“ ન હિ જ્ઞાનેન સદ્રશં પવિત્રમિહ વિદ્યતે ” ગીતાના ગાનારાએ સર્વ બાબતોની ઉપર જ્ઞાનનું મહત્વ પ્રસ્થાપિત કર્યું છે. જ્ઞાનની શોધ અસીમ છે તથા નિરંતર છે. કોઇ અગ્નિહોત્રીના યજ્ઞની માફક આ કાર્યને સતત પ્રજ્વલિત રાખનાર સમાજ ઉન્નતિના માર્ગે આગળ વધતો રહે છે. આજના યુગમાં વિવિધ સાધનો તથા તેમાંયે ખાસ કરીને ઇન્ટરનેટની સરળ સુવિધાથી માહિતીની આપ-લેનું મુશ્કેલ લાગતું કાર્ય ટેરવાવગું થયું છે. નવી પેઢી જે ઝડપે અને જે કૂળશતાથી આ નૂતન સુવિધાઓનો ઉપયોગ કરે છે તે માટે તેઓ અભિનંદનને પાત્ર છે. આ તમામ માહિતી વિસ્ફોટ વચ્ચે દરેક સમાજને હંમેશા એવી લાગણી તથા પ્રતીતિ થયા કરે છે કે સમાજની વ્યક્તિઓ વચ્ચેનો લાગણીનો તેમજ સ્નેહનો સેતુ જળવાઇ રહે. એટલું જ નહિ પરંતુ તે બળવત્તર બને તથા સાંપ્રત કાળ માટે ઉપયોગી અને માર્ગદર્શક બની રહે તેવી પણ લાગણી લગભગ સાર્વત્રિક રીતે જોવા મળે છે. આવી લાગણી સાહજિક તો છે જ પરંતુ આવકારપાત્ર પણ છે. દરેક વ્યક્તિ એ ભલે સમાજની મોટી વ્યવસ્થાનો એક નાનો ભાગ હોય પણ તે વિશિષ્ટ છે તેમજ અન્ય લોકોથી ભિન્ન છે. એ જ રીતે દરેક સમાજ પણ ભલે કોઇ મોટા પ્રદેશ કે દેશના બૃહદ સમાજનો ભાગ હોય પરંતુ તે સમાજની એક વિશિષ્ટ ઓળખ છે તેમજ સામુહિક પ્રતિભા છે. દરેક બિન્દુ એ મહાસિન્ધુનો ભાગ છે પરંતુ એક નાના-શા બિન્દુ તરીકે પણ તેની આગવી પ્રતિભા અને ઓળખ છે. આ ધોરણથી જોઇએ તો ચારણ સમાજની પ્રતિભા તેમજ વિશિષ્ટતા યુગોથી બરકરાર રહેલી છે પરંતુ આજે પણ તેની એક વિશિષ્ટ ઓળખ છે તે વાત નમ્રતાપૂર્વક કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. ઉજળા અતીતનો આ ધૂણો ઓલવાઇ ગયો નથી કારણ કે સમયે સમયે કોઇ ભેળિયાવાળીએ પોતાવટ પાળીને તેને જવલંત અને જીવંત રાખેલો છે. આપણે આપણાં પ્રયાસોમાં માનવસહજ મર્યાદાઓથી થાકયા છીએ ત્યારે જગત જનની એ કરુણાથી આપણો હાથ ઝાલ્યો છે અને તેની કૃપાની વાત્સલ્ય વર્ષાથી આપણને બેઠા કર્યા છે તથા સ્થિર કર્યા છે.
માડી !હું તો થાકી ગ્યો દૂબળી દેયે
બેસી ગ્યો તારે પાયે પડી રે જી.
