કાકા સાહેબ ખરેખર નસીના બળિયા હશે ! ગાંધીજીના સહવાસ તથા તેમની સેવાનો લાભ બ્રિટીશ સરકારે તેમને સામે ચાલીને આપ્યો. ૧૯૩૦ માં દાંડીકૂચ કરીને ગાંધીજીએ બ્રિટીશ સામ્રાજયના પાયામાં લૂણો લગાડવાનું ઐતિહાસિક કામ કર્યું તે ઘટના ખૂબ જાણીતી છે. દાંડીકૂચ દરમિયાન ગાંધીજીની ઘરપકડ થશે તેવી વ્યાપક માન્યતા હતી. સરકારે સરદાર સાહેબની ઘરપકડ કરી પરંતુ બાપુની ઘરપકડ કૂચ પૂરી થયા બાદ ઘણાં દિવસો પછી કરી. ઘરપકડ કર્યા બાદ ગાંધીજીને યરવડા (મહારાષ્ટ્ર) જેલમાં લઇ જવાબમાં આવ્યા. આ વખતે ગાંધીજીના જેલવાસ દરમિયાન તેમની સાથે રાખવા માટે સરકારે કાકાસાહેબ કાલેલકરની પસંદગી કરી. કાકા સાહેબ તે સમયે સાબરમતી જેલમાં હતાં. તેમને ત્યાંથી ખસેડીને યરવડા લઇ જવામાં આવ્યાં. યરવડા જેલમાં બાપુની પાસે જયારે કાકા સાહેબને લઇ જવામાં આવ્યા ત્યારે બાપુને જોતા જ કાકા સાહેબ હર્ષથી ભાવુક થયા પરંતુ પ્રયત્નપૂર્વક પોતાની જાતને સંભાળી લીધી. તેમનું યરવડાનું જેલ જીવન બાપુની હાજરીથી પ્રસન્નતાથી ચાલવા લાગ્યું. એવામાં એક દિવસ બાપુએ કાકાને આશ્ચર્ય તથા આઘાત બન્નેની અનુભૂતિ કરાવી (ગાંધીજી કાકા સાહેબને કાકા કહેતા. પત્રોમાં પણ ચિં.કાકા લખતા) ગાંધીજીએ કાકાસાહેબને કહ્યું કે તેમણે (ગાંધીજીએ) જેલનાપોતાના દિવસભરના કામોનો હિસાબ કર્યો છે. પછી કાકા સાહેબને કહે કે તેમની પાસે ત્રિસેક મીનીટનો સમય બચે છે. કાકા સાહેબને હાથે લખવાની ટેવ ઓછી એટલે તેઓ જુગતરામભાઇ કે સ્વામી આનંદ પાસે તેમના લખાણો લખાવતા તે ગાંધીજી જાણતા હતા. આથી ગાંધીજી કહે કે આ બચે છે તે મારા અડધા કલાકનો સમય તમને આપું ! તમે લખાવોને હું લખું ! કાકા સાહેબ લખે છે કે ગાંધીજીની આ ઉદાર ઓફર સાંભળીને તેઓ ભાવ-વિભોર થયા. માંડ માંડ શબ્દો એકઠા કરીને તેમણે આ યુગપુરુષને કહયું કે, ‘‘ ભગવાને મને બહુ બુધ્ધિ આપી નથી તે ખરૂં પરંતુ હું એટલો બાઘો પણ નથી કે તમને લખાવવા તૈયાર થઇ જાઉં. ’’ અલગ અલગ પ્રાંતમાં જન્મેલા આ બે મહાન આત્માઓ લાગણીના તાંતણે કેવા મજબૂત રીતે બંધાયા હશે! આવા દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનું પાવન સ્મરણ માર્ગશિર્શની આ શિતલહરમાં પણ ઉષ્મા આપીને જાય છે. આ માસમાં તેમની જન્મજયંતિ આવે છે. (૦૧-૧૨-૧૯૮૫ થી ૨૧-૦૮-૧૯૮૧ ) તેથી આ મહામાનવના ઉજળા જીવનના અનેક પ્રસંગો પ્રેરણાનો ધોધ વહાવે તેવા છે તેની સ્મૃતિ થઇ આવે છે. કાકા સાહેબ ગાંધીયુગની આકાશગંગાના એક તેજસ્વી સીતારા હતા. તેમણે ગાંધીજીનું આ સ્નેહાળ સ્વરૂપ પણ જોયું અને કાળ સામે બાથ ભીડનાર અડિખમ યોધ્ધાનું રૂપ પણ જોયું. ગાંધી નામના આ ‘‘ દૂબળાની દોટે ’’ સત્તાના કેફમાં મદમસ્ત બનેલા ધીંગા હાથી પણ ધ્રુજવા લાગ્યા તેવી કવિ શ્રી કાગની ઉપમા યથાર્થ છે.
