: સંસ્કૃતિ : વાવાઝોડા કાળના વાશે : બાપુ ! તારી વાટ જોવાશે :

૧૯૧૬ માં મળેલ લખનૌ કોંગ્રેસમાં એક વક્તા અન્ય વ્યક્તાઓથી જૂદા તરી આવ્યા. આવું એટલા માટે બન્યું કે આ વક્તાએ લાંબાલચક ભાષણકર્તાઓના સમૂહ વચ્ચે ટૂંકું તથા મુદ્દાસર પ્રવચન કર્યું. એટલુંજ નહિ પરંતુ પ્રવચન હિન્દુસ્તાની (હિન્દી) ભાષામાં કર્યું ! શ્રોતાઓએ અંગ્રેજીમાં બોલવા આગ્રહ કર્યો એટલે બેરિસ્ટરનો વ્યવસાય સ્વેચ્છાએ છોડીને આવેલા આ વક્તાએ શ્રોતાઓનેજ પડકાર્યા. તેઓ શ્રોતાઓને ઉદ્દેશીને પૂરા આત્મવિશ્વાસથી કહે છે : ‘‘હું તમને એક વર્ષની મુદત આપું છું. આવતા વર્ષથી હું કોંગ્રેસ અધિવેશનોમાં માત્ર હિન્દીમાં બોલીશ’’ પોરબંદરના પાણીએ લખનૌમાં આવી ગર્જના કરી ત્યારે કોંગ્રેસના દિગ્ગજો સ્તબ્ધ થઇ ગયા. વિધિનું નિર્માણ એ હતું કે આફ્રિકાથી નવા સવા આવેલા આ મોહનદાસ મહાત્મા બનીને માત્ર કોંગ્રેસનું નહિ પરંતુ વિશ્વભરના પરાધિન તેમજ દૂભ્યા – દબાયેલા જન સમૂહનું નેતૃત્વ હવે પછીના સમયમાં કરવાના હતા. મહાત્મા ગાંધીએ દેશમાં આવીને કેટલાક નવા પરંતુ ભવિષ્યમાં આઝાદ રાષ્ટ્ર માટે ઉપયોગી થાય તેવા સિદ્ધાંતો તથા વ્યવહારોની સ્થાપનાનું કામ વાયુ વેગે ઉપાડ્યું. જંપીને બેસવાનું જાણે તેમની પ્રકૃતિમાંજ ન હતું. કાઠિયાવાડી પોષાકમાં ફરતા આ નવા આગંતુક તરફ ધ્યાન તો સૌનું ગયું પરંતુ કેટલાંક તેમની તરફ નૂતન આશા તેમજ શ્રધ્ધાથી જોવાનું શરૂ કર્યું. સંમેલનમાં ભાગ લેવા આવેલા બિહારના પ્રતિનિધિઓએ ગાંધીજીનું ધ્યાન ચંપારણના કિસાનોની હાડમારી તેમજ કિસાનોના ઉઘાડે છોગ થતા શોષણ તરફ દોર્યું. પરંતુ કોઇપણ પ્રશ્નનો તલસ્પર્શી અભ્યાસ કર્યા સિવાય માત્ર સાંભળેલી વાતોના આધારે તેમાં ઝૂકાવી દેવાની પદ્ધતિ બાપુની કદી ન હતી. આથી પટણા ગયા તો ખરા પરંતુ જેઓ આ સમસ્યાના જાણકાર હતા તેવા વકીલ રાજેન્દ્ર પ્રસાદ પાસેથી આ બાબત સમજવા કાર્યકરોના આગ્રહથી રાજેન્દ્ર પ્રસાદના બંગલે ગયા. રાજેન્દ્ર પ્રસાદ બહારગામ ગયેલા એટલે ઘરના નોકરોએ આ ગામડિયા મહેમાનને ઘરમાં ઘૂસવા ન દીધાં. જોકે વરંડામાં પડી રહેવાની છૂટ આપી ! ઘરના નોકરોને કલ્પના પણ ન હતી કે તેમના માલિક તથા સુવિખ્યાત વકીલ આ ગામડિયાની સેનાના એક સૈનિક બનવાના હતા. રાજેન્દ્ર પ્રસાદ, કૃપલાણી સાથેની ચર્ચા તથા સ્થાનિક સ્થિતિનો પૂરો અભ્યાસ કરીને ગાંધીજીએ ચંપારણના સંગ્રામની પોતાની લાંબા ચાલનારા સંગ્રામ રૂપી જીવસટોસટની રમતની First over શરૂ કરી. શ્રી નારાયણ દેસાઇ લખે છે : ‘‘ચંપારણ મારફત ગાંધીજીએ ભારતના હ્રદયમાં પ્રવેશ કર્યો’’ અને એકવાર જંપલાવ્યા પછી તો બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું છે તેમ આ ‘‘શિર સાટેની લડાઇ’’ કદી અટકી તો શું પણ ઝાંખી પણ પડી નથી.

