મળતાં….. હળતાં …..કાયમ સૌરભ કાગ

  તા.૨૫/૧૧/૨૦૧૪ ના રોજ સમાજના ભાઇઓની તલગાજરડા મુકામે યોજનાયેલી બેઠક અનેક રીતે વિશિષ્ટ તથા યાદગાર હતી. વિશિષ્ટ હોવાનું એક મહત્વનું કારણ એ કે આ મીટીંગ વરિષ્ઠ તથા બલિષ્ઠ એવા હનુમાનજી મહારાજની પૂરા કદની ભવ્ય મૂર્તિના સાનિધ્યમાં યોજવામાં આવી હતી. ઉપરાંત આ મીટીંગમાં સંત પરંપરાના દિગ્ગજ પૂ. મોરારીબાપુ તથા આઇ પરંપરાના સાધક, ઉપાસક અને માતૃતુલ્ય પૂ. કંકુ કેસરમાં પણ આશિર્વાદ આપવા ઉપસ્થિત હતા. સમાજના ભાઇઓ રાજસ્થાન – મધ્યપ્રદેશ ઉપરાંત ગુજરાતના અનેક ભાગોમાંથી મોટી સંખ્યામાં આવ્યા હતા. મજાદરથી કાગ પરિવારના સૌ સભ્યો તેમજ તે પરિવારના નિકટના સ્નેહીજનો પણ હાજર હતા. મજાદર તેમજ આસપાસના ગામોમાંથી પણ અનેક શુભેચ્છકો હાજર હતા. પૂ. બાપુએ જૂન-૨૦૧૩ માં ભાવનગર બોર્ડિંગના સમારંભમાં એક રામકથા મજાદરમાં કરવાની જાહેરાત કરી હતી. પૂ.બાપુની આ સ્નેહસભર ઐતિહાસિક જાહેરાતને સૌએ વધાવી લીધી હતી. આ વાતના સંદર્ભમાંપૂ. મોરારીબાપુએ તલગાજરડાની ઉપરોકત મીટીંગનું આયોજન કર્યું હતું.   પૂ.બાપુએ જાહેરાત કરી કે આ રામકથા મજાદર ખાતે તા.૨૧/૦૨/૨૦૧૫ થી તા.૦૧/૦૩/૨૦૧૫ સુધી યોજવામાં આવશે. તેમણે સમાજના તમામ ભાઇ-બહેનોને આ કથામાં હાજરી આપવા નિમંત્રણ આપ્યું હતું. હાજર રહેલા ચારણેતર સમાજના ઘણાં ભાઇઓએ પણ આ કથા અંગે પોતાનો આનંદ વ્યક્ત કરીને સહયોગ આપવાની પૂરી તૈયારી બતાવી હતી. પૂ. કંકુ કેસરમાએ ભગતબાપુની ભૂમિ પર કથાનું આયોજન થાય છે તે માટે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરીને આશિર્વાદ પાઠવ્યા હતા.

પૂ. મોરારીબાપુએ ભગતબાપુ તરફ તેમજ જગદંબા સ્વરૂપ પૂ. સોનલમા તરફનો પોતાનો ભાવ અલગ અંદાજથી વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે ચારણી સાહિત્ય એક વિદ્યા છે જે સમાજને દોરે છે અને જોડે છે. પૂ. ભગતબાપુ તરફનો સ્નેહ તથા આદર પ્રગટ કરતા તેમણે કહ્યું કે ભગતબાપુ ના તથા મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના પ્રભાવ હેઠળ તે વિસ્તારના અનેક લોકો હતા. આ બન્ને મહાપુરુષોના જીવન ઉજળા તથા સમાજ માટે પ્રેરણાના સ્ત્રોત સમાન હતા તેનો પણ તેમણે ભાવપૂર્વક ઉલ્લેખ કર્યો હતો. આ નાના એવા પ્રસંગની ગરીમા કોઇને પણ સ્પર્શી જાય તેવી હતી. પૂ. આઇ શ્રી સોનબાઇ મા ના આદેશો તથા પૂ. ભગતબાપુના જીવનનો વારસો આપણું તથા આવતી પેઢીઓનું સામર્થ્ય ઘડવામાં તેમજ તેને ટકાવી રાખવામાં પ્રેરક-માર્ગદર્શક બની રહે તેવી પ્રાર્થના આ શુભ પ્રસંગની સ્મૃતિમાં જરૂર કરી શકાય. ઐતિહાસિક ઘટનાને વધાવવાની આ ક્ષણ છે.

(વી. એસ. ગઢવી)

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