‘‘કર્મણ્યેવાધિકારસ્તે, મા ફલેષુ કદાચિન્’’ એ વાત સાંભળવા તો અવારનવાર તથા અનેક પ્રસંગોએ મળે છે. આ વાત કરવી સહેલી છે પરંતુ વાસ્તવમાં તેને જીવી જાણવી મુશ્કેલ છે. આથી કેટલાક વીરલાઓ જે આ વાતને પોતાના જીવતર થકી ઉજાળે છે તેમના જીવન સમક્ષ સમાજ અહોભાવપૂર્વક નતમસ્તક થાય છે. નિરંતર કર્મની જ્યારે વાત કરીએ ત્યારે જેમની ચિર વિદાયને એક વર્ષનો સમયગાળો ર૪ જાન્યુઆરી-ર૦૧પના રોજ થશે તેવા શ્રી ધીરૂભાઇ ઠાકરની સ્મૃતિ થવી સ્વાભાવિક છે. આપણી નજર સમક્ષ હજુ ગઇકાલ સુધી ઉન્નત તથા અર્થસભર જીવતર જીવી જનાર ઠાકર સાહેબ નવા ચિલા પાડીને ગયા. થાક તથા નિરાશાનો ઓછાયો પણ તેમના જીવનમાં પડ્યો હોય તેમ લાગતું નથી. વિશ્વકોશના આ જગનન્નાથના રથને ખેંચવા જેવું કપરું કામ નહિતર કેવી રીતે થયું હોત ? એક હજાર પૃષ્ઠનો એક એવા પચીસ ગ્રંથોની વિપુલ સામગ્રી તૈયાર કરીને જગતના ચોકમાં મૂકવી તે ગુજરાત રાજ્યની સ્થાપના પછીના વર્ષોની એક જ્વલંત ઘટના છે. ઠાકર સાહેબે જાતે તો કાર્ય કર્યુ જ પરંતુ આ કામની અવિરત પ્રગતિ માટે મજબૂત ટીમવર્ક તથા સંસ્થાગત માળખું પણ ઉભુ કર્યુ. સ્થાયી માળખાનું નિર્માણ કરવાની તેમની દીર્ઘદ્રષ્ટિને કારણે તેમની અનુપસ્થિતિમાં પણ આ સમાજ ઉપયોગી કાર્ય નિરંતર ચાલતું રહેલું છે. કર્મની દિશામાં તથા જ્ઞાન પ્રાપ્તિની દિશામાં ગતિ કરવાની પ્રેરણા ધીરૂભાઇના જીવનમાંથી અનેક લોકોએ મેળવી. કવિશ્રી વેણીભાઇ પુરોહિતના નીચેના શબ્દોમાં પણ કર્મનો જ મહિમા સુંદર રીતે વ્યક્ત થયો છે. ધીરૂભાઇ ઠાકર જેવા કર્મવીર તથા પ્રક્ષાવાન શાક્ષરોને તે શબ્દો અર્પણ કરવા યોગ્ય છે.
થાકે, ન થાકે છતાંયે
હો માનવી, ન લેજે વિસામો !
ને ઝૂઝજે એકલ બાંયે
હો માનવી, ન લેજે વિસામો .
ઝાંખા જગતમાં એકલો પ્રકાશજે,
આવે અંધાર તેને એકલો વિદારજે,
છો ને આ આયખું હણાયે
હો માનવી, ન લેજે વિસામો !
કર્મના મર્મને સમજીને જીવતર જીવી જનાર લોકોને સમાજ કદી ભૂલી શકતો નથી. તેમનું રૂણ સમાજ પર હંમેશા રહે છે. આ માસમાંજ (જાન્યુઆરી-૧૮૯ર) માં જેમની જન્મજયંતિ છે તેવા શ્રી મહાદેવ દેસાઇનું સમગ્ર જીવનકાર્ય અવિરત કર્મનો જ સંદેશ આપે છે. ગાંધીજીના સાનિધ્યમાં કે તેમના વિચારોની અસર હેઠળ જે લોકો જીવ્યા તે સૌ કર્મવીર તરીકે જ જગતમાં જાણીતા થયા. શ્રી પરીક્ષિતભાઇ મજમુદાર પણ આવાજ એક કર્મશીલ ગાંધીવાદી હતા. પરીક્ષિતભાઇના કામ પ્રત્યેના વલણ બાબતનો એક નાનો પ્રસંગ શ્રી જગદીશ ચાવડાએ લખ્યો છે. પરીક્ષિતભાઇ કદી નવરા રહેવાનું પસંદ ન કરે. તહેવાર હોય કે રવિવાર હોય પણ તેમનું ચિત્ત કામમાં જ જોડાયેલું રહેતુ. રજાના દિવસે પણ કામ કરવાનો તર્ક સમજાવતા કહેતા કે આપણે રજાના દિવસે ખાવાનું બંધ નથી કરતા તો કામ કેવી રીતે બંધ કરાય? હરિજન સેવક સંઘની ઓફિસમાંજ તેમનો મુકામ રહેતો તથા સપ્તાહના તમામ દિવસે સવારથી સાંજ સુધી તેઓ ત્યાંજ મળી રહે. તેઓ કહેતા કે ગાંધીજીએ કદી તહેવાર કે રવિવાર પાળ્યા નથી. ગાંધીજીનો યરવડા જેલ જીવનનો પ્રસંગ વર્ણવતા કહે કે બાપુને ભારે શરદી થયેલી હોવા છતાં