: સંસ્કૃતિ : ઉજળા પરિવારની ગૌરવ ગાથા :

આ મહિનામાં જે મહામાનવની જન્મજયંતિ આવે છે તેવા રાજસ્થાનના ક્રાંતિકારી વીર કેશરીસિંહજીની વિશેષ સ્મૃતિ થવી સ્વાભાવિક છે. ઠાકુર કેસરીસિંહજી બારહઠ્ઠ ક્રાંતિવીરોના તારામંડળના એક તેજસ્વી તારક સમાન હતા. ઠાકુર સાહેબનો જન્મ ૨૧ મી નવેમ્બર, ૧૮૭૨ ના રોજ થયો હતો. તેમના પિતાશ્રી ઠાકુર કૃષ્ણસિંહજી ઇતિહાસના-મર્મજ્ઞ, લેખક તથા સમાજમાં પોતાની વિદ્વતાના કારણે વિશિષ્ટ આદરમાન ધરાવતા વ્યક્તિ વિશેષ હતા. ઠાકુર સાહેબે પોતાની જાત ઉપરાંત પોતાના લઘુબંધુ, પ્રિય પુત્ર કુંવર પ્રતાપસિંહ તથા જમાઇને પણ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની વેદી ઉપર અર્પણ કર્યા. સુવિખ્યાત ક્રાંતિકારી રાસબિહારી બોઝે લખ્યું છે કે આઝાદી જંગમાં પિતાએ પુત્રને મોકલ્યાના દાખલા છે પણ પોતાના જમાઇને પણ તેમાં હોમી દેવાનું ઉદાહરણ ઠાકુર કેસરીસિંહ સિવાય કોઇ કિસ્સામાં જોવા મળતું નથી. નીચેના અમર શબ્દો લખવાનો તથા ગાવાનો ઠાકુર સાહેબનો અધિકાર બનતો હતો. 

સંતાન સચ્ચે અભય હો 

તેરેહી તારન તરની હમ 

સામર્થ્ય દે માં કર શકે 

યહસિધ્ધ ચારન બરન હમ. 

જય જય ભવાની અંબીકે 

કરની ! તિહારી શરન હમ. 

ઉપરની સુપ્રસિધ્ધ પ્રાર્થનામાં આઇ કરણીજી પાસે માગ્યું હતું તેવું જ ઉજળું જીવન જગદંબાએ તેમને જાણે કે વરદાનમાં આપ્યું હતું. સામર્થ્ય પણ કેવું ! સુપ્રસિધ્ધ વિદ્વાન પંડિત માખનલાલ ચતુર્વેદીએ ઠાકુર સાહેબના દેહાવસાન પછી તેમને શ્રધ્ધાંજલિ સ્વરૂપે લખ્યું કે ‘વે ભારત કી સમર્થ સંતાન થે’ ‘‘રાજસ્થાન કેસરી’’ તરીકે તેમનો અનેક જગાએ ઉલ્લેખ થયો છે. 

ઠાકુર કેસરીસિંહજીએ કેટલીક એવી બાબતોમાં પણ યોગદાન આપ્યું છે કે તે જોઇને તેમની ઊંચી બુધ્ધિ – પ્રતિભા તેમજ વિવિધ વિષયોમાં વિદ્વતા જોઇને આજે પણ તેમના તરફ અહોભાવની લાગણી થાય. ૧૯૦૫-૧૯૦૬ ના સમયાગાળમાં તેમના કોટા રાજ્યના સેવાકાળ દરમિયાન આપણાં પ્રાચીન વેદોના પ્રકાશનનો તેમણે સંકલ્પ કર્યો. ચારે વેદનું હિન્દી ભાષામાં શુધ્ધ રીતે અવતરણ થાય અને તે રીતે આ દેશની અમૂલ્ય સંપત્તિ સમાન જ્ઞાન તથા ઉજળા સંસ્કારોનો ખજાનો જનસમૂહ સુધી પહોંચાડવાનો તેમનો આ પ્રયાસ હતો. ઠાકુર સાહેબ માનતા કે વેદોના જ્ઞાનથી આપણાં દેશની સાંસ્કૃતિક તેમજ સામાજિક એકતા સિધ્ધ થઇ શકશે. અંગ્રેજી શાસન તથા કેળવણીના પ્રભાવ હેઠળ પોતાનીજ અસ્મિતા તરફ સભાન નહિ રહેવાને કારણે માનસિક રીતે પણ આપણે ગુલામીના માનસ તરફ ઢળ્યા હોઇએ તે સ્થિતિનું તેમને સ્પષ્ટ દર્શન થયું હતું. આથી વેદોના અમર સ્તુતિગાન દ્વારા દેશના લોકોના આત્મ સન્નમાનને ઢંઢોળવાની તેમની આ ખૂબજ ગણતરીપૂર્વકની યોજના હતી. તેઓ પોતે પણ ઘણી ભાષાઓના જાણકાર હતા તથા નવા નવા વિચારો કરીને તેના વાસ્તવિક પ્રયોગ માટેનો વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા હતા. 

