: ભેળિયાળી, તારા ભામણાં ! :

નવી પેઢીમાં આપણો પુરાતન તથા ઉજ્વળ સાંસ્કૃતિક વારસો જળવાઇ રહેશે કે કેમ તેની ચિંતા અનેક લોકો પ્રસંગોપાત કરતા રહે છે.  આવી ચિંતા સાવ અસ્થાને પણ નથી. આ પુરાતન વારસો માત્ર ‘જૂનું એટલું સોનુ’ એવી માન્યતા પર આધારીત નથી. આવો પ્રાચીન વારસો આજે પણ તેના સત્વને કારણે તથા આચાર-વિચારના ઉજળા ઉદાહરણોને કારણે સદાકાળ જીવંત છે તેમજ પ્રાસંગિક છે. કચ્છની ભૂમિ એ ‘‘બહુરત્ના વસુંધરા’’ છે. આથી અહીં નવી પેઢીમાં પણ ભાઇ આશાનંદ જેવા સાહિત્યકારને તથા તેના કામને જોઇને ભવિષ્યની પેઢીઓ તરફ એક નવી શ્રધ્ધાનો સંચાર થાય છે. પૂજ્ય આઇ શ્રી સોનબાઇમા તેમજ પૂજ્ય હાંસબાઇમાએ જે સંસ્કારોનું વાવેતર કર્યું છે તેનું શુભ પરિણામ આજે નજરોનજર નિહાળી શકાય તેવું સ્પષ્ટ તથા જ્વલંત છે. આ કૃપા પ્રસાદના ભાઇ આશાનંદ અધિકારી છે. તેમણે તેમના જીવનથી તેમજ કર્મથી આપણાં ઉજળા વારસાને જ્વલંત રાખવા યથાશક્તિ આહૂતિ આપી છે. ભાઇ શ્રી આશાનંદના આ પાવક પ્રયાસના વધામણાં કરીએ તેમજ ચારણ આઇ પરંપરાને શત શત વંદન કરીએ. અનેક પુણ્યશ્લોક દેવીઓના જીવન તથા ઉજળા યોગદાનથી આ પરંપરા જળવાઇ છે અને આજે પણ પૂજનીય રહી છે. આ ઉજ્વળ ધરોહરને લીલીછમ રાખવા આજે પણ જગદંબાની કૃપાથી કેટલાંક આઇમાઓ સતત પ્રયાસો તથા પરિશ્રમ કરે છે. આઇ પરંપરાની આ માતાઓ ભગતબાપુએ લખ્યું છે તેમ કરૂણાને ઉજળે કાંઠેથી નિત્ય ઝબકતી – નિત્ય પ્રકાશમાન રહી છે. 

માડી ! તું તો કરૂણાને 

ઉજળે કાંઠે, 

ઝબૂકી જ્યોત જોગણી હો જી. 

સમાજને જ્યારે જરૂર પડી છે ત્યારે આ જોગમાયાઓએ તેનો પ્રતિસાદ અસરકારક રીતે તથા સમયસર આપેલો છે. કવિરાજ શ્રી શંકરદાનજી દેથાએ પણ પોતાની વિશિષ્ટ કાવ્યશક્તિથી જોગમાયાની અનેક પ્રકારની દયાને શ્રધ્ધા અને ભાવથી પ્રમાણી છે. 

નિજદાસ શંકરદાસને આરોગ્ય, સુખ, આયુષ પ્રદા,

સંપતિપ્રદા, સિધ્ધિપ્રદા, શિવભક્તિ દત શક્તિ પ્રદા,

સુમતિપ્રદા, શોભાપ્રદા, કામના પૂરણ કારણી,

નારાયણી મા નમો અંબા, હિંગલા અપહારણી.

વર્તમાન કાળમાં પણ ભગતબાપુએ લખ્યું છે તેમ ચારણ સર્જકોએ જગતજનની તરફ વિશેષ સ્નેહાદર બતાવેલો છે. રવરાયની કૃપા તથા તેની અમી ભરેલી આંખડીની યાચના કવિ દાદ પણ સુંદર શબ્દોમાં વ્યક્ત કરે છે. 

