કંઠસ્થ પરંપરામાં ભજન સાહિત્યનો ઊંડો પ્રભાવ જોવા મળે છે. ભજન એ પરમ તત્ત્વ તરફના અંતરના ભાવથી રચાતી રચના છે. ભજન સ્વરૂપમાં આપણાં સંતોની વાણી પ્રગટ થઇ છે તથા મહોરી ઉઠી છે. મધ્યયુગના સાહિત્યમાં જેનું બાહુલ્ય રહેલું છે તે સંતવાણીએ સમાજને સત્યના માર્ગે દોરવાનું પવિત્ર કાર્ય કર્યું છે. આ વાણી સંતોની મથામણમાંથી નીપજેલી છે. તેથીજ તેની પ્રસ્તુતિ એ અંતરની અનુભૂતિ છે. કોઇ અભ્યાસક્રમોના સહારે તથા તેમાંથી મળેલી સમજને કારણે ભજન સાહિત્ય પાંગર્યું હોય તેમ લાગતું નથી. પ્રભુ તરફના અપાર આદર તેમજ નામતત્વમાં શ્રદ્ધાપૂર્વકની નિષ્ઠાના ઉજળા પ્રતાપે આ સાહિત્યનું સહજ સર્જન થયું છે અને સમાજમાં વ્યાપક રીતે સત્કાર પામીને ઝીલાયું છે. આ સાહિત્ય કાળના વહેતા પ્રવાહમાં પણ ઉન્નત શિરે ટકી શક્યું તેનું એક મહત્વનું કારણ તેનું આંતરિક સત્વજ હશે. પારકા તેજ અને છાયા ઉછીના કે ઉધાર લઇને નીકળેલો શબ્દ શાશ્વતીને પ્રાપ્ત કરી શકતો નથી. કવિ શ્રી મકરંદ દવેની આ પંક્તિઓમાં તેવોજ ભાવ પ્રગટ થાય છે.
કોકના તે વેણને વીણી વીણીને વીરા,
ઉછી – ઉધારા ન કરીએ,
હૈયે ઊગે એવી હૈયાની વાતને,
ફૂલ જેમ ફોરમતી ધરીએ.
સંતવાણીના આ સમર્થ શાસ્ત્રમાં ગુરૂભક્તિનો મહિમા અનેરો છે. ગુરુ-શિષ્ય પરંપરાનું એક વિશિષ્ટ ગૌરવ સમાજમાં વ્યાપક તથા ઊંડું હોવાથી સાહિત્યમાં પણ આ નરવા સંબંધની મનોહર ઘટનાઓ સર્વત્ર વણી લેવામાં આવી છે. ગુરુ નાનકદેવથી શરૂ થયેલી ગુરુ પંરપરાની ગુરુ ગોવિંદસિંહ સુધીની ઘટનાઓ જૂઓ તો આ જ્ઞાન પરંપરામાં શૌર્ય તથા ખમીરનું પણ ભવ્ય દર્શન થાય છે. ગુરૂદેવ નાનક પછી જે પરંપરા ચાલી તેમાં જ્ઞાનની વાતતો હતીજ પરંતુ જ્ઞાન સાથેજ અનિવાર્ય હોય તો સ્વધર્મના પાલન માટે આકરામાં આકરો સંઘર્ષ પણ સ્વેચ્છાએ સ્વીકારીને ફના થઇ જવાની સંપૂર્ણ તૈયારી હતી. આથી ગુરુ તરફના ભાવ માર્ગે પ્રગટેલી સાહિત્યની એક ઉજળી ધારા સમી સંતવાણી એ કેવળ વાણીવિલાસ નથી. આપદધર્મ તરીકે સંઘર્ષ આવે તો તેને તથા વૈરાગ્યનું ઔચિત્ય હોય ત્યાં ભરથરી બનીને ભગવા ધારણ કરવાની અર્થપૂર્ણ કથાઓ આ વાણીના માધ્યમથી પ્રગટી છે તથા પ્રસરી છે. નજીકમાંજ વીતેલો સમય જોઇએ તો પ્રાધ્યાપક એસ. આર. ભટ્ટ પોતાની સરસ્વતી સાધનાના માર્ગમાં તેમના ગુરુ પ્રાધ્યાપક દાવરસાહેબનેજ નમ્રભાવે યાદ કરીને તેમની કૃપાને વંદન કરે તે ઘટનાઆ શૃંખલાનીજ એક ઉજળી કડી છે. આતમને જગાડવા મથતી આપણી સંતવાણીમાં ગુરૂની મહત્તા ડગલે ને પગલે થયેલી છે. દાસી જીવણ આપણાં સંત સાહિત્યના સર્જનમાં મોટું તથા મહત્વનું નામ છે. દાસી જીવણની ગુરુ તરફના અગાધ સ્નેહાદરનીજ વાત તેમની એક પ્રસિદ્ધ રચનામાં કરવામાં આવી છે.
