ફરી એક વખત નૂતન વર્ષને wel-come કરવાનો મધૂરો સમય છે. દેશના વિવિધ ભાગોમાં તો દરેકની સંસ્કૃતિ-પરંપરા કે માન્યતાઓના આધારે અલગ અલગ નવા વર્ષના દિવસો ઉજવાય છે. અલગ અલગ સમયે ઉજવાય છે. આપણી આ વૈવિધ્યતાનું પણ એક આંતરિક સૌંદર્ય છે. પરંતુ ઇસુનુ નવું વર્ષ સાર્વત્રિક રીતે વિશ્વભરમાં જાન્યુઆરીના પ્રારંભ સાથે ઉજવવામાં આવે છે. નૂતન વર્ષને વધાવવા માટે એકાદ દીપ પ્રકટાવીને અંધકાર-અજ્ઞાન-જડતા સામે સંઘર્ષ કરવાનો સંકલ્પ કરીએ. કવિ શ્રી રાજેશ વ્યાસ (મિસ્કીન) ના શબ્દોમાં આ લાગણીનું જ પ્રતિબિંબ પડે છે.
વર્ષનો પહેલો દિવસ, પ્રગટાવ દીવો.
ઝળહળી ઉઠશે વરસ, પ્રગટાવ દીવો.
આપણી દરેક પારંપારિક ઉજવણીની પાછળ એક વૈચારીક ભૂમિકા રહેલી છે. ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં થતી નાતાલની વૈશ્વિક ઉજવણી કરૂણા તથા પ્રેમના સંદેશા સાથે જીવનમાં એક નૂતન ભાવ જગાવવાની મહત્વની વાતનો સંદેશ ફેલાવે છે. આપણાં દેશમાં જેમ વૈવિધ્યતા સ્પષ્ટ રીતે જોઇ શકાય છે તે જ રીતે સામાજીક જીવનમાં અસમાનતા પણ ઊડીને આંખે વળગે તેવી છે. ગાંધી જેવા વિરલાની આંખમાં આવી સામાજિક વિષમતા જોવાની વિશેષ શક્તિ હતી. દેશના ભ્રમણ દરમિયાન બાપુએ આ સ્થિતિનો અનુભવ પણ કર્યો. તેના પરિણામે આફ્રિકાથી દેશમાં નવા-નવા આવેલા ગાંધીએ પોતાના શરીર પરનું એક ઉપવસ્ત્ર ઓછું કર્યું કે જેથી તેની જરૂરિયાતવાળી વ્યક્તિ સુધી તેનો લાભ પહોંચી શકે. એક સુખી-સંપન્ન ગુજરાતી ગૃહિણીએ થોડા વર્ષો પહેલાં અખંડ આનંદમાં લખેલા એક સંક્ષિપ્ત છતાં મહત્વના સ્વાનુભવની વાત હૈયુ હચમચાવે તેવી છે. આ સુશિક્ષિત બહેને પોતે રહેતા હતા તે ફલેટના કામ કરનારાઓનો સંવાદ સાંભળ્યો. (overheard) એ લોકો વાત કરતા હતા કે દિવાળીમાં બોનસની રકમ મળવાથી તેઓ ખીચડી બનાવીને ખાઇ શક્યા ! સામાન્ય દિવસોમાં કદાચ આ બાબત શકય નહી બનતી હોય તેની કલ્પના પણ બિહામણી લાગે છે ! આથી આ મહિનામાં જ મકરસંક્રાંતિના પર્વમાં કંઇને કંઇ આપવાની વાતનો મહિમા કરવામાં આવ્યો છે. કવિ શ્રી કાગની આ ભાવની પંક્તિઓ મેરૂભાના બુલંદ કંઠમાં ઝીલવામાં આવી છે.
સુકાણા હાડ પડોશીના બાળને મોઢે
મૂઠી ચણ નાખતો જાજે રે ….
મળ્યું હોય તો આપતો જાજે રે …
કોઇપણ ધાર્મિક-સામાજિક ઉજવણી પાછળનું આ વિચાર તત્વ મનમાં રહે તો ઉજવણીમાં સાર્થકતા અને આત્મ સંતોષ ભળી શકે છે. નૂતનવર્ષને વધાવવા દીપ પ્રગટાવવાનું તો પ્રયોજન છે જ પરંતુ જયાં સુધી આંતરીક તેજની દીવેટ સંકોરવાનો પ્રયાસ ન કરવામાં આવે ત્યાં સુધી બાહ્ય દીપમાળાઓ અર્થસભર બની શકતી નથી બાહ્ય દેખાવ આવી રોશનીથી રળિયામણો જરૂર થાય છે પરંતુ અંતરનો ઉજાસ પ્રગટતો નથી. દિલમાં દીવો કરવાની કવિ શ્રી રણછોડની વાતનું ફરી સ્મરણ થાય છે.
