: સંતવાણી સમીપે : વાલા ! તે દી ધ્રૂજશે વાણી : પ્રભુ તુને પૂછશે પ્રાણી :

દરેક માનવીને શુભ વિચારો તો આવતા હશેજ કારણ કે ઋષિઓએ માનવીને ‘‘અમૃતનો પુત્ર’’ ગણેલો છે. જ્યાં પણ તક મળે ત્યાં કંઇક શુભ કરવાની, સારું કરવાની માનવીની વૃત્તિ તેના જીવનને એક ગરિમા તથા ખૂમારીનો અનુભવ કરાવે છે. રક્તદાનની જે પ્રવૃત્તિ ગુજરાતમાં થાય છે તેના પ્રમાણની પ્રશંસા તથા તે પરત્વેનો અહોભાવ ઠોસ આંકડાઓ સાથે અવારનવાર માધ્યમોમાં ચમકે છે. તેથી ભામાશાના આ સીધા વારસદારો અમૂલ્ય ચીજનું સ્વેચ્છાએ દાન કરીને મનુષ્યત્વનું ગૌરવ વધારતા હોય તેમ લાગે છે. ‘ટુકડો ત્યાં હરિ ઢુકડો’ની વાતમાં અપ્રતિમ શ્રધ્ધા ધરાવતા અનેક સ્થાનોએ ભેદભાવ સિવાય તમામ પ્રવાસીઓ કે દર્શનાર્થીઓને ભાવથી ભોજન પીરસવામાં આવે છે. કિડીયારા પૂરવાની પ્રથા કે જેમાં કિડીઓ – નાના જીવજંતુઓ માટે ખાદ્ય વસ્તુઓ વગડે કે નક્કી કરેલી જગાઓએ વેરી દેવામાં આવે છે તેમાં સૃષ્ટિના તમામ જીવો માટે લાગણીના દર્શન થતાં જોવા મળે છે. પર્યાવરણવિદો જે વાત હવે વિશેષ ભારપૂર્વક કરે છે તે બાબતના સંસ્કાર કેટલાયે લોકોના લોહીમાં પડેલા હોય તેમ લાગ્યા કરે છે. સમયમાં તથા જીવન જીવવાના ધોરણોમાં ઘણાં પરિવર્તનો થવા સ્વાભાવિક છે છતાં કેટલીક ઉમદા બાબતો કે પ્રથાઓ આજે પણ કાળના પ્રવાહ સામે ટકી રહેલી જોઇ શકાય છે. સાંઇ મકરંદે લખ્યું છે તેમ ‘નગારે ઘા’ વાગવા હજુ બંધ થયા નથી.

નગારેઘા હજુ વાગ્યા કરે છે,

મુંઝાવર રાતનો જાગ્યા કરે છે.

નજરમાં પીરની આંઝી મશાલો,

ઊંડાણો આભના તાગ્યા કરે છે.

કવિ શ્રી કાગ આપણાં સાહિત્યને અનેક યાદગાર સર્જનોની મોંઘેરી ભેટ ચડાવીને ગયા છે. આથી માનવી તરફ ચેતવણીના સૂરો રેલાવતા કહે છે કે કુદરતના દરબારમાં જે દિવસે લેખાં – જોખાં થશે ત્યારે જીવતરમાં કોઇક સત્કાર્ય કર્યું હશે તોજ ઉન્નત શિરે જવાબ આપી શકાશે. તેમ નહિ હોય તો કુદરતની કસોટીના સમયે હોંકારો દેતા વાણી ધ્રૂજવા લાગશે. મજાદરની મોંઘી માટીની સુગંધ દાઢીવાળા દુલા કાગના ભાતીગળ સ્વરૂપે જગતમાં પ્રસરી છે અને આજે પણ હૈયા સોંસરવા ઉતરી જાય તેવા શબ્દોમાં મહેકી રહી છે. આજે પણ ભગતબાપુની રચનાઓ લોક ગાયકોને ગાવી ગમે છે તો વિશાળ લોક સમૂહને આ રચનાઓ વધાવવી ગમે છે. કાગધામ – મજાદર ખાતે ૨૧ ફેબ્રુઆરી-૨૦૧૫ થી પૂજ્ય મોરારીબાપુની વાણીના માધ્યમથી જે પ્રેમયજ્ઞ પ્રજ્વલિત થયો છે તેનાથી સોનામાં સુગંધ ભળે તેવી સ્થિતિ થવા પામી છે. ભગતબાપુ લખે છે કે જો જીવનમાં શક્ય હોય એટલા સત્કાર્યો કરવાની તક ચૂકી જઇશું તો જગત નિયંતાને જવાબ આપવો દુષ્કર બનશે.

વાલા ! તે દી ધ્રૂજશે વાણી,

પ્રભુ તુને પૂછશે પ્રાણી. 

આંખ દીધી એને ઓળખવા, 

વળી શુભ જોવાને કાજ.

એ… દોષ જોયા દુનિયા તણાં તેંતો, 

એવું કર્યું અકાજ, 

સદા રિયો નેણ ચડાવી 

નિરમળતા આંખમાં નાવી… 

કર દીધા તને સુકૃત કરવા 

દીનને દેવા દાન 

એ… ભજીયા નહિ ભગવાનને રે તેંતો, 

ઝાઝા લીધેલા જાન 

હાથે હરામ તેં ચાખ્યા, 

માળા સાથે રુસણાં રાખ્યા… 

જીભ દીધી જપવાને કારણ 

કેવાને રુડા કેણ…

એ… વેણ થકી ગળાં વાઢિયાં એ તારી 

જીભ કરી જીવલેણ, 

એને હરામ ચખાડ્યું 

બીજાનું બહુ લગાડ્યું… 

કામ કર્યા તેં કોપ કરામણ, 

જીવ ! હવે તું જાગ 

એ… એક દી તારે ઊડવું જોશે,

કાંક કરી લેને કાગ,

તારા માફ કરશે ગુના 

કૃપાળુ નાથ કેદુના… 

વાલા ! તે દી ધ્રૂજશે વાણી 

પ્રભુ તુને પૂછશે પ્રાણી.

કાળના અવિરત પ્રવાહમાં જીવન સતત ગતિશીલ રહે છે. સુકૃત્યો કરવા હોય તો તેના શુભ ચોઘડિયાની રાહ જોવી તે ભ્રમણામાં જીવવા બરાબર છે. પાનબાઇની વીજળીના ચમકારે મોતીડા પરોવવાની શીખ વિસરવા જેવી નથી. કવિ કહે છે કે અનેક પ્રકારના સુકૃત્યો કરી શકાય તે માટે સમય તથા સાધન કુદરતે યોજનાપૂર્વક આપેલા છે. આપણે જીવનના સામાન્ય વ્યવહારમાં તેનો સદઉપયોગ કરીએ છીએ ખરા ? આ બાબત આત્મનિરીક્ષણ કર્યા સિવાય સાચો ઉત્તર મળી શકતો નથી. ‘‘ઘસાઇને ઉજળા થવાના’’ પૂજ્ય રવિશંકર મહારાજે બતાવેલા માર્ગે બે ડગ માંડવાની તક તો સૌને એક અથવા બીજા પ્રસંગે મળતીજ રહે છે. કુદરતે જે અમૂલ્ય વાણીની પ્રસાદી માનવ માત્રને આપી છે આ અમૂલ્ય ભેટનો ઉપયોગ કેવી રીતે કરવો તેનો આધાર તો આપણીજ સજ્જતા પર રહેલો છે. વાણી જો શુભ તત્વ સાથે અનુસંધાન કરે તોજ ઉપકારક અભિવ્યક્તિનું પુષ્પ ખીલે છે. આવું પવિત્ર અનુસંધાન ન થાય તો વાણીના પાણીને પણ ભક્ત કવિ દયારામે નિરર્થક ગણાવેલું છે. 

કૃષ્ણ ભજો કૃષ્ણ કહો

કૃષ્ણ સુણો પ્રાણી

કૃષ્ણના કૃષ્ણના સંબંધ વિના,

વંધ્યા સહુ વાણી.

જેમને શબ્દોની કિંમત છે તેમના થકી શબ્દોને ગરીમા તથા ગૌરવ પ્રાપ્ત થયા છે. શબ્દોના ફૂલો વેરનારના જીવનની વાસ્તવિક કરણી જો શબ્દોની પછવાડે હોય તો આવા શબ્દો ચમત્કાર સર્જી શકે છે. કટોકટીના સૌથી પ્રતિકૂળ સંજોગોમાં વિશ્વયુધ્ધને વળાંક આપવામાં ચર્ચિલના શબ્દોએ જાદુ પાથર્યો હતો. ‘‘શેરીઓમાં આપણે સાથે લડીશું’’ તેવો જુસ્સો સ્વને જોડીને ચર્ચિલ પ્રગટાવી શક્યા હતા. માતૃભૂમિથી   દૂર – સુદૂર બેસીને ‘‘તુમ મૂઝે ખૂન દો, મૈં તુમ્હેં આઝાદી દૂંગાં’’ નો નાદ ઉજાગર કરનાર નેતાજીના શબ્દો અને તેની પછવાડે રહેલા વીરતાપૂર્ણ જીવનની લોકોને પ્રતિતિ થઇ હતી અને તેથીજ વિશાળ જન સમૂહે આ શબ્દોને વધાવ્યા હતા. કથની તથા કરણીના સાયુજ્યની પવિત્રતા જાળવીને ઇશ્વરે આપેલા જીવનની અમૂલ્ય ભેટ – સોગાદોને જાળવવા તેમજ તે માધ્યમોથી શક્ય તેટલા સુકૃત્યો કરવા કવિએ સૌને ધોરીમાર્ગ બતાવ્યો છે. એમ કરવાનું ચૂકી જઇશું તો કવિ ‘મીન પિયાસી’       (શ્રી દિનકરાય વૈદ્ય) કહે છે તેમ જીવન અર્થહીન બની રહેશે. પસંદગીનો હક્ક આપણો છે. 

પરમેશ્વર તો પહેલું પૂછશે

કોઇનું સુખદુખ પૂછ્યું તું ?

દર્દભરી દુનિયામાં જઇને

કોઇનું આંસુ લૂછ્યું તું ?

ગેંગેં ફેંફેં કરતા કહેશો

હેં હેં હેં હેં શું શું શું ?

કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ

કોયલ કૂજે કૂ કૂ કૂ.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