બ્રિટીશ સરકારની આંખમાં કેશરીસિંહજીનું સમગ્ર કુટુંબ આંખના કણાની જેમ ખૂંચતું હતું. બરાબર સો વર્ષ પહેલાં ૧૯૧૪ માં તેમની ધરપકડ શાહપુરાથી કરવામાં આવી. તેમનો મુકદ્દમો સમગ્ર રાજપુતાનામાં એક ચર્ચાનો વિષય બન્યો. સામાન્ય લોકોની અમાપ સહાનુભૂતિ આ રુષિતુલ્ય ક્રાંતિવીર માટે હતી. તેમની વિદ્વતા, સાદગી તથા સમર્પણથી તેઓ લોક હ્રદય પર શાસન કરનારા નેતા હતા. અંગ્રેજોએ ખ્યાતનામ વકીલ રોકવાની પેરવી કરીને કેસરીસિંહજી સામેના કેસને વિશેષ મજબૂત કરવા પ્રયાસ કર્યો. ઠાકુર સાહેબના પક્ષે તે સમયના સુવિખ્યાત બેરિસ્ટર નવાબ હામિદઅલી ખાન ઉભા રહ્યા. બ્રિટીશ સરકારે મુત્યુદંડની માંગણી પૂરી ઉગ્ર દલીલો સાથે અદાલતમાં કરી. હામિદઅલી ખાન સાહેબે આ વીરનું અણિશુધ્ધ સમર્પિત જીવન અદાલતમાં ભાવના અને લાગણીના આવેશથી તેમજ તર્કબધ્ધ હકીકતો સાથે રજૂ કર્યું.  ઓકટોબર-૧૯૧૪ માં ટ્રાયલ જજે કેસરીસિંહજીને આજીવન કેદની સજા કરી. ઠાકુર સાહેબના વકીલ બેરિસ્ટર હામિદઅલી ખાન સાહેબે પોતાના અસીલ તરફના અન્યાયી વલણ સામે આક્રોશ વ્યક્ત કરીને કેસરીસિંહજી જેવા મનિષિને બિરદાવતી નજમ ભરી અદાલતમાં ગાઇ સંભળાવી હતી તે ઐતિહાસિક ઘટના છે. ખાન સાહેબે સમગ્ર રાજપુતાના પ્રદેશના અસંખ્ય દેશભક્ત લોકોની લાગણી આમ અનોખી રીતે પ્રગટ કરી. 

જેલમાં ઠાકુર સાહેબે યાતનાપૂર્ણ સ્થિતિમાં ગાળેલા વર્ષોનો ઇતિહાસ એક સ્વતંત્ર પુસ્તક લખી શકાય તેવો છે. ભલભલા માનવીની હિંમત તુટી જાય, શ્રધ્ધા ડગી જાય તેવો એ આકરો સમય હતો. પરંતુ વીર સાવરકર જેવા ક્રાંતિવીરોમાં જેમ દેશની મુક્તિ માટેનો અગ્નિ ગમે તેવા કપરા કાળમાં નિરંતર પ્રજ્વલિત રહ્યો હતો તેવી જ સ્થિતિ ઠાકુર સાહેબની હતી. આ મહામાનવને કાળી કોટડીમાં નાખ્યા બાદ તેમના કુટુંબની તમામ મિલ્કત જપ્ત થયાની જાણકારી મળી હોવા છતાં તેમના જુસ્સામાં કોઇ ફેર પડતો નથી. કુટુંબીજનોને પણ આ બાબતો હસતા મુખે સહન કરવાની સલાહ આપે છે. આઝાદી માટેનો પુરુષાર્થ ધીમો કે નબળો ન પડે તેની તકેદારી રાખવા પણ સૌ સાથીઓને સૂચવે છે. સમય સારો આવશે જ, માતૃભૂમિ આઝાદ થશે જ તેવો ખમીરવંતો વિશ્વાસ તેમના જેલકાળના જીવનમાં પણ ટકાવી રાખ્યો છે અને તક મળી ત્યારે વ્યક્ત પણ કર્યો છે. જેલમાં પણ તેમણે ઘણાં વર્ષો સુધી અનાજ છોડીને વિતાવેલા હતા. કુટુંબની માલિકીની હવેલી જપ્ત થઇ જતાં સમગ્ર કુટુંબના સભ્યો રસ્તા પર આવી ગયા હોવા છતાં કોઇ નબળો વિચાર તેમણે ક્યારે પણ કર્યો ન હતો. પરાધિન ભારતમાતાના પુત્રો પાસે કાળ બલિદાન માંગે છે તે વાત તેમણે હમેશા ઘુંટી છે અને સૌ પાસે ઘૂંટાવી છે. સ્વરચિત એક દોહામાં તેમણે આ લાગણી પ્રગટ કરી છે. 

