: શતાબ્દી વંદના : કવિ પિંગળશીભાઇ લીલા :

ભર્તુહરી મહારાજે તેમના યાદગાર શબ્દોમાં લખ્યું છે : 

જયન્તી તે સુકૃતિનો રસસિધ્ધા: કવિશ્વરા:

નાસ્તી યેશાં યશ: કાયે જરામરણજં ભયમ્.

કવિઓ સર્જકો તેમના સર્જનથી લોકસ્મૃતિમાં જીવંત રહે છે. કાળના સતત વહેતા પ્રવાહમાં પણ તેમનું સાહિત્ય સર્જન જીવંત રહે છે, ધબકતું રહે છે. રામગિરિ પર્વત પર બેસીને મેધને સંદેશ આપતા યક્ષની કથાને ચિરકાળ યુવાની પ્રાપ્ત થયેલી છે. કાક અને મંજરી આજે પણ જનસામાન્યમાં જાણીતા નામો છે. ક.મા.મુનશી તેમના આ મોહક પાત્રોથી જીવંત છે. આ જ રીતે છત્રાવાના કવિ શ્રી પિંગળશી મેધાણંદ લીલા આજે પણ તેમની લોકપ્રિય રચનાઓના માધ્યમથી જીવંત છે. કવિનું આ જન્મશતાબ્દીનું વર્ષ (ર૦૧૪-૧૫) છે. આથી તેમનું વિશેષ સ્મરણ થાય તે સ્વાભાવિક છે.  

મોરના ઇંડા ચીતરવા ન પડે તેવો આપણી ભાષાનો રૂઢિ પ્રયોગ ઘણાં અનુભવો તથા અનુભૂતિ પછી ચલણી થયો હશે. આ કહેવતને યથાર્થ ઠેરવે તેવા ઘણા દાખલાઓ જોવા મળે છે. નિરક્ષર સાક્ષર કહીને જેમને ક. મા. મુનશીને છેક ૧૯૩૬ માં એક ભવ્‍ય સમારંભમાં મુંબઇમાં બીરદાવ્‍યા હતા તે મેઘાણંદબાપાનું અડિખમ વ્‍યક્તિત્‍વ તો હતું જ પરંતુ સાથે સાથે મા સરસ્‍વતીના ચાર હાથ પણ તેમના પર હતા. આ પ્રભાવી મેઘાણંદબાપાના બે સુપુત્રો – મેરૂભા તથા પિંગળશીભાઇ બન્‍ને  સરસ્‍વતીના આજીવન ઉપાસક અને સંસ્‍કારની વાતો સરળ રીતે લોકો સુધી પહોંચાડવાના કાર્યમાં અજોડ હતા. ભાદર અને મધુવંતી પ્રદેશના ઘેડ વિસ્‍તારમાં છત્રાવા નામના નાના ગામમાં ચારણ જ્ઞાતિના લીલા શાખાના સમર્થ પુરૂષ મેઘાણંદબાપાના દરેક પુત્ર સંસ્‍કારી હતા તે સ્‍વાભાવિક છે. પરંતુ સરસ્‍વતીની સાધના કરનાર મેરૂભા તથા પિંગળશીભાઇ સોરઠ – સૌરાષ્‍ટ્રના ગામડે ગામડે લોકહ્રદયમાં બીરાજતા હતા. લોક સાહિત્‍યના ખેડાણની અવિસ્‍મરણિય તથા જ્વલંત યાત્રામાં ભગતબાપુ અને મેરૂભાની ગરવી જોડીએ અનેક રંગોની પુરણી કરી હતી. પિંગળશીભાઇ આ બન્‍ને  મહાનુભાવોના પથ પર ચાલનારા પરંતુ સાહિત્‍ય જગતમાં પોતાની આગવી ઓળખ પ્રસ્‍થાપિત કરનાર સર્જક હતા. આપણાં આ બહુશ્રુત સર્જક પિંગળશીભાઇએ સુંદર કાવ્‍યોની સરવાણી ઉપરાંત વાર્તાઓ, જીવનચરિત્રો વગેરે પણ એટલાજ અધિકારપૂર્વક લખ્‍યા. અનેક વિષયોમાં પિંગળશીભાઇએ તેમની સર્જન શક્તિનું યોગદાન આપ્‍યું. આ સાહિત્‍યના સર્જકો તથા મર્મીઓની ખૂબી એવી હતી કે તેમણે શ્લોકની વાત લોક સુધી પહોંચાડવાનું યજ્ઞકાર્ય કર્યુ.

