: પોલીસ – પ્રજાનો સુમેળ : સ્વસ્થ સમાજની રચનાનું આવશ્યક અંગ : 

પોલીસ તથા સામાન્ય જનતા વચ્ચેના સુમેળભર્યા સંબંધો માત્ર ઇચ્છનિય નહિ પરંતુ આવશ્યક પણ છે. લોકોની જ્યારે પોલીસ તરફ સન્માનપૂર્વક જોવાની દ્રષ્ટિ કેળવાય ત્યારે પરિસ્થિતિમાં નોંધપાત્ર એવા ગુણાત્મક સુધારા માટે પૂરતો અવકાશ છે. જો કે આવી સ્થિતિના સર્જન માટે પોલીસ કર્મચારીઓની પહેલ એ પાયાની શરત છે. બાળઉછેરના શાસ્ત્રને જેમણે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોઇને આ વિષયને નવી દ્રષ્ટિ આપી તે પ્રસિધ્ધ કેળવણીકાર શ્રી ગિજુભાઇ બધેકાના આ વિષયમાં ચોક્કસ વિચારો હતા. તેઓ કહેતા કે બાળકોને અનેક પ્રકારના ભય બતાવવામાં આવે છે તેમાં એક ભય પોલીસનો પણ બતાવવામાં આવે છે. આ કારણસર બાળમાનસમાં પ્રથમથીજ પોલીસ તરફ અણગમાની ભાવના કેળવાય છે જે મનના ઊંડા ખૂણે સચવાઇને રહે છે. આથી મોટા થયા બાદ પણ વ્યક્તિ યુનિફોર્મ્ડ સર્વીસના લોકો સાથે સ્વસ્થ તથા નિખાલસ સંબંધ બાંધી શકતાં નથી. આવી સ્થિતિને કારણે સ્વસ્થ નાગરિક – પોલીસ સંબંધ પાંગરતા નથી. આથી માબાપ તથા શિક્ષકોએ પોલીસનો કે અન્ય કોઇપણ કાલ્પનિક ભય બાળકના મનમાં રોપવો જોઇએ નહિ. હકિકતમાં ગુજરાતના કેટલાક શહેરો – નગરો કે જ્યાં ટ્રાફિકના નિયમોની જાણકારી આપવામાં આવે છે ત્યાં કિશોર તેમજ તરુણ વિદ્યાર્થીઓ પોલીસના સારા સંપર્કમાં આવે છે. આ પ્રકારે તાલિમબધ્ધ યુવાનો ટ્રાફિકના નિયમો તરફ તો સજાગ થાય છેજ પરંતુ સાથે સાથે પોલીસ તેમજ તેમની કાર્યપધ્ધતિથી યુવાનો વાકેફ પણ થાય છે. તેમના મનમાં કોઇ ગેરસમજ કે પૂર્વગ્રહ હોય તો તેનો પણ આવા સંપર્કથી અંત આવે છે. આથી પોલીસ તથા જનતા વચ્ચેના સારા સંબંધો પ્રસ્થાપિત કરવામાં નિયમિત સંપર્ક એક મજબૂત તેમજ અસરકારક માધ્યમ તરીકે કામ કરી શકે. ગુજરાતમાં છેલ્લા થોડા વર્ષોમાં પોલીસ તરફથી પણ સારી પહેલ કરીને લોકો સુધી પહોંચવાનો પ્રયાસ સફળતાપૂર્વક કરવામાં આવ્યો છે. સુરક્ષા સેતુ જેવી યોજનાઓ આ પ્રકારના image makeover ના કાર્યમાં ઉપયોગી પુરવાર થઇ છે. સમાજના vulhurable section ને જ્યારે પ્રતિતિ થાય કે પોલીસ ફોર્સના લોકો તેમની સમસ્યાઓના નિકાલ માટે વિશેષ જાગૃત છે તો આપોઆપ સમાજના એક મોટા વર્ગની સહાનુભૂતિ તેમજ આદર પોલીસને મળે છે. તાજેતરમાંજ પ્રસિધ્ધ થયેલાં કેટલાક અહેવાલો અનુસાર પોલીસ વરિષ્ઠ નાગરિકોની સંભાળ લેવા માટે એક વિશેષ સવલત કે વ્યવસ્થા ઊભી કરે છે આ પ્રકારની ચોક્કસ વ્યવસ્થા ઊભી કરવાના કારણે સલામતીની ખેવના માટે થોડા ચિંતિત રહેનાર લોકોને મોટી રાહત તેમજ આશ્વાસન પ્રાપ્ત થાય છે. આ પ્રકારનો    pro-active અભિગમ પોલીસની સેવા પ્રિયતાની છાપ પણ ઊભી કરે છે. યુરોપના દેશોમાં પોલીસની પ્રજા મિત્ર હોવાની છાપ જે વર્ષોથી પ્રસ્થાપતિ થઇ છે તે આવા સેવાલક્ષી તથા વિધેયાત્મક અભિગમને કારણેજ થયેલી છે. બીજી તરફ સમાજના લોકોએ પણ પોલીસ ફોર્સના સભ્યોની સેવાકાળની હાડમારીઓ સમજવી જોઇએ. આ પ્રકારની સમજ કેળવાય તો આપોઆપ સહાનુભૂતિ પણ પ્રગટ થશે. કલાકો સુધી બંદોબસ્તમાં રોકાઇ રહેતા આ દળના યુવાનો પણ અંતેતો નોકરીની વધારે સારી સ્થિતિ તથા સમાજનો ઉષ્માભર્યો પ્રતિભાવ ઇચ્છે તે સ્વાભાવિક છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓની મારી કામગીરી દરમિયાન ઘણાં કાર્યક્ષમ તથા સજાગ પોલીસ કર્મચારીઓ તેમજ અધિકારીઓ જોવા મળ્યા છે. સમાજમાં સારી છાપ ધરાવતા આવા લોકોને કારણે રાજ્યની એકંદર કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ નોંધપાત્ર રીતે સારી રહી છે તેમ ચોક્કસ કહી શકાય. છેલ્લા થોડા સમયથી જે નવયુવાનોની ભરતી પોલીસમાં થઇ છે તેમના ઉચ્ચ શિક્ષણ તથા ટેકનોલોજીના ઉપયોગની તેમની કૂશળતા જોતાં ભવિષ્યમાં પરિસ્થિતિ વિશેષ સાનુકૂળ થઇ શકે તેવા ઉજળા સંજોગો જોઇ શકાય છે. અંતે તો સમાજનો મોટા ભાગનો વર્ગ સ્વેચ્છા તથા સમજદારીથી કાયદાનું ચિવટથી પાલન કરવાની મનોવૃત્તિ કેળવે તથા પોલીસ આવા જવાબદાર નાગરિકો તરફ આદરપૂર્વક વ્યવહાર કરે તો બન્ને વચ્ચે સુમેળભર્યા સંબંધો સ્થાપવાનું કામ અશક્ય કે અઘરું નથી. જરૂર છે માત્ર આપણાં સૌના સામુહિક તથા સતત પ્રયાસોની.   અસ્તુ.    

( વી.એસ.ગઢવી )

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