: સંસ્કૃતિ :મધ્યયુગના સંતોના માર્ગવિહારી : રાજયકવિ પિંગળશીભાઇ:

ભાવનગરના રાજયકવિ કવિરાજ શ્રી પિંગળશીભાઇ પાતાભાઇ નરેલાના અવસાનથી “ ગરવાનું ટૂક તુટી પડ્યું” એવો ભાવ મેઘાણીભાઇને થયો. મેઘાણીભાઇએ તેમની આ ઊર્મિને મુંબઇના જન્મભૂમિના તા.૦૮.૦૩.૩૯ ના અંકમાં અને ફૂલછાબ સાપ્તાહિકના તા.૧૦.૦૩.૩૯ ના અંકમાં વાચા આપી. સાડા આઠ દાયકાનું અર્થસભર જીવન જીવી જનાર આ કવિને તેમના યુગના એક તેજસ્વી કવિ તરીકે મેઘાણીભાઇએ બીરદાવેલા છે. મેઘાણીભાઇ લખે છે કે ઝાકઝમકવાળી રચનાઓ તથા દુર્બોધતામાંથી કાવ્યવાણીને સરળ છતાં વેધક બનાવનાર આ કવિરાજ સંસ્કારમૂર્તિ લોકકવિ હતા. પિંગળશીભાઇના કાવ્યો ગામડે ગામડે ગવાતા રહ્યાછે. પ્રતાપી પિતા અને રાજયકવિ શ્રી પાતાભાઇનો જાજરમાન કાવ્ય વારસો પિંગળશીભાઇએ સંપૂર્ણ ગરવાઇ તથા નમ્રતાથી પચાવ્યો છે અને વિકસાવ્યો છે. એક ઉત્તમ વાર્તાકારતથા સંતવાણીના સર્જક એવા આ કવિની પ્રતિભા બહુમુખી રહી છે. પિંગળશીભાઇ ભાવનગરના ત્રણ પ્રતાપી રાજવીઓ – તખ્તસિંહજી- ભાવસિંહજી તથા કૃષ્ણકુમારસિંહજીનો અસ્ખલિત સ્નેહ મેળવી શકયા તે એક નોંધપાત્ર ઘટનાછે. બહોળો રોટલો, પહોળો હાથ અને મેઘગર્જના થતી હોય તેવો ભર્યો ભાદર્યો કંઠ એ કવિની ઓળખ હતી. તેમની ઉજળી મહેમાનગતિને કારણે પિંગળશીબાપુની ડેલીનો રોટલો મશહુર થયો હતો. તેમની છટા, શૈલિ અને વાક્ધારાનો અવિરત પ્રવાહ પ્રભાવિત કરે તેવા હતા. મેઘાણીભાઇએ નોંધ કરી છે કે સપ્તરંગી આગંતુકોની વચ્ચે એક રંગીલા બનીને બેસતા એ અડીખમ પુરુષનું પૌરુષ કદી વિસરી નહિ શકાય. નરસિંહ કે દયારામની ભક્તિ પ્રાધાન્ય  રચનાઓની એક ઉજળી કડીનો મણકો પિંગળશીભાઇની વાણીમાં જોવામળે છે. સભાજનોને મંત્રમુગ્ધ કરી શકે તેવો વાણીનો પ્રવાહ તેમની રચનાઓમાં ઉછળતો જવા મળે છે. જેમણે નજીકના ભૂતકાળમાંશ્રી બળદેવભાઇ નરેલા (કવિના પૌત્ર)ને જોયા હશે તેમને બળદેવભાઇની વાક્ધારામાંઆ કવિકૂળના કૌશલ્યનું દર્શન થયું હશે. સૌજન્ય, વિવેક તથા નિજત્યનું ખમીર જીવનના ચઢાવ-ઉતારમાં પણ આ કૂળમાં ઓછું થવા પામ્યું નથી. 