તાર લાગ્યો તુજથી એ કદીએ નવ ટૂટજો,

સાગર ભલે શોષાય ઝરણાં પ્રેમના નવ ખુટજો,

રવરાય લાજુ રાખવા અણવખત વહેલી આવજે.

સંસારી જીવનના માર્ગ કઠીન છે. ભલભલાની ધીરજની કસોટી અહીં થતી જોવા મળે છે. આવી વસમી વાટે પણ કોઇને કોઇ સ્વરૂપે પુત્રને સંભાળી લેવા જગતજનનીના શરણેજ જવું પડે. કટોકટીના આવા કપરા કાળે જોગમાયાને અંતરની અરજ કરવાનો સહજ માર્ગ લેવા મર્મી તથા માયાળુ મનના શ્રી પુંજલભાઇ રબારી રહે છે. 

વસમી કોઇ વાટે, દીલડુંય જો ડરે,

તે દી રવ વાળી રવેચીને, કે જો કે યાદ કરે.

આશાનંદભાઇએ તેમની મંગળ યાત્રામાં નૂતન યુગના નવલા વિચારનું સન્માન કર્યું છે. આઇ સોનલે નવા યુગને અનુરૂપ શિક્ષણ તથા સંસ્કારની જ્યોત પ્રગટાવી તેનું આશાનંદને ગૌરવ છે. અનેક કુરિવાજોને તથા અંધશ્રધ્ધાને તિલાંજલી આપવાના આઇ સોનલના ઉપકારક પ્રયાસોનો તેમણે આદરથી યાદ કર્યા છે. કેટલાક સુયોગ્ય ઐતિહાસિક સંદર્ભ આપીને તેઓએ ખોડિયાર માતાજીની દિવ્ય કથા આલેખી છે. કચ્છની ધરતીમાં પ્રગટ થઇને દૂર સુદૂર ખ્યાતિ મેળવનાર આઇ પીઠડનું ચરિત્ર પણ ભાઇ આશાનંદે બખૂબી આલેખેલું છે. આજ રીતે કચ્છના વાગડમાં જન્મેલા આઇ શ્રી જીવામા તરફ આજે પણ ચારણ તથા ચારણેતર સમાજને પૂર્ણ શ્રધ્ધા છે તેની કથા આ પુસ્તકમાં આવરી લેવામાં આવી છે. ઐતિહાસિક ગામ લાખિયારવીરામાં આજે પણ જીવામાની સ્મૃતિ જીવંત તથા જ્વલંત છે. આજ પ્રકારે હજુ ગઇકાલ સુધી આપણી વચ્ચે સદેહે વિચરતા હતા તેવા આઇ શ્રી હાંસબાઇમા તથા આઇ શ્રી ખીમશ્રીમાની ઉજળી કથાઓ ભાઇ આશાનંદના શબ્દોમાં વાંચતાં આજે પણ ગંગાજળ જેવી પવિત્ર તથા મંગળ કરનારી લાગે છે. નવલોહિયા કવિ આલના શબ્દોમાં હાંસબાઇમાનો પુણ્ય પ્રતાપ મધુરતાથી ગવાયેલો છે. 

અશરણ જનને શરણ આપી, દુ:ખ દરદથી તારિયા,

પતિત સઘળા કર્યા પાવન, અધમને ઓધારિયા,

અરજી સુણી કવિ ‘આલ’ની, તું કષ્ટ સઘળા કાપને,

કરજોડ વંદન કરું કરની, આઇ હાંસલ આપને.

શિવશક્તિની ઉપાસનાનો અનોખો મહિમા આપણે ત્યાં સમગ્ર સમાજમાં સ્વીકૃત છે અને આદરપાત્ર છે. તુલસીદાસજીની પવિત્ર વાણી પ્રવાહમાં તેનોજ પ્રતિધ્વની સાંભળવા મળે છે.

ગિરા અરથ જલ બીચિ સમ, 

કહિયત ભિન્ન ન ભિન્ન, 

બંદૌ સિતા રામ પદ, 

જિનહી પરમ પ્રિય ખિન્ન. 

ભક્ત શિરોમણી તુલસીદાસજીએ કહેલું છે કે વાણી તથા અર્થ એ બન્ને નામ જૂદા છે પરંતુ વાસ્તવિક રીતે તેઓ ભિન્ન નથી. આજ પ્રકારે શિવ અને શક્તિ એક છે. આ સ્વરૂપની ઉપાસના કલ્યાણમય છે. માતૃસ્વરૂપા તત્વની ઉપાસના એ આપણો સમૃધ્ધ વારસો છે. નવરાત્રિના પાવન પર્વ પ્રસંગે માતૃસ્વરૂપા શક્તિ તરફનો ભાવ ઉલ્લાસમાં તેમજ ઉપાસનામાં પ્રગટ થાય છે. માર્કન્ડેય ઋષિએ માર્કન્ડેય પુરાણમાં સપ્તશતી (ચંડીપાઠ) ના ભક્તિપૂર્ણ વચનોથી જગદંબાના પૂજા ભક્તિમાં સૌરભનું સિંચન કર્યું. દેવીસૂક્તમાં પણ જગતજનનીના દિવ્ય – ભવ્ય સ્વરૂપનું દર્શન કરાવવામાં આવ્યું. આ રીતે મા – સ્વરૂપનું ધ્યાન કરવાની એક પરંપરા આપણે ત્યાં પ્રાચીન કાળથી ઊભી થઇ તથા પેઢી દર પેઢી જળવાતી રહી. પશ્ચિમના દેશોમાં સ્ત્રી – દાક્ષિણ્યની પ્રથા સ્થાપિત થયા બાદ તેના પાલન બાબતમાં પ્રશંસનિય કાળજી લેવામાં આવી છે. આપણાં દેશમાં મહિલા સ્વરૂપને માતૃશક્તિ તરીકે ઓળખવા કે આદર કરવાની વાત ઇતિહાસના અનેક પ્રસંગોમાં જોવા મળી છે. સામાન્ય રીતે કેટલીક અપૂર્ણતાઓ વ્યવહારના જગતમાં જોવા મળતી હોવા છતાં મહિલાઓનું ગૌરવપૂર્ણ સ્થાન સમાજે એકંદરે સ્વીકારેલું છે.

જગતજનનીના સ્વરૂપનું ‘‘ આઇ ’’ સંબોધનથી આપણે ગૌરવ કર્યું છે. મરાઠી ભાષામાં આ શબ્દ ઉપયોગમાં છે તથા પ્રચલિત છે. સૌરાષ્ટ્ર–કચ્છની અમૂક જ્ઞાતિઓમાં પણ ‘‘ આઇ ’’ શબ્દનો માનસૂચક સંજ્ઞા તરીકે ઉપયોગ થાય છે. અનેક લોકોની શ્રધ્ધાનું કેન્દ્રસ્થાન એવા દેવી ખોડીયારના નામ સાથે આઇનો પ્રયોગ અભિન્ન રીતે વ્યવહારમાં સાંભળવા મળે છે. માતાના અનેક ગુણોમાં તેની વત્સલતાનો – સ્નેહનો ભાવ અનેક પ્રકારે કથાઓમાં કહેવાય છે, ગીતોમાં ગવાય છે. મા ને સંતાનો તરફ સ્નેહ છે અને તેથીજ સંતાનોના કલ્યાણના કામમાં એ ‘પોતાવટ પાળવાવાળી’ છે. સુપ્રસિધ્ધ સંત શ્રી મોરારીબાપુ તેમની અનેક કથાઓમાં કવિ શ્રી દુલા ભાયા કાગની મા સંબંધેની આ રચના ભાવપૂર્ણ રીતે સંભળાવતા હોય છે. 

પોતાવટ પાળવાવાળી 

ભજાં તોય ભેળિયાવાળી 

સોનલમા આભકપાળી. 

મા નો સ્નેહ માર્ગદર્શક છે. પથદર્શક છે. જીવતરનું નાવ કદાચ સંજોગોને કારણે ખરાબે ચડે તો સહારો જગતજનનીનોજ મળે છે. ખરા સમયે, કસોટીની ક્ષણે સંતાનની સહાય કરવાની જાણે કે માતાની પ્રકૃત્તિ છે. 