નિત્યક્રમ પ્રમાણે કામ કરતા હતા. વહેલાં ઉઠવાનું, પ્રાર્થના, કાંતવાનું તેમજ અદ્યયન જેવા કાર્યો સતત કરે. જેલનો એક ચોકીદાર એડનવાસી સોમાલી હતો, બાપુને સતત જોતો રહે. બાપુને ભારે શરદી હોવાથી ભાષા સમજવાની કે બોલવાની તકલીફ વચ્ચે પણ તેણે ઇશારાથી બાપુને થોડો આરામ કરવા સૂચવ્યું. બાપુ હાજર જવાબીપણા તેમજ વિનોદ માટે જાણીતા હતા. તેમણે સૂર્ય તરફ ઇશારો કરીને આફતાબ-આફતાબ એમ કહ્યુ. ચોકીદાર સોમાલી આ વાત સમજી ગયો. સૂર્ય જેમ સતત પ્રવૃત્તિશીલ-ગતિશીલ રહે છે અને આરામ કરવા માટે રજા રાખતો નથી તેમજ માણસે જીવવું જોઇએ. આ વાત પરીક્ષિતભાઇ હસતા હસતા સહ કર્મચારીઓને સંભળાવી ફરી કામે ચડી ગયા. નાના પ્રસંગનો ઉપયોગ કરીને જીવન જીવવા માટેની મહત્વની ફિલોસોફી રાષ્ટ્રપિતાએ સરળતાથી સમજાવી તે ગાંધીજીના સ્વભાવની એક વિશિષ્ઠતા હોય તેવું લાગે. આજ રીતે કવિ શ્રી દુલા ભાયા કાગે ભાવનગર રાજ્યના દીવાન પદે રહી ચૂકેલા સર પ્રભાશંકર પટૃણીને જીવનની સંધ્યા ટાણે આરામ કરવાને બદલે ગામડાઓમાંફરતા જોયા ત્યારે જે શબ્દો (ઝૂલણા છંદમાં) લખાયા તે ખૂબ જ સુંદર તથા માણવા યોગ્ય છે.
આભના થાંભલા રોજ ઉભા રહે
વાયુનો વીંઝણો રોજ હાલે,
ઉદય અને અસ્તના દોરડા ઉપરે
નટ બની રોજ રવિરાજ મ્હાલે,
ભાગતી ભાગતી, પડી જતી પડી જતી,
રાત નવ સૂર્યને હાથ આવે,
કર્મવાદી બધા કર્મ કરતા રહે
એમને ઉાંઘવું કેમ ફાવે ?
નીર સાગર તણાં સ્થિર રેતા નથી
ધીર ગંભીર દિન રાત જાગે,
સામટી સરિતા પાણી પાતી રહે
તોય નવ આપનો ગુણ ત્યાગે
ઓટમાં કદીયે આંસુ નથી પડતો
ભરતીમાં નથી છલકાઇ જાતો
જગતને કર્મના પાઠ સમજાવતો
ભરતીને ઓટમાં લહેર કરતો
દેવ વસુદેવ ને દેવકી કેદમાં
કૌરવો સતી તણાં ચીર ઝોંટે,
ધર્મને કર્મ બે સાથ હાકલ કરે
શામળો સેજમાં કેમ લોટે ?
લાલ ચક્રો ફરે ઘોર પરદેશના
દુઃખનો અગન-રસ વહે જ્યાંથી
ભારતી આરતી નાદ ઉચ્ચારતી
ગાંધીને હોય આરામ ક્યાંથી ?
કવિ શ્રી કાગ લખે છે કે, કુદરતનું સમગ્ર ચક્ર સ્વયં કર્મમાં રત રહીને પોતાનું હોવાપણું સાર્થક તેમજ સાબિત કરે છે. સાંઇ મકરંદ લખે છે તેમ રોજ સવારે કુદરતના હસ્તાક્ષર સાથે ‘‘સૂરજનું પત્તુ‘‘ જગતને નિયમિત મળતું રહે છે. રૂતુચક્ર સતત બદલાતું રહે છે. આપણું ધ્યાન ન હોય તો પણ વસંતના વધામણાં કરીને કોયલ તેના આગમનની છડી પોકારે છે. મેઘાડંબરનું સૌંદર્ય દર્શન અષાઢ આવતાંજ સહેજે નજરે પડે છે. સારા દિવસો તથા નબળા દિવસો પચાવીને પણ સમુદ્ર તેની પ્રક્રિયા નથી ચૂકતો કે નથી વ્યાકૂળ થતો. વાયુ પોતાની ગતિ થકી જ ધીમા સ્વરે કર્મનો સંદેશો ગણગણાવતા નિત્ય વહેતા રહે છે. કૃષ્ણ કે ગાંધીએ જ્યાં અસત્ય અન્યાય જોયા ત્યાં દોડીને જવાના કર્મના ઉજળા પાઠ તેમના જીવનકાર્યો થકીજ આપણને શીખવ્યા છે. આથી આ મહામૂલા જીવનમાં અકર્મણ્યતાને સ્થાન હોઇ શકે નહિ. શ્રી ધીરૂભાઇ ઠાકર જેવા કર્મયોગીનું જીવન ગુજરાતની આજની તથા આવતી કાલની પેઢીઓને ચરૈવતી….ચરૈવતી….નો અર્થસભર સંદેશ ચિરકાળ માટે સંભળાવતું તથા પ્રેરણા આપતું રહેશે તે નિર્વિવાદ છે.
***
Leave a comment