સાચા દિલનો દીવો જયારે થાશે.
ત્યારે અંધારુ સૌ મટી જાશે.
પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે
દિલમાં દીવો કરો રે
દિલમાં દીવો કરો.
દરેક નવા વર્ષે કેટલાંક શુભ સંકલ્પ કરવાની ઇચ્છા સામાન્ય રીતે દરેકને થાય છે. આજના જે માહોલમાં આપણે જીવીએ છીએ તેમાં મનની શાંતિ ટકાવી રાખવાનું કાર્ય ઘણાં લોકોને મુશ્કેલ લાગે છે. આથી આવી ચિત્તની શાંતિ મળી શકે તેવા ઉપાયો બતાવનાર ગુરુઓ કે આશ્રમોની ભીડમાં પણ નિત્ય વૃધ્ધિ થતી જોવા મળે છે. આ સ્થિતમાં રાહત મળે તેના સચોટ ઉપાયોની વાત દોઢસો વર્ષ પહેલાં સાક્ષરોના નગર નડિયાદમાં જન્મેલા બાલાશંકર કંથારિયાએ કરી છે. આજે આટલા વર્ષો પછી પણ કવિશ્રીની સલાહ કાળબાહ્ય (obsolete) બની નથી. માત્ર ૪૦ વર્ષનું આયુષ્ય ભોગવનાર આ કવિ જીવનની અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે પણ આપણાં સાહિત્યને પોતાના યોગદાનથી ઉજાળીને ગયા છે. જગત નિયંતાની સંપૂર્ણ વ્યવસ્થામાં આપણું અસ્તિત્વ તો કુદરતની વ્યવસ્થાનો એક નાનો અંશ માત્ર છે. આથી પરિસ્થિતિનો સ્વીકાર કરી શાંતિ તથા સંતોષનું જીવન વ્યતિત કરવાની ચાવી કવિએ સુલભ કરાવી છે.
ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે
ગણયું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે
દૂનિયાની જૂઠી વાણી વિશે જો દુખ્ખ વાસે છે.
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દે જે.
રહેજે શાંતિ-સંતોષે સદાયે નિર્મળે ચિત્તે,
દિલે જે દૂખ્ખ કેઆનંદકોઇને નહિ કહેજે.
વસે છે ક્રોધ વેરી ચિત્તમાં તેને તજી દેજે
ઘડી જાએ ભલાઇની મહાલક્ષ્મી ગણી લેજે
કચેરી માંહી કાજીનો નથી હિસાબ કોડીનો,
જગતકાજી બનીને તુ વહોરી ના પીડા લેજે
કવિરાજ થયો શી છે પછી પીડા તને કાંઇ?
નિજાનંદે હંમેશા ‘બાલ’ મસ્તીમાં મઝા લેજે.
કવિ શ્રી બાલશંકર કંથારિયાની વાત કરીએ ત્યારે તેમને અમરપદ અપાવનાર આ ગઝલની સ્મૃતિ તરત જ થાય છે. કવિશ્રીએ થોડામાં ઘણું કરીને જીવન તરફના આપણાં દ્રષ્ટિકોણને ઘડવામાં મદદરૂપ થાય તેવી સોનેરી વાતો કરી છે. રચનાનો ભાવ, શબ્દોની ગૂંથણી તથા લયબધ્ધતા તેની સુંદરતામાં વધારો કરે છે. જગત પિતાની યોજના પ્રમાણે માનવીને જે સ્થિતિ પ્રાપ્ત થઇ તે મહદ્દઅંશે ઇશ્વરદત્ત હોવાથી તેને સ્વીકારી લેવાની સલાહ કવિશ્રીએ આપી છે. આ સ્થિતિ પ્યારાને પ્યારી લાગી છે તેથી તો આપણને મળી છે. આથી પ્યારાને પ્યારી લાગેલી બાબતને અતિપ્યારી ગણી લેવી ઉચિત છે. તેનો અર્થ એવો નથી કે આપણે આપણી ફરજમાં આવતા આવશ્યક કર્મોનો ત્યાગ કરવો. પરંતુ નિષ્ઠાથી કર્મ કર્યા બાદ જે સ્થિતિ સામે આવે તેને સ્વીકારવાની-વધાવવાની કવિની સલાહ છે. શાંતિ-સંતોષ તથા નિર્મળ ચિત્તે જીવન વ્યતિત કરનારને બાહ્ય પરિબળો વિક્ષૂબ્ધ કરે તેમ બનવાનો ઓછો સંભવ છે. કાયામાં ઘર કરી ગયેલા રોગની પીડા રામકૃષ્ણ પરમહંસને માનસિક અશાંતિ પહોંચાડી શકતી નથી. આ પીડાને સહન કરતા કરતા જ મા સાથેનું તેમનું આ પવિત્ર અનુસંધાન મજબૂત થતું જાય છે. આપણાં હોવાનું અભિમાન તેમજ દુન્વયી બાબતોમાં આપણા કાજીપણાની અંકાતી ઊંચી કિંમતનું મોટું ગૌરવ કવિશ્રીને લાગે છે કે નિરર્થક છે. જગતમાં આજે તમારૂ મહત્વ હોય અને કાલે કદાચ ન પણ હોય. આથી જાત માટેનું મોટું મહત્વ કે અન્ય લોકોથી ચડિયાતા હોવાની કે દેખાવાની વૃત્તિ કદીયે ચિરંજીવ શાંતિનો અનુભવ કરાવી શકતી નથી. જે સંઘર્ષ કરવાનો છે તે બાહ્ય જગત સાથે નહિ પરંતુ આંતરિક વૃત્તિઓ સામેનો જ છે. આથી જ તે વધારે મુશ્કેલ છે. Complicated છે. ક્રોધની વૃત્તિ એ પૂર્ણત: આંતરિક બાબત છે. તેને પરહરવાનો સંઘર્ષ જગત સાથે નહિ પરંતુ જાત સાથે કરવાનો છે. નિજાનંદે હંમેશા જીવવાનો સદગુણ વિકસાવવાની વાત સાંપ્રત કાળમાં વિશેષ પ્રસ્તુત છે. જીવનમાં એક નવું વર્ષ તો ઉમેરાશે પરંતુ વર્ષમાં જીવન ઉમેરવા માટે કવિશ્રીની શીખ ઉપયોગી બને તેવી અસરકારક છે. જીંદગીની દડમજલ કાપવી તે અનિવાર્ય ક્રમ છે. તેથી તે અંગે કોઇ અંદેશો કે આવરણ રાખ્યા સિવાય મસ્તીથી જીવી જવાનો સંદેશ કવિ કવિશ્રી વેણીભાઇ પુરોહિતની વાતમાં પણ પડઘાય છે.
જિંદગીની દડમજલ થોડીઅધૂરી રાખવી
ચાલવું સાબિત કદમ થોડી સબૂરી રાખવી
જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે જાને મન !
થોડી અદાઓ ફાંકડી થોડી ફિતુરી રાખવી.
ગોસ્વામી તુલસીદાસની ચોપાઇ કે નરસિંહના ઝૂલણાં છંદમાં રચાયેલા કાવ્યો એવા સત્વપૂર્ણ સર્જનો છે કે કદી જુના કે અપ્રસ્તુત થતા નથી. આવી રચનાઓ તેની સરળતા, મધુરતા તેમજ હેતુલક્ષિતાને કારણે ચિરંજીવી બનતી હોય છે. સામાન્ય લોકોનું ખેંચાણ આવી રચનાઓ તરફ વિશેષ હોવાથી આવા સર્જનો હંમેશા ચલણી સીક્કા જેવા બની રહેતા હોય છે. ‘ મારી નાડ તમારે હાથ ’ કે ‘ મંગલ મંદિર ખોલો ’ જેવી રચનાઓ આજે પણ આકર્ષક લાગે તેવી સદાયુવાન રચનાઓ છે. કવિ શ્રી બાલાશંકરની આ રચના પણ આ જ કક્ષાની છે. આપણાં આ સમૃધ્ધ કાવ્ય વારસાને આપણી આવતી પેઢી સુધી લઇ જવાની જવાબદારી સામુહિક છે. કાવ્ય તત્વની સમજ થોડા ઘણાં અંશે પણ કેળવાશે તો કિશોરો-યુવાનો ચોકકસ નિર-ક્ષિર તારવીને પસંદગી કરશેતેવી શ્રધ્ધા અસ્થાને નથી. ઇસુના નવા વર્ષમાં કવિ શ્રી બાલાશંકર કંથારિયાની રચનાના શબ્દો આપણાં વલણમાં થોડા ઘણાં પણ ઉતારીયે તો સ્થાયી સુખ-શાંતિ અને સંતોષ મેળવવાની દિશામાં એક સાચું તથા નક્કર પગલું ભર્યું ગણાશે.
***
Leave a comment