ફરી એક વખત જીવતરની કેડી ઉપર નવા વર્ષને સત્કારવાનો સમય છે. આ વર્ષમાં તથા જીવનના હવે પછીના વર્ષોમાં જીવન ઉમેરવા માટે દીપ પ્રાગટ્યનો પ્રયાસ તો આપણેજ કરવો પડશે. કવિ રાજેશ વ્યાસ (મિસ્કીન) ના શબ્દો યાદ આવે.
વર્ષનો પહેલો દિવસ પ્રગટાવ દીવો,
ઝળહળી ઉઠશે વરસ પ્રગટાવ દીવો.
નૂતન વર્ષના આરંભે ભાવનગર રાજ્યના દીવાન અને શીલભદ્ર રાજપુરુષ સર પ્રભાશંકર પટ્ટણીના એક વાસ્તવિક પ્રસંગને યાદ કરીએ તો નવા વર્ષનો એકાદ શુભ સંકલ્પ કરવાની પ્રેરણા મળે તેમ છે. જીવતરના સોનેરી સૂર્યાસ્તના સમયે જૈફ ઉંમરે તથા બીમારીથી નબળા પડેલા શરીરે ભાવનગર રાજ્યના આડાભીડ દીવાન સર પ્રભાશંકર પટ્ટણી ભાવનગર રાજ્યના ગામડા ખૂંદી રહ્યાં છે. આરામ કરવાના સમયે હેતુ સહિતની રઝળપાટ કરીને ધૂળ ફાકી રહ્યાં છે. ભાવનગર રાજ્યનું કયા જન્મનું લેણું આ સાધુ ચરિત દીવાન ચૂકવી રહ્યા હશે ? કવિ શ્રી દુલા ભાયા કાગ ભાવનગર જેવા મોટા રાજ્યના દીગ્ગજ દીવાનની આ સ્થિતિ જોઇને અકળાય છે અને લખે છે.
ભાવેણું માગણું માગે છે
બુઢ્ઢો સૌ સુખડા ત્યાગે છે
દેયેં ડગમગતો લાગે છે
આમ સાદો આમ સોયલો રે
એનું ખોખલું ખોખું અંગ
(પણ) કોઇ ભાવેણાની આળ કરે તો
બદલે બુઢ્ઢાનો રંગ…. ભાવેણું….
નાના એવા ભંડારિયા ગામમાં સર પટ્ટણીનો મુકામ છે. ગામના લોકોની રજૂઆતો પટ્ટણી સાહેબ પૂરા ધ્યાનથી સાંભળી રહ્યા છે. લોકોની અનેક રજૂઆત, રાવ-ફરિયાદ હતી. ગામના બે ભાઇઓની જોહૂકમીનો લોકોને ત્રાસ છે. અત્યારે તો રાહત છે કારણ કે બન્ને રાજ્યની જેલમાં ભાવનગર છે. આ વાત સાહેબના મનમાં નોંધાઇ જાય છે. ભાવનગર પહોંચ્યા પછી જસોનાથ દેવના આશીર્વાદ લઇને સર પટ્ટણી ભાવનગર જેલમાં પહોંચે છે. ભંડારીયાના બે ભાઇઓ કે જેની ફરિયાદ તેમણે સાંભળી હતી તેમના સંબંધમાં જેલના અધિકારીઓને પૂછપરછ કરે છે. તેમને જેલ અધિકારીઓ માહિતી આપે છે કે ભંડારિયા ગામના આ બન્ને ભાઇઓના કોઇ જામીન થવા તૈયાર નથી એટલે તેઓ જેલમાં છે. જેલ અધિકારીઓને સૂચના આપી બન્ને ભાઇઓને બોલાવ્યા. બન્નેના પગમાં ભારે બેડીઓ હતી તે કઢાવીને વાત શરૂ કરી. ગામલોકોની ફરિયાદો હતી તેની વાત પટ્ટણી સાહેબે બન્ને કેદી ભાઇઓને કરી. બન્ને ભાઇઓએ પટ્ટણી સાહેબના પગે પડીને કહ્યું કે હવે તેઓની કોઇ ફરિયાદ ગામ લોકોને નહિ રહે પરંતુ ખાટલે મોટી ખોટ કે અમારું કોઇ જામીન થવાજ તૈયાર નથી. બન્ને ભાઇઓએ ખેદપૂર્વક સ્વીકાર્યું કે તેમની મથરાવટીજ મેલી છે. હવે ધીર-ગંભીર અવાજે આ શ્વેત દાઢીવાળા વી.