કવિ શ્રી પિંગળશીભાઇ લીલા ઘણાં વર્ષો સુધી જામનગરમાં રહ્યાં. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દીર્ઘદ્રષ્ટા કુલપતિ સ્વ. શ્રી ડોલરરાય માંકડની પ્રેરણાથી સૌરાષ્ટ્રના લોક પરંપરા – ચારણી પરંપરાના સાહિત્ય સર્જકોનું સન્માન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ૧૯૬૯ માં કર્યું ત્યારે કવિ શ્રી દુલા ભાયા કાગ સાથે પિંગળશીભાઇનું પણ બહુમાન તેમના સર્જન કાર્ય માટે થયું હતું. સૌરાષ્ટ્ર સરકારે લોકસાહિત્યના સંવર્ધન માટે શ્રી રતુભાઇ અદાણીના પ્રયાસોથી જુનાગઢમાં લોકસાહિત્ય વિદ્યાલયની સ્થાપના કરી હતી. આ વિદ્યાલયના માધ્યમથી પિંગળશીભાઇએ સાહિત્ય શીખવા આવનારા છાત્રોને લોકસાહિત્યના પાયાના પાઠ ભણાવ્યા હતા. તેમાના ઘણા છાત્રો પછીથી સુવિખ્યાત કલાકારો થયા હતા. સાહિત્ય સર્જન તથા કથનના સંસ્કાર તેમને વારસામાં મળેલા હતા. કવિની રચનાઓમાં ભજનવાણીનો પ્રવાહ કુદરતી ઝરણા જેવો રેલાયો છે. કવિની રચનાઓમાં વૈવિધ્યતા તથા સરળતાનું સુંદર મિશ્રણ છે. 

જીવનમાં મોહ તથા મમત્વના આવરણ અંગે શાસ્ત્રોમાં ઘણું લખાયું છે. મમત્વને કારણે જ ધૂતરાષ્ટ્ર ‘‘મામકા:’’ ને સત્યનો – ન્યાયનો માર્ગ બતાવી શકયા નહિ. પરિણામે માનવજાતિએ ભયંકર ખાનાખરાબીવાળા યુધ્ધમાં હોમાવું પડયું. શાસ્ત્રોની જ આ વાત ભક્ત કવિઓએ સરળ ભાષામાં જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. કાયારૂપી ઝાડ અને તે પણ મૂળ વિનાનું – નાશવંત – હોવાથી તેની ક્ષિણ થવાની કે વિલિન થવાની અનિવાર્ય પ્રક્રિયા તરફ કવિશ્રી આપણને સચેત કરે છે. ચેતવણીનો સૂર ઉચ્ચારે છે. કસોટી આપણી વિવેકબુધ્ધિની છે. કવિશ્રીએ તેમની વાત પૂરા મર્મ સાથે મૂકી છે. 

મનવા શું કરે મારું મારું

આમા તલભારેય નહિ તારું.

આ પીંજરમાં પંખી બેઠું રૂડું ને રૂપાળું

કોઇન જાણે એની કરામત ઓચીંતું ઉડનારું

સોના જેમ સાચવતો તું આ પીંજરીયું ૫યારું

મૂળ વિનાનું ઝાડવું આ પાયેથી પડનારું…

કાયા માયાની શું કરવાની મોંઘામૂલી મનવારું

પિંગળશી કહે સીતારામનું સ્મરણ થાયતો સારું…

મનવા શું કરે મારું મારું.

આપણાં મધ્યયુગના ચિરંજીવી સંત સાહિત્યમાં ભક્તિની ઉત્કટતા સાથે જ શ્રધ્ધાનું દ્રઢીકરણ થયેલું જોવા મળે છે. પરમ તત્વ તરફની ભાવભીની ભક્તિ તથા અખંડ શ્રધ્ધા આ સાહિત્યના શબ્દે શબ્દમાંથી પ્રગટે છે. હરિ સાથેનું આવું અનુસંધાન એ જ મીરા, નહસિંહ કે કબીરવાણીનું મૂળ તત્વ છે. આ જ વાતનો તંતુ પકડીને પિંગળશીભાઇ જેવા આ યુગના કવિએ મધ્યયુગનાજ સંતકવિઓનું સર્જન–કૌવત આપણી આજની કાવ્યધારામાં કૂશળતાથી ઉતાર્યું છે. હરિ તરફની શ્રધ્ધામાંથીજ હરિની અનંત કૃપાનો પ્રસાદ તેમને દરેક વખતે પ્રાપ્ત થયો છે. હરિની હાટડીએ જ જેનું હટાણું હોય તેને બીજી શી મણા રહે ? હરિના આશીર્વાદ થકી જીવનની સર્વાધિક સાફલ્યતા માણવાની આંતરિક સૂઝ તથા શક્તિ આ કવિને સહજ રીતે મળી હોય તેમ લાગ્યા કરે છે. 