આઇ માતાઓની આ ઉજળી પરંપરાએ સામાન્ય જનના હિતમાં જરૂર પડી ત્યાં પોતાનું બલિદાન પણ હસતા મુખે આપેલું છે. આવા પ્રસંગોએ ન્યાયના હેતુ માટે કરેલું બલિદાન લોકહિત કે લોક કલ્યાણમાં પરિણમેલું છે. કચ્છના લાખિયારવીરાના આઇ જીવામા તથા તેમના પુત્રી દિપામાનું બલિદાન અંતે તો જનસમૂહના કલ્યાણ માટેજ થયેલું છે. લગભગ આવોજ સામુહિક કલ્યાણનો ભાવ દરેક માતૃ સ્વરૂપા જોગમાયાના જીવન સાથે તથા કેટલાક કિસ્સામાં તેમના અમૂલ્ય બલિદાન સાથે જોડાયેલો છેસૌ પૂજ્ય આઇમાઓના જીવનની મહત્વની વાત એ રહી છે કે તેમના જીવત ભક્તિ પરાયણ તથા સાદગી અને સંસ્કારથી શોભતા હતા. અન્યાયના પ્રતિકારની ક્ષણ સામે આવીને ઊભી રહે ત્યારેજ આ સૌજન્યતાની મૂર્તિ સમા આઇઓનું ચંડિકાસ્વરુપ પ્રગટ થયેલું જોવા મળે છે. આતતાયીઓ પણ શરણાગતિ સ્વીકારે તો આઇ જીવણીના સ્વરૂપે માતા તેનું પણ કલ્યાણ કરે છે. આવી ઉજળી પરંપરાની વાતોનું ગંગાસ્નાન ભાઇ આશાનંદે સમગ્ર સમાજને તેમના આ પુસ્તકના માધ્યમથી કરાવેલું છે. ‘‘માતૃદર્શન’’ ના માધ્યમથી આ દિશામાંજ અગાઉ કચ્છના સુપુત્ર તથા ઋષિતુલ્ય વિદ્વાન શ્રી પિંગળશી પરબતજી પાયકે કરેલું ઐતિહાસિક કાર્ય સ્વભાવિક રીતેજ સ્મૃતિમાં આવે છે. કચ્છના રાજ્યકવિ શ્રી શંભુદાનજી અયાચીના ઐતિહાસિક ગ્રંથમાં પણ આઇ પરંપરા વિશેની અનેક વાતોનો ઇતિહાસ પડેલો છે. અભ્યાસુઓને આ મહત્વની ઘટનાઓનો તથા ઉજળા ચરિત્રોનો ખજાનો ઉપલબ્ધ થયો છે તે સદભાગ્યની બાબત છે. 

કાળનો પ્રવાહ સતત બદલાતો રહે છે. બદલાતા આ પ્રવાહમાં પણ જોગમાયાના સંતાનો પોતાનું સત્વ જાળવીને જીવન જીવે તો બાકીનો સમગ્ર સમાજ સ્વાભાવિક રીતેજ તેમની સામે અનોખા આદર તથા સ્નેહથી જોતો રહેશે અને વધાવતો રહેશે. શિક્ષણ મેળવીને તેમજ આર્થિક સમૃધ્ધિ પ્રાપ્ત કરીને પણ આપણાં સંસ્કારના તાણાંવાણાં નબળા ન પડે તેની કાળજી સૌએ વ્યક્તિગત રીતે રાખવી જરૂરી બની છે. સમાજ પણ સામુહિક શક્તિના પ્રતાપે તથા પ્રભાવે આવી ઉજળી પરંપરાને ટકાવી રાખવા તેમજ તેને વિશેષ મજબૂત બનાવવા પ્રયાસો કરી શકે. આપણાં સાચી દિશાના આવા પવિત્ર પ્રયાસોને મા ભેળિયાવાળીના આશીર્વાદ હોયજ તે કહેવાની ભાગ્યેજ જરૂર છે. ચારણ આઇ પરંપરાની પ્રેરણાદાયક તથા પ્રભાવી કથાઓની પવિત્ર ભાગીરથીના અવતરણના કાર્યમાં નિમિત્ત બનીને ચારણી સાહિત્યકાર ભાઇ શ્રી આશાનંદ આપણાં સૌના કોટી કોટી અભિનંદનને પાત્ર બનેલા છે. 

જય માતાજી. 

ચૈત્રી નવરાત્રી – માર્ચ-૨૦૧૫.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