દરેક માસમાં માગશર – માર્ગશીર્શ – હું છું તેવું કહીને ગીતાના ગાનારા કૃષ્ણે થોડા દિવસથી શરૂ થયેલા માગશર માસનો મહિમા કર્યો છે. ઋતુઓ સાથે ઘણાં કારણોસર આપણો સંબંધ ઓછો થતો જાય છે. ઋતુઓને આપણી સામાન્ય બોલચાલની ભાષામાં season કહીને આપણે ઓળખાવીએ છીએ. આવી ઋતુઓ – season – ના રળિયામણાં રંગોના સ્થાને ઋતુઓ સાથેના કહેવાતા બિહામણા રોગચાળાની વિશેષ ચર્ચા થાય છે. જેમ સવાર તથા સાંજને પોતાની એક આગવી પ્રતિભા છે તેમ દરેક ઋતુની પણ આગવી ઓળખ તથા અલગ અસર છે. ઋતુઓ સાથેના – કુદરત સાથેના નાના એવા અનુસંધાનથી પણ એક ઉલ્લસાનો ભાવ પ્રગટી શકે છે. આવો ભાવ મકરંદી મીઝાઝમાં ઝિલાયો છે.
માઘ તણી મંજરીનો આજે ઉલ્લાસ મારે
કાલ પછી ફાગણનો ફાલ.
માગશર તથા નવેમ્બર માસનો સુંદર સુયોગ છે. તેવોજ બીજો સુખદ સુયોગ ગિજુભાઇ બધેકાની જન્મજયંતિ તથા બાળદિનનો છે. પંડિત નહેરૂને બાળકો પ્રિય હતા તો ગિજુભાઇનું ઐતિહાસિક કાર્ય બાળ શિક્ષણને એક નવી દિશા આપવાનું હતું. ૧પમી નવેમ્બર એ ગિજુભાઇની જન્મજયંતિ છે તેથી તેમનું વિશેષ સ્મરણ થાય. દાયકઓ પહેલાં ગિજુભાઇ બધેકાએ ભાવનગરની દક્ષિણા મૂર્તિમાં સમર્પિત કાર્યની ધૂણી ધખાવી હતી. બાળ સાહિત્યનો ધોધ તેમણે વહેતો મૂક્યો હતો. ગિજુભાઇએ લખ્યું છે કે બાળ સાહિત્યમાં કોમળતા તથા ગૌરવ હોય. ભાષાનું રૂમઝૂમતું સંગીત હોય. વિચારની સૂક્ષ્મ ઝિણવટ પણ હોય. આવા સાહિત્યનું સર્જન કરીને તથા તે માટેની પ્રેરણા આપીને ગિજુભાઇ અમર થયા છે. ગિજુભાઇને બાળ કેળવણીના વિષયમાં સંત કહીએ તો સહેજ પણ અતિશયોક્તિ નહિ લાગે. રમણલાલ સોની, ત્રિભુવનભાઇ વ્યાસ તથા દલપતરામના કેટલાંયે કાવ્યો બાળકોને આનંદપ્રદ બોધ આપી શકે તેવા છે.
કવિ શ્રી દલપતરામની પ્રસિધ્ધ રચના અંધેરી નગરી તે આવા મનોહર તેમજ અર્થપૂર્ણ કાવ્યનું એક સુંદર ઉદાહરણ છે. જે વિસ્તારની તમામ વ્યવસ્થા, વિચાર તથા વિવેક હિનતાના પાયા પર ટકેલી હોય તેવા પ્રદેશમાં ગમે તે લાભ દેખાતા હોય તો પણ રહેવું જોખમી છે તે વાત કવિએ મજાના ઉદાહરણથી સમજાવી છે.
પુરી એક અંધેરી ને ગંડુરાજા
ટકે શેર ભાજી ટકે શેર ખાજા.
બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે,
કદી સારી બૂરી ન વેચે વિવેકે.
ગુરૂજી કહે રાત રહેવું ન આંહી,
સૌ એકભાવે ખપે ચીજ જયાંહી.
હશે ચોરને શાહનો ન્યાય એકે,
નહિ હોય શિક્ષા ગુનાની વિવેકે.
રહ્યાં શિષ્યજી તો તહીં દિન ઝાઝા,
બહુ ખાઇપીને થયાં ખૂબ તાજા.
પછીથીથયા તેહના હાલ કેવા
કહું છું હવે હું સુણો સર્વ તેવા.
તસ્કર ખાતર પાડવા ગયા વણિકને દ્વાર
તહાં ભીંત તૂટી પડી, ચોર દબાયા ચાર
એવું ઘર કેવું ચણ્યું ખૂન થયા તે ઠાર
રાતે ખાતર ખોદતાં ચોર દબાયા ચાર.
ભૂપ કહે શું હર ઘડી પૂછો આવી કોઇ
શોધી ચડાવો શૂળીએ જાડા નરને જોઇ.
જોતાં જોતાં એ જડ્યો જોગી જાડે અંગ
બહુ દિન ખાઇને બન્યો, રાતેમાતે રંગ.
જોગી શૂળી પાસ જઇ કહે ભૂપ સુણ કાન
આ અવસર શૂળીએ ચડે, વેગે મળે વિમાન.
જહાં ભણેલ ન ભૂપતિ નીપજે એવો ન્યાય
દેશ સુધારાની તહાં આશા શી રખાય ?
માત્ર બાળકોનેજ નહિ પરંતુ દરેક કાળે તમામ વયજૂથના લોકોને સાંભળવું તથા માણવું ગમે તેવું આ કાવ્ય છે. તેમાં બોધતત્ત્વ છે પરંતુ બોધતત્વનો સહજે પણ ભાર નથી. આપણી સંતવાણીની જેમ તેની ગૂંથણીમાં સરળતા તથા પ્રવાહિતા છે. શિષ્ય ગુરૂને સમજાવે છે છતાં શિષ્યને આ અંધેરી નગરીના વહીવટથી ત્યાંજ રહીને લાભ મેળવવાની વૃત્તિ થાય છે. લાભ મળે છે પણ ખરા. પરંતુ અંતે તો ગુરૂએ જે ભય બતાવ્યો હતો તેવીજ ઘટના બને છે. આ શિષ્યને ફાંસી એટલા માટે ચડાવવાનું રાજાએ નક્કી કર્યું કે તેનું રૂષ્ટપુષ્ટ શરીર તથા મોટું માથું ફાંસીની રસીમાં બંધબેસતું આવે છે ! ગુરૂની સમયસરની ચતુરાઇથી શિષ્ય બચી જાય છે. પરંતુ કથા સૌ માનવીઓની અવિચારી વૃત્તિ સામે લાલબત્તી ધરે છે. જે રાજ્યના કે વ્યવસ્થાના પાયામાંજ અવ્યવસ્થા હોય તેનું પરિણામ તો અંધાધૂંધીમાંજ આવે. આવા શાસન કે વ્યવસ્થાના પરિણામ ટૂંકાગાળા માટે કદાચ લોકોને આકર્ષક લાગે તો પણ લાંબાગાળે આ લાભ લેનારા વર્ગનેજ સહન કરવાનો વખત આવે છે. હિટલરે પહેલાં તો આર્યત્વના આત્મગૌરવનું ગાન ગાયું. પ્રજાના ગળે એ વાત ઉતારવા સતત પ્રયાસ પણ કર્યો કે દુનિયામાં તેઓજ શ્રેષ્ઠ તથા બલિષ્ઠ છે. પરંતુ ભીષણ તથા ખુવારીભર્યા યુદ્ધ પછી જર્મની તથા વિશ્વના કેટલાયે દેશોના નસીબમાં પારાવાર ખુવારી આવી. બીજી તરફ ભારતીય ઉપખંડમાં ગાંધીની સત્ય તથા અહિંસાની વિચારસરણી મુજબ લડવામાં આવેલ હિન્દના મુક્તિ સંગ્રામ પછી મુશ્કેલીઓ તથા પડકારો વચ્ચે પણ ભારત જેવા મજબૂત લોકશાહી ધરાવતા દેશનું નિર્માણ થયું. આથી કવિ શ્રી દલપતરામ કહે છે જ્યાં ભૂપતિમાંજ પ્રજાકલ્યાણની સૂઝ તથા સમજનો અભાવ હોય ત્યાં સુચારું શાસનની વ્યવસ્થા માટે આશા રાખવી વ્યર્થ છે. ‘‘ જેનો મોવડી આંધળો તેનું કટક કૂવામાં ’’ તેવી આપણી કહેવત ઘણાં અનુભવ પછીજ સમાજમાં ચલણી બની હશે.
બાળદિન તથા ગિજુભાઇ બધેકા કે જેઓ ‘‘મૂછાળી મા’’ તરીકે ઓળખાતા હતા તેમની આ જન્મજયંતિ એ વાતનું ફરી સ્મરણ કરાવે છે કે બાળકોને તેમનું આકાશ આપવાની પ્રાથમિક ફરજ માતા-પિતા તેમજ શિક્ષકોની છે. બાળકોનો સ્વસ્થ વિકાસ થાય ત્યાંજ સ્વસ્થ સમાજનું નિર્માણ થાય. દર્શકદાદા આથીજ આવા સ્વસ્થ બાળ ઉછેરને વિશ્વશાંતિની ચાવી તરીકે ઓળખાવે છે. મા-બાપની ઇચ્છા-અપેક્ષા તથા કેટલીકવાર અવાસ્તવિક આકાંક્ષાઓને પૂરી કરવાનું સાધન બાળકને બનાવી શકાય નહિ. બાળકોના શારીરિક સ્વાસ્થ્ય તેમજ સંતુલિત માનસિક વિકાસના પ્રશ્નો આજે પૂરા વિશ્વ સામે એક પડકાર તરીકે ઊભાં છે. આપણાં ઘર આંગણે પણ આ વિષયની સ્વસ્થ સમજ નહિ કેળવાય તો આ સમસ્યા વિશેષ વણસે તેવી છે. ગિજુભાઇના વિચારની મૂલવણી આજની સ્થિતિ તેમજ સંદર્ભમાં કરીને બાળકો તરફનું વલણ નક્કી કરવાની કે તેમાં જરૂરી સુધારા કરવાની બાબત સમાજે શીખવી તથા સમજવી પડશે. ગિજુભાઇના બાળવિકાસના ચિરંજીવી કાર્યોના સંદર્ભમાં ગાંધીજીએ લખેલા બે શબ્દો ફરી યાદ કરવા જેવા છે. ‘‘ ગિજુભાઇ વિશે લખનાર હું કોણ ? એમના ઉત્સાહ તથા એમની શ્રધ્ધાએ મને મંત્રમુગ્ધ કર્યો છે. એમનું કામ ઊગી નીકળશે.’’
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment