: દાદા સાહેબ માવળંકર : દીવાદાંડી સમાન વ્યક્તિત્વ :

સ્વરાજ્ય હોવું એ નાનાસુના ગૌરવ કે વિશેષાધિકારની વાત નથી. વિશ્વના અનેક દેશોના વિશાળ જનસમૂહને લોકશાહીનો તેમજ સ્વસાશનનો લાભ પૂર્ણરૂપે આજે પણ મળતો નથી. તે બાબતમાં તેમનો અજંપો પણ અવારનવાર પ્રગટ થતો રહે છે. એક અંદાજ પ્રમાણે સંપૂર્ણ લોકશાહી વ્યવસ્થાનો લાભ મેળવતો વૈશ્વિક જનસમૂહ કૂલ વસતીના માત્ર ૫૦% જેટલો છે. આથી વિશ્વના આશરે અડધો અડધ જનસમૂહને લોકશાહી કે સ્વરાજ્યના મૂળભૂત અધિકાર સિવાય જીવવાની ફરજ પડે છે. આજકાલ જેના સમાચાર ખૂબ વાંચવા – સાંભળવા મળે છે. હોંગકોંગમાં યુવકો-વિદ્યાર્થીઓ પ્રેરીત UMBRELLA REVOLUTION પાછળની ભાવના તો લોકશાહી અધિકાર પ્રાપ્ત કરવા માટેનીજ છે. આવા વૈશ્વિક ચિત્રની સામે આપણાં દેશની લોકશાહી વ્યવસ્થાપન તરફ જોઇએ ત્યારે આનંદ સાથેજ ગૌરવની લાગણી થાય છે. આ સંપૂર્ણ વ્યવસ્થા આપણાં બંધારણ થકી તેમજ કાળક્રમે ઊભી થયેલી આપણી મજબૂત સંસદીય પ્રણાલિકાઓને કારણે દિન-પ્રતિદિન વિકસતી રહી છે. ભારતની લોકસભા તથા રાજ્યોની વિધાનસભાઓનું ગઠન તથા ત્યારબાદ તેનું સંચાલન હેતુપૂર્ણ રીતે થવાથી લોકોની શ્રધ્ધા તેમાં કેન્દ્રિત થઇ છે. આ સંસદીય લોકશાહી પ્રથાના મૂળ માળખા અંગે કોઇ ફેરફાર કરવામાં આવે તો જનસમૂહને એ માન્ય રહેતો નથી. મજબૂત તથા અનુભવી ન્યાયપ્રથા પણ આવી કોઇ ક્ષતિ માટે જાગૃત વલણ દાખવતી રહી છે. આ પ્રથાના નિર્માણમાં ગાંધીજી તથા ડૉ. બાબસાહેબ આંબેડકરની દીર્ઘદ્રષ્ટિતાનું દર્શન થાય છે. 

દેશમાં આજે જે સંસદીય પ્રથા જીવંત તથા ધબકતી જોવા મળે છે તે પ્રથાના મજબૂત પાયા નાખવામાં બે ગુજરાતી મહાનુભાવોનો સિંહ ફાળો છે. શ્રી વિઠ્ઠલભાઇ પટેલ તથા શ્રી ગણેશ વાસુદેવ માવળંકર (દાદાસાહેબ માવળંકર)નું આ બાબતમાં જે યોગદાન છે તે અદ્વિતિય છે. સ્વતંત્ર ભારતની લોકસભાના પહેલા સ્પીકર શ્રી દાદાસાહેબની જન્મજયંતિ તા. ૨૭ નવેમ્બરના રોજ આવતી હોવાથી તેમના અમૂલ્ય યોગદાનને પુન: યાદ કરવાનો આ સમય છે. કાકાસાહેબ કાલેલકરને જેમ ‘‘સવાઇ ગુજરાતી’’ કહી શકાય તેમ દાદાસાહેબના કટુંબને પણ મહારાષ્ટ્રમાંથી આવી ગુજરાતમાં સ્થાયી થનાર એક સુપ્રસિધ્ધ કુટુંબ કહી શકાય. ગુજરાતના તેમજ દેશના વિકાસમાં આ કુટુંબનો નોંધપાત્ર ફાળો છે. 

દાદાસાહેબે જેમ સંસદીય પ્રણાલિકાઓ ઊભી કરવામાં પોતાનું યોગદાન આપ્યું તેજ રીતે અમદાવાદ શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે પણ તેઓએ શહેરના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો. (૧૯૩૦) શૈક્ષણિક ક્ષેત્રમાં કાર્યક્ષમ રીતે કાર્ય કરીને પોતાની ઉપયોગિતા સિધ્ધ કરી શકે તેવી સંસ્થાઓના નિર્માણ માટે અમદાવાદ તથા ગુજરાત દાદાસાહેબનું રુણિ રહેશે. ગુજરાતમાં ઉચ્ચશિક્ષણના ક્ષેત્રમાં મજબૂત બીન સરકારી સંસ્થા ઊભી કરવાનો તેમનો નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ એ તેમની દૂરંદેશીતા સૂચવે છે. અમદાવાદ એજ્યુકેશન સોસાયટી તથા તેની સાથે જોડાયેલી સુવિખ્યાત કોલેજો આજે પણ દાદાસાહેબના જીવંત સ્મારક સમાન કાર્યરત છે. દાદાસાહેબની નિષ્ઠાને કારણે અમદાવાદના શ્રેષ્ઠિઓની ઉદાર નાણાકીય સખાવત તેઓ મેળવી શક્યા અને તે રીતે તેમણે સરસ્વતી સાધનાનું આ ઐતિહાસિક કાર્ય કર્યું.  

કેન્દ્રિય ધારાસભાના અધ્યક્ષ તરીકે તેમજ ત્યારબાદ તેનું ભારતીય સંસદમાં રૂપાંતર થતાં તેના પ્રથમ અધ્યક્ષ બનવાનુંમાન તેમને પ્રાપ્ત થયું. ૧૯૫૨ માં લોકસભાની પ્રથમ ચૂંટણી બાદ તેના અધ્યક્ષપદ માટે પણ દાદાસાહેબનીજ પસંદગી થઇ તે તેમની કાર્યનિષ્ઠા તથા સૂઝની પ્રતિતિ કરાવે છે. તે દાદાસાહેબની ઊંડી કાનૂની સૂઝ તથા દ્રષ્ટિને કારણે સંસદની કાર્યપ્રથા ગોઠવવામાં સરળતા રહી. તેમણે પ્રસ્થાપિત કરેલી સંસદની બિઝનેસ એડવાઇઝરી કમિટિ તથા ખાતરી સમિતિ આજે પણ તેની ઉપયોગિતાને કારણે કાર્યરત છે. 

દાદાસાહેબે તેમના લાંબા જાહેર જીવનના સમયકાળ દરમ્યાન જે કોઇ જવાબદારી સ્વીકારી તે દરેક કામગીરીને તેમણે સરખીજ નિષ્ઠાથી દીપાવી, મુંબઇ ધારાસભાના સ્પીકર તરીકે (૧૯૩૭ થી ૧૯૪૬) પણ પોતાની વિશિષ્ટ કાર્યશૈલીની આગવી છાપ તેમણે ઉભી કરી, તે પહેલાં અમદાવાદ મ્યુનિસિપાલીટીના પ્રમુખ તરીકે શહેરના સર્વાગી વિકાસ માટે જે કાર્યો કરવા જરૂરી હતા તે દરેક કાર્ય ઉપર તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યુ. રીલીફ રોડના વિકાસનું આયોજન, કાંકરીયા તળાવને રમણીય બનાવવાનું આયોજન તેમજ શહેરની સ્વચ્છતા જાળવવા માટેની મૂળભૂત બાબતો તરફ તે સમયે તેમણે ચિવટથી ધ્યાન આપીને કામગીરીને વેગ આપ્યો હતો. હાલની ગુજરાત યુનિવર્સિટીને ઉભી કરીને તેનું વિશાળ માળખું ગોઠવવાના કામને તેમણે અગ્રિમતા આપી. એજ રીતે અમદાવાદ એજયુકેશન સોસાયટીની સ્થાપના પણ તેમણે શેઠશ્રી કસ્તુરભાઇ જેવા શ્રેષ્ઠીઓનો સહયોગ લઇને કરી. એજ રીતે ગુજરાતની સુપ્રસિધ્ધ એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના માટે પણ તેમણે સંપૂર્ણ આયોજન કર્યુ તથા તે કામ પાર પાડવા માટે કૂનેહપૂર્વક આર્થિક સહયોગ મેળવ્યો. એક વકીલ તરીકે પણ તેમણે આર્થિક ઉપાર્જન નહિ પરંતું લોકો દાવાદૂવી આગળ વધારી કડવાશ ઉભી કરે તેના બદલે સમજપૂર્વકના અને ન્યાયી સમાધાન થાય તેમાં તેમણે વિશેષ રસ લીધો. જાહેર નાણાંના વહીવટમાં સંપૂર્ણ કાળજી અને ચીવટ એ તેમના લોહીમાં વણાયેલી બાબતો હતી. જીવનમાં જે કોઇ પાત્ર ભજવવાનું આવે તે ઉત્તમ રીતે જ ભજવવું તે વાત તેઓ ભારપૂર્વક કહેતા અને તે મુજબ આચરણ કરતા હતા. અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે શહેરનો સવારે રાઉન્ડ લેવા નીકળે ત્યારે પોળોની જાહેર ચકલીઓ તથા ઘરની બહાર કોઇ નળ ચાલુ હોય અને પાણીનો બગાડ થતો હોય તો જાતે ઉભા રહીને નળ બંધ કરતા. ઉમદા આચરણ અને પારદર્શક સચ્ચાઇના કારણે તેમણે સૈાનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. એ ખૂબ સ્વાભાવિક છે કે તેમના આ વ્યકિતગત ઉમદા ગુણોને ધ્યાનમાં રાખીનેજ ૧૯૪૦-૪૧ના વર્ષોમાં વ્યકિતગત સત્યાગ્રહી તરીકે ગુજરાતમાંથી સરદાર પટેલ પછી બીજા ક્રમે ગાંધીજીએ તેમની પસંદગી કરી હતી. ગોરો વર્ણ, ભરાવદાર શરીર તેમજ તેજસ્વી મુખમુદ્રા ધરાવતા દાદાસાહેબ કુટુંબના દરેક સભ્ય માટે પણ એક અખંડ પ્રેરણાસ્ત્રોત સમાન હતા. ભવિષ્યમાં એક નીડર, અભ્યાસુ તથા સફળ સાંસદ બનનાર શ્રી પુરુષોત્તમ માવળંકર તથા તેમના અન્ય ભાઇઓના વિકાસમાં દાદાસાહેબની મેઘાવી પ્રતિભાનું પ્રતિબિંબ પડે છે. ગુજરાત વિદ્યાસભસાના પ્રમુખ રહીને તેમણે સાહિત્ય તથા સંશોધનના ક્ષેત્રમાં પણ નોંધપાત્ર માર્ગદર્શન આપ્યું. પોતે સારા ચિત્રો દોરી શકતા અને કળા તથા સાહિત્યને લગતી બાબતોમાં તેમને ઊંડી સૂઝ હતી. આઝાદીના જંગમાં પણ તેઓ હંમેશા સક્રિય હતા.

શ્રી પુરૂષોત્તમ માવળંકરના સંભારણામાં એ બાબતનો ઉલ્લેખ છે કે ૧૯૪૯માં શ્રી પુરૂષોત્તમ માવળંકરના લગ્ન પ્રસંગે દિલ્હીથી સરદાર વલ્લભભાઇએ સ્વહસ્તે પત્ર લખીને આશિષ પાઠવવા સાથે લખ્યું કે દાદાસાહેબની પ્રતિષ્ઠા ગુજરાતમાં જ નહિ પરંતુ વિશ્વભરમાં ફેલાયેલી છે અને તેમાં ઉમેરો ન થાય તો કમસે કમ ઘટાડો ન થાય તેવી ખાસ તકેદારી રાખવી. દાદાસાહેબે તેમના પુત્રોમાંથી કોઇને જાહેરજીવનના ક્ષેત્રમાં પોતાની કીર્તિના ટેકે ઉભા કરવા કે આગળ લાવવા સહેજ પણ પ્રયાસ કર્યા નથી.

લગભગ સાત દાયકાના જીવનમાં દાદાસાહેબે દેશ આઝાદ થયો હતો તેવા પડકારભર્યા સમયમાં અનેક ક્ષેત્રોમાં પોતાની કાર્યનિષ્ઠા થકી નવા માપદંડો ઊભા કર્યા. ભગવદ્ ગીતા પરત્વેની તેમની શ્રધ્ધા તેમના કર્મયોગમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. આચરણના ઊંચા મૂલ્યો સ્વેચ્છાપૂર્વક પાળીને તેઓ ઉજળું જીવન જીવ્યા. ૨૭ ફેબ્રુઆરી-૧૯૫૬ ના રોજ થયેલા તેમના નિધનથી ગાંધીયુગની આકાશગંગાનો એક ચમકતો સિતારો અસ્ત પામ્યો. પંડિત નહેરૂજીએ તેમને ‘‘લોકસભાના પિતા’’ કહીને બીરદાવ્યા તેમાં સમગ્ર રાષ્ટ્રની દાદાસાહેબ તરફની લાગણીનો પ્રતિધ્વનિ સંભળાય છે. 

( વી.એસ.ગઢવી )

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