કથા પરંપરા આપણી સંસ્કૃતિમાં નવી કે અજાણી બાબત નથી. અનેક કાળથી કથા-વાર્તાનો અવિરત પ્રવાહ અનેક સ્ત્રોતથી રેલાયો છે અને જનસમૂહમાં સુપેરે ઝીલાયો છે. કથન શૈલીની સાથે તેની અલગ અલગ વિશિષ્ટતાઓ પણ જોડાયેલી છે. નજીકના ભૂતકાળમાં પૂ. ડોંગરેજી મહારાજની કથામાં કેન્દ્ર સ્થાને રહેલા ભક્તિના ભાવે અનેક શ્રોતાઓને ભીંજવ્યા છે. વર્તમાન કાળમાં સુપ્રસિધ્ધ રામાયણી પૂ. મોરારીબાપુ તથા પૂ. રમેશભાઇ ઓઝા પણ કથાઓના માધ્યમથી સંસ્કારની સરવાણી દેશ-વિદેશમાં અનેક સ્થળોએ કૂશળતાપૂર્વક રેલાવી રહેલા છે. આ બધા માહોલમાં શ્રી નારાયણ દેસાઇએ શરૂ કરેલો ગાંધી કથાનો innovative પ્રયોગ વિશાળ લોકસમૂહે ખૂબ આદરભાવથી વધાવ્યો છે તેમ કહી શકાય. પરંપરાગત કથાઓના પાત્રો શ્રી ધીરૂભાઇ ઠાકર કહે છે તેમ દિવ્ય તથા કલ્પિત હોય છે. જયારે ગાંધીકથાના પાત્રો વાસ્તવિક તથા પરિચિત લાગે છે. શ્રી નારાયણ દેસાઇ માટે આ વાસ્તવિક જીવનના અનેક પ્રસંગોની સ્મરણયાત્રા છે. જેમાના કેટલાંક પ્રસંગો તેમણે સ્વયં જોયા-અનુભવેલા કે સાંભળેલા છે. શ્રી નારાયણભાઇની વિદ્વતા તથા શૈલિના સુભગ સમન્વયથી શ્રોતાઓ તેમાં અનાયસે જ ખેંચાય છે. આ માસમાં આવતી નારાયણભાઇની જન્મજયંતિના શુભ પ્રસંગે તેમને જીવેમ શત: શરદમ્ કહેવાની તક મળે છે ત્યારે અપાર આનંદ તેમજ ગૌરવની અનુભૂતિ થાય છે. ગાંધીકથામાં અનેક ભાતીગળ પ્રસંગો સાથે સાથે પ્રસંગને અનુરૂપ તેવા ગીત કે ધૂનની પણ રમઝટ બોલતી રહે છે.
અમે મિથ્યા વચન કદી બોલશું ના
અમે વાણીમાં ઝેર કદી ઘોળશું ના
અમે જીવનને વેડફી નાખશું ના
અમે ખોટું વર્તન કદી સાંખશું ના
અમે મિથ્યા વચન કદી બોલશું ના
શ્રી નારાયણ દેસાઇની ગાંધીકથા બાબતમાં સુપ્રસિધ્ધ સાક્ષર શ્રી કનુભાઇ જાની સુંદર વાત કરે છે. તેઓ કહે છે કે એવી કોઇ કથા નહિ હોય કે જેમાં તેનું એક પાત્ર કથાની બહાર નીકળીને કથા માંડતું હોય ! આથી આ દ્રષ્ટિએ પણ આ અજોડ કથા પ્રયોગ છે. નારાયણ દેસાઇની આ વાતો કહેવાની અધિકૃતતા આ કથાનું એક મહત્વનું પરિમાણ છે.