દિન દુણા નિશ ચૌગુણા સહયા કષ્ટ અનેક,

સહી ન ગઇ પળ સિંહથી પરાધિનતા એક. 

ઠાકુર સાહેબના લઘુબંધુ ક્રાંતિવીર ઠાકુર જોરાવરસિંહજી પણ બલિદાનની ગૌરવ ગાથા સમાન જીવન જીવી ગયા. હિન્દુસ્તાનના વાઇસરોય લોર્ડ હાર્ડિગની શાહી સવારી ઉપર ચાંદની ચોક દિલ્હીમાં બોમ્બ ફેંકવાના જાણીતા કેસમાં બ્રિટિશ પોલીસ તેમની સતત શોધમાં હતી. પરંતુ આ નરકેસરી કદી પકડાયા નહિ અને લગભગ ત્રણ દાયકા સુધી સતત પરિભ્રમણ કરીને બ્રિટિશ પોલીસની આંખમાં ધૂળ નાખતા રહ્યા. આ સિવાય પણ તેમની સામે કેટલાક કેસ રજિસ્ટર કરવામાં આવેલા. ઓક્ટોબર-૧૯૩૯માં તેઓએ આખરી શ્વાસ લીધો ત્યાં સુધી મુક્ત રહ્યા અને અંતિમ શ્વાસો લેતી વખતે માતૃભૂમિને તથા આઇ કરણીને પોતાની જાતનું સંપૂર્ણ આત્મગૌરવથી સમર્પણ કર્યું. વીરતા તથા બલિદાનની આ એક અમર ગાથા છે. બનારસ ષડયંત્રના કેસમાં અંગ્રેજ સત્તાએ કેસરીસિંહજીના સુપુત્ર કુંવર પ્રતાપની ધરપકડ કરી. પ્રતાપસિંહ પાસે તેમના સતત તથા જીવંત સંપર્કને કારણે દેશના અનેક ક્રાંતિકારીઓની પ્રવૃત્તિ બાબત મહત્વની જાણકારી હતી. અનેક શારીરિક યાતનાઓ સહન કરીને પણ કુંવર પ્રતાપે ક્રાંતિકારીઓની ગતિવિધિની કોઇ માહિતી બ્રિટીશ પોલીસને ન આપી. બરેલી જેલની કાલકોઠડી – solitary cell માં અનેક યાતનાઓ સહન કરતાં કરતાં આ યુવાને મે-૧૯૧૮માં મહાપ્રયાણ કર્યું. એક ક્રાંતિકારી રાવ ગોપાલસિંહે પ્રતાપને અંજલી આપતા ભાવવિભોર થઇને કહ્યું કે ‘વિધાતાએ એકસો વીર ક્ષત્રિયના સામર્થ્યને એકઠું કરીને એક પ્રતાપનું નિર્માણ કર્યું હતું.’ 

૧૯૦૩ માં લોર્ડ કર્ઝનની મહત્વાકાંક્ષા તેમજ સત્તા પ્રભાવનું નિદર્શન કરવા માટે દિલ્હી દરબારનું આયોજન થયું. આ આયોજનમાં ઉદેપુર મહારાણા ફતેસિંહજી હાજર ન રહે તેમાંજ મારવાડ-મેવાડની શોભા છે તેમ ઘણાં દેશભક્તો માનતા હતા. મહારાણાને દિલ્હી દરબારમાં હાજરી આપતા રોકવા માટે કેસરીસિંહજીએ લખેલા દોહા સાહિત્યમાં તેના સત્વને કારણે અમર થયેલા છે.. આવા નરબંકાઓની પાવન સ્મૃતિ સ્વભાવિક રીતે જ થાય છે તેમજ દીર્ઘકાળ સુધી થયા કરશે. ઇતિહાસમાં આ ચારણ ક્રાંતિવીરનું બલિદાન ધ્રુવ તારક સમાન ઝળકતું તથા પ્રેરણા આપતું રહેશે.         

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