મહાગુજરાત ચળવળના મોભી શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક પોતાના વંટોળિયા જેવા ગતિશીલસ્વભાવનું વર્ણન કરતા લખે છે :
“ મારા વિશે કેટલાંકને થાય છે કે જો હું સરખી રીતે ચાલ્યો હોત તો ઊંચો હોત. હનુમાનની માફક હૂપાહૂપ કરું છું તેથી કંઇ મેળવી શકતો નથી, પરંતુ હું કાર્ય રાજકીય દ્રષ્ટિથી નહિ પરંતુ માનવતાની દ્રષ્ટિથી કરું છું… મારો ધર્મ બજાવવામાં અંતરાયરૂપ લાગતાં મેં સંસ્થાઓ અને હોદ્દાનો ત્યાગ કર્યો છે. હું મૂર્તિપૂજક નથી …. પરંતુ છાતી ઠોકીને કહી શકું છું કે કદી રાજરજવાડાં, જમીનદાર કે શેઠ શાહુકારની ગોદ કે ઓથ લીધી નથી. ” આથી જ આ વણથાક્યા પથિકે કોંગ્રેસ છોડી ત્યારે સરદાર વલ્લભભાઇએ પૂછ્યું કે હવે શું કરશો ? તેનો જવાબ વાળતા આ એકલવીર કહે છે : “હવે એકલા હાથે સેવા કરીશ.” ગમે તેવા તોફાની સમુદ્રમાં પણ પોતાની નાવ શ્રધ્ધા તથા નિષ્ઠાના બળે ઝૂકાવનાર ઇન્દુચાચાની જીવનગાથા યુવાનોના ખમીરને પ્રગટાવે તેવી શક્તિશાળી તથા જવલંત છે.
ફંગોળે તોફાની તીખાતા વાયરા
મુંઝાયે અંતરના હોયે જે કાયરા
તારી છાતીમાં જૂદેરું કો શૂર છે,
બંદર છો દૂર છે
જાવું જરૂર છે !
બેલી તારો ! બેલી તારો !
બેલી તારો તું જ છે.
કવિ સુંદરજી બેટાઇના આ ખમીરવંતા શબ્દોને વાસ્તવિક જગતમાં જીવી જનાર આ નીડર તથા સાહસિક મહામાનવનું વ્યક્તિત્વ બહુઆયામી હતું. નાટકો-ફિલ્મોના ક્ષેત્રમાં તેમની કામગીરીની પણ એક અલગ કથા લખી શકાય તેવી ભાતીગળ છે. તેમનું ભાષા પરનું પ્રભુત્વ સાક્ષરોને પણ પ્રભાવીત કરે તેવું હતું. પોતાની આત્મકથા લખીને તેમણે આપણાં પર રુણ ચડાવેલું છે. અરુણાબહેન મહેતા મેમોરિયલ ટ્રસ્ટ તેમજ શ્રી સનત મહેતાને કારણે તેનું સુંદર તથા આકર્ષક રીતે પુન: પ્રકાશન થઇ શક્યું છે. શ્રી સનતભાઇ લખે છે તેમ સત્તાએ કદી ઇન્દુચાચાને લોભાવ્યા નથી. તેમના જીવનમાં ગાંધીના ગુણોની અસર સ્પષ્ટ રીતે જોઇ શકાતી હતી. મહાગુજરાત આંદોલનના મજબૂત માધ્યમથી કરોડો ગુજરાતીઓના દિલ પર આ ફકીરે શાસન કરેલું છે. દેશ સ્વાધિન થયા બાદ એક મહાઆંદોલનને દિશા તથા નેતૃત્વ પૂરું પાડીને તેઓએ ઇતિહાસમાં પોતાનું અનોખું સ્થાન તથા આદર મેળવ્યા છે. મહાગુજરાત ચળવળની વિજયની ક્ષણે જ આ મહામાનવે જાહેર કર્યું કે મહાગુજરાત જનતા પરિષદનું કાર્ય પૂરું થયું છે. આપણું ધ્યેય સત્તાપ્રાપ્તિનું નહિ પરંતુ મહાગુજરાતના નિર્માણનું હતું ! સત્તાની દેવીને કુમકુમ તિલક કરતા રોકીને ઇન્દુચાચાએ એક અદ્વિતિય ઇતિહાસનું સર્જન કર્યું.
પોતાની જીવનકથાના નાયક પોતે નથી પરંતુ ગુજરાતની પ્રજા છે તેમ કહીને આ મહામાનવે જનતા જનાર્દન સાથેનાપોતાના જોડાણને ઝળહળતું કરેલું છે. જયાં જયાં આમ જનતાનું શોષણ તેમણે જોયું ત્યાં ત્યાં સંઘર્ષના સૂર તેમણે બેજીજક છેડ્યા છે.
