: સંતવાણી સમીપે : પ્રેમી તળાવ તણાં હે પાણી ! સાથ મળી સંપી રહેજો :

કવિ શ્રી દુલા ભાયા કાગ કે જેમને ગુજરાત ભગતબાપુના વહાલસોયા નામથી ઓળખે છે તેમની અમદાવાદની મુલાકાત બાબતમાં સુવિખ્યાત સર્જક શ્રી જયભિખ્ખુએ (શ્રી બાલાભાઇ વીરચંદ દેસાઇ) એક મજાની વાત લખી છે. શ્રી જયભિખ્ખુને ત્યાં કવિશ્રીનો ઉતારો રહેતો અને બન્નેને પરસ્પર અનન્ય સ્નેહ હતો. શ્રી જયભિખ્ખુ કહે છે કે કોકિલના માળામાંથી કવિતા સાંભળવા મળે તે તો જગપ્રસિધ્ધ વાત છે પરંતુ કાગના માળામાં મધુર કવિતા સાંભળવા મળે તે ખાસ જાણીતી બાબત નથી. કાગના માળામાંથી કવિતા રેલાવી જનારો આ દાઢીઆળો કવિ કાવ્ય મોહીની પાથરીને ફેબ્રુઆરી-૧૯૭૭ માં પંખી પાંખુવાળાની જેમ આ જગતના ચોકમાંથી ઊડાણ ભરી ગયો. કચ્છના મર્મી કવિ શ્રી દુલેરાય કારાણીએ પણ લગભગ આવાજ ભાવ સાથે કવિ કાગને અંજલિના પુષ્પો સમર્પિત કર્યા. 

કાગના દેશમાં આજ આ વેશમાં 

માન સરવર તણો હંસ આવ્યો

મધુર ટહૂકારથી રાગ રણકારથી 

ભલો તે સર્વને મન ભાવ્યો

લોકના થોકમાં લોક સાહિત્યની 

મુક્ત મનથી કરી મુક્ત લહાણી 

શારદા માતનો મધુરો મોરલો 

કાગ ટહૂકી ગયો કાગવાણી. 

કવિ શ્રી દુલેરાય કારાણીએ ઊર્મિની અભિવ્યક્તિ કરતા જે વાત કહી છે તે અનેક સાહિત્ય રસિકોએ નજરોનજર નિહાળી છે અને વધાવી છે.  આપણે આપણાં પ્રાચીન ગ્રંથો – શાસ્ત્રો અંગે સકારણ આદર તથા ગૌરવનો ભાવ અનુભવીએ છીએ. કારણ કે આ શાસ્ત્રોમાંથી જે વાણી પ્રગટ થઇ છે તે મહદ્ અંશે સર્વસમાવેશક તથા સ્વસ્થ સમાજરચના માટે હિતકારી છે. વેદ કે  ઉપનિષદની જ્ઞાનવાણીને કોઇ સંપ્રદાય કે ચોક્કસ મતના બંધનથી બાંધી શકાય તેવી નથી. વિનોબાજી કહે છે તેમ સાહિત્યમાં વિશ્વાનુભૂતિ તથા સકલાનુભૂતિ હોવી જરૂરી છે. આ કસોટીએ આ ગ્રંથો ખરા ઉતરે તેવા છે. પરંતુ શાસ્ત્રોની આ અમૂલ્ય વાતો લોક સુધી પહોંચાડવી તે અઘરું તથા પડકારરૂપ કાર્ય છે. શાસ્ત્રોની સમાજ જીવનને બળવત્તર બનાવતી વાતો જો સમાજ સુધી પહોંચાડી શકાય તોજ તેનો અર્થ તથા ઉપયોગિતા સિધ્ધ થાય છે. આ મુશ્કેલ કાર્ય આપણાં મધ્યયુગના સંતો તથા ભક્ત કવિઓએ ખૂબીપૂર્વક કરેલું છે. મીરાંની કાવ્યધારા હોય કે ત્રિકમ સાહેબની ભજન સરવાણી હોય તો તેના સહારે સમાજ જીવનને ઉપકારક વાતો તથા જ્ઞાનવાણીનો પરિપાક ઘર ઘર સુધી તેમજ જન જન સુધી પહોંચી શકેલો છે.

કવિ કાગ પણ આવાજ એક ધરતી સાથે જોડાયેલા કવિ હતા. પૂ. મોરારીબાપુ યથાર્થ રીતે તેમને ઊંબર થી અંબર સુધીના કવિ તરીકે પૂર્ણ ભાવથી ઓળખાવે છે. અક્ષરજ્ઞાન ઓછું પરંતુ અંતરજ્ઞાનના મહાસાગર જેવું તેમનું પ્રભાવી વ્યક્તિત્વ હતું. રાજસ્થાનમાં સાહિત્યના ઉપાસકો – સર્જકોની મળેલી બેઠકમાં કવિ શ્રી કાગ વિશે બોલાયેલા શબ્દો શ્રી શક્તિદાનજી કવિયા પાસેથી સાંભળવા મળ્યા હતા. 

બોલે કોયલ બાગ સું, મીઠપ સું મનડા હરે, 

થારી કેવી વાણી કાગ, દુનિયા વશ કી દુલિયા. 

