: સંસ્કૃતિ : પોતાવટ પાળવાવાળી : ભજાં તોય ભેળિયાવાળી :

ચૈત્ર માસની નવરાત્રિના પવિત્ર દિવસો છે. માતૃતત્વની વિશેષ ઉપાસના થકી તેનું મહત્વ પ્રસ્થાપિત થયેલું છે. આજકાલ વસંતના વહેતા વાયુમાં મધુરતાનો સહજ અનુભવ છે. આજ રીતે માતૃ ઉપાસના માટેના આ પર્વમાં ભક્તિનું તત્વ વસંતની શોભા વધારે તેવું છે. યોગાનુયોગ આ માસમાંજ અંજનીના આશીર્વાદ તથા વાત્સલ્ય થકી જેનું પોષણ થયેલું છે તેવા વીર હનુમાનજીની જયંતિની પણ શ્રધ્ધા અને ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. મા મરીયમ હોય કે યશોદા હોય પરંતુ દરેકમાં રહેલો માતૃભાવ એ સ્નેહની સાર્વભૌમ કડી છે. માનો મહિમા નથી વિધિ વિધાનમાં કે નથી કોઇ સંપ્રદાયના બંધનોમાં. વસંતના શિતળ વાયુની જેમ તેનો સ્પર્શ દરેક પ્રાણીને સુલભ છે. માના વાત્સલ્યને કોઇ પરિભાષામાં બાંધી શકાતી નથી. બરાક ઓબામાએ તેની કથામાં લખ્યું છે કે તેમની શ્વેતમાતા બાળક ઓબામાને ઇંગ્લીશ શીખવવા માટે વહેલી પરોઢે ઊઠીને પાઠ ભણાવતી હતી. જીજાબાઇ જેવી જાજ્વલ્યમાન માતાએજ બાળ શિવાની હિંચકાની દોરી તાણતાં શિવાજીમાં વિચાર તથા વીરતાના બીજ રોપ્યા હતા. દીકરો વિલાયતમાં જઇ ભૂલો પડીને કુમાર્ગે ન જાય તે માટે પુતળીબાઇ જેવી માતાએ પ્રતિજ્ઞા લેવરાવી હતી. મોહનદાસ પોતાના સમાજ તરફથી અપાયેલી બહિષ્કારની ધમકીની અવગણના કરી શક્યા પરંતુ માતાને આપેલા વચનનું પાલન કરવામાં જાગૃત તથા મક્કમ રહ્યા. માતાઓએ બાળકોમાં જે પ્રયત્નપૂર્વક સિંચન કરેલું છે તેમાંથીજ સમાજે મુશ્કેલીના કાળમાં પણ સ્વસ્થતા પ્રાપ્ત કરી છે. કવિ શ્રી કાગના શબ્દો આ સંદર્ભમાં યાદ આવે તેવા છે. 

નિજ પુત સોતે બાલ પાલનેમેં

રઘુનાથ કે ગાયન ગાવતી થી,

કહી જ્ઞાન ગીતા સમજાવતી થી

ભય મોતકા દૂર ભગાવતી થી

સમશેર ધરી કર ઝૂઝનેકા

રણદાવકા પાઠ પઢાવતી થી,

ઘર અંબિકા થી રણ ચંડિકા થી

સોઇ હિન્દકી રાજપુતાનિયાં થી.

વેદોમાં – પુરાણોમાં કે આપણી અનેક કથાઓમાં માતૃપૂજાનો મહીમા વિસ્તૃત રીતે આલેખવામાં આવેલો છે. માર્કંડેય પુરાણની સપ્તશતી (ચંડિપાઠ) એ માતૃ મહિમાને ઉજાગર કરતી સર્વોત્કૃષ્ટ સ્તુતિ છે. આનંદનો ગરબો જનસાધારણમાં આજે પણ એટલોજ પ્રિય છે. મા એ શક્તિનું ધામ તો છેજ પરંતુ તે સાથેજ તેના અવિરત વાત્સલ્ય ભાવથી આપણાં યોગક્ષેમનું વહન કરે છે.    

યા દેવી સર્વ ભૂતેષુ 

શક્તિ રુપેણ સંસ્થિતા 

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ 

નમસ્તસ્યૈ નમો નમ: 

