શોષિતો તથા પિડિતોની વેદનાને સમજીને તથા તેની પ્રત્યક્ષ અનુભૂતિ કરીને ગાંધીજીએ માર્ચ ૧૯૩૦ માં દાંકીકૂચનો પ્રારંભ કરતા પહેલા એક ઐતિહાસિક પત્ર બ્રીટીશ હિન્દના શાસક લોર્ડ ઇરવીનને લખ્યો. એક તરફ ભીષણ ગરીબી તથા બીજી તરફ અનિયંત્રિત અમીરી તરફ આંગળી ચિંધીને મહાત્માએ જણાવ્યું કે શાસનમાં સંવેદનશીલતાનો અભાવ છે. તેથી મીઠા જેવી જીવનજરૂરી વસ્તુ પર ગેરવાજબી હદે ઊંચો કર વસૂલવામાં આવે છે. સરેરાશ ભારતીયની દૈનિક બે આનાની આવક સામે વાઇસરોય બ્રિટીશ હિન્દની તિજોરીમાંથી દૈનિક રૂ.૭૦૦ ની આવક મેળવે છે. આ રીતે આ શાસન ખર્ચાળ તથા શોષણયુક્ત હોવાથી તેનો અંત લાવવાનો નિર્ધાર ગાંધીજી કરે છે. સમાજમાં Haves અને Haves not ની આ અકળાવનારી અસમાનતા સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકે નહિ. મહાત્મા ગાંધીએ કહ્યું હતું તેના આઠ દાયકા પછી પણ આવકની આ અન્યાયી અસમાનતાનો મુદ્દો તો આજે પણ ઊભો છે. સમાજ – શાસન માટે આ સતત પડકારનો વિષય રહેલો છે. આ પ્રશ્ન હળવો કરવા ઘણું થયું હોય તો પણ ઘણું કરવાનું બાકી છે તેવી લાગણી હમેશા સકારણ જોવા મળે છે. ઉત્સવોમાં એક તરફ દેખાદેખીને કારણે થતાં અનિયંત્રિત ખર્ચ તથા બીજી તરફ તહેવાર કે ઉત્સવને ઉજવવા માટેની આર્થિક સમસ્યા સાથે જીવતો સમાજ એ વાસ્તવિકતા છે. આ બાબતની વ્યથા કવિઓ – વિચારકોએ હમેશા સમાજ સમક્ષ રજૂ કરી છે. આવીજ એક પ્રસ્તુતિ ‘‘આંધળીમાના કાગળ’’ થી પ્રસિધ્ધ થયેલા કવિ શ્રી ઇન્દુલાલ ગાંધીની છે. તહેવાર તો સૌની સાથે ઉજવવો છે. હૈયામાં હોંશ પણ છે પરંતુ તે માટે એક શ્રમજીવી કિશોરીની સાધન – સગવડના અભાવની અભિવ્યક્તિ કવિશ્રીએ અસરકારક તથા યાદગાર રીતે કરી છે.
દિવાળીના દિન આવતા જાણી
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી
માથે હતું કાળી રાતનું ધાબું
માગી તાગી કર્યો એકઠો સાબુ
કોડી વિનાની હું કેટલે આંબુ
રુદિયામાં એમ રડતી છાની….ભાદરમાં….
ઘાઘરો પહેરેને ઓઢણું ધૂવે,
ઓઢણું પહેરેને ઘાઘરો ધૂવે
બીતી બીતી ચારે કોર્યમાં જૂએ
એના ઉઘાડા અંગમાંથી
એનો આતમો ચૂવે.
લાખ ટકાની આબરુંને
એણે સોડમાં તાણી….ભાદરમાં….
ઊભા ઊભા કરે ઝાડવા વાતું
ચીભડા વેચીને પેટડા ભરતી
ક્યાંથી મળે એને ચીથરું ચોથું
વસ્તર વિનાની અસ્તરી જાતને હાટું
આ પડી જતી નથી કેમ મોલાતું !
શિયાળવાની વછૂટતી વાણી….ભાદરમાં….