માડી! હું તો આંખ્યું વીંચીને અકળાણો
લોબડિયાળી ! તેડી લીધો રે જી…
શક્તિ-ચાલીસાની આવી અર્થપૂર્ણ આરાધનાનું સર્જન ભગતબાપુએ કર્યું છે તેનો એક એક શબ્દ નવજીવન પ્રગટાવી શકે અને દરેક કાળે પ્રેરણા આપી શકે તેવો સ્વયંપ્રકાશિત છે. આવી રચનાઓ અક્ષરજ્ઞાનના અજવાળે નહિ પરંતુ આત્મજ્ઞાનના અજવાળે થતી હોય છે. એક સમાજ તરીકે આપણી પ્રતિભા ટકાવી રાખવામાં અને તેને નિરંતર વિકસાવવામાં ભગતબાપુ-ક્રાંતિવીર કેશરીસિંહજી બારહઠ્ઠ તથા ભાવનગરની ઉજળી ડેલી પરંપરાના મહાનાયક પિંગળશીભાઇ નરેલા જેવા અનેક મહાનુભાવોએતેમના જીવતર હોમી દીધાં છે. પૂ.આઇ શ્રી સોનબાઇ સ્વરુપે મઢડા ટિમ્બે પ્રગટેલી મહાજ્યોતિએ નજીકના ભૂતકાળમાં જ પ્રગટ થઇને આપણી સમગ્ર આઇ પરંપરાને પુન: જાગૃત કરી છે તથા જવલંત કરી છે. આથી જ આપણી સમાજ તરીકેની વિશિષ્ટ ઓળખ છેક પ્રાચીન કાળથી ઊભી થવાના અનેક ઐતિહાસિક કારણો તથા આધારો છે તે જ રીતે તેને ટકાવી રાખવા માટે તેમજ વિશેષ સમૃધ્ધ કરવા માટે આ દૈવી શક્તિએ તથા આભથી ઊંચેરા આપણાં સર્જકોએ પોતાનો સિંહફાળો આપેલો છે. આ શક્તિ થકી તથા તેના તેજ થકી જ કાઠિયાવાડના નાના એવા ગામડામાં બેસીને પાલરવભા પાલિયાએ શાસ્ત્રોની સમજનો નીચોડ ખળખળ વહેતા ઝરણાં જેવા સરળ શબ્દોમાં મૂકી આપેલો છે. સાંપ્રત યુગમાં પણ કવિ દાદ કે પાલુ ભગતની રચનાઓમાં અનોખી સુવાસની અનુભૂતિ સમગ્ર સમાજને થઇ શકે છે. પૂજ્ય નારાયણ સ્વામી કે હેમુભાઇ ગઢવીના સૂરો-સ્વરોને આજે પણ લાખો લોકો અંતરથી વધાવે છે. આ ઉજળી ધરોહરને સાચવવાનું તેમજ તેને ગ્રંથસ્થ કરીને જન જન સુધી પહોંચાડવાનું યજ્ઞકાર્ય “ ચારણ ” ત્રૈમાસિકના માધ્યમથી છેલ્લા પાંચ વર્ષથી શક્ય તેટલી કાળજી તથા ખંતથી થઇ રહેલું છે. માત્ર દેશના જ નહિ પરંતુ વિદેશમાં વસતા આપણાં ભાઇઓએ પણ આ કાર્યને ઉમંગથી આવકારેલું છે તેમજ બળ પૂરું પાડયું છે. ભૂતકાળમાં પણ અનેક સ્વનામધન્ય મહાનુભાવોએ સમાજના હિત માટે આવા પ્રયાસો કરેલા છે તેની શક્ય તેટલી વિગતે વાત શ્રી રામભાઇ જામંગે તેમના સુંદર સંપાદકીય આલેખનમાં કરી છે. આથી આ જ્ઞાનની પુરાતન જ્યોતને પુન: પ્રગટાવીને આઇ શ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટે એક ઉજળી પરંપરાને જીવંત કરીને વિકસાવવાના શિવસંકલ્પનો વાસ્તવિક અમલ સફળતાપૂર્વક તથા હેતુને અનુરૂપ રહીને કરી બતાવ્યો છે. આ પ્રયાસ આનંદ અને ગૌરવનો ભાવ પ્રગટાવે છે. પાંચ વર્ષ પૂરા થયા તે નિમીત્તે સુંદર વિશેષાંકનું પ્રકાશન એ ભક્ત કવિ ઇસરદાસજી કહે છે તેમ સોના ઔર સુગંધ જેવું કાર્ય થયું છે. આપણે શારદાના સંતાનો છીએ તથા સરસ્વતીના ઉપાસકો છીએ તેથી આ સાંસ્કૃતિક અભિયાનનું એક આગવું મહત્વ છે. ભગતબાપુએ લખેલા યાદગાર શબ્દોનો ભાવ આ કાર્યમાં ઝીલાયો છે.
ચારણો સૌ સરસ્વતીને સેવે
ગીત રામાયણ ગાય
સવળીજીભે બેસજે ચંડી
વૈખરી વાણી જાય ..
માડી ! હું તો એટલું માગું
પાયે તોય વિવળી લાગું.
ચારણના અંકોની પાંચ વર્ષની ભાતીગળ યાત્રામાં એ બાબત જોવા મળી છે કે વિષય વૈવિધ્યની જાળવણી કરીને આપણાં વારસાની તેમજ આપણાં સાહિત્ય તથા સર્જકોની વાતો તેમાં કાળજીથી વણી લેવામાં આવી છે. એક વિશેષ આનંદની વાત એ પણ છે કે તેમાં કેટલાંક નવલોહીયા યુવાનો તથા બહેનો દિકરીઓએ આ સંસ્કાર યજ્ઞમાં આહૂતિ આપી છે. આથી આપણી હવે પછીની પેઢીમાં પણ સરસ્વતી ઉપાસનાના સંસ્કાર જળવાયા છે તેનો ગૌરવભાવ પ્રગટે છે. જ્ઞાન ઉપાસનાનું આ કાર્ય જગન્નાથના રથને ખેંચવાના કાર્ય જેવું છે તેથી તેની સફળતા માટે સામુહિક પ્રયાસો અનિવાર્ય છે. આ કાર્યમાં અનેક લોકોની લાગણી તો ખરી જ પરંતુ ઠોસ પ્રયાસો પણ ભળેલા છે તે સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. કેટલાક ચારણેતર સર્જકોએ પણ આ કાર્યમાં જોડાઇને તેમના વિચારો થકી વિશિષ્ટ સહયોગ આપેલો છે તે પણ નોંધપાત્ર ઘટના છે. અન્ય સમાજની લાગણી હંમેશા આપણે કરણીની સુવાસ થકી મેળવી છે તેનું સાતત્ય આજે પણ છે તે જગદંબાની કૃપા સમાન છે.
જીવનના દરેક ક્ષેત્રોમાં પ્રગતિની સાથેસાથે અનેક નવા આયામો જોડાતા જાય છે. આર્થિક, સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રોમાં આપણે વ્યક્તિગત પ્રયાસો થકી હરણફાળ ભરી છે. બદલાતા કાળના પ્રવાહ સાથે જ નવી સમસ્યાઓ પણ સ્વાભાવિક રીતે જ જોડાતી રહે છે. સમયનો બદલાવ તે સ્વાભાવિક ઘટના છે. નવા યુગની નવલી સ્થિતિમાં આપણે નિર-ક્ષિરનો વિવેક જાળવીને જીવવાનું શીખી લઇએ તો હજુ પણ વિશેષ ઉજવળ આવતીકાલનું દર્શન થઇ શકે તેવુ છે. આપણાં સંસ્કાર તેમજ શ્રધ્ધાના બળે તથા જોગમાયાના આર્શિવાદ થકી આપણે કાળના આ કપરા પ્રવાહમાં પણ વ્યક્તિગત તેમજ સામુહિક સત્વ જાળવી શકીશું તેના એંધાણ તો છે જ. જાગૃત તથા સવેળાના પ્રયાસો એ આપણી સામેના પડકાર રૂપે છે આ પડકારને આત્મવિશ્વાસ તથા સક્રિયતાથી ઝીલવો પડશે. આ પ્રયાસમાં ’ચારણ’ નો આ વૈચારિક મંચ ખૂબ જ ઉપયોગી થશે તેમ લાગે છે. ભેળિયાવાળી આઇઓની દયાથી અને આપણાં જાગૃત પ્રયાસોથી આપણાં ઉજળા વારસાને સંસ્કારતથા ઉજળી પરંપરાઓ થકી જાળવવાનું તેમજ દીપાવવાનું કાર્ય આપણે કરી શકીશું તેવી પૂર્ણ શ્રધ્ધા છે. જેના ’કૂળ દૂધડીયા’ હોય તેમાં કાળપને સ્થાન હોઇ શકે નહિ.
છાશ, માખણ, ઘી છેવટે
એની હાલત સળગી હોય
(પણ) કાળપ કદી ન હોય
(એના) કૂળ દૂધડિયાં કાગડા.
(વી. એસ. ગઢવી)
ગાંધીનગર.
Leave a comment