બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ

           દુર્ગાપુજા તથા સર્વ સ્થળે જેનો વ્યાપ છે તેવા જગત જગનીની પુજાના પવિત્ર દિવસોની ઉજવણી હમણાં જ કરવામાં આવી. માનું સ્વરૂપ બાળકો માટે નિત્ય પ્રેરણારૂપ રહેલું છે. મા તરફથી કરુણા તથા વાતસલ્ય સાથે જ વીરતાની પ્રસાદી પણ સમાજને મળી છે. નિર્ભયતાનો મંત્ર મળ્યો છે. છત્રપતી શિવાજીના ઘડતરમાં જીજાબાઇનો ફાળો તે આ વાતની જ પ્રતિતિ કરાવે છે. બાળક મોહનને રામનામના રટણમાં જ નિર્ભયતા રહેલી છે તેવી વાત માતા સમાન કુટુંબની જૈફ મહિલાએ જ પોરબંદરમાં શીખવી હતી. માતૃશક્તિના આવા તેજ તીખારાનું દર્શન શ્રીમતી ભીખાઇજી કામા – મેડમ કામા ના જીવનમાં પણ જોવા મળે છે. દેશની પ્રિયધરતીથી સ્વેચ્છાએ તથા ઉમદા હેતુ માટે દૂર-સુદૂર રહેનાર ક્રાંતિકારીઓની ઉજળી નામાવલીમાં મેડમ કામાનું એક ઝળહળતુ સ્થાન છે. મેડમ કામા એ કચ્છના સુપુત્ર તથા વિખ્યાત ક્રાંતિકારી પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના સાથીદાર રહેલા છે. ઝાલાવાડ (સુરેન્દ્રનગર જીલ્લો) ના પનોતા પુત્ર સરદારસિંહ રાણા પણ શ્યામજી તથા મેડમ કામાના હોનહાર સાથી છે. આપણા આ ચિરસ્મરણિય ક્રાંતિવીરોની ગાથા તો અહોભાવ ઉપજાવે તેવી છે જ. પરંતુ તેમની સ્વતંત્ર વિચારશક્તિ પણ કેવી તેજસ્વી હશે તેની પ્રતિતિ તેમના લખાણો – તેમના ઉદ્દગારો પરથી થાય છે. શ્રીમતી કામા ૧૯૩૫ સુધીમાં ફ્રાંસમાં અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ ટકી રહયા. ૧૯૩૫ ના અંતમાં પોતાની જીવન સંધ્યાના સોહામણા સમયે મુંબઇમાં આ બાનુ ઉતર્યા ત્યારે માતૃભૂમિના દર્શનનો આનંદ સ્વાભાવિક રીતે તેમના મનમાં હતો. સાથેસાથે જ પરાધિન રાષ્ટ્રની સ્થિતિનો ભારોભાર ઉકળાટ પણ હતો. માતૃભૂમિના ખોળે જ મેડમ કામા ૧૯૩૬ માં ચિરનિદ્રામાં પોઢયા પરંતુ જીવનની સંધ્યાએ નીચેના શબ્દોથી દેશની પરાધિનતા અંગેનો આક્રોશ વ્યક્ત કરતા ગયા. માતૃભૂમિની મુક્તિ માટેની ઝંખના તેમના શબ્દોમાંથી ટપકતી અનુભવી શકાય.

“He who loses his liberty, loses his virtue Resistance to tyranny is obedience to God”

દમનનો પ્રતિકાર એ જ ઇશ્વરની આરાધના સમાન છે તેવું માનનારા આ વીરોની વિચાર શક્તિ ઉન્નત તથા ઉજવળ હતી. તેથી જ પરાધિનતા અને દમનના બેવડા બોઝ નીચે જીવતા સમાજને જાગૃત કરવાનું કામ આ વીરો સ્વેચ્છાએ કરતા ગયા. ફાંસીના માંચડે લટકી જવાની ક્ષણે પણ વિચાર કે વર્તનમાં કદી પણ લેશમાત્ર દૂર્બળતા તેમના જીવનમાં જોવા મળી નથી. તેમની મુક્તિ માટેની આવી પ્રબળ ઝંખના સકારણ હતી. આ લાગણીમાંથી જ મુડદાંને મસાણમાંથી પણ જગાડવાની પ્રચંડ શક્તિ તથા જનઆંદોલનો ધોધ વહેતો થયો હશે. મેઘાણીભાઇના યાદગારશબ્દોમાં તેનો પડઘો પડેલો છે.

તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતા ભરી !

મુરદાં મસાણેથી જાગતાં – એવી શબ્દમાં શી સુધા ભરી !

તારો હાથ હોય લલાટ, તો ભલે આવે જુલ્મ તણી ઝડી !

તારૂં નામ હોય જબાન, તો શી છે ભીતિ ઓ મારી માવડી !

તારા નામમાં ઓ સ્વતંત્રતા …..

       દેશના પશ્રિમ કિનારેથી એક સાગરબાળનું ખમીર પણ આ કસોટીની વેળાએ આ સંઘર્ષમાં જોડાઇને જગત સામે આવીને પ્રગટ થયું. ઐતિહાસિક ભૂમિ કચ્છના સુવિખ્યાત માંડવી નગરના પંડિત શ્યામજી કૃષ્ણ વર્માનું જીવન દેશની આઝાદીના ઇતિહાસનું એક ઉજળું તથા પ્રાણવાન પ્રકરણ છે. ૧૮૫૭ નું વર્ષ દેશ માટે અનેક પ્રકારે ઘટનાપૂર્ણ રહેલું હતું. પંડિતજીનો જન્મ પણ ૧૮૫૭ મા ચોથી ઓકટોબરે માંડવી (કચ્છ) માં એક આર્થિક રીતે સામાન્ય પરિવારમાં થયો. દેશના એક ખૂણામાં જન્મ લેનાર આ વિભૂતિ તેમના કાર્યો તથા યોગદાનથી વિશ્વ પ્રસિધ્ધિને વર્યા તે એક તેજસ્વી તવારીખ છે. આ માસમાં દીપપર્વનો વિશેષ મહિમા છે ત્યારે આપણાં આ ઘરદીવડાની સ્મૃતિને પણ સંકોરવાનો ઉચિત સમય છે. માંડવી તથા ભૂજમાં પ્રાથમિક અભ્યાસ કર્યા પછી મુંબઇ સ્થિત એક કચ્છના શ્રેષ્ઠી શ્રી મથુરદાસ લવજીની આર્થિક સહાયથી મુંબઇની જાણીતી વિલ્સન હાઇસ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. કચ્છના શ્રેઠીઓની આ પરગજુ વૃત્તિ એ કચ્છની સાચી તથા સ્થિર ઓળખ છે. અહીંની સંસ્કૃતિનો જ એક ભાગ હોય તેમ આવી નિ:સ્વાર્થ સહાય કરવાની વૃત્તિનું સંવર્ધન આ ઘરતીના સંસ્કારોમાંથી કદાચ થવા પામ્યું હશે. કિશોર શ્યામજીને આ ટેકો મળ્યા પછી તેના આભ ઉડ્ડયને કદી પાછું વાળીને જોયું નથી. પંડિતજીનું સમગ્ર જીવન યજ્ઞવેદીની પાવક જવાળા જેવું જવલંત તથા ઉજળું છે. પોતે સંસ્કૃતના પણ પંડિત થયા. મહર્ષિ દયાનંદ સરસ્વતી જેવા યુગપુરુષે શ્યામજીની અસીમ શક્તિઓનું દર્શન કરીને તેમને ભગવા પહેરાવવાને બદલે માતૃભૂમિની મુક્તિ તથા કલ્યાણ માટે જીવવાની ગુરુશિખ આપી. આ સંન્યાસી પણ કેવા ક્રાંતદ્રષ્ટા હશે! શ્યામજીનું સમગ્રજીવન એક ઉજવળ પ્રકાશપુંજ જેવું છે. વહાલા વતનથી દૂર રહીને વીરતાપૂર્ણ જીવન જીવ્યા અને જીવનના છેલ્લા શ્વાસ પણ દેશથી દૂર જીનિવામાં લીધા. જીવ્યા ત્યાં સુધી  વિશ્વના તમામ સ્વાતંત્રય સેનાનીઓ તથા વિચારકો સાથે સક્રિય સંપર્કમાં રહ્યાં. પંડિતજી જેવા ભિન્ન પ્રકૃતિના લોકોની આંખમાં આઝાદ તથા આબાદ દેશનું સ્વપ્ન હતું અને હૈયામાં તે સ્વપ્નને ગમે તે ભોગે સિધ્ધ કરી છૂટવાની હામ હતી. સમયરૂપી સમુદ્રના ભીષણ સ્વરૂપ સામે તેમણે સામી છાતીએ જંપલાવ્યું હતું. તોફાનનું રૌદ્ર સ્વરૂપ જોવા છતાં તેની સામે ઝઝુમવાની તેમની નેમ હતી. ‘‘ તીરે ઉભા જૂએ તમાશો ’’ માં માનનારા આ વીરપુરુષો નહતા.

       ‘‘ કહો નાખુદા સે વો લંગર ઉઠાલે,
              હમ તુફાન કી ઝીદ દેખના ચાહતે હૈ ’’

તેજ-તણખો

       પત્રકારત્વ દ્રારા જનજાગૃતિ લાવવાનું વિચારપૂર્વકનું કાર્ય ગાંધીજીએ સફળતાપૂર્વક કર્યું.  પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ પરાધિન દેશના પ્રશ્નોની તાર્કીક રજૂઆત વિદેશની ધરતી પરથી વર્તમાનપત્ર પ્રસિધ્ધ કરીને કર્યુ તે ઐતિહાસિક તેમજ અવિસ્મરણિય ઘટના છે. આ પત્ર જેનું નામ The Indian Sociologist  હતું તે માસિક પત્ર હતું. તેની કિંમત એક પેની નકકી કરવામાં આવેલી. લંડનની ધરતી કે જયાંથી હિન્દુસ્તાન પર શાસન ચાલતું હતુ તે જ ધરતી પરથી રાષ્ટ્ર હિત માટે આવું જાહેર કાર્ય કરવાની દ્રષ્ટિ તથા શક્તિ કેવા તેજસ્વી હશે તે સમજી શકાય તેવી બાબત છે. દેશના મુક્તિ સંગ્રામની જેમ અવિરત સંઘર્ષની કથા છે તેવી જ સંઘર્ષરત કથા પંડિતજીના ના પત્રની છે. અનેક તકલીફો, દબાણો તથા પ્રશ્નો વચ્ચે પણ લગભગ એક દાયકા સુધી આ પત્ર દ્રારા શ્યામજીએ દેશ બાંધવોની સેવા કરી. વિદેશોમાં વસતા અનેક તટસ્થ સ્વાતંત્રય પ્રેમીઓ સુધી પરાધિન દેશનો ચિતાર રજૂ કરીને એક પ્રકારે વૈશ્વિક લોકમત ઊભો કરવાનો સુઆયોજિત પ્રયાસ કર્યો. મેડમ કામા તથા છગન ખેરાજ વર્માએ પણ અનુક્રમે ‘‘તલવાર’’ તથા ‘‘ગદ્દર’’ નામના પત્રોથી શ્યામજીના આ દિશાના પ્રયાસોમાં પૂર્તિ કરી. પંડિતજીએ લંડનમાં ‘‘ઇન્ડિયા હાઉસ’’ ની સ્થાપના કરીને એ જ ઐતિહાસિક બિલ્ડીંગમાંથી તમામ પ્રવૃત્તિઓને વેગ આપ્યો. શ્યામજીનું તેજ તથા તેમના વિચારોની સ્પષ્ટતા તેમણે લંડનમાં એક ચર્ચાપત્રમાં લખેલા શબ્દો થકી પ્રગટ થાય છે.

       ‘‘ અમે ઇન્ડિયન સોસિયોલોજીસ્ટમાં સશસ્ત્ર બળવાનો પ્રચાર કર્યાની જાણ નથી .. પરંતુ અમે શસ્ત્ર સામર્થ્ય થકી ક્રાંતિનો નિષેધ કરનારા વિચારોની તરફેણમાં પણ નથી. આક્રમણનો પ્રતિકાર કરવો એ ક્ષમ્ય છે એટલું જ નહિ, જરૂરી પણ છે ’’

              આવા વિચારશીલ મહામાનવ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની વિશેષ સ્મૃતિ આ માસમાં થવી સ્વાભાવિક છે. માંડવીના શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરીયલમાં અનેક લોકો આજે પણ શ્રધ્ધાથી તેમની સ્મૃતિને વંદન કરવા સતત આવતા રહે છે.

***

Leave a comment

Blog at WordPress.com.

Up ↑