કવિ કાગના કાવ્યો પણ મેઘાણીભાઇની રચનાઓની જેમ વ્યાપક લોકસ્વીકૃતિ પામ્યા હતા. સ્વસ્થ માનવ જીવન તથા સ્વસ્થ સમાજ માટે જે મૂલ્યોનું સ્થાપન તથા તેનો આદર થવો જરૂરી છે તેવા મૂલ્યો કે સામાજિક ગુણને કેન્દ્રમાં રાખીને કવિએ અનેક રચનાઓ કરી છે. આપણાં સમાજની એક મોટી ઊણપ એ કુસંપમાં રહેલી છે. અનેક ઐતહાસિક સંદર્ભમાં પણ આ વાતની પ્રતિતિ અનેક વખત થવા પામી છે. દેશને જે લાબા ગુલામીકાળમાં સબડવું પડ્યું તેના પાયાના કેટલાક કારણોમાં એક આપણો કુસંપ જવાબદાર બન્યો છે. આથી કવિ ‘‘સંપ ત્યાં જંપ’’ ની અનુભવ ઉક્તિની જેમ સમાજને એકતા જાળવી રાખવા મજાના શબ્દોમાં પ્રેરણા આપે છે. 

પ્રેમી તળાવ તણાં હે પાણી ! 

સાથ મળી સંપી રહેજો… 

આફળજો હસતાં હસતાં પણ, 

પાળ તણું રક્ષણ કરજો…

બંધન તોડી સ્વચ્છંદી થશો તો, 

ક્ષણ ઉછળી ક્ષણ દોડી જશો… 

આશ્રિત જીવનો નાશ થશેને, 

નાશ તમારો નોતરશો… 

કાદવ ઉરમાં સંઘરશોતો, 

ડોળાં થશો છીછરાં બનશો… 

હંસ કિનારા છોડી જશે પછી, 

તન ધોળા બકને મળશો… 

કોઇ પીએ કોઇ મેલ ધુએ પણ, 

તમે તમારે પંથ જજો… 

સ્વારથ છિદ્ર ઉઠાવે અવળાં, 

પાણતીઆને કહી દેજો… 

નીર નવા ને સ્થાન તમારું, 

સોંપી સાગરને મળજો… 

સૂર્ય તણે ચૂલે સળગીને, 

‘‘કાગ’’ ફરીથી આવી જજો. 

સ્વસ્થ સમાજ સંપના પાયા ઉપરજ રચી શકાય છે. કવિની આ પ્રતિતિ અનેક પ્રકારના સુયોગ્ય રૂપકથી સરળ ભાષામાં વ્યક્ત થઇ છે. આથી કવિ શ્રી કાગની આ એક લોકપ્રિય રચના છે. સમાજ છે ત્યાં મતભેદ પણ હોઇ શકે પરંતુ મતભેદને કારણે સાંધી ન શકાય તેવું અંતર ઊભું કરી દેવા સામે કવિ લાલબત્તી ધરે છે. વાસણ હોય તો ખખડે એવી એક ઉક્તિ આપણે ત્યાં છે. અહીં પણ કવિ કહે છે કે જેમ વાસણ સહેજે ખખડે તેમ આફળવાના પ્રસંગો પણ ઊભા થઇ શકે છે. પરંતુ આવા પ્રસંગોએ પણ જીવનમાં કડવાશના અંકૂર ન ફૂટવા જોઇએ. સમાજ જીવનના કેટલાક બંધનો અનિવાર્ય તથા વ્યાપક રીતે સામાજિક હિતની ખેવના કરનારા છે. આવા બંધન કદી અપ્રસ્તુત થતા નથી. સમાજ સ્વચ્છંદી બને તો ક્ષણભરના ઉન્માદ પછી તેની આકરી કિંમત ચૂકવવી પડે છે.  ભારતના પવિત્ર બંધારણે આપેલા અનેક અમૂલ્ય હક્કની સામે નાગરિકો પાસેથી જવાબદારી તથા જાગૃતિ સાથેની ફરજોનું પાલન કરવા પર સરખોજ ભાર મૂકવામાં આવેલો છે. મનની નિર્મળતા જાળવી રાખવા પર કવિ ભાર મૂકે છે. એ હકિકત સુવિદિત છે કે તળાવ કે બંધમાં જેટલા કાદવનો ભરાવો થાય તેટલા અંશે પાણી ડોળાં અને છીછરાં થતાં જાય છે. સમય પ્રમાણે નવા વિચાર – નવા નીરને સ્થાન આપીને સતત વહેતા રહેવાની વાત પણ ખૂબ માર્મિક છે. શાસ્ત્રોએ ‘‘ કૃતેચ પ્રતિ કર્તવ્યં, એષ: ધર્મ સનાતન ’’ ની વાત કરીને કૃતજ્ઞતાની ભાવના મજબૂત કરવા સમજ આપી છે. ડહોળાયેલા આજના વૈશ્વિક સંદર્ભમાં કવિ શ્રી કાગની આ રચના વધારે પ્રસ્તુત બની છે. શત્રુ કે અહિત કરનાર પર પણ કટુતા નહિ દાખવીને જીવવાનું ઉમદા ઉદાહરણ મહાત્મા ગાંધી આપીને ગયા છે. સર પ્રભાશંકર પટ્ટણીએ પણ આ બાબતમાં દિલની ઉમદા લાગણી સુંદર શબ્દોમાં વ્યક્ત કરી છે. સુંદર મંદાક્રાંતા છંદમાં આ શબ્દો મઢાયેલા છે. 

મારી આખી અવનિ પરની 

જિંદગાની વિશે મેં 

રાખી હોય મુજ રિપુ પરે 

દ્રષ્ટિ જે રીતની મેં 

તેવી યે જો મુજ પર 

તું રાખશે શ્રી મુરારી ! 

તોયે તારો અનૃણિ થઇને 

પાડ માનીશ ભારી. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