જેમની દ્રષ્ટિ સાફ હોય, જેમના હૈયે જન સામાન્યનું હિત કોતરાયેલુ હોય તથા ‘ ડગલું ભર્યું કે ના હઠવું ‘ જેવા શબ્દો જીવનમાં ઉતાર્યા હોય તેવા વીર પુરૂષને સ્થળ કાળના બંધનો રોકી શકતા નથી. આ અર્થમાં કવિ શ્રી ઉમાશંકરે જેમને અમીર શહેરના ફકીર બાદશાહ તરીકે ઓળખાવેલા તેવા ઇન્દુચાચા ખરા અર્થમાં યાજ્ઞિક હતા. ઇન્દુચાચાના વંટોળિયા જેવા વ્યક્તિત્વથી ગુજરાત અંજાયેલું હતું તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. આપણો દેશ પરાધિન હતો તે કાળની આકાશગંગામાં ઇન્દુચાચાનું વ્યક્તિત્વ તેમજ તેમનું યોગદાન તેજસ્વી સીતારાની જેમ ઝળહળે છે. ભવિષ્યમાં પણ ઝળહળતું રહેશે. સાક્ષરોની પુણ્યભૂમિ નડિયાદમાં ઇ.સ. ૧૮૯રના ફેબ્રુઆરી માસની રર તારીખે તેમનો જન્મ થયો હતો. આથી ફેબ્રુઆરી માસના આ દિવસોમાં લોકપ્રિય તથા બાળક – સહજ સ્વભાવના ચાચાનું વિશેષ સ્મરણ ગુજરાતીઓને થવું સ્વાભાવિક છે. ઇન્દુલાલ યાજ્ઞિકના ઘડતરમાં તેમના માતા તથા કાકાનું મહત્વનું યોગદાન હતું. નાનપણમાં જ પિતાની છત્રછાયા તેમણે ગુમાવી હતી. આ વિરાટ ગુજરાતીની વીરગાથા એક થ્રીલર સમાન છે. કાળ સામે સહેજ પણ હિચકિચાટ સિવાય બાથ ભીડનાર આ ફકીરે ફનાગીરીના પાઠ ગાંધીજી પાસે ભણ્યાં હતા. તેમાં પછી શી મણા રહે ? તેમના માનમાં યોજાયેલા એક સમારંભમાં પોતાનું Pen picture આપતા તેમણે કહેલું :
‘‘ હું તો ઝૂંપડાનો માનવી છું. પગથી પર જીવતો આદમી છું. ત્રીજા વર્ગની જનતાનો માણસ છું. ગરીબો તથા કિસાનોની વચ્ચે બેસવું તેમજ તેમની વિચારધારાને ઝીલવી એ મારું કાર્ય છે. ‘‘ આ વચનોની પારદર્શિતાને ગુજરાતે ખોબે અને ધોબે વધાવી છે. આ વાતમાં સર્વાંગ સત્યનો રણકો સંભળાય છે. રત્નગર્ભા વસુંધરાના ખોળે તેઓને પણ ગાંધીજી તથા સરદાર પટેલની જેમ અસાધારણ લોકાદર મળેલો છે. દેશને આઝાદી મળ્યા બાદના બીજા એક સુવિખ્યાત સંગ્રામના તેઓ ગણનાયક હતા. મહાગુજરાતના આંદોલનના ઐતિહાસિક દિવસોમાં તે સમયના દેશના ખૂબ જ લોકપ્રિય નેતા અને પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરૂની સભાનું અમદાવાદમાં આયોજન થયું હતું. ઇન્દુચાચાની સભાનું સમાંતર આયોજન પણ કરવામાં આવ્યું હતું. ઇન્દુચાચાની સભાનો વિસ્તાર ચાચા નહેરુની સભાના વિસ્તાર કરતા તે સમયમાં દૂરનો વિસ્તાર ગણાતો હતો. છતાં તે સમયે પ્રગટ થયેલા અહેવાલો મુજબ ઇન્દુચાચાની સભામાં વિશેષ પ્રમાણમાં જનમેદની ઉમટી પડી હતી. ગુજરાતીઓએ આવા