(૧) : આનંદ ઘડી :
પૂ.આઇ શ્રી બનુમા તથા સંત શ્રી મોરારીબાપુની પવિત્ર ઉપસ્થિતિમાં તથા ગુજરાત – રાજસ્થાનના જ્ઞાતિના અગ્રણીઓની હાજરીમાં ‘‘આઇશ્રી સોનલમાં ચારણ સમાજ ભવન’’ ના શુભારંભનો જૂનાગઢમાં યોજવામાં આવેલો કાર્યક્રમ ગૌરવપૂર્ણ તથા પ્રેરણાદાયક હતો. ઘણાં સમયની સૂઝ, મહેનત તથા ધગશના આ કાર્ય ઉપર તા.૦૭/૧૦/૨૦૧૪ ના રોજ પૂ. મોરારીબાપુએ સુવર્ણ કળશ ચડાવ્યો અને અંતરની પ્રસન્નતા વ્યક્ત કરી. સોરઠમાં જન્મ ધારણ કરીને સમાજની ઊન્નતિ માટે જીવતર હોડમાં મૂકનાર જગદંબા સ્વરૂપ પૂ.આઇશ્રી સોનબાઇમાના રૂડા આશિર્વાદનું પરિણામ નજરોનજર જોવા મળે તેવો આ પ્રસંગ ગણાય. પૂ. ભગતબાપુએ લખ્યું છે તેની પ્રતિતિ થઇ.
માડી તેં તો ખારારે ખેતરડાને ખેડ્યા,
માડી એમાં લીલીરે મોલાત્યું લેર્યે જાયરે..
ભેળિયાળી તારા ભામણાં.
સોરઠ સાથે તથા જૂનાગઢના આ ટ્રસ્ટ સાથે સંકળાયેલ એવુંજ બીજુ આભ ઊંચેરું નામ મેરૂભાબાપુનું છે. મેઘાણંદબાપાના પ્રતાપી પુત્ર એવા સમર્થ વ્યક્તિત્વ તથા ઉત્તમ કરણીનું દ્રષ્ટાંત પૂરું પાડનાર આ નરકેસરીનું સ્મરણ પણ આ પ્રસંગે થાય તે સ્વાભાવિક છે. સમાજને ઓળખ તથા દિશા પૂરી પાડવામાં ભગતબાપુ તથા મેરૂભાબાપુની જોડીએ ઐતિહાસિક કાર્ય કરેલું છે. આવી મિલકતો – સુંદર મકાનો જે હેતુ માટે તેનું નિર્માણ કરવામાં આવ્યું હોય તેમાં સારી રીતે તેનો ઉપયોગ કરવાનો ટ્રસ્ટના મોવડીઓનો નિર્ધાર પ્રશંસાપાત્ર છે. શ્રી લખુભાઇ તેમજ શ્રી પી.ડી.ગઢવી સહિતના અગ્રણીઓની ટીમે આ સમગ્ર કાર્યને ઘાટ આપવાનું મોટું કામ કર્યું છે તેવી હાજર રહેલા સૌને પ્રતિતિ થઇ હતી. હમણાંજ મુરબ્બી શ્રી લખુભાઇએ જૂનાગઢની કન્યાઓ માટેના છાત્રાલયનો અહેવાલ બહાર પાડ્યો. આ અહેવાલ જોતાં જણાય છે કે મોટી સંખ્યામાં દિકરીઓ આ સંસ્થાનો લાભ પ્રાપ્ત કરે છે. આ બધી દિકરીઓ જે રીતે અલગ અલગ કક્ષામાં અભ્યાસ કરીને તેમાં ઉચ્ચ ટકાવારી મેળવે છે તેનો ખ્યાલ પણ આ અહેવાલને જોતાં આવે છે. પૂ. આઇ તથા મેરૂભાના ઉજળા વારસાના આપણે વારસદારો છીએ તે નાના સુના ગૌરવની વાત નથી. આ ગૌરવ જાળવવાની વૃત્તિ તથા શક્તિ જગદંબા સમાજના સૌ સભ્યોને આપે તેવી પ્રાર્થના કરવી તે આ પ્રસંગે ઉચિત ગણાશે.