ફળ પરથી વૃક્ષની સમૃધ્ધિનો અણસાર આવે તેમ નારાયણ દેસાઇના જીવનને તથા તેમની અવિરત કર્મશિલતાને જોઇને શ્રી મહાદેવભાઇ દેસાઇની જીવનભરની તપશ્ચર્યા સહેજે યાદ આવે છે. મહાદેવ દેસાઇની ચિરવિદાયને યાદ કરીને ગાંધીજી મહાદેવના મરણને યોગી તથા દેશભક્તના મરણ તરીકે ઓળખાવે છે. મહાદેવભાઇના મરણના સંદર્ભમાં એક ભાવપૂર્ણ વાત પ્રસિધ્ધ છે. સુશીલા નાયર ગાંધીજીને કહે છે : બાપુ, મહાદેવભાઇ ગયા તે ક્ષણે આપ થોડા વિહ્વળ થઇ ગયા હતા. કારણ કે આપ ‘‘ મહાદેવ, ઊઠો મહાદેવ ’’ તેમ બોલતા હતા. યુગપુરુષ બાપુ કહે છે તેમાં વિહ્વળતા ન હતી પણ એક શ્રધ્ધા હતી. પછી ઉમેરે છે : ‘‘ મને હતું કે જો મહાદેવ એકવાર આંખ ઉઘાડીને મારી તરફ જોશે તો હું એમને કહીશ કે ઊભા થઇ જાઓ. મારી આજ્ઞા મહાદેવ ઉથાપે નહિ આથી મને શ્રધ્ધા હતી કે જો એ શબ્દો મહાદેવના કાને પડે તો એ મોતનો સામનો કરીને ઊભા થઇ ગયા હોત. ’’ આવી તો અનેક ભાવપૂર્ણ તથા પ્રેરણાદાયક વાતો લખીને નારાયણભાઇએ ખરા અર્થમાં પિતૃતર્પણ કર્યું છે. ‘‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’’ ચિરંજીવ રહેવા લખાયેલું સર્જન છે.
શ્રી નારાયણ દેસાઇએ ગાંધીકથાના માધ્યમથી ગાંધી વિચારના ગુલાલની મૂક્તપણે લહાણી કરી છે. તેમના સાહિત્ય સર્જન સહિતના અનેક સુકૃત્યો પૈકી આ ગાંધીકથાનું આ કામ સુવર્ણ કળશ સમાન છે. સમાજ તેમનો ઋણી છે. ગાંધી જીવનના અનેક પ્રસંગોની તેમાં માણવી ગમે તેવી રસલ્હાણ છે. સમાજમાં ગાંધી વિચારની ઉજ્વળ જયોત પ્રગટાવવા તેમજ ટકાવવા માટેનો આ યશ અલેખે જાય તેવો નથી. આ લહાણીની ઉજાણી દેશ-વિદેશના અનેક લોકો વચ્ચે અનેક સ્થળોએ કરવામાં આવી છે.
માંડી મેં તો મનના ઉમંગ કેરી લહાણી રે …
આવો જેને કરવી હોય ઉજાણી રે.. માંડી ….
જીવતર કાંટા ઝાઝેરા વીણીને
હૈયામાં દીધાં ડૂબાડી રે ….
એ રે કાંટાનું આજ મધ બન્યું મીઠું
ફુલડે સુગંધ ઉડાડી રે ..
માંડી મેં તો મનના ઉમંગ કેરી લહાણી રે …
નિત્ય વિકાસશીલ એવા મહામાનવની આ કથા તથા તેમાં નારાયણ દેસાઇની શૈલિ એ સોનામાં સુગંધ ભળ્યા બરાબર છે. નારાયણભાઇ ખૂબ નિખાલસતાથી તેમજ પૂરા ભાવથી ગાંધીજીની તેમના મન પર જે છાપ પડી છે તે વાતો મુક્ત કંઠે કથામાં કરે છે. જેવા ગાંધી તેમણે જોયા તેવા જ ગાંધીની મૂર્તિ આપણી સમક્ષ મૂકે છે. તેમની વાતોમાંથી-પ્રસંગોમાંથી પૂર્ણ ગાંધીનું એક રૂપ આપણી સમક્ષ ઊભરીને આવે છે. ગુલામી કે ગરીબી સામે લડનાર ગાંધી તો ખરા જ પરંતુ સમગ્રતયા ગાંધીનો જીવન તરફનો સર્વાંગિક દ્રષ્ટિકોણ આપણે જોઇ શકીએ છીએ તે આ કથાની ખાસીયત છે. કસ્તુરબા સાથેના લગ્ન પછી ગાંધીજીનો આગ્રહ કે દરેક નાની-મોટી બાબતમાં કસ્તુરબાએ ગાંધીજીને પૂછીને જ આગળ વધવું. એક authority નો પુરુષ સહજ ભાવ આ બાબતમાં જોઇ શકાય. પરંતુ સામે કસ્તુરબાનું વલણ કેવું ! ગાંધીજીને પૂછીને દરેક સ્થળે જવાનું કે દરેક કામ કરવાનું કબૂલ પરંતુ મંદિરમાં જવા માટે પૂછવાની જરૂર ન હોય. કારણ ? મંદિરમાં શ્રધ્ધાના સ્થાને જેની બેઠક છે તે તો મોટી authority છે. આથી મંદિર જવાની બાબતમાં ગાંધીજીની સંમતિ નહિ લેવાની. નિર્ણય કસ્તુરબાનો તથા તેનો અમલ પણ પૂરા વિવેક છતાં પૂરી નિર્ભયતા અને સ્પષ્ટતાની સાથે. સવિનય કાનૂન ભંગનો પાઠ કદાચ બાના આવા વલણથી બાપુને શીખવા મળ્યો હશે.
શ્રી નારાયણ દેસાઇની જન્મજયંતિના આ માસમાં ઇશ્વરને પ્રાર્થના કરીએ કે તેમની મારફત ગાંધી-જીવનની અનેક વાતો વણથંભી આવતી રહે તથા તેની સૌરભ ખૂણે ખૂણે પ્રસરે. આ વાતો-પ્રસંગો કહેવાના યક્ષકાર્યને વધાવવાની સાથે સાથે આપણાંમાં પણ યથાશક્તિ ગાંધીમાર્ગે ડગ ભરવાની શક્તિનું નિર્માણ થાય તો આ કથા કહેનારનો પાવક પરિશ્રમ સર્વાંગે સાર્થક બની શકે. જાગૃતિપૂર્વકની આવી ખેવનાનો અંતરદિપ પ્રગટાવવાનું કામ તો સૌએ વ્યક્તિગત રીતે જ કરવું પડે.
તેજ – તણખો
બે માનવીને જાતિના ભેદના કારણે અલગ તારવવાની સંકુચિત મનોવૃત્તિને મૂળમાંથી નાબૂદ કરવા ગાંધીજી જીવનભર ઝઝૂમ્યા હતા. ગાંધીકથામાં શ્રી નારાયણ દેસાઇ કહે છે તેમ ગાંધીજી જીવનના છેલ્લા દસકામાં જ્ઞાતિ વિચ્છેદને અનુરૂપ હોય તો જ તેવા લગ્નમાં હાજરી આપતા. નારાયણ ભાઇ કહે છે : ‘‘ બાપુ કહેતા કે બે પાત્રોમાંથી એક સવર્ણ હોય તથા એક બાપુના શબ્દોમાં કહું તો હરિજન હોય તો જ બાપુ લગ્નમાં હાજરી આપે. ’’ સમાજ માટે કલંકરૂપ એવી જાતિ વ્યવસ્થાનો છેદ કરવા માટે ગાંધીનો આ સંકલ્પ હતો. હવે પ્રશ્ન આવ્યો નારાયણ દેસાઇના લગ્નમાં બાપુની હાજરીનો ! મહાદેવભાઇ તો ચિરનિદ્રામાં તે સમયે પોઢી ગયેલા. આથી નરહરિભાઇએ બાપુ સાથે વાત ચલાવી. કાન દઇને સાંભળવા-માણવા જેવી આ વાત છે.
નરહરિભાઇ કહે : ‘‘ બાપુ મારે તમારી સાથે પ્રાઇવેટ વાત કરવાની છે. ’’ બાપુએ વિનોદ કર્યો : ‘‘ નરહરિ, તમારે આટલી ઉંમરે પ્રાઇવેટ વાત કરવાની છે ? ’’ નરહરિભાઇએ તમામ કૂશળતા એકઠી કરી વાત માંડી : બાબલાએ (નારાયણ દેસાઇએ) લગ્ન કરવાનો વિચાર કર્યો છે. બાપુ કહે : બાબલો લગ્ન કરવા જેવડો થઇ ગયો ? હવે આ ચતુર સુજાણ યુગપુરૂષ સમજી ગયા કે દુર્ગાબેન (નારાયણભાઇના બા) તથા નરહરિભાઇની ઇચ્છા બાપુ લગ્નમાં હાજરી આપે તેવી હતી જે સ્વાભાવિક પણ હતું. પણ બાપુની જાતિ વિચ્છેદ થતો હોય તેવા લગ્નમાં જ હાજરી આપવાના સંકલ્પનું શું થાય ? આ લગ્ન તો બાપુના ધોરણ અનુસારનું ન હતું. પછી સદીના શ્રેષ્ઠ પુરુષ મેઘ-ગંભીર કંઠે ઐતિહાસિક જવાબ નરહરિભાઇને આપે છે : ‘‘ બાબલો તો આપણો દીકરો કહેવાય. દીકરો છે તેથી તેના માટે તો મારા સંકલ્પમાં અપવાદ ન થઇ શકે. દુર્ગાને કહેજો કે બાબલાને મારા આશીર્વાદ મળશે, મારી હાજરી નહિ.’’ સંકલ્પની આ તેજપુંજ સમાન અભિવ્યક્તિ ભિષ્મ પ્રતિજ્ઞાની હરોળમાં ઊભી રહે તેવી છે.
***
Leave a comment