તહેવાર તો આવે છે. તેનો ઉલ્લાસ પણ સમાજમાં જનજનના મનમાં ધબકે છે. પરંતુ કેટલાક લોકો સમાજમાં એવા પણ છે કે તેમનું ગજુ તહેવારોના આકરા ખર્ચને વેઠી શકે તેમ નથી. તહેવારોનો માણવાનો માનવ સહજ ઉમંગ તો દરેકને હોય તે સ્વાભાવિક છે. તહેવારોનો હર્ષ પ્રગટ કરવાનું એક માધ્યમ પહેરવાના કપડા છે. કવિ કહે છે કે આ શ્રમજીવી દિકરીને નવા કપડા પહેરવા માટે ન હોય તો જે કપડા છે તેનેજ ધોઇને ફરી પહેરવાના છે. આ રીતે મનને મનાવવાનો પ્રયાસ છે. આવી સ્થિતિમાં સાધન વંચિત દીકરી જીવે છે અને ઝઝૂમે છે. પ્રકૃતિ પણ આ ઘટનાની શાક્ષી બનીને ઊભી છે. સ્થિતિની કરૂણતાનો ચિતાર કવિના શબ્દોથી જીવંત થઇને સામે આવે છે. સર રિચાર્ડ એટનબરોની ‘‘ગાંધી’’ ફિલ્મનું આવુંજ એક વાસ્તવિક દ્રશ્ય નિરખ્યા પછી કદી વિસ્મૃત થાય તેવું નથી. દેશના ભાઇભાંડુઓની દારૂણ ગરીબી નજરોનજર જોઇને ગાંધીના શરીર પરથી એક વસ્ત્ર ઓછું થયું. સંવેદશીલતાની અનુભૂતિની આ ચરમસીમા છે. રાજકીય જીવનમાં પણ સંતપણાના લક્ષણો પ્રગટ કરનાર ગાંધીએ જે વાતનો ઉલ્લેખ ૧૯૩૦ માં વાઇસરોયને ઉદ્દેશીને લખવામાં આવેલા પત્રમાં કર્યો હતો તેજ વિચારનો પડઘો કવિ શ્રી ઇન્દુભાઇ ગાંધીના આ લોકપ્રિય કાવ્યમાં ઝીલાયો છે. સમાજના કેટલાક શ્રેષ્ઠિઓએ આવકની – સાધનોની તિવ્ર અસમાનતાને ધ્યાનમાં લઇનેજ સામુહિક કલ્યાણના કાર્યોમાં ધનનો સદ્ઉપયોગ કરવાનો નિરધાર કરેલો છે. એ વોરન બફેટ હોય કે અઝીઝ પ્રેમજી હોય પરંતુ સરવાળે તેઓ ગાંધી પ્રેરીત ટ્રસ્ટીશીપના ભાવનાને ધ્યાનમાં રાખીનેજ વંચિતોના કલ્યાણ માટે પ્રવૃત્તિ કરે છે. આ પ્રકારની વ્યક્તિગત બાબતનો વ્યાપ વિસ્તૃત થાય તોજ આ ગરીબીના દાવાનળને નાથી શકાય. દીવાળીની ખરી રોનક લાવવા માટે સીડીના છેલ્લા પગથિયે રહેલા માનવીની સ્થિતિનો વિચાર કરવા તરફ આ રચના સફળતાપૂર્વક દોરી શકે તેવી જીવંત તથા વાસ્તવિક છે. આપણાં સર્જકો માટે આ વિષય હમેશા મહત્વનો રહેલો છે. કવિ શ્રી ચન્દ્રકાન્ત શેઠના શબ્દો પણ આ વાતનોજ પ્રતિધ્વનિ સુંદર શબ્દોમાં રજૂ કરે છે.
આવ ! કવિતા આવ !
ગરીબ ગુરબા કાજે, રોટી-મકાન-કપડા લાવ !
ક્યાં સુધી તું ઝગમગ ઝળહળ
વ્યોમે વિહાર કરશે
ઠર્યા કોડિએ ક્યારે ઉતરી
તમસ છવાયું હરશે
રંગમંચ છોડી રાંધણીયે રોનક ખરી બતાવ….
આવ ! કવિતા આવ !
સેન્સેક્સની ચઢ-ઉતર સાથે જેને ભાગ્યેજ કશી નિસબત છે તેવા મોટા સમૂદાયના કલ્યાણ માટેની લાગણી દીપોત્સવની ગરિમા વધારી શકે. કર્તવ્ય ભલે સામુદાયિક હોય પરંતુ શરૂઆત તો વ્યક્તિગત રીતેજ કરવી પડશે. કવિ શ્રી ઉમાશંકર જોશીએ જેનો નિર્દેશ કર્યો છે તે ‘‘ભૂખ્યા જનોનો જઠરાગ્નિ’’ જાગે તેની રાહ જોવી એ આત્મઘાતી ઉદાસીનતા છે. સહાનુભૂતિ તથા સંવેદનશીલતા અનુભવીને આ દિશામાં એકાદ નાના કદમરૂપી શુભસ્ય શિઘ્રમ્ સાથે દિપોત્સવને વધાવીએ.
***
Leave a comment