બેરિસ્ટર મોહનદાસ આફ્રિકાથી ભારત પાછા આવ્યા તેને હજુ લાંબો સમય પણ થયો ન હતો. ગોખલેજીની સલાહ મુજબનું ભારત ભ્રમણ પૂરી જાગૃતિ સાથે કર્યું. પરંતુ આજીવન યોધ્ધા ગાંધીજી બહુ જલ્દી એક ધર્મયુધ્ધ જેવા સંઘર્ષમાં કિસાનોનું શોષણ અટકાવવા માટે જોતરાઇ ગયા. બિહારના ચંપારણમાં નીલવરોના અન્યાય તથા ખેડૂતોના પ્રશ્નને સમજ્યા પછી ગાંધીજી માટે ચૂપ રહેવું અશક્ય હતું. દેખીતી રીતેજ અન્યાયી તેમજ ખેડૂતોનું જેમાં શોષણ થાય તેવી આ પ્રથા બિહાર રાજ્યના ચંપારણમાં ‘‘ તિનકઠિયા ’’ તરીકે જાણીતી હતી. ઇસ્ટ ઇન્ડીયા કંપનીના હાથમાં ગળીનો વેપાર હતો. સારો એવો નફો ગોરા વેપારીઓને તેમાંથી મળતો હતો. આથી આ ગોરા કારખાના માલિકોને કાચો માલ નિયમિત રીતે નક્કી કરેલા ભાવે મળી રહે તેવી વ્યવસ્થા ખેડૂતોનું હિત ધ્યાનમાં રાખ્યા સિવાય નક્કી કરવામાં આવી હતી. ગરીબ કિસાનો પાસે તેમની જમીનના અમૂક ભાગમાં ફરજિયાત ગળીની ખેતી કરી કાચો માલ કારખાનાઓમાં ગોરા માલિકને પહોંચાડવો પડતો હતો. કારખાના માલિકોની પહોંચ મજબૂત હતી. તેમના અત્યાચારોની પ્રાથમિક માહિતી મેળવી તથા તેની ચકાસણી કર્યા બાદ ગાંધીજીએ લોકજાગૃતિનું કાર્ય પૂરા આત્મબળ સાથે શરૂ કર્યું. ગોરા નીલવરો આથી થોડા ગભરાયેલા પણ હતા. એક દિવસ બાપુને કોઇ સાથીએ ચેતવણી આપી કે અમૂક નીલવર બાપુ પર ખૂબ ક્રોધિત થયેલો છે અને તેણે આ ગાંધી નામનો કાંટો દૂર કરવા મારાઓને રોકેલા છે. બાપુનું વલણ આવા કસોટીના પ્રસંગે વ્યવહારુ ડહાપણથી તદ્દન જૂદું પડતું હતું. તેઓ એક દિવસ પેલા ગોરા નીલવરને બંગલે પહોંચ્યા. ત્યાં જઇને તેમણે નિર્ભયતાથી કહ્યું કે તમે મને મારવા માટે ખાસ યોજના કરી છે તો હું કોઇને પણ કહ્યા વગર એકલો આવ્યો છું. નિર્ભયતા અને દ્રઢતાની આ મૂર્તિનું પ્રત્યક્ષ દર્શન કરીને ગોરો નીલવર સ્તબ્ધ થઇ ગયો. કાકાસાહેબ કાલેલકરે લખેલા આ પ્રસંગને યાદ કરીને કવિ ભૂદરજી લાલજી જોશીના અમર શબ્દો યાદ આવે તે સ્વાભાવિક છે. 

તોપ તલવાર નહિ, બંદૂક બારૂદ નહિ 

હાથ હથિયાર નહિ, ખૂલ્લે શિર ફિરતે. 

વિકૃત વિજ્ઞાન નહિ, બંબર વિમાન નહિ,

તરકટ તોફાન નહિ, અંહિસા વ્રત વરતે. 

ટેંકોકા ત્રાસ નહિ, ઝેરી ગિયાસ નહિ 

લાઠીકા સહત માર, રામ રામ રટતે. 

ભૂધર ભનત બીન શસ્ત્ર ઇસ જમાનેમેં 

ગાંધી બીન બસૂધામેં કૌન વિજય વરતે. 

નૂતન વર્ષ ૨૦૧૫ ની ૩૦ જાન્યુઆરીએ કાળને પણ સામી છાતીએ પડકારનાર આ વિશ્વમાનવની અમર ગાથા અનેક માનવીની સ્મૃતિમાં ફરી એક વખત આવશે તથા સુગંધ પ્રસરાવી જશે. પ્રાર્થના સભામાં જઇને સમગ્ર માનવજાતના ભલા માટે અંતરના ઊંડાણથી પ્રાર્થના કરનાર આ વૈષ્ણવ જનની દૈહિક હત્યા કવિ શ્રી બાલમુકુન્દ દવેના હૈયાને હચમચાવી નાખે છે. તેમાંથીજ એક અમર રચનાનું સર્જન થાય છે. 

કોણે રે દૂભ્યો ને કોણે વીંધિયો ?

કલંકીએ કોણે કીધાં ઘા ? 

કોણ રે અપરાધી માનવ જાતનો 

જેને સૂઝી અવળા મત આ ? 

રુધિરે રંગાયો હરિનો હંસલો !

પાંખ રે ઢાળિને હંસો પોઢિયો, 

ધોળો ધોળો ધરણીને અંક, 

કરુણા આંજી રે એની આંખડી 

રામની રટણા છે એને કંઠ, 

રુધિરે રંગાયો હરિનો હંસલો. 

હિમાળે સરવર શીળા લેરતાં 

ત્યાંનો રે રહેવાસી આ તો હંસ 

આવી રે ચડેલો જગને ખાબડે 

જાળવી ના જાણ્યો આપણ રંક !

રુધિરે રંગાયો હરિનો હંસલો !

કોઇપણ કાળની સાંપ્રત સ્થિતિને શબ્દસ્થ કરીને અમર થયેલી કેટલીક રચનાઓમાં કવિ શ્રી બાલમુકુન્દ દવેની આ રચનાને અગ્રસ્થાને મૂકવી પડે તેવી છે. ૩૦ જાન્યુઆરી-૧૯૪૮ ના દિવસે ગાંધી મારફત જગતભરની સારમાણસાઇ પર થયેલા હૂમલાની વ્યથા કવિએ ૦૮ ફેબ્રુઆરી-૧૯૪૮ ના રોજ કાગળ પર લોહી નીતરતી કલમે ઉતારી છે. પરલોકમાંથી આવેલા ગાંધી નામના હંસને ‘‘ આપણે સૌ રંક લોકો ’’ સાચવી ન શક્યા તેનો ભરપૂર વસવસો કરીને કવિએ કરોડો વિશ્વનાગરિકોની લાગણીને અસરકારક વાચા સમયસર આપેલી છે.. કોઇ વ્યક્તિએ અન્ય કોઇ વ્યક્તિની તો શું પરંતુ કોઇ સૂક્ષ્મ જીવની પણ હત્યા કરી હોય તો આપણી સંસ્કૃતિમાં તે વાતનું સમર્થન કરવામાં આવેલું નથી. અહીં તો કવિ કહે છે કે જેની નિર્મમ હત્યા થઇ છે તે માનવજાતનો પ્રતિનિધિ હતો. આથી ગાંધીની દૈહિક હત્યા કરનારને કવિએ ખૂબજ અર્થસભર રીતે માનવજાતનો અપરાધી ગણ્યો છે. ગાંધી તેમના સાંપ્રત કાળમાંજ નહિ આજે પણ માનવજાતના માર્ગદર્શક રહેલા છે. ગાંધીને કોઇ વાડા કે વાદમાં સમાવી શકાય તેમ નથી. જ્યારે જ્યારે માનવતા સામે પડકારો ઊભાં થશે ત્યારે લોકો ક્ષિતિજ પર ક્યાંક ગાંધીને શોધવા પ્રયાસો કરશે. એ કાળ કે સંદર્ભ ગમે તે હોય તો પણ વાવાઝોડા સામે ટકે તેવું વ્યક્તિત્વ અને તેવો વિચાર એ ગાંધીજ છે. મેઘાણીભાઇએ લખ્યું હતું. 

વાવાઝોડા કાળના વાશે 

તે દી બાપુ ! તારી વાટ જોવાશે. 

કંપશે સાત પાતાળ આભે જાતાં

ઝીંકશે સાયર લોઢ

ખંડે ખંડ બોળશે લાવા 

ભૂકંપોના ગાજશે પાવા… 

ઉલ્કાપાત થશે તેવી જગતની સ્થિતિ થાય તો પણ ગાંધી વિચારનો ધ્રુવ તારક ચમકતો તેમજ માર્ગ ચીંધતો રહેશે તેવી ક્રાંતદ્રષ્ટા કવિની કલ્પના આજે નજરોનજર નિહાળી શકાય તેવી વાસ્તવિક બની છે. ક્રોધ– વેર તથા બદલાની આગમાં શેકાતા જગતમાં આજકાલ નોંધાતી ઘટનાઓ માનવમૂલ્યોમાં શ્રધ્ધાના દીપકને ઘેરીને ઊભી છે. છ દાયકા પહેલા થયેલા અણુશસ્ત્રના સંહાર બાદ પણ માનવી ટૂંકા સ્વાર્થ, મહત્વાકાંક્ષા તથા અહમનું પોષણ કરવા આજે પણ હથિયારો ખખડાવે છે. તેવા સમયે ફરી ગાંધીના પ્રેમ-કરુણા તથા અહિંસાના મલમપટ્ટાની દુનિયાને તાતી જરૂર ઊભી થયેલી છે. બીજા કોઇ લોકથી આવેલો હરિનો આ હંસલો પાંખો ઢાળીને પોઢી ગયો તે જીવનની ચરમ સીમારૂપી ક્ષણે પણ નાભિમાંથી રામનામનું રટણ તથા આંખોમાં એજ કરુણાના ભાવ તરફ કવિ આપણું ધ્યાન દોરે છે. જીવતરની છેલ્લી ક્ષણ જે ઇશ્વરકૃપાથી સુધારી શકે છે તેનું જીવતર ઉજળું હોય છે. કવિગુરુ ટાગોરે લખ્યું છે તેમ ગાંધીના જીવન તથા તેમની સફળતાનું મૂળ તેમના ધબકતા આત્મબળમાં તથા અણખૂટ ત્યાગમાં રહેલું છે. કવિગુરુ ઉમેરે છે કે લોકોની આસ્થા તથા પોતાની શ્રધ્ધાને કાજે ગાંધી મરવા તૈયાર થયા છે….. તેઓ યાતના સહન કરીને વિજયી બની રહ્યા છે. ૩૦ જાન્યુઆરીના દિવસે બીજા કોઇ ફોર્મલ કાર્યક્રમો કરીએ કે ન કરીએ પણ ગાંધી વિચાર સાથે આચારથી જોડાવાનો એક નાનો એવો સંકલ્પ કરવાનો પ્રયોગ કરવા જેવો છે. આવા સ્વૈચ્છિક પ્રયાસથી જગતને ફાયદો થાય કે ન થાય પણ આપણો આતમરામ તો જરૂર પ્રફુલ્લિત થશે. એટલું થાયે તો પણ એ નાની સુની વાત નહિ ગણાય. બાકી બાપુની સ્મૃતિ નો જુગતરામભાઇ દવેએ તેમની કર્મનિષ્ઠાથી અનુભવી છે તેવીજ જળવાઇ રહેશે તેમાં શંકા નથી. 

એનું જીવન કાર્ય અખંડ તપો 

અમ વચ્ચે બાપુ અમર રહો. 

એણે જીવતાં રામ સદાય રટ્યાં 

એ તો રામ વદીને વિદાય થયાં 

લઘુ માનવમાં મહિમા ભરવા 

નિજ લોહી અશેષ વહાવી ગયા. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