: સંતવાણી સમીપે : હરિ ભજવા હેત કરીને રે, જગજીવન સમરથ જાણી રે :

થોડા વર્ષો પહેલા ડુમ્મસ (સુરત નજીકમાં) ખાતે સ્વામીનારાયણ સંપ્રદાય – BAPS – ના વડા પ્રમુખ સ્વામી મહારાજને મળવાનું થયું. સુરત તેમજ દક્ષિણ ગુજરાત વિસ્તારના કેટલાક પ્રશ્નો – સમસ્યાઓની ચર્ચા કરવાની તથા સ્વામીના વિચારો જાણવાની તે એક તક હતી. તે સમયે પ્રમુખ સ્વામીએ કહ્યું કે અલગ અલગ ટેલીવીઝન ચેનલોથી જે કાર્યક્રમો રજૂ થાય છે તે જોવામાં સ્વાભાવિક રીતેજ બાળકો તથા કિશોરોને રસ પડે છે. પરંતુ તેના કારણે બાળકોનું બહાર રમવાનું – ફરવાનું ખૂબ ઓછું થયું છે. આવા કાર્યક્રમો પૈકી કેટલાક કાર્યક્રમો બાળકો માટે સુયોગ્ય તથા સંસ્કારપ્રદ પણ નથી હોતા તેની ચિંતા પણ તેમણે વાતવાતમાં સહજ રીતે વ્યક્ત કરી. પ્રમુખ સ્વામી જેવા અનેક સંતોએ વ્યવહારિક જગતનો ત્યાગ કર્યા પછી પણ સ્વસ્થ સમાજ માટે ચિંતા સેવી છે તે જોઇને આપણી સમગ્ર સંત પરંપરા માટે આદરની લાગણી થાય છે. પ્રાચીન દૂહો છે. 

સરુવર, તરુવર સંતજન, ચોથા વરસે મેહ,

પરમારથ કે કારણે, ચારે ધરીયા દેહ.

આ ઉજળી પરંપરાનાજ એક સંત કવિ સદગુરુ શ્રી દેવાનંદ સ્વામી હતા. સુરીલો અવાજ, સંગીતનું વિશદ્ જ્ઞાન કાવ્યતત્વની પૂરી સમજ તથા એકનિષ્ઠ હરિભક્તિના ચારેય ગુણ દેવાનંદ સ્વામીના લોહીમાં વણાયેલા હતા. દેવાનંદ સ્વામીને કાવ્યદિક્ષા સમર્થ ગુરુ બ્રહ્માનંદ સ્વામી પાસેથી મળી હતી. દેવાનંદ સ્વામી ગુજરાતી ભાષાના આભૂષણ સમાન કવિ દલપતરામના કાવ્ય ગુરુ હતા. કવિ શ્રી દલપતરામના મત પ્રમાણે બ્રહ્માનંદ સ્વામી સ્વામીનારાયણ સંપ્રદાયના સૂર્ય સમાન કવિ હતા. કવિ શ્રી દલપતરામે મુક્તાનંદ સ્વામી તથા પ્રેમાનંદ સ્વામીને ચંદ્ર સમાન પ્રકાશિત ગણાવ્યા હતા. દેવાનંદ સ્વામીનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના બળોલ ગામે સંસ્કારી ચારણ પરિવારમાં સવંત ૧૮૫૯ માં (ઇ.સ.૧૮૦૨) થયો હતો. બળોલ ગામ ભાલ પ્રદેશમાં આવેલું છે. બાળપણથીજ દેવાનંદ સ્વામીના સાંસ્કારિક તથા આધ્યાત્મિક વલણની પ્રતિતિ કુટુંબના સૌ સભ્યોને થઇ હતી. સ્વામીનારાયણ ભગવાને તેમની બળોલની મુલાકાત વખતે સંસારી દેવીદાનને ભાવથી અપનાવી દેવાનંદ સ્વામી બનાવ્યા તેવું નોંધાયું છે. 

આપણાં સંતોની વાણીમાં જે સરળતા તથા પ્રવાહીતા જોવા મળે છે તેજ બાબત દેવાનંદ સ્વામીના કાવ્યોમાં જોવા મળે છે. અર્થપુર્ણ શબ્દોનો ઉત્તમ ઉપયોગ તથા લય માધુર્યને કારણે તેમના કિર્તનો અનેક સ્થળે આજે પણ સાંભળવા મળે છે. કવિ શ્રી દયારામની જેમ દેવાનંદ સ્વામિની ગરબીઓમાં પણ  ભાવ તથા લયની અનેરી અભિવ્યક્તિ જોવા મળે છે. હરિનું ભજન હેત ધરીને કરવા સંતકવિની સોનેરી સલાહ છે. શામળીયો સુભગ સ્નેહી છે તથા નિષ્કામી છે અને તેથી તેના સ્નેહની ધારા ભક્ત તરફ અનાયાસજ વહેતી રહે છે તેવી સંતકવિની દ્રઢ પ્રતિતિ છે.

હરિ ભજવા હેત કરીને રે, 

મોહન સાથે ચિત્ત મળ્યું. 

ઉર ધર્મની ટેક ધરીને રે, 

તેથી અંતર દુ:ખ ટળ્યું. 

પ્રગટ પુરુષોત્તમ પામી રે, 

બહુનામી બળવંત બળિયો. 

