આચાર્ય શંકર (શંકરાચાર્ય), મહાવીર સ્વામી તથા કરૂણાનિધાન બુધ્ધની વિદાય પછી સમગ્ર સમાજને પોતાની ઓજસ્વી વાણી તથા વિચારધારાથી પ્રભાવિત કરનાર બે મહાન સન્યાસીઓના નામ હમેશા સ્મૃતિમાં આવે છે. સ્વામી દયાનંદ તથા સ્વામી વિવેકાનંદ એ બન્ને સન્યાસીઓએ જ્ઞાન તથા પ્રકાશની પ્રાપ્તિ સ્વબળે કરી. જ્ઞાનપ્રાપ્તિના તેમના માર્ગમાં કેટલીક અડચણો – મુશ્કેલીઓ આવી તો પણ આ બન્ને મહામાનવોની નિષ્ઠા તથા અખૂટ ઉત્કંઠાને કારણે તેઓને જ્ઞાનપ્રાપ્તિ પ્રકાશ ઉપલબ્ધ થયો. બન્નેને સદગુરૂ મળ્યા. સ્વામી દયાનંદે તો સદગુરૂની શોધમાં કેટલું ભ્રમણ કર્યું તે આશ્ચર્ય તથા અહોભાવ ઉપજાવે તેવી કથા છે. યુવાન નરેન્દ્રના હિરને તો ગુરૂએ સ્વયં ઓળખી લીધું તથા માતૃભાવે તેનું અમૂલ્ય ઘડતર કર્યું. બન્નેએ જ્ઞાનપ્રાપ્તિ બાદ સમયને ઓળખીને પોતાનું જીવન કર્તવ્ય નિભાવ્યું. તેમેને તો જ્ઞાનને કારણે મુક્તિ મળી હતી પરંતુ સમાજ અનેક પ્રકારની આળસ – અંધશ્રધ્ધા તથા કમજોરીની જંજીરોમાં જકડાયેલો હતો. આથી સમાજની મુક્તિ માટે આ મહાતપસ્વીઓએ તોફાની પાણીમાં સ્વેચ્છાએ જંપલાવ્યું. અંધકારમાંથી પ્રકાશ તરફ સૌ કોઇને દોરે તેજ ખરો સંન્યાસી એ વાત તેમણે પુન: સાબિત કરી.
આપણે સૌ અત્યારે દીપોત્સવની ઉજવણી કરીએ છીએ ત્યારે આ પ્રકાશના પર્વમાંજ દિવાળીના પવિત્ર દિવસે મહર્ષિ દયાનંદના નામથી જગપ્રસિધ્ધ થયેલા પ્રકાશપુંજની વિદાય પીડાની સાથેજ પ્રેરણા આપે છે. દેશી રજવાડાઓની આંતરિક ખટપટો તથા કેટલાક લોકોની ટૂંકી દ્રષ્ટિને કારણે એક પ્રકાશપર્વના ભવ્ય અધ્યાયનો અકાળે અંત આવે તે પીડાદાયક છે. પરંતુ આ પાવક અને ઓજસ્વી વિચારધારાનો ઉજ્વળ પ્રવાહ આજે પણ સમાજના સેંકડો નરનારીઓને પ્રેરણા આપે છે તે આપણું સામુહિક સદભાગ્ય છે. આ ઋષિ કોઇ પંથ કે સંપ્રદાયના વાડામાં બાંધી શકાય તેવા નથી. તેમના વિચાર જે વેદોના વિચારનો પરીપાક છે તે સર્વકાળે પ્રાસંગિક તથા સર્વને લાભાન્વિત કરી શકે તેવા છે.
ધન્ય હે ! તુજકો ઐ રિષિ,
તુને હમેં જગા દીયા,
સો સો કે લૂટ રહેથે હમ,
તુને હમે બચા લીયા.
અંધોકો આંખે મીલ ગઇ,
મુડદોમેં જાન આ ગઇ,
જાદુસા ક્યા ચલા દીયા,
અમૃતસા ક્યા પીલા દીયા…ધન્ય હે !
આપણાં દરેક મહાપુરૂષો કે આપણાં પથદર્શકોએ જે જ્ઞાનની પ્રાપ્તિ કરી છે તે નિરંતર ભ્રમણથી થયેલી આત્મખોજ છે. મહર્ષિ દયાનંદ, સ્વામી સહજાનંદ કે મહાત્મા ગાંધી સહિતના મહાનુભાવોએ દેશની – સમાજની સ્થિતિનું સ્વદર્શન તથા સ્વાનુભૂતિ કર્યા પછીજ તેના ઉપચાર માટે કાર્યાન્વિત થયા છે. આથીજ તેમનું નિદાન નક્કર તથા વાસ્તવિક પુરવાર થયું છે. સ્વામી દયાનંદે એ વાતનું સ્પષ્ટ નિરીક્ષણ કર્યું કે સમાજ જડતાપૂર્વકની પૂજાવિધિ, પલાયનવાદ, બાળલગ્ન કે સતીપ્રથા જેવા કુરિવાજો, સમાજનું વિઘટન કરે તેવી જાતિપ્રથા તેમજ પશુહિંસા જેવા અનિષ્ટોમાં જકડાયેલી છે. આપણી અજોડ તથા અમૂલ્ય વેદધારાથી ફંટાઇને અંધશ્રધ્ધાના માર્ગે જતા સમાજમાં અનેક બદીઓનું તેમને દર્શન થયું. આ સ્થિતિ જોઇને સ્વામી વીરજાનંદના આ પ્રતાપી શિષ્યે ભારે વ્યથા તથા પીડાનો અનુભવ કર્યો. ગુરૂનો આદેશ હતો તેનું સ્મરણ કરીને જ્ઞાનમાર્ગનો શંખધ્વની આ સન્યાસીએ પ્રચંડ શક્તિથી કર્યો. જીવનના બહુ થોડા વર્ષો બાકી હતા. કામની યાદી ઘણી મોટી હતી. આથી અંધશ્રધ્ધાના જે ધામ તેમને જણાયા ત્યાં જઇનેજ તેમણે અતાર્કિક તથા અવૈદિક બાબતોને તથા પ્રથાઓને મૂળમાંથીજ પડકારી. અનેક વાવાઝોડાનો સામનો કરીને સ્વામીજીની સર્વજનહિતાય વાતો વ્યાપક સમાજના ગળે ઉતરી. બ્રિટીશ શાસનમાં દબાયેલા – કચડાયેલા લોકોને પોતાના આત્મસન્માનનું દર્શન સ્વામીજીની વાણીમાં થયું. ડૉ. રાધાકૃષ્ણને લખ્યું છે તેમ સમાજના આમૂલ પરિવર્તનનું કામ સ્વામીજીએ શુધ્ધ આચરણ તથા તર્કબધ્ધ અને પ્રભાવી વાણીથી સફળતાપૂર્વક કર્યું. દેવેન્દ્રનાથ ટાગોર, કેશવચન્દ્ર સેન તથા પંડિત શ્યામજી કૃષ્ણવર્મા જેવા વિચારકો પણ સ્વામીજીની વૈદિક વિચારધારાથી પ્રભાવિત થયા. આ પ્રાચિન તથા સર્વકાળે પ્રાસંગિક તેવી વૈદિક વિચારધારાને ટકાવી રાખવા માટે ૧૮૭૫ માં મુંબઇમાં આર્યસમાજની સ્થાપના મહર્ષિ દયાનંદે કરી.