હરિની હાટડીએ મારું કાયમ હટાણું, 

જોયું કે ન જોયું મેં તો ટાણું કે કટાણું……..હરિની હાટડીએ…….
પૃથ્‍વી પવનને પાણી આપ્‍યા સૌને ઉલટ આણી 

કોય દિ ન માગ્‍યું એનું નારાયણે નાણું……..હરિની હાટડીએ…..
બાળાવયમાં મોઢું બોખું, આપ્યું માનુ ધાવણ ચોખ્ખું 

દાંતની સંગાતે દીધું ચાવવા ચવાણું….હરિની હાટડીએ…….
ગમે ત્યાંથી ગોતી ગોતી, હંસલાને આપે મોતી 

કિડીઓને કણકી કણકી હાથીડાંને માણું….હરિની હાટડીએ….

ધણી મેં ધાર્યો છે નામી, વ્યાધી દીધી સઘળી વામી 

મળિયું પિંગળને મોટી પેઢીનું ઠેકાણું…. 

હરિની હાટડીએ મારું કાયમ ઠેકાણુ….

કવિને શાસ્ત્રોની વાત લોકસમૂહ સુધી પહોંચાડવાની ઝંખના છે. આથી ભગવદ્દગીતાને લોકભાષામાં ઉતારવાનું કામ તેમણે કૂશળતાથી કર્યું. કાકાસાહેબના અભિનંદન તથા આશીર્વાદ કવિને તેમના આ કાર્ય થકી મળ્યાં. કવિ પિંગળશીભાઇ બહુશ્રુત છે. તેમના સર્જન અનેક પ્રકારના છે. ભક્તિ તથા ભાવની ઉત્કટતા તેમની રચનાઓમાં અનેક સ્થળે જોવા મળે છે. કૃષ્ણ પરત્વે ગોપીઓના સમર્પિત તથા ઉત્કટ ભાવની વાત કરતા લખે છે. 

કંઠ રહ્યાં છે પ્રાણ હવે તો બિરહાનલમાં  બરી બરી

તો યદુનંદન વ્રજની કુંજમાં ફરી જન્મશું મરી મરી

કવિશ્રીની વાણીને બીરદાવતા સાંઇ મકરંદ લખે છે કે સતની સરવાણી સુકાય ત્યારે આપણી તળ ધરતીના જ પોપડા ભેદવા પડે. આ કામ તો પાણીની પરખ તથા વાણીનો વિવેક હોય તેવા પાણીકળા લોકો જ કરી શકે. પિંગળશીભાઇની વાણીનું પાણી પ્રભાવી છે. પિંગળશીભાઇને નવવયુગના લોકકવિ  તરીકે ઓળખાવીને જયમલ્લભાઇ પરમારે ઊર્મિ નવરચના માટે તેમની પાસે ખૂબ લખાવ્યું છે. પિંગળશીભાઇની કાવ્યશક્તિની ખાસીયત તરફ ધ્યાન દોરતા પ્રમુખસ્વામી મહારાજ તેમને સમાજની બદલાતી જતી રસ-રૂચિઓ તથા સ્વભાવને પારખીને તેને અનુરૂપ અિભવ્યક્તિ કરનારા કવિ તરીકે ઓળખાવે છે. મોરારી બાપુ કહે છે કે ‘‘ હું તેમની પાસે થોડું લોકસાહિત્ય ભણ્યો છું. ’’ કવિ શ્રી પિંગળશીભાઇની વાણી એ શાશ્વતનો વેણુંનાદ છે. તેની સૌરભ કાળના પ્રવાહમાં ઝાંખી-પાંખી થાય તેવી નથી. 

(વી. એસ. ગઢવી)

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