આદિવાસી ભાઈ-બહેનોના ગીતોમાં સ્નેહ, મધુરતા તેમજ સચોટતાના ભાવ આબેહૂબ પ્રગટતા જોવા મળે છે. દેશની આઝાદીના ઉષાકાળે ગવાયેલા આવા ગીતો પૈકીના એક ગીતની બે પંક્તિઓ ફરી ફરી સાંભળવી ગમે તેવી છે.
‘‘ જવાહર સંભાળે દેશના સુકાન,
વલ્લભ વીરલો ફેરવે આણ રે…’’
આ અર્થપૂર્ણ પંક્તિઓમાં કહેવાયું છે તેમ વલ્લભ વીરલાની આણ પ્રવર્તતી ન હોત તો આઝાદી મળ્યા પછી દેશની સ્થિતિ કેવી હોત તેનો વિચાર કરતાં પણ કંપી જવાય છે. ભોળા વનવાસીઓએ સરદાર સાહેબની શક્તિનો જે ભાવ સહજ રીતે ઝીલ્યો તેનો તાપ બ્રિટીશ શાસકોએ પૂરેપૂરો અનુભવ્યો હતો. જાન્યુઆરી-૧૯૪૭ માં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ‘ટાઈમ’ મેગેઝીનના કવર પેજ ઉપર સરદારનો ફોટો તથા મેગેઝીનમાં સરદારની વાત એ આ સંદર્ભમાં સૂચક છે. બ્રિટીશ હિન્દના શાસકો જ નહિ પરંતુ ચબરાક તથા અભ્યાસુ મીડીયા જગતને પણ પ્રતિતિ છે કે જેનો ઉકેલ અસંભવિત જણાતો હોય તેવા પ્રશ્નો પણ ઉકેલવાની વહીવટી શક્તિ ધરાવતા આ નરકેસરી બ્રિટીશરોના ગયા પછી પણ હિન્દને વિઘટન-Disintegration- ના માર્ગે જતું રોકી શકશે. સરદાર સાહેબે તેમના વાણી, વર્તન તથા નિર્ણયોથી આ બાબત પુરવાર પણ કરી બતાવી. દેશના વિભિન્ન ભાગો તથા તેના ભિન્ન ભિન્ન શાસકોને જોડવાનું કામ કરીને સરદાર પટેલે ટૂંકા સમયમાં એક ગરિમાપૂર્ણ ઈતિહાસનું સર્જન કર્યું. કવિ શ્રી ચં.ચી. મહેતા એ વાત થોડા શબ્દોમાં સુંદર રીતે મૂકી છે.
‘‘ ભારત ભાગ્ય વિધાતા વલ્લભ,
ઐસો નર પૃથ્વી મહીં દુર્લભ ! ’’
એ બાબત સુવિદિત છે કે બ્રિટીશ હિન્દ સિવાયના દેશી રજવાડાઓના મોટા વિસ્તારના રાજવીઓની ઈચ્છા તથા તેમના નિર્ણય પર દેશની વસતીનો એક વિશાળ સમૂહ અવલંબિત હતો. તેમાં ભાવનગર જેવા રજવાડાના દીર્ઘદ્રષ્ટા રાજવી હતા તો સામે જૂનાગઢના નવાબ જેવા મહત્વાકાંક્ષી તથા અવિચારી શાસકો પણ હતા. કાશ્મીર તથા હૈદરાબાદના વિકરાળ પ્રશ્નો આઝાદીના ઉષાકાળે બિહામણા લાગતા હતા. સત્તા, સ્વાર્થ તથા વ્યક્તિગત મહત્વાકાંક્ષીઓના આવા ઘટ્ટ આવરણને વિંધવાનું તથા દેશને જોડવાનું કામ સરદાર સાહેબના શીરે હતું. સરદારને જ્યાં જે ઉપાય દેશહિતમાં સર્વોત્તમ લાગ્યો તેનો ઉપયોગ કરીને એક પછી એક પ્રશ્ન કળ તથા બળ બંન્નેનો ઉપયોગ કરીને ઉકેલતા ગયા. નબળી શારિરીક સ્થિતિ, ગાંધીજીની વિદાય તથા કેબીનેટમાં અનેક બાબતોમાં અભિપ્રાય ભિન્નતાની મર્યાદાઓ વચ્ચે છીન્ન- વિછીન્ન રાષ્ટ્રને સુરાષ્ટ્રમાં ફેરવીને જ ઝંપ્યા. ભોપાલના નવાબના ભારત સાથે રહેવાના નિર્ણયને ભારોભાર વિવેક તથા વિનયથી વધાવતા સરદાર હૈદરાબાદના શાસક સાથે જુદી ભાષામાં વાત કરીને પોતાનો મિજાજ પ્રગટ કરે છે. વિચક્ષણ તથા કાબેલ વહીવટકર્તાનો ઉત્તમ નમૂનો તેઓના રાજાઓ સાથેના વ્યવહાર તથા વાટાઘાટોમાંથી થાય છે. હૈદરાબાદમાં શ્રી ક.મા.મુનશીને ભારત સરકારના પ્રતિનિધિ તરીકે મોકલવા પાછળ સરદાર પટેલની ઊંડી રાજકીય સૂઝ હતી. હૈદરાબાદનો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય ન બને તેની ચિંતા ગાંધીજીને પણ હતી. મુનશીની ધીરતા, તેજસ્વીતા તથા કાનૂની બાબતોની ઊંડી સમજને કારણે આ પ્રશ્નનો ઉકેલ સરળ થશે તેવી સરદારની માન્યતા સંપૂર્ણ રીતે સાચી પુરવાર થઈ. જાહેર વહીવટમાં યોગ્ય વ્યક્તિની યોગ્ય કાર્ય માટેની પસંદગી એ વહીવટકર્તાની સફળતા માટેની અનિવાર્ય શરત છે. હૈદરાબાદ કે જૂનાગઢના કિસ્સાઓમાં આકરા નિર્ણયો કરવાની સરદારની શક્તિનો અનેરો લાભ સ્વતંત્ર રાષ્ટ્રને મળ્યો. ડૉ. રાજેન્દ્ર પ્રસાદને સરદારમાં મુત્સદ્દાગીરી, દ્રઢતા તથા વિશાળ વહીવટી સૂઝના ત્રિવેણી સંગમનું દર્શન થતું હતું તે યથાર્થ છે.
દેશના પ્રશ્નો ઉકેલવામાં જે અસાધારણ વહીવટી કુનેહ સરદાર સાહેબે દેખાડી તેવી જ કુનેહના દર્શન તેમણે હાથ પર લીધેલા તમામ કાર્યોમાં થાય છે. અમદાવાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે (૧૯૨૪) પણ શહેરના વિકાસ માટેના મજબૂત પાયા તેમણે નાખ્યા. અમદાવાદ શહેરનું આજે પણ ગૌરવ ગણાય તેવી એમ.જે. લાયબ્રેરી હોય કે વી.એસ. હોસ્પિટલના નિર્માણની બાબત હોય ત્યાં વલ્લભભાઈના યોગદાનની સ્પષ્ટ છાપ જોઈ શકાય છે. આવી સુવિધાઓ ઊભી કરવામાં તેમની વહીવટી શક્તિ તથા અસાધારણ નિષ્ડાને કારણે શ્રેષ્ઠિઓનો સહયોગ તેમજ ગાંધીજીના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. અમદાવાદ નગરપાલિકામાં આગ્રહપૂર્વક ભાઈકાકાને લાવવામાં સરદાર સાહેબની માણસને પારખવાની શક્તિના પુન: દર્શન થાય છે. સ્થાનિક વહીવટમાં પ્રજાહિતના કાર્યો અસરકારક, ઝડપી થવા પરિણામલક્ષી બનાવવાના ધોરણોની અમદાવાદ નગરપાલિકામાં સરદાર સાહેબે સ્થાપના કરી. તે આજે પણ એટલા જ પ્રસ્તુત તથા પથદર્શક છે.
આપણા માધ્યમોમાં અવારનવાર ખેત ઉત્પાદન તથા દૂધ ઉત્પાદનના વ્યવસાયમાં ખેડૂતો-ઉત્પાદકોનું હિત જાળવવાની બાબત અંગે ચર્ચાઓ થતી રહે છે. ખેડા જિલ્લાના દૂધ ઉત્પાદકોના પ્રશ્નો સરદાર સાહેબથી અજાણ્યા હોઈ શકે નહિ. દૂધનો વ્યવસાય માત્ર ખાનગી રાહે વેપારીઓ પર છોડી દેવામાં આવે તો દૂધ ઉત્પાદકોનું લાંબાગાળાનું હિત જળવાય નહિ. આથી આઝાદી મળ્યા પહેલા દૂધ તથા દૂધ ઉત્પાદનનું કામ સહકારી ધોરણે વિકસાવવા માટે તેમણે વિચાર કર્યો. આ ક્રાંતદ્રષ્ટા મહામાનવ દરેક કાર્ય માટે યોગ્ય તથા ઉત્તમ વ્યક્તિની કાર્યના સુચારુ અમલીકરણ માટે પસંદગી કરતા હતા. આથી આ કાર્ય માટે તેમણે શ્રી ત્રિભુવનદાસ પટેલની પસંદગી કરી. આજે ગુજરાતમાં સહકારી ધોરણે દૂધની પ્રક્રિયા તથા તેની વિવિધ પ્રોડક્ટનું વેચાણ એ ગુજરાતની ઓળખ બની છે. આ જ્વલંત કાર્ય પાછળ પણ સરદાર પટેલની દ્રષ્ટિ તથા ત્રિભુવનદાસભાઈની નિષ્ઠા પડેલા છે. એક વિચક્ષણ વહીવટકર્તા જે માળખું ઊભું કરે તે મજબૂત, પ્રજાહિતકારી તથા ટકી રહે તેવું હોય તેની પુન: પ્રતિતિ આ સફળ ગાથાના પાયામાં પડેલી છે.
સરદારના વ્યક્તિત્વના અનેક પાસાઓમાં એક કાબેલ તથા દીર્ઘદ્રષ્ટિવાળા વહીવટકર્તા તરીકેનું તેમનું યોગદાન ઉજ્વળ છે. દેશનું હિત હોય ત્યાં કોઈની પણ શેહ શરમ રાખ્યા સિવાય નિર્ણય કરવાની તથા થયેલા નિર્ણયનો અમલ કરવાની તેમની શક્તિ અસાધારણ હતી. ટૂંકા, સ્પષ્ટ તથા મુદ્દાસરના લખાણ તેમજ વિચારોની સ્પષ્ટતા એ સરદાર સાહેબના સફળ વહીવટકર્તા તરીકેના વ્યક્તિત્વના અભિન્ન અંગ સમાન હતા. વહીવટ કરકસર યુક્ત હોય તથા જીવન સાદગી ભરેલું હોય તે બન્ને બાબતોમાં ગાંધીજીના વિચારોથી તેઓ સૌથી નજીક હતા. આ બન્ને ગુણો તેમને સહજ રીતે વરેલા હતા. આજના સંદર્ભમાં પણ સરદાર પટેલની વહીવટી પ્રશ્નો સમજવાની તેમજ તેને ઉકેલવાની શક્તિ માર્ગદર્શક બને તેવી છે. સાથે કામ કરતા અધિકારીઓનો વિશ્વાસ સંપાદન કરવામાં તેઓ હંમેશા સફળ રહેલા હતા. સરદારના શબ્દો એ શબ્દો નથી પરંતુ કાર્યો છે તેવી કવિ શ્રી ઉમાશંકર જોષીએ કરેલી વાત યથાર્થ છે. મણીબહેન પટેલ તથા રાજમોહન ગાંધીના આપણે ઋણી છીએ કે તેમણે સરદારના જીવનની મહત્વની ક્ષણો કલમમાં કંડારીને સમાજ સમક્ષ રજૂ કરી છે. ‘‘ મંગલ મંદિર ખોલો, દયામય ! ’’ ના રટણ સાથે પ્રયાણ કરી જનાર આ મહાનાયકની વિદાય વેળાએ હિન્દુસ્તાન હિબકે ચડે તે સ્વાભાવિક હતું.
તેજ-તણખો
બોરસદમાં શ્રી ઝવેરભાઈ પટેલે ટટ્ટાર ચાલે ત્રીસ વર્ષના પુત્ર વલ્લભભાઈના ઘેર પ્રવેશ કર્યો. વલ્લભભાઈને કહે : ‘‘ આપણા મહારાજ સામે વોરંટ નીકળે તથા પોલીસ પકડી જવાની ધમકી આપે ત્યારે તમારી આબરૂ કેવી રીતે રહેશે ? ’’ સ્વામીનારાયણ સંપ્રદાયના સુધારક જૂથના આગેવાન સંત શ્રી યજ્ઞપુરુષદાસજી ના સંદર્ભમાં આ વાત હતી. પંથના કોઈ આંતરિક ઝઘડાના સંદર્ભમાં કોઈ ફરિયાદ થઈ હોય તેમ બને. વલ્લભભાઈએ કાકાને (પિતાને તેઓ કાકા કહેતા) કાયદાનું કામ તથા કાયદાની પ્રક્રિયા સમજાવવા પ્રયાસ કરી જોયો. ઝવેરભાઈએ પ્રસિધ્ધ ફોજદારી વકીલ બનેલા યુવાન પુત્રને કહ્યું : ‘‘ તમારી જોડે વિવાદ કરવા નથી આવ્યો. ગમે તે કરો પણ આ વોરંટ રદ કરાવો. ’’ કાકાની માંગણી યુવાન વકીલ પુત્રે પૂરી કરી. આ પ્રસંગ શ્રી નરહરિભાઈ પરીખે આલેખ્યો છે.
***
Leave a comment