કાંઇ સૂઝે નહિ કોઇને એવો
ધુમ્મસે ગોટા ગોટ,
ધીંગડા હાથી ધ્રુજવા લાગ્યા ત્યાં
દૂબળે દીધી દોટ ….
માતાજીની નોબતું વાગે છે
આ જ સૂતા સૌ માનવી જાગે છે.
કાકાસાહેબ કાલેલકરના વિપુલ ગદ્યરાશિને એક ગ્રંથાવલિ સ્વરૂપે સમાજ સમક્ષ રજૂ કરવાનું ઉત્તમ કાર્ય કાકાસાહેબની જન્મશતાબ્દી ૧૮૮૫ના વર્ષમાં થયું તે આપણા સામુહિક સદ્દભાગ્યનો વિશેષ છે. ચિંતક-સંપાદક તથા મોટા ગજાના કવિ શ્રી ઉમાશંકર જોશીના અધ્યક્ષસ્થાને ગ્રંથાવલિ પ્રકાશન સમિતિની રચના કરવામાં આવી હતી. તેના સંપાદન કાર્યમાં કવિ ઉમાશંકર ઉપરાંત કવિ શ્રી સુંદરમ્ તેમજ સતીશ કાલેલકર તથા આચાર્ય યશવંત શુકલ જેવા બહુશ્રુત વિદ્વાનોએ પોતાનો અમૂલ્ય સહયોગ આપ્યો હતો. જીવનના કલ્યાણમય તત્વોમાં જેમની અખંડ શ્રધ્ધા હતી તેવા કાકાસાહેબનું ગદ્ય આપણી ભાષાના ઉત્તમ આભૂષણ સમાન છે. કુદરનું પુસ્તક વાંચીને લખનાર આ મનિષી પોતાના લખાણો અંગે લખે છે :
‘‘ કોઇ વગાડે તે ઢબે વાગે, નાદ ઘંટનો પોતાનો, રણકો પણ એનો પોતાનો જ. પરંતુ મૂહૂર્ત અને પ્રયોજન સ્વાયત્ત નહિ પણ દૈવાયત્ત. ’’ કાકાસાહેબના લખાણોની વિવિધતા, પ્રવાહિતા કોઇ પણ કાળમાં જન સામાન્યને પણ આકર્ષે તેવી છે. કવિ શ્રી ઉમાશંકરે લખ્યું છે તેમ કાકાસાહેબનું ગદ્ય અનેકવાર કાવ્યની કોટિએ પહોંચે છે. વર્ષોપહેલાં છેક ૧૯૩૧ માં બ.ક.ઠાકોરે દસ શ્રેષ્ઠ ગુજરાતી ગદ્યકારોની યાદીમાં કાકા કાલેલકરનો ઉલ્લેખ કરેલો છે. આમ છતાં આ વિવેક પુરુષ હંમેશા કહેતા કે જીવનના ભાગરૂપે સહજપણે લખવાનું આવે તો જ તેઓ લખે છે. સાહિત્યકાર થવા માટે નહિ. આપણાં મધ્યયુગના સંતોની વાણી પણ આમ સહજ રીતેજ ઉમટેલી છે. કાકાસાહેબના લખાણોમાં પણ આજ સહજ પ્રાગટ્યનું લક્ષણ લક્ષણ જોવા મળે છે.
થોડા દિવસો પછીજ ૨૦૧૫ નું વર્ષ શરૂ થશે. ગાંધીજીએ ૧૦૦ વર્ષ પહેલાં ૧૯૧૫ માં અમદાવાદમાં કોચરબ આશ્રમનો ઐતિહાસિક પ્રારંભ કર્યો. યુવાન દત્તાત્રેય કવિગુરુના શાંતિનિકેતનને છોડીને કોઇ અપૂર્વ આકર્ષણથી અમદાવાદ આવ્યા અને ગાંધીના થઇને જીવ્યા. રવીન્દ્રનાથના ‘દત્તુબાબુ’ ફરી શાંતિનિકેતન ગયા નહિ. સાગરને મળ્યા પછી નદીનું અલગ અસ્તિત્વ કયાં રહેવા પામે છે ! ગાંધીજીના દરેક કાર્યો આ અધ્યાપકે કર્યા એટલુંજ નહિ પરંતુ હાથમાં લીધેલાં તમામ કાર્યો ઉજાળ્યા !