અનુભવે એવા કિસ્સાઓ જોવા મળે છે કે અંગત તકલીફો નિવારવાના શોર્ટકટ સાધન તરીકે અથવા અંધશ્રધ્ધાના કારણે કેટલાક લોકો સતત છેતરાતા રહે છે. આપણાં સામાન્ય વ્યવહારમાં હજુ પણ સમાજનો એક વર્ગ પરચાથી કે કોઇની તાંત્રિક શક્તિથી પ્રભાવિત થતો જોવા મળે છે. શિક્ષિત કે અશિક્ષિત વચ્ચે તેમાં કોઇ ખાસ તફાવત જોવા મળતો નથી.  ડૉ. નરેન્દ્ર દાભોલકર જેવા કેટલા વિચારકો – સંઘર્ષ વીરોએ અંધશ્રધ્ધાનું તત્વ દૂર કરવા પોતાનું રક્ત વહેડાવવું પડશે તે કહેવું મુશ્કેલ છે. ચૈતર માસની નવરાત્રિના દિવસો છે. આવા પવિત્ર સમયે લોકો શક્ય હોય તે મુજબ શક્તિની આરાધના કરે છે. ઉપાસના – આરાધનાના આ મંગળ પર્વના સમયે મનની આવી નિર્બળતાઓ દૂર કરવાના પ્રયાસો સૌએ વ્યક્તિગત રીતે કરવાનો સંકલ્પ કદાચ સામાજિક પરિવર્તનની દિશાનું પ્રથમ ચરણ ગણાશે. શક્તિના પુત્રો એવા માનવ સમાજમાં વિચારોની નિર્બળતા કે દેખીતી અંધશ્રધ્ધા કેવી રીતે રહી શકે ? શાસ્ત્રોમાં કે ઇતિહાસમાં તો આવી શક્તિ સ્વરૂપા માતાઓની અનેક કથાઓ છે. પરંતુ છેલ્લા સો વર્ષના ઇતિહાસમાં પણ કસ્તુરબા કે સાવિત્રીતાઇ ફુલે જેવા શક્તિશાળી પાત્રોએ અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે પણ નિર્ભયતાનો તથા સત્ય આચરણનો પાઠ ભણાવેલો છે. તેમાં વૈચારિક કે આચરણની કોઇ નિર્બળતાને સ્થાન નથી. આજે પણ ૨૦૧૪ ના શાંતિ માટેનો નોબેલ એવોર્ડ મેળવનાર અને કન્યાઓના શિક્ષણ માટે જીવતર હોડમાં મૂકનાર યુસુફઝાઇ મલાલા આપણાં ખંડનીજ શોભા સમાન છે. હમણાંજ વિદાય થયેલા ૨૦૧૪ ના વર્ષમાં જેઓ આપણને અલવીદા કહીને ગયા તે શક્તિના ધોધ સમાન ઇલાબેન પાઠક કેટકેટલી લડતો લડ્યા તે જોઇને અહોભાવ થાય છે. મનની નિર્બળતાઓ દૂર કરવાનો તથા શ્રધ્ધા અને વિશ્વાસનો દીપ પ્રગટાવવાનો આ સમય છે. આપણાં મધ્યયુગના સંતો તો જાણે નિર્ભેળ ભક્તિ તથા નિજાનંદનો પ્રવાહ પ્રગટાવીને ગયા. આ સંતોની જ્ઞાનવાણી એ નિરંતર વહેતી સરવાણીઓ છે. નદીઓના નીર કદાચ ડૂકે – ઓછા થાય – પરંતુ સરવાણીનો ધોધ તો અસ્ખલિત રહેવા પામે છે. આ સંતોના જીવનમાં ભક્તિ પરાયણતા તો છેજ પરંતુ વચન વિવેકી તેમજ વર્તન વિવેકી અભિગમ પણ છે. આત્મજ્ઞાની ગંગાસતી, તેમના પતિ કહળસંગ તેમજ પાનબાઇ આવા વચન વિવેકી ઓલીયા હતા. ભક્તિની ઉત્કટતા તો ત્રણેમાં ખરીજ પરંતુ તેમના વિચાર તથા વર્તનથી કોઇ હિતકર ન હોય તેવો સંદેશ લોકસમૂહમાં ન જાય તે માટે પૂરતી સાવચેતી રાખતા હતા. સમઢિયાળા (ભાવનગર જિલ્લો) કહળસંગ ગોહિલનું ગામ. આ ગામમાં એવી વાત ચાલી કે ભક્તરાજ કહળસંગે (જેઓ ભગતબાપુ તરીકે ઓળખાતા હતા) સર્પદંશથી મરણ પામેલ ગાયને સજીવન કરી છે. આ ત્રણે સાધકોને મન ભક્તિમાર્ગમાં સિધ્ધિ મેળવવા માટે અહમ્ વર્જિત છે. આથી આ વાત ચાલી તેના પર વિચાર કરીને ભગતબાપુએ સમાધિ લેવાનો આકરો નિર્ણય કર્યો. આ બાબત દર્શાવે છે કે મધ્યયુગના સંતોએ પરચા કે ચમત્કારોને ભક્તિના માર્ગમાં મહત્વના ગણ્યા નથી. તેનાથી દૂર રહેવાના તેમણે સભાન પ્રયાસો કર્યા છે. પંથની મર્યાદામાં પણ તેઓ બંધાયા નથી. ૨૦૧૪ ના વર્ષમાં ગંગાસતી પર કેળવણી સાથે આજીવન ધરોબો રાખનાર શ્રી ભૂપતરાય ઠાકરે ગંગાસતી પર માહિતીપ્રદ પરિચય પુસ્તિકા લખી છે. મધ્યયુગના આ સંતોની કથાઓ વિવિધ માધ્યમોનો ઉપયોગ કરી આપણી નવી પેઢીઓ સુધી પહોંચાડવા જેવો છે. આ ખજાનો આપણને મળેલો સમૃધ્ધ વારસો છે. આ સંતો કોઇ વાડા કે સંપ્રદાયમાં પણ બંધાયેલા નથી. બાહ્ય આચરણનું આવરણ પણ તેમના જીવનમાં દેખાતું નથી. 

શીદને કરુંહું એકાદશી,

શીદ ત્રીજે ટંક ખાઉં,

નાથ મારાના નેણલાં નીરખી,

પ્રિતનું ભોજન પાઉં.

દાસી જીવણ સંત ભીમના ચરણે

હું તો હેતે હરિગુણ ગાઉં.

દાસી જીવણની સંતવાણીમાં પ્રગટેલો આ શુધ્ધ સ્નેહયુક્ત ભક્તિ તથા શ્રધ્ધાનો ભાવ છે. વીજળીના ચમકારાની તક સાધીને આ સંતોએ આત્મઉન્નતિનું મોતી પરોવેલું છે. નિર્ધાર કરીએ તો આ પ્રેમ લક્ષણા ભક્તિ તથા ઉપાસનાનો માર્ગ સૌને માટે ખૂલ્લો છે તે વાત ગંગાસતીએ તેમના અનેક પદોમાં સુંદર રીતે કહેલી છે. 

વીજળીને ચમકારે મોતી

પરોવવું પાનબાઇ !

અચાનક અંધારા થાશે,

જોત જોતામાં દિવસ

વિતી ગયા પાનબાઇ !

એકવીસ હજાર છસોને

કાળ ખાશે…. વીજળીને…

ભાઇ રે ! જાણ્યા જેવી

આ તો અજાણ છે પાનબાઇ !

આ તો અધૂરિયાને ન કેવાય

આ ગુપત રસનો ખેલ છે

અટપટો, આંટી મેલો તો

પૂરણ સમજાય… વીજળીને…

ભાઇ રે ! નિર્મળ થૈ ને

આવો મેદાનમાં પાનબાઇ !

જાણી લીઓ જીવની જાત,

સજાતિ વિજાતિની જુગતી

બતાવું ને બીંબે પાડી દઉ

બીજી ભાતરે… વીજળીને…

‘‘ વીજ કે ઝબૂકે મોતી પ્રોઇલે તો પ્રોઇલે ’’ એવી એક ઉક્તિને ગંગાસતીએ વિગતે તેમની વાણીમાં સ્પષ્ટ કરીને મૂકી છે. વાત તો મનને નિર્મળ કરીને મેદાનમાં આવવાની છે. ગંગાસતીની સંતવાણીમાં ભક્તિ તથા વીરતાનો સમન્વય દેખાય છે. અહીં અધૂરિયાનું કામ નથી. અહીં તો ‘‘ માથા સાટે મોંઘી વસ્તુ સાટવવાની ’’ છે તેથી આંટી-ધૂંટી છોડીને મેદાનમાં આવવાનું આવાહન ગંગાસતી આપે છે. બ્રહ્મજ્યોતિના ચમકારે જીવને બ્રહ્મમાં પરોવી લેવાની શાસ્ત્રોની વાત ગંગાસતીએ વહેતા ઝરણાં જેવી પંક્તિઓમાં સરળ શબ્દોમાં ગૂંથી છે.  

કોઇપણ સાધકે સક્રિય રહીને અંધકારમાંથી પ્રકાશ તરફ ગતિ કરવાની રહે છે. જીવન ચમકારા જેવું ક્ષણિક છે. ચેતનાની પ્રાપ્તિ માટે નિરંતર જાગૃતિ રાખવાની વાત ગંગાસતીએ કરી છે. 

ગંગાસતી – મીરાં કે નરસિંહની રચનાઓ કાલાતિત છે. નવરાત્રિના આ ઉપાસના માટેના દિવસોમાં ગંગાસતી તથા તેમની વાણીનું સ્મરણ પ્રસન્નતા આપે તેવા છે. સર પ્રભાશંકર પટ્ટણી તેમના જીવનના સંધ્યાકાળે ઝાંઝમેર ગામમાં ત્યાંની પ્રાથમિક શાળાની મુલાકાત માટે જાય છે. પ્રાથમિક શાળાના બાળકોએ સમૂહ સ્વરોમાં ભજન ઉપાડ્યું. 

મેરુ રે ડગે પણ જેના

મન ના ડગે પાનબાઇ !

મરને ભાંગી પડે ભરમાંડ રે !

પટ્ટણી સાહેબ એક વિચક્ષણ રાજપુરૂષ હોવા ઉપરાંત કવિ તથા દ્રષ્ટા હતા. તેઓએ ભજન સાંભળીને ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી. આવા અર્થસભર પદો તથા તેના વિચારની સમજ બાળકોમાં કેળવવાથી ભવિષ્યના સ્વસ્થ સમાજનું નિર્માણ થશે તેવી વાત તેમણે તે સમયે કરી. પટ્ટણી સાહેબની આ વાત આજે પણ પ્રસ્તુત છે. નવરાત્રીના અનુષ્ઠાનને વૈચારિક સભાનતા તથા જાગૃતિ માટેનું નિમિત્ત બનાવવાનો સંકલ્પ કરવા જેવો છે. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