આઇ.પી. મુલાકાતીએ કહ્યું. ‘‘ તમારો જામીન હું થાઉં છું ! કાલે સવારથી તમે જેલમાંથી મુક્ત થશો. પણ જોજો હો !, હું જામીન થાઉં છું એ વાતનો ખ્યાલ રાખજો ! ’’ બહાર નીકળી પટ્ટણી સાહેબે નિયમ અનુસાર જામીનખત ઉપર સહી કરી આપી. આ કાર્યના પરિણામ અંગે આસપાસના અધિકારીઓને અંદેશો રહે તે સ્વભાવિક હતું પરંતુ પિતા-તુલ્ય દીવાનને પોતાના નિર્ણયમાં તથા ભાવનગરના દરેક પ્રજાજનમાં સંપૂર્ણ શ્રધ્ધા હતી. તેથી તેમના મનમાં કોઇ ifs કે buts ન હતા. પટ્ટણી સાહેબની સાધુતા તથા દૂરદર્શિતાનું સીધું પરિણામ ગામલોકોએ આ બન્ને ભાઇઓના જીવન પરિવર્તનમાં જોયું. જીન વાલજીન તથા ભલા પાદરીની વાત તો વિશ્વ વિખ્યાત નવલકથા ‘લે મીઝરેબલ’ ના પાત્રો છે તથા વિકટર હયુગોની રમણિય કલ્પના છે. જ્યારે આ ઘટના તો ગઇકાલે બનેલી હકીકત છે જેને શ્રી જયંતિલાલ મોરારજી મહેતા જેવા સમર્પિત પત્રકારે સ્વયં જોયા પછી નોંધેલી છે. દુ:ખી, દર્દી કે માર્ગ ભૂલ્યા હોય તેવા માટે બારી ખુલ્લી રાખીને આ મહાપુરૂષે સ્નેહ, સહાનુભૂતિ તથા સંવેદનાનો પ્રવાહ હમેશા વહેતો રાખ્યો. તેમને આ શબ્દો લખવાનો પૂરો અધિકાર હતો.
દુ:ખી કે દર્દી કે કોઇ ભૂલેલા માર્ગવાળાને
વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી.
ગરીબની દાદ સાંભળવા અવરના દુ:ખને દળવા,
તમારા કર્ણ નેત્રોની ઉઘાડી રાખજો બારી.
પ્રણયનો વાયરો વાવા, કુછંદી દુષ્ટ વા જાવા,
તમારા શુધ્ધ હ્રદયોની ઉઘાડી રાખજો બારી.
થયેલા દુષ્ટકર્મોના છૂટા જંજીરથી થાવા
જરા સત્કર્મની નાની ઉઘાડી રાખજો બારી.
ઇસુના નવા વર્ષના પહેલા દિવસે પટ્ટણી સાહેબના લખેલા ઉપરના શબ્દો યાદ રાખવા જેવા તથા યથાશક્તિ જીવનમાં ઉતારવા જેવા છે. સ્વસ્થ સમાજનું જો નિર્માણ કરવું હશે તો સ્વકેન્દ્રી સમાજના સ્થાને સામુહિક હિતનો પણ વિચાર કરનારા નાગરિકોનું નિર્માણ કરવું પડશે. સર પટ્ટણીએ આ કાવ્ય પંક્તિઓ લખી છે તેમ કહી શકાય પરંતુ હકીકતમાં તેઓ આ કાવ્ય પંક્તિઓ જીવ્યા છે તેમ કહેવું વધારે અર્થપૂર્ણ ગણાશે. સર પટ્ટણીના જીવનમાં કથની તથા કરણી વચ્ચે અંતર નથી એટલેજ આવા શબ્દો સહજ રીતે ઉગે છે – ઉઘડે છે. કવિ શ્રી સરોદે આ વાત સુંદર શબ્દોમાં કહી છે.