સ્વામીજીની ઉદ્દાત વિચારધારાના કેટલાક ઉમદા તત્વો જોઇએ તો તેઓ બંધિયારપણાના હમેશા વિરોધી હતા. નવા વિચારોને અપનાવવાની વેદની શીખ છે તેનો ઉલ્લેખ તેઓ હમેશા કરતા હતા. આર્યસમાજની વિચારસરણીના પાયામાં વેદ છે. વેદોમાં ઋષિઓની અમર વાણીનો સંગ્રહ થયેલો છે. સ્વામીજી કહેતા કે કોઇપણ વ્યક્તિ જન્મથી નહિ પરંતુ કર્મથીજ આર્ય બની શકે. વેદનો અભ્યાસ કે યજ્ઞાદિ ક્રિયા કરવાનો હક્ક સમાજની દરેક વ્યક્તિને નાતજાતના ભેદ સિવાય છે તે વાત તેમણે વારંવાર દોહરાવી. રાષ્ટ્રભાષા તથા રાષ્ટ્રીય શિક્ષણનું તેમણે અભિયાન ઉપાડ્યું. આ હેતુ સિધ્ધ કરવા કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ – ગુરૂકુળો તેમણે શરૂ કરાવ્યા. સ્વામીજી જ્યાં ગયા ત્યાં તેમની પરિવર્તન તથા સામાજિક ઉન્નતિની વાતો લોકોએ ધ્યાનથી સાંભળી તથા તેમાં રહેલા સચ્ચાઇના રણકાને પ્રજાએ પારખ્યો તેમજ વધાવ્યો. સ્વામી દયાનંદની વાણીએ પરાધિન રાષ્ટ્રમાં એક નૂતન ચેતનાના પ્રાણ પૂર્યા. સરદાર વલ્લભભાઇ પટેલે કહ્યું છે તેમ જીવનના સર્વાંગી વિકાસ માટેની એકપણ બાબત એવી નથી કે જેમાં આ પ્રતિભાશાળી સન્યાસીનું યોગદાન ન હોય. દીપોત્સવના આ પવિત્ર પર્વના સમયે ગુજરાતની ભૂમિમાં પ્રગટ થયેલા અને જગતમાં પ્રકાશિત થયેલા આ દીપનું સ્મરણ શ્રધ્ધાપૂર્વક કરવા યોગ્ય છે. તેમની વાણીને આત્મસાત કરી આત્મવિશ્વાસથી એ માર્ગે ચાલવાનો પ્રયાસ વ્યક્તિગત તેમજ સામુહિક રીતે કરવામાં આવે તો દેશ ઉન્નતિના નવા સોપાન સર કરી શકે તેમ છે. દીપોત્સવમાં આ સંકલ્પની જ્યોત પ્રગટાવીને મહર્ષિને વંદન કરીએ.
: સ્વામી વિવેકાનંદ અને ગુજરાત :
સ્વામી વિવેકાનંદનો પણ ગુજરાત સાથે મહત્વનો નાતો રહેલો છે. પોરબંદરમાં તેમનું રોકાણ તથા કચ્છ, લીંબડી તથા અન્ય વિસ્તારોની મુલાકાતના સંભારણા સ્થાયિ છે. પોરબંદરમાં સ્વામી વિવેકાનંદના સ્મૃતિમંદિરની દેખરેખ કરતા વિદ્વાન સ્વામી શ્રી આત્મદિપાનંદજીને મળવાનું હમણાંજ થયું. તેમણે એક મહત્વની વાત કરી. સ્વામીજીની ૧૫૦મી જન્મજયંતિ નીમીત્તે સ્વામીજીના વિચારોને કેન્દ્રમાં રાખીને રામકૃષ્ણ મીશનના કેટલાક સન્યાસીઓએ મૂલ્યનિષ્ઠ શિક્ષણ માટે પ્રાથમિક તથા માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પૂરક વાંચન તરીકે સરળ ભાષામાં પુસ્તકો તૈયાર કર્યા. તેમણે કહ્યું કે આ ખાસ પુસ્તકો વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને એટલા પસંદ પડ્યા કે હજુ આજે પણ એ પુસ્તકોની માગણી વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો તરફથી સતત આવતી રહે છે. આ બાબતજ એ હકીકતની પ્રતિતિ કરાવે છે કે મહર્ષિ દયાનંદ તેમજ સ્વામી વિવેકાનંદના વિચારો જો નવી પેઢી સમક્ષ આયોજનપૂર્વક પહોંચતા કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવે તો તેની લોકભોગ્યતા આજે પણ મોટા પ્રમાણમાં છે. બન્ને ઋષિઓના વિચારોની પ્રાસંગિકતા સર્વકાલિન છે. આજે પણ આ વિચારો પ્રેરણાદાયક બને તેવા છે. જરૂર છે માત્ર આપણા આ દિશાના સુઆયોજિત પ્રયાસોની.
***
Leave a comment