ગાંધી જીવનની કેટકેટલી સુમધુર વાતોની રસલ્હાણ શ્રી નારાયણ દેસાઇ ગાંધીકથાના માધ્યમથી આપણાં સુધી લઇને આવ્યા છે. તે જોઇ-જાણીને આનંદ તથા અહોભાવનો ધોધ ઉછળે છે.
“ નરહરિભાઇ બાપુને કહે : બાપુ ! મારે તમારી સાથે પ્રાઇવેટ વાત કરવાની છે. ૫૦ વર્ષથી વિશેષ વય વટાવી ચૂકેલા નરહરિભાઇની વાતનો વિનોદ કરતા બાપુ કહે : નરહરિ ! તમારે આટલી ઉંમરે હજુ પ્રાઇવેટ વાત કરવાની છે ? પરંતુ નરહરિભાઇ વાત કરવા માટે મક્કમ હતા એટલે વાત આગળ ચાલી. નરહરિભાઇ કહે છે: બાબલાએ (નારાયણ દેસાઇએ) લગ્ન કરવાનો વિચાર કર્યો છે. ગાંધીજી કહે : બાબલો લગ્ન કરવા જેવડો થઇ ગયો ? પરંતુ પછી આ મહાનાયક ગાંધી તરત જ સમજયા કે જે લગ્નમાં જાતિ વ્યવસ્થાનો છેદ થતો હોય તેવા લગ્નમાં જ હાજરી આપવાના તેમના નિર્ણયમાં અપવાદ કરીને લગ્નમાં હાજરી દેવા માટેની આ વિનંતી ચાતુર્ય અને સ્નેહથી કરવામાં આવતી હતી. આ વિનંતી પાછળ દુર્ગાબેન (નારાયણભાઇના માતૃશ્રી) પણ હોય તેની બાપુને ખાતરી હતી. વિનંતી મહાદેવ-દૂર્ગાબેનના પુત્ર નારાયણના લગ્ન માટેની હતી. મહાદેવભાઇની ગેરહાજરી હતી તેમ છતાં ગાંધીના આશીર્વાદ આ લગ્નમાં મળ્યાં પરંતુ તેમની હાજરી ન મળી. વિચારપૂર્વક કરેલા સામુહિક હિત માટેના સંકલ્પને ગમે તે ભોગે વળગી રહેવાની આવી શક્તિના દર્શન પણ થવા દુર્લભ છે. શ્રી નારાયણ દેસાઇની ગાંધી કથાના માધ્યમથી આ પ્રસાદી આપણાં સુધી પહોંચી છે.
કવિશ્વર દલપતરામ તથા તેમના પુત્ર મહાકવિ નાનાલાલનું યોગદાન આપણાં સાહિત્યમાં મૂઠી ઊંચેરૂ ગણાય. આવા જ એક અસાધારણ મેઘાવી પ્રતીભા ધરાવતા પિતા-પુત્ર મહાદેવભાઇ દેસાઇ તથા નારાયણ દેસાઇને ન જાણતો હોય તેવો કોઇ ગુજરાતી વિશ્વના પડમાં મળવો મુશ્કેલ છે. જે વાતો મહાદેવભાઇએ લખી તેનાથી ગાંધી તેમજ તેમની વિચારધારા સમગ્ર વિશ્વના રંગમંચ પર પહોંચી. મહાદેવભાઇના જીવનને ગાંધીજીએ ભક્તિના અખંડ કાવ્ય તરીકે બિરદાવ્યું તે યથાર્થ છે. નારાયણ દેસાઇએ મહાદેવભાઇના જીવન વિશે ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ લખીને અદ્દભૂત પિતૃતર્પણ કર્યું છે. આવા બહુશ્રુત વિદ્વાન શ્રી નારાયણ દેસાઇને તેમની આ માસમાં આવતી જન્મજયંતિના અવસરે ( ૨૪ ડીસેમ્બર,૧૯૨૪ ) ‘શતમ્ જીવ શરદ:’ કહીને આપણે ગૌરવનો ભાવ અનુભવવાની વેળા છે. કેટલીક વાતો જે જાણવાની તાલાવેલી ઘણા લોકોને હોય તેવી ગાંધી જીવન કે વિચારની વાત શ્રી નારાયણ દેસાઇ પાસેથી સાંભળવી તે અનોખો લહાવો છે. ગાંધીજીને સૌથી પહેલાં મહાત્મા કોણે કહ્યાં ? નારાયણભાઇ ગાંધી કથામાં તે વાત કરે છે. તેઓ કહે છે કે બાપુને સૌથી પહેલા મહાત્મા કહેનારા જેતપુરના એક ભાઇ હતા. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે તેમણે ગાંધીજીને પત્ર લખ્યો તેમાં મહાત્મા તરીકે સંબોધન કર્યું. ત્યારબાદ પ્રસિધ્ધ વ્યક્તિઓમાં ગોંડલના મહારાજા ભગવતસિંહજી તથા ગુરુદેવ ટાગોરનો સમાવેશ થાય છે. આવી તો ગાંધી વિશેની કેટલીયે વાતોનો ધોધ નારાયણ દેસાઇની ગાંધી કથામાં વહે છે અને શ્રોતાઓને ભીંજવે છે. વાત મૂકવાની સુંદર ઢબ તથા જે વિધાન કરે તેમાં સંપૂર્ણ તટસ્થતાનો ભાવ તે શ્રી નારાયણ દેસાઇની શૈલીના સહજ અંગો છે. શ્રી કનુભાઇ જાની કહે છે તેમ આવી કોઇ કથા નહી હોય જેમાં કથાનું એક પાત્ર કથાની બહાર નીકળીને કથા માંડતું હોય ! આવી અશક્ય લાગતી બાબત અહીં શક્ય બની છે.
