહિત્યમાં પોતાનું અનોખું સ્થાન લેશે તેવું કાકાસાહેબનું તારણ યથાર્થ છે. આ વાસ્તવિક કથાઓ-વાતો મનુષ્ય ગૌરવના ચિરંજીવી ગાનની છે. કવિશ્રી ઉમાશંકર જોશીએ ૧૯૫૯ માં મહાશિવરાત્રીના દિવસે તથા મહારાજની ૭૫ મી જયંતી પ્રસંગે લખેલા શબ્દો અમર થયા છે. 

મનુષ્યથી ના અદકું કંઇ જ.

મનુષ્યમાંયે શિર જેનું ઉર્ધ્વ,

મૂર્ધન્ય તે. 

ગાંધીયુગની આકાશગંગામાં અનેક તેજસ્વી તારલાઓ ચમકતા જોઇ શકાય છે. આ દરેકે દરેક તારક પોતાનાજ સત્વથી ઉજ્વળ છે અને ભાતીગળ છે. શિવરાત્રીનો તહેવાર હમણાંજ ગયો ત્યારે શિવરાત્રીના પવિત્ર દિવસે જન્મ લઇને શિવત્વને પામનાર રવિશંકર મહારાજની પાવક સ્મૃતિ સહેજે થાય છે. બારડોલી સત્યાગ્રહના ઐતિહાસિક પ્રસંગે તા.૩૦-૦૪-૧૯૨૮ ના રોજ મહાત્મા ગાંધી ‘ રાજ વિનાના મહારાજ ’ ને પત્ર લખે છે. પત્ર મહારાજની સત્યાગ્રહી તરીકે સત્તાધિશોએ ધરપકડ કરી તેના સંદર્ભમાં લખાયો છે. એક એક શબ્દને તોળી-ઝોખીને બોલનાર-લખનાર ગાંધીજીના આ પત્રના શબ્દો વાંચીને મહારાજ તરફ વિશેષ અહોભાવ પ્રગટ્યા સિવાય રહે નહિ. 

ભાઇ શ્રી રવિશંકર,

તમે નસીબદાર છો. જે ખાવાનું મળે તેથી સંતુષ્ટ, ટાઢ અને તડકો સરખા. ચીંથરા મળે તો ઢંકાઓ. હવે જેલમાં જવાનું સદભાગ્ય તમને પહેલું, 

જો ઈશ્વર અદલાબદલી કરવા દે અને તમે ઉદાર થઇ જાઓ તો તમારી સાથે અદલાબદલી કરું.

તમારો અને દેશનો જય હો !

  • બાપુના આશીર્વાદ.

બાપુનું આવું ઉત્તમ પ્રમાણપત્ર મેળવવાની પાત્રતા મહારાજની ઘસાઇને ઉજળા થવાની વૃત્તિમાં જોઇ શકાય છે. અમદાવાદ જિલ્લા સર્વોદય મંડળે કાન્તિભાઇ શાહ જેવા સમર્થ સંપાદકની મદદથી મહારાજના જીવન તથા કાર્યોની ઝાંખી કરાવીને આપણાં પર ઉપકાર કરેલો છે. માનવીનું ગૌરવ જળવાય તે માટે લગભગ એક સદી સુધી ઝઝૂમનાર મહારાજ આપણાં દિલો દિમાગ પર રાજ કરી શકે તેવા સમર્થ તથા સ્વયં પ્રકાશિત છે. સબળ ગદ્યકાર તથા અડીખમ તપસ્વી સ્વામી આનંદ મહારાજને પુણ્યનો પર્વત તથા મૂઠી ઊંચેરા માનવી કહીને થોડામાં ઘણો સંકેત આપતા જાય છે. વિનોબાજી જેમને તુકારામની કોટિના સંત ગણાવે છે તેવા મહારાજ ૧૮૮૪ થી ૧૯૮૪ સુધી એક જ્વલંત તથા દિશાદર્શક પ્રકાશપુંજ બનીને ગુજરાતને તથા દેશને માર્ગદર્શન આપતા રહ્યાં. સૌરાષ્ટ્રનું અલગ રાજ્ય થયા પછી જમીનોના જે કાયદાઓ થયા તેમાં શ્રી ઢેબરભાઇની દ્રષ્ટિ જમીનોના માલિકો – ગિરાસદારો – તથા શ્રમિકો કે ગણોતિયાઓ વચ્ચેના વર્ગવિગ્રહને ઊગે તે પહેલાંજ અટકાવવાનો પ્રયાસ હતો. કાર્ય કપરું હતું અને બન્ને તરફની વિચારધારા – આગ્રહપૂર્વકની તેમજ પ્રસંગોપાત ઝનૂની પણ રહેવા પામી હતી. આ સંજોગોમાં સંત વિનોબાજીના ભૂદાનની પૂર્વભૂમિકા સબળ, સફળ તથા અસરકારક રીતે ઊભી કરવાના મુશ્કેલ કાર્યમાં રવિશંકર દાદા સચ્ચાઇ તથા આત્મનિષ્ઠાના બળે સફળ થયા હતા.  ખોબા જેવડા મજાદર ગામના સુવિખ્યાત કવિ કાગ લખે છે કે મહારાજ જે ભૂમિદાન અંગેની વિનોબાજીની વિચારધારાનો પ્રચાર કરતા હતા તે પરત્વે શરૂઆતમાં તો કવિનો નારાજગીનો ભાવ હતો. પરંતુ મહારાજના દશર્ન થકી આ નારાજગી થોડી ક્ષણોમાંજ મહારાજ તરફથી ભક્તિ અને તેમના વિચારોમાં શ્રધ્ધા સ્વરૂપે પરિવર્તીત થયા. ‘‘ મનને લાગેલા જૂના કાટ ’’ જાણે મહારાજના પ્રભાવથી દૂર થયા.

આતમ હમારો ભૂમિદાનકો વિરોધી સખ્ત,

કૌતુક ભયો રી મન મેરો પલટાયો હૈ.

નર્મદાને કંકર કો શંકર બનાયા જૈસે,

તૈસે રવિશંકરને કાગ કો બનાયા હૈ.

અમદાવાદની સીવીલ હોસ્પિટલમાં દાદાની અમીભરી આંખના શિતળ છાયે મહારાજના સ્વાનુભવની અનેક વાતો સાંભળીને મેઘાણીભાઇએ ધન્યતા અનુભવી છે. મહારાજ તથા મેઘાણીભાઇની આ મુલાકાતના પરિણામેજ વિશ્વ સાહિત્યમાં સ્થાન પામી શકે તેવી ‘માણસાઇના દીવા’ ની વાતોએ જગતમાં નૂતન પ્રકાશ પાથર્યો. રુક્ષ તથા અવિચારી દેખાતા કે ઓળખાતા વર્ગની અમીરાતની તેમજ ખમીરની વાતો મહારાજના અમૂલ્ય અંગત અનુભવોમાંથી જગતને  પ્રાપ્ત થઇ. મેઘાણીભાઇ પોતાના જીવન સંગ્રામ સાથે જોડાયેલા પ્રસિધ્ધ ‘‘ફૂલછાબ કાર્ટૂન કેસ’’ ના સંદર્ભમાં અમદાવાદ હતા ત્યારે તેમને સર્વ પ્રથમ રવિ-દર્શન થયું અને આ મંગળ મૂર્તિ કવિના દિલમાં ઊંડી ઊતરી જવા પામી. મેઘાણીભાઇ મહારાજનું pen – picture આપતાં લખે છે : ‘‘પાતળી કાઠીની, અડીખમ, પરિભ્રમણને ટાઢતડકે ત્રાંબાવરણી બનાવી, ટીપીને કોઇ શિલ્પીએ ઘડી હોય તેવી એ માનવમૂર્તિ સ્વચ્છ પોતિયે, બંડીએ અને પીળી ટોપીએ, ઉઘાડે તથા મોટે પગે એવી શોભતી હતી કે મારા અંતરમાં એ હમેશાને માટે વસી ગઇ છે’’ મહારાજ તથા મેઘાણીના ઐતિહાસિક તથા ઉપકારક મિલનને કારણે મહીકાંઠાની જનતાના વિશેષ તેમજ સોંસરવા દર્શનનો તેમજ તેમના જીવનની અદભુત વાતોનો અનુભવ સમગ્ર વિશ્વને થયો. માનવતાના મૂલ્યો, મનમાં ઊભા થતાં અનેક પ્રકારના સંઘર્ષો, કાયદાના પાલનમાં જોવા મળતી ત્રુટિઓ જેવી અનેક બાબતો સમાજને જોવા – સમજવા તથા અનુભવવા મળી. લોકજીવનના કેટલાક હીરલાઓનું ખમીર પણ શબ્દસ્થ થયું. પાટણવાડિયા-બારૈયાના જીવનની તેમજ જીવન સંઘર્ષની અસાધારણ વાતો મહારાજના સ્વમુખે સાંભળીને મેઘાણીભાઇએ જગતના ચોકમાં મૂકી. આ સામાન્ય લાગતાં અને જન્મથીજ ગુનેગારોમાં ખપાવાયેલા લોકોના જીવનના પ્રાણતત્વોનું દર્શન કરીને સારમાણસાઇ તરફથી આપણી શ્રધ્ધા બળવત્તર બને છે. માનવતાની સરવાણીઓ ફૂટતી દેખાય છે. સાહિત્ય જગતના લોકોનો આદર પણ આવા આલેખનને વિશાળ પ્રમાણમાં મળ્યો. મહારાજ પોતે આ ઘટનાઓના કેન્દ્રસ્થાને હોવા છતાં પોતાની જાતને ગૌણપદે રાખીને વાત સમજાવી શકતા હતા તેવું મેઘાણીભાઇનું તારણ કેવું ગરીમાયુક્ત લાગે છે ! મહારાજના વાક્યો મેઘાણીભાઇને સંઘેડાઉતાર લાગ્યા છે. મહારાજની એવી ચિંતા પણ હતી કે આ વાતોના આલેખનથી પોતાની પ્રશસ્તિ થવી જોઇએ નહિ. મહારાજનું જીવન એ નિષ્કામ કર્મયોગનું જીવંત તથા સદાકાળ જ્વલંત ઉદાહરણ છે. આથીજ ગુજરાતની ભાવી પેઢીઓ સુધી તેમજ ખાસ કરીને યુવાનો સુધી મહારાજનું ચરિત્ર પહોંચવું જરૂરી છે. શૌર્ય – સાહસ તથા સાદગીની ગાંધીગીરી એજ મહારાજના આયુધો છે. ગાંધી – વિચારના મેરુદંડ સમાજ મહારાજ એ ચિરાકાળ સુધી આપણાં હ્રદય સિંહાસન પર બિરાજવાના છે. મુરલી ઠાકુરે લખ્યું છે તેમ આપણાં હૈયાના રાજના એ સદાકાળ મહારાજ છે. આ મહારાજને દુન્વયી લટકણિયાંઓની કે ખિતાબોની આવશ્યકતાજ ક્યાં છે ? 

તમે ! મહારાજ…! 

રાજ વિનાના રાજ… 

મહારાજ માનવી મનના 

મહારાજ ! 

છતાં નથી ક્યાં રાજ તમારાં ! 

મહા…. રાજ ? 

ભાન ભૂલેલા પંથ ભૂલેલા, 

માનવતાના ભક્ષક સૌના બંધુ. 

સહોદર શત્રુ કેરા 

યાત્રી ગાંધી ચીંધ્યા પથના.

વાણી તમારી અમૃત ઝરણું 

પાવક – શામક ચિત્ત ઉધારક. 

સબ ભૂમિ ગોપાલકી 

ને, તમે એ ગોપાલના લાલ ! 

અમ હૈયાં કેરા રાજ — 

તમારે હાથ, મહારાજ 

તમને શત શત પ્રણામ. 

કરોડો ગુજરાતીઓનું એ બડભાગ્ય છે કે મહારાજના કરકમળોથી ગુજરાત રાજ્યના પ્રાંરભિક પોંખણાનો વિધિ થયો છે. તે સાથેજ મહારાજના પગલે ડગ માંડવાના યથાશક્તિ પ્રયાસોની આપણી જવાબદારી પણ બને છે. આપણો આવો શિવ સંકલ્પજ મહારાજની સ્મૃતિમાં ઉચિત તથા દાદાને પસંદ પડે તેવો ગણી શકાય. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