: સંતવાણી સમીપે : સાયર હુંદા સૂર : વરસે ઝીણા નૂર :

સંતવાણીની તેજસ્વી ધારામાં કાપડી સંત મેકણની વાણીના ભક્તિ તથા કર્તવ્યનિષ્ઠ સાધનાના પડછંદા સાંભળવા મળે છે. ભક્તિ એટલે અકર્મણ્યતા નહિ પરંતુ સતત કર્મમય જીવન છે તેનો પાઠ ડાડા મેકણના જીવન-કવનમાંથી શીખવા મળે છે. મેકરણદાદાનો અખાડો કચ્છના ધ્રંગી ગામે છે. કચ્છ તથા સિંધની વચ્ચે રણમાર્ગે સફર ખેડતા અનેક મુસાફરોના યોગક્ષેમની ચિંતા ડાડા મેકણે કરી છે. લાલિયા નામના ગધેડા તથા  મોતીયા નામના કૂતરાની મદદથી રણમાં માર્ગ ચાતરી ગયેલા મુસાફરોને ભોજન તથા પાણી આપીને આ સંતે અનેકો પર અકારણ કૃપાના હેત વરસાવેલા છે. ‘જીનામ’ ના પડઘા આજે પણ તેમના ધ્રંગના ધૂણે અનુભવી શકાય છે. આ સંત સત્તરમી સદીમાં ક્ષત્રિય કુટુંબમાં જનમ્યા હોવાનું નોંધાયું છે. જેનું જીવન આવું પરોપકારી હોય તેના સર્જનમાં સહજભાવે ‘‘સાયર હુંદા સૂર !’’ સાંભળવા મળે છે. 

સાયર હુંદા સૂર !

એ જી વાલીડાના નેણુમાં 

વરસે ઝીણા નૂર ! 

સાયર હુંદા સૂર !

આવો આવો આપણે મળીએ રે, 

કાઢીએ દલડાના કૂડ, 

હળીમળીને સાથે રિયેં રે, 

તો વાલો વરસે ભરપૂર… 

હરિજન હોય તેને ઝાઝેરી ખમ્મા 

જેના હરદામાં હેત ભરપૂર, 

એની તો સંગતું દોડી દોડી કરિયેંને 

જમડાને ઇતો રાખે દૂર… 

કાયામાયાનો તમે ગરવ ન કરજો 

ઇતો છે પેટમૂઠા શૂળ, 

મેકણ કાપડી એણી વિધે બોલિયાં રે 

જાવું છે પાણી હુંદા પૂર… 

સાયર હુંદા સૂર !

વેદો તથા ઉપનિષદોની શાસ્ત્રવાણી સામે છેલ્લી ચાર-પાંચ સદીઓથી સંતોની સંતવાણીએ સમાજ પર ઊંડી તથા વ્યાપક અસર કરી છે. માત્ર કોરા જ્ઞાનના આધારે નહિ, પરંતુ અંતરના અનુભવની સહજ તથા સરળ અભિવ્યક્તિ એવી આ વાણી કે ‘‘બાની’’ છે. ભજનવાણી સંતોની અનુભૂતિની મનોહર અભિવ્યક્તિ છે. પંડિત સુખલાલજી કહેતા તેમ આત્મજ્ઞાન પચાવીને તેના ઓડકાર ખાતા હોય તેમ આ સંતવાણી – લોકવાણી પ્રગટ થયેલી છે. શ્રી મકરંદ દવે લખે છે તેમ આ આતમને જગાડતી વાણી છે. સંતવાણીના સર્જકોની જીવન જીવવાની અને જીવન તરફના દ્રષ્ટિકોણની જે બાબતો વણાયેલી હતી તેમાંથી આ વાણી પ્રગટી છે. આ સંતોના જીવનની કરણીજ એવી ઉજળી હતી કે તેમની વાણીમાં તેનું આબેહૂબ પ્રતિબિંબ જોવા મળે છે. શ્રી સરોદે લખ્યું છે : 

જેડી કણરીની હો કમાઇ,

મેરે ભાઇ ! હેડો શબદ નીસરે ધાઇ…

સંત કવિઓની જે અનુભૂતિ છે તેના પ્રત્યે સંપૂર્ણ પ્રમાણિક રહીને તેઓ પોતાનું જીવન જીવ્યા છે. સમાજને ગળે ન ઉતરે તેવી બાબતો પણ તેમણે ખૂલ્લા મને અને ખૂલ્લા દિલે નિર્ભયતાથી કહી છે. સમાજની જડ માન્યતાઓ પર તેમણે પ્રહાર કરેલા છે. સમાજની નારાજગી કે રોષ વહોરીને પણ તેઓએ આ ભગવદ્ કાર્ય કર્યું છે. એક રીતે જોઇએતો આ સંતો તેમના સમયથી ઘણાં આગળ હતા. તેઓ વિદ્રોહી મિજાજ ધરાવનારા હતા. જગતમાં જ્યાં અન્યાય કે અધર્મ જોયા ત્યાં તેઓએ આવી સ્થિતિને મૂળમાંથીજ પડકારી હતી. ‘‘ જગત ખીજે પણ રામ     રીજે ’’ ની ઊંડી માન્યતા ધરાવનારા હતા. નરસિંહ, મીરા કે તુલસીદાસ તેના ઉજળા ઉદાહરણો છે. 

પ્રસ્તુત સંત મેકરણના ભજનમાં પણ દરિયાના મોજા ઊછળે તેવા ભાવ અનાયાસે તથા નિજાનંદે ઊછળ્યા છે. ઇશ્વરની કૃપાના નૂરથી આપણે સૌ રળિયાત છીએ. આવી કૃપાના નૂરનો પ્રસાદ સૌને ઉપલબ્ધ છે. આપણાં જીવનની રોનક પણ આ કૃપાદ્રષ્ટિને કારણેજ છે. ઇશ્વરના આ નૂરનું દર્શન તો કલાપીને સર્વત્ર થાય છે. 

જોઉં અહીં ત્યાં આવતી 

દરિયાવની મીઠી લહર, 

તેના ઉપર ચાલી રહી, 

નાજૂક સવારી આપની. 

ઇશ્વરની આવી કૃપા વરસતી હોય ત્યાં આપણે તો હળિમળીને રહીએ તેમાંજ યથાર્થતા છે. જો સફાઇ કરવાની થાય તો દિલની સફાઇ સૌ પ્રથમ કરવી પડે. જો અંદરના ગમા – અણગામા કે પૂર્વગ્રહોના બંધનો છૂટે તો સ્વસ્થ માનવનો પુનર્જન્મ થાય છે. આવા સ્વસ્થ વ્યક્તિઓ હોય તોજ સમાજ સ્વસ્થ બની શકે. જેમનું જીવન આ પ્રકારે સ્વચ્છ તથા નિર્મળ હોય તો તેનીજ સંગત કરવા ડાડા મેકણ સલાહ આપે છે તે ગાંઠે બાંધી રાખવા જેવી છે. દિલમાં દિવો કરનારનેજ પ્રકાશમય બાહ્ય જગતનો ખરો પરિચય થાય છે.

સંતવાણીના સર્જકો જે વાતોનો મહિમા મધ્યયુગમાં સમજાવતા ગયા તે બાબતો કદી જૂની કે અપ્રાસંગિક થાય તેવી નથી. સમાજમાં સામંજસ્ય જળવાય તે દરેક કાળમાં જરૂરી તથા ઇચ્છનિય છે. સામાજિક જીવનમાં કે વ્યક્તિગત જીવનમાં જે દૂર્ભાવ જન્મે તે આર્થિક પ્રગતિ થવા છતાં પણ જીવનમાં સુખનો અનુભવ થવા દેતાં નથી. સાચા હરિજનની વાત સમજાવતા કવિ કહે છે કે જેમના દિલમાં વત્સલતા તથા સ્નેહની સરવાણી વહેતી હોય તે ખરા હરિના જન છે. જેનું મન માનવીને જોઇ મહોરી ઊઠતું હોય તેવા લોકોની સંગત કરવા માટે સંત સલાહ આપે છે. વિનોબાજીને પણ ગાંધીજીમાં વત્સલતાના પૂર્ણ ભાવનો અનુભવ થયો હતો. માતાની વત્સલતા થકીજ સંતાનો સ્નેહના મજબૂત તાંતણે બંધાયેલા રહે છે. આજકાલ અનેક કારણોસર ભૌતિક સુખ-સગવડોની ભરમાર વચ્ચે પણ એક સુગ્રથિત સમાજ કે સ્નેહના તાંતણે બંધાયેલા કુટુંબજીવનનો અનુભવ સાર્વત્રિક રીતે થતો નથી. આ સ્થિતિને કારણે કેટલાક સામાજિક પ્રશ્નો પણ નવા સ્વરૂપે સમાજ સમક્ષ આવેલા જોઇ શકાય છે. આવા કાળમાં આ સંતોની વાણી વિશેષ ધ્યાન દઇને સાંભળવા – સમજવા જેવી તેમજ યથામતિ જીવનમાં ઉતારવા જેવી છે. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