અજવાળું હવે અજવાળું
ગુરુ આજ તમ આવ્યે રે મારે અજવાળું,
સદગુરૂ શબ્દ જ્યારે શ્રવણે સુણાવ્યો
ભેટ્યા ભીમને ભાંગ્યું ભ્રમનું તાળું…
જ્ઞાન ગરીબી સંતની સેવા
પ્રેમ ભક્તિનો સંગ હવે પાળું…
ખીમને ભાણ રવિ રમતા રામા,
તેજ તત્વમાં ગુરૂ તમને ભાળું…
દાસી જીવણ સંત ભીમના ચરણે
અવર દૂજો હવે ધણી નહિ ધારું…
ગુરુ આજ તમ આવ્યે રે મારે અજવાળું.
પ્રેમલક્ષણા ભક્તિના ઘેરા રંગથી રંગાયેલી દાસી જીવણની રચનાઓ આજે પણ ખૂબ તરોતાજા લાગે છે. આ રચનાઓ લોકભોગ્ય હોવાથી ખૂબ ગવાય છે. ફરી ફરી સાંભળવા ગમે તેવા દાસી જીવણના પદો ખૂબજ સરળ તથા પ્રવાહી શૈલિમાં લખાયેલા છે. શાસ્ત્રોનો અમૂલ્ય ખજાનો લોકબોલીમાં ભક્તકવિએ સમાજ સમક્ષ ખૂલ્લો મૂક્યો છે. દાસી જીવણની વાણી શાશ્વત છે. કારણ કે તે જ્ઞાનની સ્વઅનુભૂતિમાંથી પ્રગટેલા શબ્દો છે. આપણું સંતસાહિત્ય એ પ્રજ્ઞાવાન સંતોએ પરમ તત્વને રીઝવવા નિજાનંદથી રચેલી રચનાઓ છે. અહીં પંથ, સંપ્રદાય, જ્ઞાતિ કે જાતિના કોઇ બંધન નથી. સંતકવિઓ મુક્ત તથા ગગનવિહારી છે.
દાસી જીવણ ગોંડલ પાસેના ઘોઘાવદર ગામના છે. ઇ.સ. ૧૮૨૫ માં તેમનો જન્મ દિવાળીના દિવસે થયાનું નોંધાયું છે. આ પણ એક સુખદ યોગાનુયોગ છે. આ દિવસે અજ્ઞાનરૂપી તમસને હણવા માટે અનેક કોડિયા આપણે પરંપરાના ભાગરૂપે પ્રગટાવીએ છીએ. આપણા પ્રગટાવેલા કોડિયાનું આયુષ્ય ક્ષણિક હોય છે. દાસી જીવણે આત્મજ્ઞાનનાબળથી પ્રગટાવેલા અનેક પદોરૂપી કોડિયા ચિરકાળ સુધી જીવંત, જ્વલંત તથા પ્રેરયાદાયી બનીને જીવંત રહેલા છે. રવિભાણ સંપ્રદાયના આ સંતને ગુરુ ભીમ સાહેબનો ભેટો થયેલો છે. આવા સદગુરુના શબ્દેજ તેમના માનવસહજ ભ્રમનું તાળું ખૂલી શક્યું છે તેવી તેમની દૃઢ ગુરુનિષ્ઠા છે. સંતકવિઓની ભક્તિમાં વાણી વિવેક સહજ રીતેજ જોઇ શકાય છે. સંતોના ઉજળા આંતરિક જીવનનુંજ આ પાવક પ્રતિબિંબ છે. એકવાર સદગુરુ મળે પછી કોઇની તમા રહેતી નથી. ખીમ સાહેબ તથા રવિસાહેબનું મોઘેરું જ્ઞાન દાસી જીવણને ભીમગુરુના શરણે જતા તેમની કૃપાથી પ્રાપ્ત થયેલું છે. જેના અંતરમાં જ્ઞાનરૂપી અજવાળું થાય તેની આંતરિક કે બાહ્ય ઉન્નતિમાં કોઇ તમસ પ્રભાવી બની શકતું નથી. ધનો ભગત કહે છે તેમ સંતપુરુષોના આ બાણ તો વાગ્યા હોય તેજ તેને જાણી શકે છે.
નરસિંહ મહેતાની હૂંડીસ્વીકારી, ખેપ કરી ખરે ટાણે,
અનેક ભક્તોને એણે ઉગાર્યા, ધનો ભગત ઉર આણે…
રામબાણ વાગ્યા હોય તે જાણે.
પરમ તત્વમાં શ્રદ્ધા રાખીને જીવન જીવવા માટેના ઊંચા મૂલ્યોનું કોડિયું દિલમાં પ્રગટાવીએ તથા પ્રજ્વલિત રાખીએ તો તેનું assured return છે, conditions applied ની ભુલભુલામણી સિવાયનું.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment