: સંતવાણી સમીપે : સમરને શ્રી હરિ, મેલ મમતા પરી :

આપણી ભાષાના આદિકવિ નરસિંહના કાવ્યોમાં તો એક વિશિષ્ટ ચમત્કૃતિ છેજ પરંતુ ભક્તકવિનું જીવન પણ અનેક પ્રકારના ભાતીગળ પ્રસંગો-ઘટનાઓથી વિશેષ શોભાયમાન બન્યું છે. જેમ જેમ કસોટીઓ આવતી ગઇ તેમ તેમ નરસિંહની પરમ તત્વ તરફની શ્રધ્ધા વધી છે તથા સતત વૃધ્ધિ પામતી રહી છે. આસપાસના સમાજે જ્યારે જ્યારે પ્રસંગ મળ્યો ત્યારે નરસિંહની ટીખળ કે કસોટી કરવાની તક જતી કરી નથી. આથીજ કદાચ એક ખૂબ જાણીતી ઘટના અનુસાર દ્વારકાની યાત્રાએ જતાં શ્રધ્ધાવાન તીર્થયાત્રીઓના નાણાં જમા લઇને તેમને હૂંડી લખી આપે તે માટે તેમણે યાત્રીઓને મહેતાજીનું ઘર બતાવ્યું. ભોળા મહેતાજી ! તેમણે નાણાં સ્વીકારી દ્વારકાના સામળશા શેઠ ઉપર હૂંડી લખી આપી. સમાજના કેટલાક લોકોના ટીખળ સામે ભક્તકવિની આભ ઊંચી શ્રધ્ધાનો વિજય થયો.  મહેતાજીની હૂંડી શેઠ સામળશાએ સ્વીકારી અને મહેતાજીએ હરિ-મહિમા પોતાના ‘હૂંડી’ કાવ્યમાં પ્રેમપૂર્વક ગાયો. બનાવ બન્યો હોય કે ક્વિદંતી હોય તે બાબતને બાજુ પર રાખીએ તો પણ શ્રધ્ધા તથા એકનિષ્ઠાથી હાથ પર લીધેલા કાર્યમાં ફત્તેહ મળે છે તેવો ભાવ તો આ કથા જરૂર પ્રગટાવી શકે છે. આવીજ કોઇ શ્રધ્ધાના બળે સુદામાએ પોરબંદરથી દ્વારિકાની ખેપ કરી હશેને ? શ્રધ્ધા તથા નિષ્ઠાના આવા આયુધોના સહારેજ નેલ્સન મંડેલાએ જીવનના ત્રણ-ત્રણ દાયકા આત્મવિશ્વાસ ગુમાવ્યા સિવાય આકરા કેદખાનામાં ગુજાર્યા હશે. જીવનના ઘણાં વ્યવહારો તેમજ અનેક સામાજિક પરંપરાઓ આજે પણ સદભાવ તથા શ્રધ્ધાના બળે પાંગરતી રહી છે. નરસિંહ, મીરાં કે તુલસીદાસ ન થયા હોત તો પણ સંસાર તો ચાલતોજ રહ્યો હોત. પરંતુ આવા ધન્યનામી લોકોના જીવન તેમજ અંતરની વાણીના સિંચનથી આપણું જીવન વિશેષ પુલકિત તથા સૌરભમય બનેલું છે. કવિ કલાપીએ યથાર્થ કહેલું છે : 

હતા મહેતો અને મીરાં, 

ખરા ઊર્મિલ ખરાં શૂરા. 

અમારા કાફલાના બે, 

મુસાફરએ હતાં પૂરા. 

‘‘ બાથમાં ન સમાય તેવો કવિ ’’ કહીને કવિ શ્રી સુરેશ દલાલે નરસિંહને વધાવ્યા છે તે સર્વથા ઉચિત છે. નરસિંહ સહિતના આપણાં મધ્યયુગના અનેક સર્જકો તેમના સમયથી ઘણું આગળનું જોઇ – વિચારી શકનારા હતા. સ્નેહીઓએ તથા સમાજે આ સંતોની તાવણી કરવામાં કોઇ મણા રાખી નથી. પરંતુ દરેક કસોટીના અંતે તેઓ કાંચનની જેમ વધારે ઝગમગ્યા – ઝળહળ્યા છે. સંતોનો દ્રઢ વિશ્વાસ છે કે જેઓ પંથ ભૂલ્યાં છે તેમને પણ સર્જનહારે ત્યાગી દીધા નથી. ભાન ભૂલેલા – દિશા ચૂકેલા મનુષ્યો પણ આખરે તો સર્જનહારનાજ સંતાનો છે. તેમને કલ્યાણના માર્ગે – શ્રેયના માર્ગે દોરી જવા પણ સર્જનહાર દિન-પ્રતિદિન પ્રયાસો રૂપી કૃપા – પ્રસાદ વહેંચતો રહે છે. કવિ શ્રી સ્નેહરશ્મિના આ શબ્દોમાં આવા ભાવનીજ અભિવ્યક્તિ થયેલી જોવા મળે છે. 

સુપન્થે કોદી એ વિચરશું 

અમે પાપ કીટકો, 

અહો ! એ આશાએ નિશદિન 

નભે દીપ ધરતો. 

યુગપુરુષ ગાંધીજીની દૈનિક પ્રાર્થનામાં નરસિંહના વૈષ્ણવજનનું અગ્રસ્થાન રહે તે સ્વાભાવિક છે. સંસારીઓને સંસારની મમતા ઓછી કરીને નામ સ્મરણ કરવા નરસિંહ ભાવથી સૂચવે છે. સંસારના ક્રમ સાથેજ શ્રીહિરના સ્મરણનો આધાર લેવા આપણાં સંતકવિઓએ હમેશા શિખ આપી છે. સંસારમાં રહીને તથા સાંસારિક પ્રવૃત્તિઓની વચ્ચે પણ તેમણે હરિ સ્મરણમાં ચિત્ત પરોવીને મનની શાંતિ મેળવી છે. 

સમરને શ્રીહરિ, મેલ મમતા પરી, 

જોને વિચારીને મૂળ તારું. 

તું અલ્યા કોણ ને કોને વળગી રહ્યો ! 

વગર સમજ્યે કહે મારું મારું. 

દેહ તારી નથી જો તું જુગતે કરી, 

રાખતા નવ રહે, નિશ્ચે જાયે. 

દેહ સંબંધ તજ્યે અવનવા બહુ થશે 

પુત્ર કલત્ર પરિવાર વણયે. 

ધન તણું ધ્યાન તું અહોનિશ આદરે, 

એ જ તારે અંતરાય મોટી. 

પાસે છે પિયુ અલ્યા તેને નવ પરખિયો 

હાથથી બાજી ગઇ, થયો રે ખોટી. 

ભરનિંદ્રા ભર્યો રુંધી ઘેર્યો ઘણો 

સંતના શબ્દ સુણી કાં ન જાગે ? 

ન જાગતાં નરસૈયો લાજ છે અતિ ઘણી 

જનમો જનમ તારી ખાંત ભાગે. 

થોડા શબ્દોમાં પણ પોતાની વાત પ્રતિતિ કર રીતે કહેવાની નરસિંહની આગવી અદા છે. કાવ્યમાં સરળતા સાથેજ લયમાધુર્યનો સુયોગ આ સંતકવિની વાણીમાં ઠેરઠેર જોવા મળે છે. વેદો ઉપનિષદનું જ્ઞાન જનજન સુધી પહોંચાડવાનું ભગવદ્કાર્ય આ સંત કવિઓએ ખંતથી કરેલું છે. સ્વામી આનંદ કહે છે તેમ આ બધા રીટેઇલર્સ (retailers) ન હોત તો જ્ઞાનનો આવો પ્રવાહ ઘર ઘર સુધી કેવી રીતે પહોંચી શક્યો હોત ? જે પરમ તત્વમાં આપણી શ્રધ્ધા હોય તેમાં ચિત્તને પરોવવાની નરસિંહની શિખ કોઇપણ કાળ માટે સરખીજ પ્રસ્તુત છે. આપણાં હોવાનું પણ કોઇ પ્રયોજન છે. આપણે પણ આ વિશાળ માળાના એક મણકા સમાન છીએ. આપણાં મૂળને વિસારીને મમત્વના તાણાવાણામાં ગૂંથાયા હોઇએ તો તેમાંથી બહાર નીકળવા તથા પ્રકાશનું દર્શન કરવા માટે નરસિંહ સમજાવે છે. નરસિંહ તેમજ મધ્યયુગના અનેક સંતકવિઓના શબ્દોમાં ઓજસ છે, બળ છે. તેના મૂળમાં આ સંતોનું જીવન છે. તેઓ જે વાણી ઉચર્યા છે તેવુંજ ઊજળું જીવન જીવ્યા છે. તેમની કરણી તથા કથનીમાં ફરક નથી. નિંદ્રા પરહરીને જાગૃતિને પામવાનું દિશાસૂચન તો નરસિંહ જેવા મોટા ગજાના સંતકવિજ આટલી અસરકારક તથા પ્રભાવી રીતે કરી શકે. જાગ્યા નથી તેની લાજ ભક્તજનને લાગે ત્યારે જ્ઞાન તથા સમજના એક ઊંચા શિખરે તેનું આસન થાય છે. જીવનના સામાન્ય વ્યવહારોમાં પણ આધ્યાત્મિક દ્રષ્ટિ અપનાવવી કદાચ અઘરી હોય તો પણ અસંભવિત તો નથી. શ્રીમદ્ રાજચન્દ્ર આવા જળમકળવત જીવનનું એક થોડા સમય પહેલાનુંજ ઉમદા તથા ઉજળું ઉદાહરણ છે. નરસિંહની વાણી આવો શ્રેયકર નિર્ણય કરવા માટે પ્રેરણાસ્ત્રોત બની રહે તેવી છે. પિયુ તો નિકટજ છે પરંતુ તેને પરખવાની તાલાવેલી હાથથી બાજી જતી રહે તે પહેલા જગાવવા માટે નરસિંહના શબ્દો પ્રેરણા પહેલ તેમજ ઉત્સાહ પૂરા પાડે છે. ઘટઘટમાં ગહેકતા આ સાંયાજીને પરખીએ નહિ તો ગુમાવવાનું આપણાં ભાગેજ છે. સર્વવ્યાપી ચેતન તત્વની આજ વાત સાંઇમકરંદે રેલાવી છે.

સાંયાજી કોઇ ઘટમાં ગહેકે ઘેરું, 

બાવાજી, મુને ચડે સમુંદર લેરું. 

મુઠ્ઠીભર રજકણમાં રમતા

અલખ અલખ લખ તારા, 

ઓહો, સાંયાજી મારે પગલે પગલે 

પિયનું હવે પગેરું.         

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