સામુહિક વલણના નિદર્શન થકી ઇન્દુચાચાના મહાગુજરાતના સ્વપ્નને સ્વિકૃતિની શાનદાર મહોર મારી હતી તે ઇતિહાસની એક યાદગાર ઘટના છે. કાંગ્રેસ પક્ષની જ્યારે રાષ્ટ્રિય સ્તરે બોલબાલા હતી તે સમયે અમદાવાદે આ વીર ગુજરાતીને લોકસભામાં ચાર ચાર વખત પોતાના પ્રતિનિધિ તરીકે મોકલ્યા હતા. લોકમિજાજની જવલ્લેજ જોવા મળે તેવી આ અભિવ્યક્તિ હતી. મહાગુજરાતની રચનાનો ઉલ્લાસ જે વિશાળ જનસમૂહમાં પડેલો હતો તેની અસરકાર તથા હેતુપૂર્ણ અભિવ્યક્તિ ઇન્દુચાચાના શબ્દોમાં તર્કબધ્ધ રીતે વહેતી હતી. મહાગુજરાતની રચનાનું સ્વપ્ન ગાંધીજી તથા સરદારના મનમાં પણ હતું તેની વાત ઇન્દુચાચા પોતાના વક્તવ્યોમાં કરતા હતા. આ ધ્યેયની પરીપૂર્તિ માટે વિરાટ લોકશક્તિને જાગૃત કરવી તથા આ કાર્યને શાંતિમય, અહિંસક તથા બંધારણીય માર્ગે પાર પાડવાનું કપરું કામ ઇન્દુચાચાએ વ્યાપક જનસમર્થનથી કરી બતાવ્યું હતું. ઇન્દુચાચા તથા શાણા ગુજરાતીઓ સમજતા હતા કે આ સંઘર્ષ બહારની કોઇ સત્તા સામેનો નથી. આપણેજ પસંદ કરેલી તથા ચૂંટેલી સરકાર સામેનો આ જંગ છે. તેથી તેમાં વિવેક તથા ઔચિત્ય કપરી સ્થિતિમાં પણ ગુજરાતે જાળવી જાણ્યું તે નોંધપાત્ર હકિકત છે. જનતા કરફ્યૂ જેવા અદ્વિતીય પ્રસંગનું સ્વૈચ્છિક આયોજન કરીને કેટલીક નવી પ્રથાઓની ભેટ આ લડતે ગુજરાતની તથા દેશની ભાવી પેઢીઓને આપી. આપત્તિઓમાંથી પણ અવસર શોધવાના પ્રજાના ખમીરનું દેશને દર્શન થયું. વિપદોના વમળ વચ્ચે પાંગરેલા તથા વિજયને વરેલા આ વિચાર આંદોલનને કુદરતે એક અસાધારણ બળ પુરું પાડ્યું હોય તેમ લાગ્યા કરે છે. આપણી ભાષાને અલંકાર જેવા ઉત્તમ સર્જનોથી સજાવનાર કવિ શ્રી રામનારાયણ પાઠક ‘‘ શેશ ‘‘ ના ચિરંજીવી શબ્દોમાં આ વાતનું જ પ્રતિબિંબ ઝીલાયું છે.
પ્રભુ જીવન દે, હજી જીવન દે !
વિપદો નિત નિત્ય નવીન નડે,
ડગલું ભરતા કુહરેજ પડે,
કંઇ ગુપ્ત ભયો મહીંથી ઉઘડે,
વન કંટકથી તન રક્ત ઝરે,
પણ તોય ન અશ્રુ કદાપિ ખરે,
દિનરાત ડરાઅું ડરાઅું કરે
પણ નિર્ભય મુક્ત અસીમ જલે,
ઝીલતા જનશું મળવાનું જ દે
પ્રભુ ચેતન દે, નવચેતન દે
પ્રભુ જિંદગી પુણ્ય વિના ગઇ છે
પણ કયાં તુજ એ કરુણા ગઇ છે ?
બીજું ના કંઇ તો બસ આટલું જ દે :
જગ પાપ શું કૈં લડવાનું જ દે
લડી પાર અને પડવાનું જ દે,
હસી મૃત્યુ મુખે ઘસવાનું જ દે
ધસી મૃત્યુમુખે હસવાનું જ દે
જીવવા નહિ તો
મરવા કોઇ ભવ્ય પ્રસંગ તુ દે !
ઘડીયે બસ એટલું યૌવન દે,
પ્રભુ યૌવન દે, નવ યૌવન દે !