(ર) : આપણી મૂડી :
કેટલીક વ્યક્તિગત અથવા સામુહિક મૂડી એવી હોય છે કે તેનું મૂલ્ય તથા તેની ચમક ચિરંજીવી હોય છે. જેમ વેદ – ઉપનિષદોની વાણીનો પ્રવાહ કદી ઝાંખો થતો નથી તેમજ સમાજમાં જીવીને સંસ્કારધન કે વિદ્યાધનનો સંચય કરનાર મહામાનવોના કાર્યો તથા વિચારો દરેક કાળે પ્રેરણાદાયક હોય છે. તેના તરફ આપણી નજર રહે તો સ્વસ્થ સમાજના નિર્માણ માટે આવી મૂડીનો સામુહિક વારસો આપી જનારાઓ આજે પણ ઉપયોગી થઇ શકે તેવા છે. આ રીતે સમર્થ કવિઓની એક આકાશગંગા ચારણી સાહિત્યને જોતાં નજરે ચડે છે. માત્ર ચારણી સાહિત્યનેજ નહિ પરંતુ સમગ્ર સાહિત્યને આ કવિઓએ ઉજળું કરી બતાવ્યું છે. સાહિત્યમાં ઊંડાણ તથા ઊંચાઇના દર્શન કરાવ્યા છે. ડિંગળ-પિંગળના બંધારણમાં રચાયેલું સાંયજી ઝૂલાનું સાહિત્ય વિદ્વવાનોને પણ અહોભાવ થાય તેવું છે. બ્રહમાનંદ સ્વામી તથા દેવાનંદ સ્વામીના પદો આજે પણ મોટા જનસમૂહ માટે આકર્ષણનો વિષય છે. તેથી તે રચનાઓ સાંપ્રત સમયમાં પણ લોકપ્રિય છે. આવાજ એક ચિંતક-વિચારક-સંપાદક રાજય કવિ શ્રી શંકરદાનજી દેથાનું સ્મરણ અનેક પ્રસંગોએ થયા કરે છે. અનેક શારીરિક પ્રશ્નો, સાધનોની ઉણપ તથા સામાજિક સમસ્યાઓ વચ્ચે પણ તેમણે સાહિત્યની જે સેવા કરી છે તે અસાધારણ છે. અહોભાવ ઉપજાવે તેવું કાર્ય કરીને આ કબીરા ભગતે સમાજ પર પોતાનું રુણ ચડાવ્યું છે.
સત્યવકતા રંજન સભા કુશળ દીન હિત કાજ
બેપરવા દિલકા બડા, વો સચ્ચા કવિરાજ.
ઉપરનો દોહો જાણે શંકરદાનબાપુને આબેહૂબ લાગુ પડે છે. સત્યવકતા કેવા હોય તેમનું કવિરાજ જીવંત પ્રમાણ છે. જન્મભૂમિ ટ્રસ્ટના સ્થાપાક તથા નિડર પત્રકાર શ્રી અમૃતલાલ શેઠને કવિરાજે કહેલું : આ પરર રજવાડાઓની બહું ચિંતા ન કરશો, એતો બધા બ્રિટિશ દોરના નટવા છે. કેવી આર્ષ વાણી ! રાજાઓની જેમ યોગ્ય કાર્યો માટે પ્રશંસા કરી તેમજ જયાં તેમની વિલાસીતા જોઇ ત્યાં મૂળમાંથીજ ઠમઠોર્યા. (ઉર્મિનવરચના- ઓકટોબર-૧૯૭૨) પાટણાના સુપ્રસિધ્ધ દિગ્ગજ કવિ ઠારણભાઇ મહેડુના શંકરાનંદજી ભાણેજ થાય. ઠારણબાપુ જેવા લીલા છમ્મ, ઘેઘૂર તથા ભવ્ય વડલાની શાખાઓમાં સંસ્કાર હોય તે સહજ અને સ્વાભાવિક ઘટના છે. કવિરાજ શંકરાનંદજીના સર્જનોમાં તેમનો વ્રજ ભાષા પાઠશાળા ભૂજના અભ્યાસની અસર દેખાય છે. ભૂજ ઓછો સમય રહી અભ્યાસ કર્યો પરંતુ નિષ્ઠા – એકાગ્રતાને કારણે પ્રાપ્ત ઘણું કરી શકયા. માત્ર રપ વર્ષની ઉમ્મરે રાજકવિ તરીકે સ્થાપિત થવું તે ઓછા લોકોના ભાગ્યામાં લખાયેલું હોય છે. તેમના કાવ્યોની પ્રાસાદિકતા, અર્થગાંભીર્ય તથા કાવ્યશાસ્ત્રના બંધારણની મર્યાદાનું પાલન એ વિદ્વવાનોને ઊડીને આંખે વળગે તેવું છે. ડેલી પાસે પાંચ-પચીસ સાધુ સંતો તથા જરૂરીયાત મંદોની હાજરીથી તથા તેમને પીરસાતા ભોજનથી કવિરાજની પ્રતિષ્ઠામાં અનેક ગણો વધારો થયો હતો. ‘’ હરિરસ‘’, ’’દેવીયાણ તથા ‘’પાંડવ યશેન્દુ ચાન્દ્રિકા‘’ નું સંપાદન કરીને તેમણે સમાજ પર પોતાનું કાયમી રૂણ ચડાવ્યું છે. હરિરસના નિયમિત પઠનનું એક પ્રશંસાપાત્ર કાર્ય સુરેન્દ્રનગરમાં શ્રી અચળદાનભાઇ બોક્ષા તથા તેમના સાથીઓએ શરૂ કરાવ્યું હતું. આજે અનેક સમાજમાં તેનું ચલણ પ્રસ્થાપિત થયું છે. આપણી જૂની તથા અમૂલ્ય મૂડી એવા હરિરસનો અભ્યાસ તથા સામુહિક પઠન એ એક નવી દિશાનું આવકારદાયક પગલું છે. મેઘાણીભાઇ સાથે પણ શંકરદાનજીને સારા સબંધ હતા. સાહિત્યની અનેક વિગતો તેમણે પણ ઠારણબાપુની જેમ મેઘાણીભાઇને પુરી પાડી હતી કે દિશા-નિર્દેશ કરાવ્યો હતો. કવિરાજ શંકરાદાનજી, ભગતબાપુ તેમજ મેરૂભા જેવા હજુ નજીકના ભૂતકાળમાંજ થયેલા મહારથીઓની ઓળખ આપણી નવી પેઢીને રહે તે આપણાં સામૂહિક હિતમાં છે. Simple living and high thinking ના આ બધા જીવતા જાગતા તેમજ ઉજળા ઉદાહરણો છે.
(૩) : આપણાં ઘડવૈયા બાંધવ ! આપણે :
લગભગ અડધી સદી પહેલાં પ્રમાણમાં ઓછા વિકસિત એવા ભાલ-નળકાંઠાના વિસ્તારમાંથી (લીંબડી તા. સુરેન્દ્રનગર જિ.) આવીને સાવ અજાણ્યા પ્રદેશમાં પોતાનો કારોબાર શરૂ કરવો તે વાત સહેલી કે સામાન્ય નથી. કુટુંબ કે સમાજમાં પણ આવા કામમાં મદદ કે સલાહ આપનારા ઓછા મળી શકે. છતાં પણ મામૂલી મૂડી લઇને જગત ખેડવા નીકળનાર સમરથદાન ટાપરીયા (જાળીયાળા – કલોલ) ખરા અર્થમાં સમર્થ નીકળ્યાં ! વિજ્યા દસમીના દિવસે તા.૦૩/૧૦/૨૦૧૪ ના રોજ તેમણે તેમની પ્રોડક્ટ ટ્રેકટર તથા લોડિંગનું લોંચીંગ કર્યું તે આપણા સૌ માટે ગૌરવની ઘટના બની રહી. સમારંભમાં ઉપસ્થિત ભિન્ન ભિન્ન સમાજના અનેક સામાજિક અગ્રણીઓએ સમરથદાનના એક વ્યક્તિ તરીકે તથા એક વ્યવસાયકાર તરીકે ખૂલ્લા મને વખાણ કર્યાં. ઘણાં વર્ષોથી તેઓ બોરવેલ માટેના મશીનો બનાવે છે. તેમણે બનાવેલી રીંગોએ માત્ર રાજ્યનો નહિ પણ દેશનો ઘણો વ્યાપાર કબજે કરેલો છે. આફ્રિકન દેશોના બજારના ૭૦ % તેમણે હાંસલ કર્યો છે. યુરોપના કેટલાક ભાગમાં તેમના પ્રોડકટની માગ છે. પોતાના પ્રોડક્ટની ગુણવત્તા અંગે તથા ગ્રાહકોને સંતોષ આપવાના સંદર્ભમાં તેમનું વલણ તથા વ્યવસ્થા પ્રભાવિત કરે તેવા છે. સફળતા માટે આ બન્ને બાબતો પાયામાં રહેલી છે. આ બન્ને બાબતોથી તેઓ તથા તેમના પુત્ર સુભાષભાઇ સજાગ છે. આવી સફળતા મેળવ્યા પછી પણ તેમની નમ્રતા તથા સાદગી ખૂબજ નોંધપાત્ર છે. ખાસ તો આ સાફલ્ય ગાથા અંગે લખવાનું ખાસ કારણ એ છે કે એન્જિનિયરિંગ કોલેજોમાં અભ્યાસ કરતાં આપણાં વિદ્યાર્થી ભાઇ – બહેનોએ સમયની અનુકૂળતા મુજબ સમરથભાઇનું કલોલનું યુનિટ જોવું જોઇએ. તેમાં થતી કામગીરી તેમજ તેની તમામ વ્યવસ્થાનો અભ્યાસ કરવાથી કદાચ આપણાં ઉત્સાહ તેમજ નવલોહિયા યુવાનોને માર્ગદર્શન તેમજ દિશાનિર્દેશ મળી શકે તેમ છે. સમરથદાનનું આ માટે સૌને ખૂલ્લું નિમંત્રણ છે તે વાત તેઓ અનેક પ્રસંગે કહે છે. પરિશ્રમ કરવાના આ યુગમાં આવા ઉજળા પરિશ્રમીને વધાવીએ. સમર્થદાનભાઇની આ સફળતામાં તેમના કટુંબીજનોનો પૂર્ણ સહયોગ છે. ઝાલાવાડના અગ્રણી શ્રી ગોપાલદાનભાઇ ટાપરીયાનું સ્મરણ આ પ્રસંગે થયું. તેઓએ સમર્થદાનભાઇને તેમની કારકિર્દીનાપ્રારંભિક તબક્કે ઉત્સાહ તથા બળ પૂર પાડ્યા હતા. ઉદ્યમ કરવાથીજ સફળતા મળે છે માત્ર મનોરથ કરવાથી નહિ તેવી ઉક્તિને સમર્થદાનભાઇએ પૂરવાર કરી બતાવી છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment