: સંતવાણી સમીપે : રંકના ઝૂંપડા જ્યાં, વિરાજે ચરણ આપના ત્યાં :

નાતાલના તહેવારો ફરી પ્રેમ, બંધુતા તથા કરુણતાના મહાન સંદેશ સાથે ઉજવવાના દિવસો આવ્યા છે. માણસમાં અનેક બાબતો તેના સ્વભાવ તથા સંસ્કારને કારણે રોપાયેલી છે. મનુષ્યને ધર્મ પ્રેરણા ચિરકાળથી રહી છે. ધર્મ ભાવના એજ માણસની વિશેષતા છે તેમ કહેવાયું છે. (ધર્મોહિ તેષામધિકો વિશેષો) ધર્મ તરફની પ્રીતિ દ્રઢ અનુભૂતિના માધ્યમથી થાય છે. ધર્મના અનેક સંસ્થાપકોની પ્રેરણા પણ કોઇ ગહન અનુભૂતિમાંથીજ મળી. વિનોબાજી તેને Mystic experience – ગૂઢ અનુભવ તરીકે ઓળખાવે છે. ધર્મવૃત્તિ એ કદાચ ભારતીય માનસની વિશેષતા છે. ધર્મ સંસ્થાપકો સામંજસ્યની તરફેણ કરનારા રહ્યા. ગુરુ નાનકદેવે ધર્મ સાથે જોડાયેલ અસ્પષ્ટતાઓ – જટિલતાઓને વેગળી રાખી આચારધર્મના મહત્વ સાથે ધર્મસંસ્થાની સ્થાપના કરી. ગુરુબાની કે ઉપનિષદોમાં પરમત સહિષ્ણુતા તથા પરધર્મ સહિષ્ણુતાનો મહિમા કરવામાં આવ્યો. જીવન તથા ધર્મના અનુસંધાન અંગે આધુનિક કાળમાં ગાંધી – વિનોબાજીએ એક નૂતન દ્રષ્ટિ આપી. આથી નાતાલના પવિત્ર દિવસો આવા ધર્મતત્વ સાથેના આપણાં મૂળ સંબંધોની ફરી સ્મૃતિ કરાવે છે. 

ગયા વર્ષે (૨૦૧૩)માં નાતાલની પૂર્વ સંધ્યાએ ગાંધીનગરના બિશપે એક નાના મેળાવડાનું આયોજન કરેલું. તહેવારોની ઉજવણીના સંદર્ભમાં બિશપે એક સુંદર તથા સમજવા જેવી વાત કરી. તેમણે કહ્યું કે દિન-પ્રતિદિન ધાર્મિક તહેવારોની ઉજવણીમાં બાહ્ય દેખાવ તથા ભપકા વધતા જાય છે. બજાર ઊભી કરવાનું તથા તેની વૃધ્ધિ કરવાનું કામ વ્યાપારી ધોરણે ધાર્મિક તહેવારોના ઓઠા હેઠળ થતું જોવા મળે છે. આમ થવાથી સ્વાભાવિક રીતેજ ઉજવણીનું ચેતન તત્વ back burner પર રહી જાય છે. કેટલીકવાર તો ધાર્મિક ઉજવણીઓ કે અન્ય કોઇ સામાજિક ઉજવણીઓ પણ ઘોંઘાટ કે ખૂબ ખર્ચાળ તેવી વિધિઓમાં ફસાય છે. મકરસંક્રાંતિના તહેવારોમાં નાના – નિર્દોષ પક્ષીઓને ઊભી થતી અડચણો કે દિવાળીના ફટાકડા ફોડતા બનતી દૂર્ઘટનાઓ સામાન્ય બનતી જાય છે. ધર્મનો હેતુ માનવમાત્રના કલ્યાણનો હોય તો આવા પ્રસંગોએ આપણી સંવેદનાનો તાર રણજણવો જોઇએ. ઉપાસનાની વિવિધતા હોઇ શકે છે પરંતુ સાધ્ય તો માનવમાત્ર માટે કલ્યાણકારી હોય તે જરૂરી છે. આપણી વૃત્તિના બેસણાં તો કવિગુરુ ટાગોરે કહેલું છે તેમ પ્રેમ – કલ્યાણ તથા કરુણાના માર્ગે જીવન જીવવા મથતા સમાજ વચ્ચેજ હોઇ શકે. કવિગુરુના મધુરા ગાન પંડિતોની પોળમાં ઠરીઠામ થવા માંગતાં નથી. 

ને કિયે થાનક જૈ બિછાવું 

બેસણાં હોજી ! હો ગાન મારા જી ! 

પંડિતોની પોળમાં હોજી 

હો ભાઇ જી…જી…જી ! 

જ્યાં દલીલના દિનરાત કાંતણ 

થાય જી…જી…જી ! 

જ્યાં તેલ પાત્રાધાર કે ના 

પાત્ર તેલાધાર !તત્વ છણાય જી…જી… 

બેસવું છે ગાન મારા જી ! 

એ સાંભળીને ગાન મારે 

ચીસ નાખી જી : નૈ નૈ કદી નૈ જી… 

કવિશ્વરના મધુરા ગાનને તો ભોળા તથા પ્રેમાળ જનોની સંગાથમાંજ ગોઠવાવું ગમે છે. ‘‘ભોળાનો ભગવાન’’ એવી કહેવત ઘણાં અનુભવે ઘડાયેલી હશે. નાતાલ કે કોઇપણ ધાર્મિક તહેવાર કે તેની ઉજવણીનો માહોલ અંતે તો સામાજિક સમરસતા કે વંચિતોના કલ્યાણ તરફ જોવાની દ્રષ્ટિ કેળવવાનું શીખવે તો તહેવારોની ઝાકમઝોળ દિવ્યતામાં પરિણમી શકે છે. ઈશ્વર કે કોઇ પરમ તત્વની આરાધના કરવાના પ્રસંગની ઉજવણીમાં ઈશ્વર છેવાડાના માનવીની સંગાથે રહેલો છે તેવી પ્રતિતિ આવા તહેવારોની ઉજવણીને સાચી દિશા તથા દ્રષ્ટિ આપી શકે. કવિગુરુના આવા ભાવને સુંદર રીતે વ્યક્ત કરતા પદનો સુંદર ભાવાનુવાદ જુગતરામ દવેએ આપણા માટે કર્યો છે. 

ચરણ આપના ક્યાં વિરાજે, 

ચરણ આપના ક્યાં ? 

સૌથી દલિત, સૌથી પતિત, 

રંકના ઝૂંપડાં જ્યાં 

પાછાંમાં પાછાં, નીચમાં નીચા 

દૂબળા બાપડા જ્યાં – 

વિરાજે, ચરણ આપના ત્યાં 

હું હું કરતો લટક્યો, 

મારો હું ન પહોંચ્યો ત્યાં – 

તાજ વિનાના, સાજ વિનાના 

આપ રમો છો જ્યાં ! … પાછામાં પાછાં…

ધનના ધામો, રાજના માનો 

મહેલ – બગીચા જ્યાં – 

મૂરખ મેં તો બાંધેલ આપના 

લાભની આશા ત્યાં ! 

ભેરુહીનના ઘરમાં રહ્યા 

ભેરુ થઇને જ્યાં, 

હૈયુ મારું ક્યાં નમે છે 

નાનું થઇને ત્યાં ? 

પાછામાં પાછા, નીચામાં નીચા, 

દૂબળા બાપડાં જ્યાં – 

વિરાજે, ચરણ આપના ત્યાં. 

ઈશ્વર કે આપણી શ્રધ્ધામાં જેનું સ્થાન હોય તે પરમ તત્ત્વ જ્યાં ભાગ્યેજ હોય તેવા ધનના ધામો કે રાજના માનોમાં શોધવાનું આપણું વલણ હોય છે તે કવિગુરુ કહે છે. પરંતુ ઈશ્વર તો કૃપાળુ છે. તેની કૃપા તો સર્વત્ર છે છે પરંતુ જે દૂણ્યાં – દૂભાયેલા છે તેમના તરફ વિશેષ છે. મા ને જેમ નબળા કે દૂબળા બાળકની વિશેષ ચિંતા રહે છે તેમ જગતપિતાને પણ ભેરુહીના ભેરુ થઇને રહેવું ગમે છે. એક પ્રાચીન દોહો છે.

મોતી કણ મોંઘો કિયો, સોંઘો કિયો અનાજ,

તબ તુને મેં જાણીયો, તુ હૈ ગરીબ – નવાઝ.

પરમ તત્વને પામવાની ગતિમાં હું પદના અવરોધની વાત પણ કવિગુરુએ કરી છે. હું પદનું મિથ્યાભિમાન તથા આપણે સ્વેચ્છાએ બાંધેલી ગ્રંથિઓ પ્રભુ સ્મરણના માર્ગમાં અવરોધ ઊભો કરતી રહે છે. આથી શ્રધ્ધાપૂર્વકના સમર્પણનો ભાવ જાગૃત થતો નથી તે આપણું દૂર્ભાગ્ય છે. જેમનામાં શ્રધ્ધા તથા સમર્પણનો ભાવ જાગ્યો તેમને હું પદનો અવરોધ નડ્યો નથી. નરસિંહ મહેતા તથા મધ્યયુગના આપણાં સંતોની દ્રષ્ટિ સ્પષ્ટ હતી અને તેથી તેમની દિશા પણ સ્પષ્ટ બની શકી. માનવ માત્રના કલ્યાણના ભાવથી તેમને સાચી દિશા તથા ગતિ બન્ને મળ્યાં. ગાંધીયુગમાં પણ ઠક્કરબાપા કે છોટુભાઇ દેસાઇ (મહાદેવ દેસાઇના મોટાભાઇ)ને પરમેશ્વરના બેસણાં છેવાડાના માનવીઓમાંજ જોવા મળ્યાં. આથી તેમનું જીવન આ વર્ગોની સેવાને સમર્પિત થયું. તેમાંજ તેમને ખરા અર્થમાં પ્રભુભક્તિનો મહિમા સાર્થક થતો જણાયો. વાત સંવેદનશીલતાને જીવનમાં પ્રગટાવવાની છે. બાહ્ય દેખાવો કે તેની સાથે જડાયેલા બજારૂ ભપકાઓથી શક્ય તેટલા અલિપ્ત રહીને ઇસુ મસીહાના પ્રેમ તથા કરુણાના સંદેશાને હૈયામાં ધારણ કરવાના છે. જો તેમ થાય તોજ નાતાલની ઉજવણી સાર્થક બને. છેવાડાના માનવી તરફ સ્નેહ તથા કરુણામય નજર રાખવાનો સંકલ્પ કરીને તે દિશામાં એક નાનું પણ નક્કર પગલું ભરવાના નિર્ણય સાથે નાતાલનો દીપક હૈયામાં પ્રગટાવીએ. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