નારાયણ વર નિષ્કામી રે, 

સુભગ સ્નેહી શામળીયો. 

જગજીવન સમરથ જાણી રે, 

એ મૂર્તિ અંતર ધારી. 

મીઠી મુખડાની વાણી રે, 

ભેદત અંતર ભારી. 

વાલમ મુજને વશ કીધી રે, 

લાવનમાં લલચાવીને. 

ભવતારણ ભક્તિ દીધી રે, 

દેવાનંદ દિલ ભાવીને. 

જેનું અનુસંધાન હરિ સાથે જોડાયેલું રહે છે તેના સંતાપ ટળે છે તેવી દ્રઢ પ્રતિતિ દરેક સંતકવિની વાણીમાં જોવા મળે છે. સુખ અથવા દુ:ખ, જય અથવા પરાજય કે આનંદ અથવા અવસાદની અનુભૂતિ જો આપણાં મન સાથે – વિચાર સાથે હોય તો સંતકવિ કહે છે તેમ જીવનમાં હકારના દ્રષ્ટિકોણથી સંતાપ વિસરવાનું શક્ય બને છે. ટનેલના અંતે તો બહુનામી બળવંત છેજ ! હરિ અનાથનો નાથ છે અને તેથી ‘‘હાથ ઝાલવા’’ તત્પર છે તેવી મીરાની પ્રતિતિ પણ અહીં સહેજે સ્મરણમાં આવે છે. 

ઘેલાં તો અમને હરિએ કીધાં, 

નિર્મળ કીધાંનાથે 

પૂર્વ જન્મની પ્રીતડી અમને 

હરિએ ઝાલ્યાં હાથે. 

મીરાંની જેમ દેવાનંદ સ્વામીએ પણ દાસીભાવથી સમર્થની મૂર્તિ દિલમાં ધારી છે. તે સુભગ-સ્નેહીના વાસ થકીજ તેમનામાં ચિત્ત પરોવાયું છે. દેવાનંદ સ્વામી તેમના ગુરુ બ્રહ્માનંદ સ્વામિની જેમજ સંગીત વિદ્યામાં પારંગત હતા. સ્વામિની સિતાર બજાવવાની રીત અનોખી હતી તેવું તેમના ચરિત્રમાં નોંધાયું છે. એમના ઘણા કિર્તનોમાં હરિ તરફના અનન્ય ભાવ સાથે વૈરાગ્ય પણ છલકતો જોવા મળે છે. નિષ્કુળાનંદ સ્વામિની જેમ વૈરાગ્ય પ્રધાન અનેક પદોની રચના દેવાનંદ સ્વામીએ કરી છે. સંગીતના તેમના જ્ઞાન તથા સૂઝને કારણે ભાવ ભીનાશ સાથેજ ઘેરા નાદનો તથા લયમાધુર્યનો અનુભવ થાય છે. ભોજા ભગતના ચાબખા જેમ કેટલીકવાર કવિ ચેતવણીના સૂર પણ ઉચ્ચારે છે. 

ઘણું કામ સૂઝે છે સંસારનું રે, 

કરે સગાનું બહુ સનમાન. 

હેત કરતો નથી હરિદાસમાં રે, 

હૈયા ફૂટ્યા તું લૂણ હરામ… 

તારા અંગમાં છે રોગ અસાધ્ય. 

દેવાનંદ સ્વામીના સર્જનો જોતાં તેમાં ઝરણાની નિર્મળતા તથા પ્રવાહની સરળતા જોવા મળે છે. સાંપ્રત સમયમાં આપણે જે રીતે જીવન જીવીએ છીએ તેમાં કોઇને કોઇ સ્વરૂપે ઉષ્માનું – ભાવની ભીનાશનું મેળવણ કરવું જરૂરી લાગે છે. હરિ તરફની ઉષ્મા કે પરમ તત્વમાં શ્રધ્ધા સરવાળે તો કુદરતના સર્વ સર્જનો તરફ ભાવની લાગણી પ્રગટાવે છે. કીર્તન એ કોરા જ્ઞાનનો વિષય નથી. શ્રધ્ધાના બળની ધૂણી ધખાવીને જાત તથા જગતમાં શક્તિ મુજબ અજવાળું પાથરવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ કરવાનો છે. પ્રયાસ જેટલો સફળ થાય તેટલો લાભ તો અવશ્ય મળેજ છે. જીવનની અનેક સાંસારીર આંટીઘૂંટીઓ થકી ઊભા થતાં સંતાપ ઓછા કરવામાં પણ આવું સહજ સુલભ આયુધ દરેક મનુષ્યને મળી શકે તેવું હાથવગું છે. શ્રધ્ધાથી તથા અંતરના ભાવથી હાથ ફેલાવવાનું કાર્ય તો આપણેજ શિરે રહેને ? 

જ્યાંથી જયમ છે તેમનો ત્યમછે 

વધે ઘટે નહિ વહાલો રે 

આવે ન જાવે, જાવે ન આવે 

નહિ ભર્યો નહિ ઠાલો રે 

હું તું મટશે દુગ્ધા ટળશે 

નિરભે થાશો નીરખી રે 

ભલે મળ્યો નરસિંહનો સ્વામી 

હું હૈડામાં હરખી રે. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