જેડી કરણીની હો કમાઇ
મેરે ભાઇ ! હેડો શબદ નીસરે ધાઇ…
જગતના નાથની પ્રસન્નતા માટે તથા તેમનું ‘‘ કરજ ભરી દેવાની ’’ દૈવી વૃત્તિ સાથે જીવનનું દરેક પગલું આ મહામાનવે ભર્યું હતું. આજે ૨૦૧૫ ના વર્ષના શુભારંભે આ વિરાટ વહીવટકર્તાનો અમર સંદેશ પુન: યાદ કરતા ગૌરવ તથા અહોભાવ થાય તે સ્વાભાવિક છે. કોઇ વ્યક્તિ બીજા વ્યક્તિ પાસે આશા લઇને આવે ત્યારે શક્ય છે કે તેની અપેક્ષા મુજબનું કામ આપણે ન પણ કરી શકીએ. પરંતુ વાત સાંભળીને યોગ્ય લાગે તો સલાહ કે હૈયાધારણ આપવાની શક્યતા હમેશા રહેલી હોયજ છે. માનવી થી માનવ વચ્ચેનો આવો સમજ તથા સાહનુભૂતિનો સેતુ જો નબળો પડે તો સ્વસ્થ સમાજનો એક પાયોજ હચમચી જાય. કવિ શ્રી રતીલાલ ‘‘અનીલ’’ ના શબ્દો યાદ કરવા જેવા છે.
નથી એક માનવ હજુ બીજા માનવ સુધી પહોંચ્યો
‘‘અનીલ’’ મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો.
કેટલી વિશાળ સંખ્યામાં લોકો Mobile connectivity થી જોડાય છે તેની સહર્ષ નોંધ જરૂર લઇએ. તેની સાથેજ એકબીજાને સમજવામાં આપણે કાચા પડ્યા છીએ કે કેમ તેનું મનોમંથન કરીશું તો ઉચિત ગણાશે. સમાજ તો ઠીક પરંતુ કુટુંબના સભ્યો વચ્ચે, માતા-પિતા તથા બાળકો વચ્ચે પણ હેતુપૂર્ણ સંવાદ થતાં નથી તેવી ફરિયાદ વ્યાપક બનતી જાય છે. તેનો ઉકેલ આપણેજ શોધવો રહ્યો. સર પટ્ટણી લખે છે કે જાણ્યે અજાણ્યે જીવનમાં જો કોઇ અપકૃત્યો થયા હોય તો પણ સત્કર્મનું આચરણ કરીને અપકૃત્યોમાંથી મુક્તિ મેળવી શકાય છે. સમાજ તરફ જોવાની આપણી દ્રષ્ટિમાં થોડા ફેરફારથી પણ આ વાત તરતજ અનુભવી શકાય છે. કર્ણ-નેત્રોની બારી ઉઘાડી રાખનાર માનવ સમાજ તરફ વિમુખ રહી શકે નહિ. ર્આસ્લોમાં નોબેલ પીસ પ્રાઇઝ હમણાંજ સ્વીકારનાર શ્રી કૈલાશ સત્યાર્થીએ કહેલી વાતમાં પટ્ટણી સાહેબની આ કવિતાનો પડઘોજ સાંભળવા મળે છે. કૈલાશ સત્યાર્થી કહે છે કે આપણી એક સહાનુભૂતિની નજર બાળકો તરફ રહે તો આપોઆપજ આપણાંમાં તેમની સ્થિતિ તરફ સહાનુભૂતિનો ભાવ પ્રગટ થશે. કેટલાક મીડીયામાં તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલો ઉત્સાહજનક છે. સ્વૈચ્છિક રીતે મદદ કરવાની તૈયારી દર્શાવનાર અને તે પ્રમાણે આચરણ કરનાર લોકોની સંખ્યામાં આપણો દેશ વિશ્વમાં પ્રથમ ક્રમ ઉપર છે. પટ્ટણી સાહેબ કહે છે કે એક નાનું એવું સત્કર્મ પણ કોઇના જીવનમાં પરિવર્તન લાવવામાં નિમિત્ત બની શકે છે. મૂઠી ઉંચેરા માનવી પટ્ટણી સાહેબની વાતો પૂજ્ય શ્રી મોટાની સખાવત તથા શ્રી મુકુન્દરાય પારાશર્યની મહેનતને કારણે આપણાં સુધી પહોંચી શકી છે. નવા વર્ષના પહેલા દિવસે સર પટ્ટણીની શિખામણ યાદ રાખીને શક્ય બને તેટલી આચરણમાં ઉતારવા જેવી છે. આવી ‘‘ઉઘાડી બારી’’ જ કદાચ આપણને સાચા સુખ અને સંતોષના રામાર્ગ પર દોરી જશે.
***
Leave a comment