કાકાસાહેબના લલિત નિબંધો જ્યારે પણ કોઇ વાંચે ત્યારે તે તરોતાજા લાગે છે. લલિત નિબંધો કાકાસાહેબના લખાણોમાં સોળે કળાએ ખીલી ઊઠ્યાછે એવું શ્રી ચિમનલાલ ત્રિવેદીનું તારણ સંપૂર્ણ રીતે યથાર્થ છે. પ્રવાસ પુસ્તકોમાં પણ હિમાલયનો પ્રવાસ આપણાં કિશોરો-તરુણોએ વાંચીને માણવા યોગ્ય છે. રખડવાના આનંદને કાકાએ દેવદર્શનના આનંદ તુલ્યજ ગણાવ્યો છે. નદી, તળાવો, ખેતરો તથા ડુંગરો જોઇને પ્રસન્નતાનો ભાવ અનુભવી શકનાર આ બહુશ્રુત વિદ્વાન આપણાં સાહિત્યને રળિયાત કરતા ગયા છે. બે ત્રણ રાત જો આકાશમાં વાદળાને કારણે તારા ન દેખાય તો આ પ્રકૃતિ પ્રેમીને જીવન અડવું અને અલૂણું લાગતું હતું. સૂર્યના સ્વરૂપે પ્રગટ થતાં સનાતન સત્વને નમસ્કાર કરતા લોકોની શ્રધ્ધા તત્વજ્ઞાનથી નહિ પરંતુ પરંપરાથી ઘડાયેલી હોવાનું અનુભવીને લોકસમૂહનો તે ભાવ તેઓ પ્રસન્નતાથી ઝીલતા હતા. કુદરતની નાની બાબતોનું સૌંદર્ય તેમણે નીરખ્યું તેમજ અનુભવ્યું. આ અનુભૂતિનો ખજાનો જ તેમના ઉમદા લખાણોમાં છલકાયો. અપરિગ્રહી કાકાના જીવનનો નિર્દોષ આનંદ આપણાં આજના જીવનમાં પણ મેઘધનુષી રંગો ભરી શકે તેવો જીવંત તથા સમૃધ્ધ છે. જરૂર છે માત્ર આપણી તે તરફની દ્રષ્ટિ કેળવવાની. સવાઇ ગુજરાતી કાકાસાહેબનું ગદ્ય અમર રહેવા સર્જાયેલું છે.
તેજ – તણખો
બાપુ તથા કવિગુરુના મેળાપનું મનોહર શબ્દ ચિત્ર કાકાસાહેબે દોરેલું છે. બાપુ રવિબાબુને મળવા માટે શાંતિનિકેતનમાં ગયા. બાપુ કવિવરના દીવાનાખાનામાં ગયા ત્યારે તેઓ એક મોટા કોચ પર બેઠા હતા. ગાંધીજીને જોઇને કવિગુરુ આદરપૂર્વક ઊભા થઇ ગયા. રવિબાબુની ઊંચી ભવ્ય મૂર્તિ, સફેદ વાળ, લાંબી દાઢી અને ભવ્યતામાં વધારો કરે તેવો પહેરવેશ. તેની સામે ગાંધીજી ટૂંકું ધોતિયું, પહેરણ તથા કાશ્મીરી ટોપી પહેરીને રવિબાબુ સમક્ષ ઊભા રહ્યા ત્યારે સિંહ સામે જાણે ઉંદર ઊભો હોય તેવું લાગ્યું. આ બન્ને મહાનુભાવો વચ્ચે એક દિવસ ખોરાક વિશે ચર્ચા થઇ. પૂરી વિશે વાત કરતા ગાંધીજીએ જણાવ્યું કે ઘી કે તેલમાં તળીને પૂરી બનાવો તો અનાજનું ઝેર બની જાય છે. ગુરુદેવે ગંભીરતાથી જવાબ આપ્યો. એ બહુ ધીમું ઝેર હોવું જોઇએ ! હું વર્ષોથી પૂરી ખાતો આવ્યો છું. પરંતુ તેથી મને કશું નુકશાન થયું નથી. !
(વી. એસ. ગઢવી)
ગાંધીનગર.
Leave a comment