શ્રી મહાદેવભાઇ દેસાઇની સાહિત્ય સેવા પણ એમના જીવનનું એક ઉજવળ પાસુ છે. ગુરુદેવ ટાગોરને આપણી ભાષામાં લઇ આવવાનું યશકાર્ય મેઘાણીભાઇ સહિતના અનેક દિગ્ગજ સાહિત્યકારોએ કર્યું છે. શ્રી મહાદેવ દેસાઇએ પણ ગુરુદેવની કેટલીક પ્રસાદી પૂરી ક્ષમતાથી ગુજરાતીમાં આપણા માટે ઉતારી છે. ગુરુદેવની આભ-ઊંચી સર્જનશક્તિ તથા મહાદેવ દેસાઇની આવા ગંગા અવતરણને ઝીલવાની અનોખી શક્તિનું તેમાં દર્શન થાય છે. માનવી અને તેના જીવનની અનેક મર્યાદાઓ છે. મર્યાદા પુરુષોત્તમ તો કેવળ ઇશ્વર જ હોઇ શકે. પરંતુ માનવી આવી જીવન સહજ નબળાઇઓથી વાકેફ હોય તો ઊગારવાનો આર્તનાદ તો પરમ તત્વ સમક્ષ જ કરવો રહ્યો-શ્રધ્ધાના ભાવ સાથે.
જીવન જળ સૂકાઇ જાય
કરૂણા વર્ષન્તા આવો !
માધુરી માત્ર છુપાઇ જાય
ગીત સુધા ઝરન્તા આવો !
કર્મના જયારે કાળાં વાદળ
ગરજી ગગડી ઢાંકે સહુ સ્થળ
હ્રદય આંગણે હે નીરવ-નાથ,
પ્રશાન્ત પગલે આવો !
મોટું મન જયારે નાનું થઇ
ખૂણે ભરાયે તાળું દઇ.
તાળું તોડી, હે ઉદાર નાથ !
વાજન્તા ગાજન્તા આવો !
કામ, ક્રોધના આકરા તૂફાન
આંધળા કરી ભૂલાવે ભાન,
હે સદા જાગન્ત ! પાપ ધુવન્ત !
વીજળી ચમકન્તા આવો !
જીવનમાં કસોટીની આકરી ક્ષણો ડગલે ને પગલે સામી આવે છે તેમાં ઊગરવાની કે તેને પાર કરી જવાની અંતર ઇચ્છા તો છે. પરંતુ ઉદાર નાથની ઉદારતા તેમજ કરૂણા સિવાય તેમાંથી ઉગરવાનો માર્ગ નથી. આથી પરમતત્વ પાસે ભક્તની આજીજી છે. હ્રદયની નિર્મળતા છે તેથી તેની પરિપૂર્તિની અખંડ શ્રધ્ધા પણ છે. અનેક પ્રસંગે ખબર નહીં કેમ પણ માનવીમાં સંકુચિતતાની લાગણી પ્રગટે છે. જીવનની ગતિ છે પણ દિશા અવળી છે. આવા ખૂણે ભરાયેલા અચેતન મનને કલ્યાણના માર્ગે લઇ જવા તથા તેની અશુભ ગ્રંથિઓને નામશેષ કરવા ભક્તને માત્ર પરમતત્વનો જ સહારો રહે છે. જીવનની આ મર્યાદાઓને હરિકૃપા સિવાય કેવી રીતે ખાળી શકાય ? માટે પ્રાર્થના છે, વિનવણી છે. નરસિંહ રાવ દીવેટીઆના શબ્દોમાં પણ આ વાતનો જ પ્રતિધ્વની સંભળાય છે.
આજ થકી રહ્યો ગર્વમાં હું ને
માંગી મદદ ન લગાર,
આપ બળે માર્ગ જોઇને ચાલવા
હામ ભરી મૂઢ બાળ
હવે માગું તુજ આધાર.
સમર્પણ તથા શરણાગતીના સૂર આ ભાવમાં રેલાયા છે. તોફાનો છે પરંતુ આ તોફાનોને નિયંત્રણમાં લેવા માટે યત્ન કરવા સાથે જ પરમતત્વના આશિર્વાદની પણ એટલી જ જરૂર પડે છે. આ નિત્ય તથા અવિરત ચાલતી પ્રક્રિયા છે. કલ્યાણના માર્ગે જવામાં આવી વૃત્તિઓ અવરોધરૂપ બને છે. આવી ભીડ ભાંગવા માટે નહી પરંતુ આવી ભીડમાં પણ સ્વસ્થતા જાળવવા માટે શક્તિ પ્રદાન કરવાની માગણી છે. કવિગુરુની લાગણીના આવા શબ્દો જુગતરામ દવે એ આપણી ભાષામાં સુપેરે ઉતાર્યા છે.
ભીડું મારી ભાંગો એવી કંઇ
કે હુ તો જાચના જાચું નહિ !
આપો તો આટલું આપો રે,
કદી હું ભીડથી બીઉં નહિ !
જીવનની સરવાણી જયારે ક્ષિણ થાય ત્યારે પણ અમૃત-ઝરણાં રેલાવવાની આજીજી સહ માંગણી જગત નિયન્તા સમક્ષ જ હોઇ શકે. ભકતના દિલમાં રમતી ‘‘ નિર્બલ કે બલરામ ’’ ની પ્રતિતિ અસ્થાને નથી. મહાદેવભાઇનું જીવન તથા તેમનું ઉજળું કર્તવ્ય પ્રેરણાની સદા જાગૃત જવલંત દીવાદાંડી સમાન છે. અગ્નિકુંડમાં ઊગેલા આ ગુલાબની સૌરભ શાશ્વત છે.
***

Leave a comment