ભાવનગર રાજયના રાજયકવિ પિંગળશીભાઇ પાતાભાઇ નરેલા પોતાના વતનના ગામ શેઢાવદર ગયેલા ત્યારે નોંધાયેલો એક પ્રસંગ ફરી ફરી યાદ કરવો-વાગોળવો ગમે તેવો છે. બાપુ પોતે હોકાના પાકા બંધાણી હતા. શેઢાવદરમાં એક દિવસ વહેલી સવારે થોડો શારીરિક અજંપો થયો અને કવિરાજ વહેલા જાગી ગયા. હોકો ગગડાવવાની- હોકો પીવાની ઇચ્છા થઇ. મલેક જમાદાર ભાવનગર રાજયના રાજયસેવક તે હાજર હતા. જમાદારને હોકો ભરી લાવવા કવિરાજે સૂચના આપી. હોંશિલા જમાદાર સ્નેહ તથા ખંતથી હોકો ભરીને લાવ્યા. સૂર્યનારાયણ દેવની વંદના કરીને કવિરાજે હોકો પીવાનું ચાલુ કર્યું. ઉષાના સામ્રાજયના ઉદયનો મધુર સમય, ગામડાનું નિર્મળ વાતાવરણ અને મનપસંદ હોકાના ઘૂંટ લેતા કવિરાજ શારીરિક અજંપો વિસરી ગયા. પ્રસન્નતા અનુભવી. મલેક જમાદાર તરફ લાગણીનો, શાબાશી આપવાનો ભાવ થયો એ સમયે જ ગોવાળ કવિરાજને પ્રિય એવી ભેંશ દોવા-દૂધ દોહવા બેસતો કવિરાજે જોયો. ગોવાળને ઉદાર સ્વભાવના કવિએ સૂચના આપી કે ભેંશને દોવી નહિ પરંતુ ત્યારેને ત્યારે ભેંશને છોડી બોધરણા-(દૂધ દોવાનું વાસણ) સાથે મલેક જમાદારને ત્યાં બાંધી આવવી. સાથેસાથે ભેંશના ચારાની વ્યવસ્થા પણ કરવી. જેથી મલેક જમાદારને ભેંશના ચારાની પણ ચિંતાન રહે. ગોવાળ તથા મલેક જમાદાર દિગમુઢ થઇને સૂચનાઓ સાંભળે છે. કવિરાજની સૂચના પ્રમાણે તરત જ તેનો અમલ કરે છે. બીજાને ખપમાં આવીને ઊજળા થવાની કવિરાજની પ્રશંસા જે ગામલોકોએ સાંભળી હતી તે આજે નજરોનજર જોવા-અનુભવવા મળી છે. કવિ શ્રી કાગે લખેલા શબ્દોની જાણે પ્રતિતિ થઇ. મુલ્ક મશહૂર ડેલીમાં કોઇ યોગીની જેમ ધૂણી ધખાવીને બેઠેલા આ સરસ્વતી પુત્રે બન્ને હાથે અર્પણ કરવાના જ સંસ્કાર મેળવ્યા હતા અને વિશેષ કેળવ્યા હતા. 

ડેલીએ બેઠો અડિખમ ડુંગરો

દેતાં દેતાં મેં દીઠો…. 

પિંગળશીને સઘળે સ્થાનકે દીઠો.

મહારાજાઓને ડાયરે ડાયરે

સાચું સંભળાવતો મેં દીઠો.

ઝૂંપડીઓની વણીને વેદના 

ગીતમાં ગાતો મેં દીઠો …. 

પિંગળશીને સધળે સ્થાનકે દીઠો. 

ઇ.સ. ૧૮૫૬ થી ૧૯૩૯ સુધીનું સુદીર્ઘ તથા તંદુરસ્ત આયુષ્ય ભોગવીને કવિરાજ ગયા. આ માસ-ફાગણ માંજ (માર્ચ-૧૯૩૯) જાણે ફાગણની ફોરમ ફેલાવીને કવિએ મહાપ્રયાણ કર્યું. શ્રી જયમલ્લભાઇ પરમારે કરેલ નોંધ મુજબ મલેક જમાદારનો કિસ્સો જે ઉપર જણાવ્યો છે તેવા અનેક ખૂમારી-ખમીર તથા ઉદારતાના કિસ્સાઓ કવિના ભાતીગળ જીવન સાથે જોડાયેલા છે. મહાકવિ નાનાલાલે શોકાંજલિ આપતાં લખ્યું કે કવિરાજ પિંગળશીભાઇના અવસાનથી ભાવનગરની કાવ્યકલગી ખરી પડી છે. કવિ શ્રી નાનાલાલે ઉમેર્યું કે ભાવનગર મહારાજના મુગટમાંથી એક હીરો ખરી પડ્યો છે. કવિએ જે કાવ્યપુષ્પોનું સર્જન કર્યું છે તે તેમના જીવનના સહજ કર્મોમાંથી પ્રગટ થતી લાગણીની સુંદર અભિવ્યક્તિ છે. શ્રી ચંદ્રવદન મહેતાએ લખ્યું છે કે કવિ પિંગળશીભાઇના કાવ્ય સર્જનના ઉજળા સત્વની પાછળ “ શીલ તેવી શૈલી – વ્યક્તિ તેવું લખાણ ” એ સુત્રનું પ્રમાણ છે. શ્રી મહેતાએ આ રાજકવિને સાધુ રચિત કવિ કહીને નવાજ્યા છે. કવિને ભીતર તથા બહાર એકરંગા હોય તેવા માનવીઓથી વિશેષ પ્રીતી છે. તેમની કહેણી તથા કરણીમાં સામ્યતા જોઇ શકાય છે. તેમના કાવ્યમાં પણ આ જ ભાવ ઘૂંટાયો છે. કવિને પ્રતિતિ થયેલી છે કે મનના મેલને ધોયા સિવાય હરિ શરણ પ્રાપ્ત થતું નથી માત્ર પુજા કે અર્ચન વિધિથી જ પરમતત્વનું સાનિધ્ય પ્રાપ્ત થતું નથી. 

પ્રભુને પૂજયાથી શું થાય, 

મેલ ભર્યો મનમાંય ….

પ્રભુને પુજયાથી શું થાય …. જી… 

શિયાળામાં નિત્ય સવારે 

નીર ઠંડાથી નાય … જી. … 

ભ્રાત સગાનું સારું ભાળે તો, 

લાગે ઉરમાં લાય …. પ્રભુને પુજયાથી …

ચોખા કંકુ નિવેદ સાકર

ઠાકર સેવા થાય જી. … 

ચાકર થઇને ધણીનું ચોરે 

ખોટું બોલીને ખાય .. પ્રભુને પુજયાથી …

ભેળા થઇને રાતે ભજનો, 

ગાંજો પીને ગાય….! .. જી..

ધ્યાન ધરે ખોટા ધંધામાં 

લલનામાં લલચાય … પ્રભુને પુજયાથી …

જુવો પ્રભુ છે અંતરજામી, 

છેતર્યા નવ છેતરાય… જી. …. 

પિંગળશી કહે પાખંડીનો 

જીવ અસૂર ગતિ જાય… 

પ્રભુને પુજયાથી શું થાય … જી. …

મધ્યયુગના સંતોના માર્ગવિહારી જેવા આ મહાકવિની કાવ્ય ભાષા સરળ છતાં ધારદાર છે. સામાન્ય રીતે જાણતા કે અજાણતા પણ આપણે ધર્મને નિશ્ચિત ક્રિયાકાંડ સાથે જોડી દઇએ છીએ. કાળક્રમે મૂળ ધર્મના તત્વ કરતાં પણ આ ક્રિયાકાંડનું મહત્વ વધી જાય છે. માત્ર યાંત્રિક રીતે થતા ક્રિયાકાંડમાં જો ધર્મ-તત્વનું સૌંદર્ય ન હોય તો તેવા ક્રિયાકાંડમાં ચૈતન્ય તત્વનો ક્રમશ: લોપ થતો જાય છે. આપણા કવિ અખાએ આ વાત અસરકારક ઢબે તથા દાખલા-દલીલ સાથે સમજાવી છે. 

એક મુરખને એવી ટેવ, 

પ્થ્થર એટલા પૂજે દેવ.

તુલસી દેખી તોડે પાન,

પાણી દેખી કરે સ્નાન.

કથા સૂણી સૂણી ફૂટ્યાં કાન,

અખા, તો યે ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

પરમતત્વ તરફની જીવની વૃત્તિને સદ્દવર્તન થકી જ ગતિ મળી શકે છે. બાકી તો માત્ર બાહ્ય દેખાવ માટેની પ્રવૃત્તિ સાધના પથમાં નિરર્થક બની રહે છે.

મહાત્મા ગાંધીના જીવનમાં પ્રાર્થનાનું મહત્વ અગ્રિમ હતું તે સર્વ વિદિત છે. આશ્રમ જીવનમાં સામુહિક પ્રાર્થનાનો તેમણે કરાવેલો પ્રારંભ આપણાં પ્રાચીન કાળના ઋષિ-મુનીઓના આશ્રમની યાદ અપાવે છે. ૧૯૩૦ના આ મહીનામાં જ (માર્ચ મહીનામાં) દાંડીકૂચની નિર્ધારીત તારીખ પહેલા આશ્રમમાં પ્રાર્થના સભા બાપુની હાજરીમાં થતી હતી. પ્રાર્થનામાં ભાગ લેવા આવનાર લોકોની સંખ્યામાં દીન-પ્રતિદીન વધારો થતો જોઇને ગાંધીજીએ આ વાત પ્રાર્થના સભામાં લોકોને સંબોધન કરતા કહી હતી. ગાંધીજીએ કહેલું કે પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં લોકો આવે તે સારું છે પરંતુ પ્રાર્થનાની અસર લોકોના બાહ્ય આચાર પર થવી જોઇએ. ગાંધીજીએ કહેલું કે આવી અસર જોઇ શકાય તો જ પ્રાર્થના કર્યાનો ખરો અર્થ સરે છે. આ કાવ્યમાં પણ કવિ કહે છે કે કંકુ-ચોખા કે નિવેદ ધરવા માત્રથી પ્રભુની પૂજા પૂરી થતી નથી. પરંતુ પ્રાર્થના એ આત્માનો ખોરાક હોવાથી પ્રાર્થના થકી આત્મશુધ્ધિ તથા આત્મ ઉન્નતિ થવી જરૂરી છે. ભજન-કથા, વાર્તા કે પ્રાર્થનાનો સીધો સબંધ મનની શુધ્ધિ તથા તેના પરિણામ સ્વરૂપ વ્યવહારશુધ્ધિમાં પરિણમે તો જ જીવની શિવ તરફની ગતિ થાય છે. કબીર સાહેબે કહ્યું છે તેમ ભજન કે પ્રાર્થના એ શબ્દ અને સુરતાનો યોગ છે. એકવાર એ સ્થિતિની પ્રાપ્તિ થાય તો બાહ્ય આચારના બંધન આપોઆપ શિથિલ થવા પામે છે. જીવનનને તટસ્થ દ્રષ્ટિએ જોવાની કબીરવૃત્તિ કેળવાય તો જ “ભલા હુઆ મેરીમટકી ફૂટી રે” જેવા શબ્દો પ્રગટી ઉઠે છે. રાજય કવિ પિંગળશીભાઇના કાવ્ય સર્જનોમાંથી વહેતો નાદ તેમના પવિત્ર જીવનમાંથી પ્રગટેલો છે. કવિ પિંગળશીભાઇની કાવ્યરૂપી વાનગીઓ જનસમૂહ સુધી પહોંચાડવાના પ્રયાસ થવા જોઇએ તેવું શ્રી ચંદ્રવદન મહેતાનું વિધાન ખૂબ જ યથાર્થ છે. તેમની નીચેની કાવ્ય કંડિકાઓ આજે પણ અનેક લોકોના દિલમાં વસેલી છે. 

ગજબ હાથે ગુજારીને, પછી કાશી ગયાથી શું.

મળી દૂનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું. 

દુ:ખી વખતે નહિ દીધું, પછી ખોટી દયાથી શું.

સુકાણાં મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું.

ગમતાનો ગુલાલ કરીને ૧૯૩૯ના ફાગણિયા માર્ચમાં મહાપ્રયાણ કરી જનારા આ રાજયકવિની રચનાઓ લોકહૈયામાં તથા લોકજીભે વસેલી છે. 

(વી. એસ. ગઢવી)

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