“ શેશ” ના શબ્દોને સાર્થક કરતી મહાગુજરાતની લડાઇને યુવાનોએ પોતાના મજબૂત ખભાઓ પર શ્રધ્ધાપૂર્વક ઉઠાવી હતી. નવનિર્માણ આંદોલનમાં જેમ લોકનાયક જયપ્રકાશ નારાયણ યુવાનોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા તેમ મહાગુજરાતની લડતમાં ઇન્દુચાચા કેન્દ્રસ્થાને રહીને ઝળહળ્યા હતા. ૮મી ઓગષ્ટ ૧૯૫૬ થી રક્તતિલક કરીને આ લડત યુવાનોએ વિશેષ બળવત્તર બનાવી હતી. આજે પણ લડતના આ દૂધમલિમા યુવાનોની સ્મૃતિને ઓગસ્ટ મહિનામાં તાજી કરીને આદરના પુષ્પોનું સમર્પણ કરવામાં આવે છે. આવી લડત એ હંમેશા શિર સાટેજ લડાતી હોય છે. કવિ કહે છે તેમ જગતમાં અનિષ્ટ સામે લડીને પાર પાડવાનું વરદાન માંગી શકાય. મરણ જયારે નજર સામે હોય ત્યારે પણ સ્વસ્થતા તથા સમતાના નિર્દોષ હાસ્યની કવિએ યાચના કરી છે. કવિ કહે છે તેમ જીવનમાં કદાચ પુણ્યનો સંચય નહિ થયો હોય તો પણ કુદરતની કરુણાનો અધિકાર તો માનવ માત્રને છે જ. મરવા માટે પણ કોઇ ભવ્ય પ્રસંગની વિનવણી કરીને કવિએ સંઘર્ષ વચ્ચે પાંગરતા જીવન તથા મૃત્યુ એ બન્ને પ્રસંગોની શોભા વધારી છે. કેટલાક પ્રસંગો તો મૃત્યુની વધામણી કરીને પણ વધાવવા પડે તેવા હોય છે. તેમાં કોઇ રંક-રાયનો ભેદ રહેતો નથી. એક પ્રાચીન દુહો છે.
ધર જાતાં, ધરમ પલટતાં, ત્રિયા પડંતા તાવ,
એ તીનું ટાણાં મરણના, કોણ રંક કોણ રાવ ?
ગુજરાતના અનેક યુવાનોને પણ મહાગુજરાતની પ્રાપ્તિ માટેના સંઘર્ષનો પ્રસંગ ઉપરના દોહાની જેમ મોંઘા બલિદાન હસતા મુખે તથા સામી છાતીએ આપવા જેવો લાગ્યો તેમ આ લડતનો ઇતિહાસ સાફ સાફ બતાવે છે. ગાંધી અને નર્મદ જેવા દિગ્ગજોની ગુર્જર ભૂમિ માટે એક અલગ રાજ્ય મેળવવાની માંગણી જનસમૂહને ન્યાયી તથા ઉચિત લાગી હતી. તે સિવાય આવો સ્વયંભૂ આક્રોશ પ્રગટી શકયો ન હોત. અનેક અડચણો, મુશ્કેલીઓ તેમજ રાજયની સંગઠિત શક્તિ સામે ઇન્દુચાચાની પાછળ યુવાનોનો વર્ગ જાગૃત તથા સક્રિય થયેલો જોવા મળે છે. વિદ્યાર્થીઓ પર થયેલા ગોળીબારે જનચેતનાને વિશેષ જાગૃત કરી. “ નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે, ખબર છે એટલી કે મા ગુર્જરીની હાકલ પડી છે ” તેવી પંક્તિઓ સભાઓમાં ગાજતી – ગૂંજતી થઇ હતી.
દેશને સ્વાધિનતા મળી તે પહેલાના તથા આઝાદી મળ્યા પછીના સમયમાં પણ જેમનું ઉજળું યોગદાન હોય તેવા ઓછા આગેવાનોમાં ઇન્દુચાચાનું નામ અગ્રસ્થાને રહેલું છે. નેતૃત્વની તેમની રીત તથા સામાન્ય લોકો સાથેનું તાદાત્મ્ય તે ચાચાની મોટી મૂડી સમાન હતા. ઘેરા બદામી રંગની તાજ છાપ સિગરેટને માણતા આ માયાળું જીવે લોકોના દિલમાં સ્થાન મેળવ્યું હતું. અમદાવાદના રીક્ષાવાળાઓ આ ફકીર બાદશાહને ભાડું લીધા સિવાય નિર્ધારીત સ્થળે પહોંચાડવા આતુર રહેતા હતા. ઇન્દુચાચાની પાવક સ્મૃતિ તથા લડતના યુવાનોની શહીદી ગુજરાતીઓના મનમાં ચિરકાળ સુધી ટકી રહેશે. આથી મોટું ઇન્દુચાચાનું તથા શહીદ થયેલા યુવાનોનું સ્મારક બીજુ કયું હોઇ શકે ? લડતમાં કામ આવેલા કોઇના લાડકવાયા યુવાનો તેમના રક્ત તિલકથી મહાગુજરાતના સ્વપ્નને સજાવીને તેમજ તેને વાસ્તવિકતામાં પ્રગટાવીને ગૌરવભેર સીધાવ્યા છે.
એની ભસ્માંક્તિ ભૂમિ પર
ચણજો આરસ ખાંભી
એ પ્થ્થર પર કોતરશો ના
કોઇ કવિતા લાંબી
લખજો ખાક પડી આંહી
કોઇના લાડકવાયાની.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment